૯. અલૌકિક મુક્તમંડળ

0:000:00

મુક્તરાજ પૃથ્વી પર પધાર્યા ત્યારે પૃથ્વી પર સ્થિતિવાળા ઘણા હરિભક્તો અને સંતો હતા. જેઓ અવસ્થામાં મુક્તરાજ કરતાં મોટા હોવા છતાં મુક્તરાજની દિવ્ય સ્થિતિ જોઈ ઘણો મહિમા જાણતા. હરિભક્તોમાં અ. મુ. સોમચંદબાપા, અ. મુ. મનસુખબાપા, અ. મુ. ચતુરબાપા, અ. મુ. આશાબાપા અને પૂ. દીવાળીબા વગેરે મુક્તમંડળ હતું. જેઓ મુક્તરાજને ઓળખતા ને તેમનો ઘણો મહિમા જાણતા. ઘણી વખત તો કોઈ કાર્ય કરવું હોય ત્યારે મુક્તરાજની સલાહ લઈ, મહારાજની શી મરજી છે તે તેમની પાસેથી જાણીને પછી કાર્ય કરતા. બીજા જીવોને મુક્તરાજની ઓળખાણ કરાવતા અને તેમને મુક્તરાજનો મહિમા કહી મુક્તરાજ સાથે હેત રાખવા જણાવતા. અ. મુ. સોમચંદબાપા અને પૂ. દીવાળીબા તો લાંબો સમય મુક્તરાજના સંપર્કમાં હતા.

સંતમંડળમાં મોટા-મોટા સદગુરુઓ પણ મુક્તરાજનો મહિમા જાણતા. અ. મુ. સદગુરુ મુનિસ્વામી, અ. મુ. શ્વેતવૈકુંઠદાસજી સ્વામી, અ. મુ. ભગવત્સ્વરૂપદાસજી સ્વામી, અ. મુ. દેવજીવનદાસજી સ્વામી, અ. મુ. વૃંદાવનદાસજી સ્વામી, અ. મુ. ધર્મકિશોરદાસજી સ્વામી, અ. મુ. ભક્તિજીવનદાસજી સ્વામી વગેરે ઘણા સંતો આ મુક્તરાજનો મહિમા જાણતા અને તેમનાં દર્શન કરવા આવનારને મુક્તરાજનો જોગ-સમાગમ કરી રાજીપો તથા આત્યંતિક મોક્ષના આશીર્વાદ લેવા ભલામણ કરતા. વિશેષે કરીને સ. ગુ. દેવજીવનદાસજી સ્વામીએ તો અનેકને મુક્તરાજનો મહિમા કરાવી તેમની પાસે મોકલી અવરભાવ તથા પરભાવ બંને રીતે સુખિયા કરાવ્યાં હતાં.

અ. મુ. સદગુરુ મુનિસ્વામીએ 1974માં છેલ્લો મંદવાડ ગ્રહણ કર્યો ત્યારે તેમણે હરિભક્તોને ભલામણ કરી હતી, હવે તમે અ. મુ. પૂ. નારાયણભાઈનો જોગ સમાગમ-સેવા કરજો. તેઓ અતિ સમર્થ છે. દેખાય છે સાદા, પરંતુ મહારાજના અનાદિમુક્ત છે. તેઓ આખા સત્સંગને સાચવશે અને સાચે જ મુક્તરાજે એક આદર્શ 'મા'ની જેમ સારાયે સત્સંગને સાચવી લીધો, જે સર્વને સુવિદિત છે.

અ. મુ. ભક્તિજીવનદાસજી સ્વામીએ મુક્તરાજને વઢવાણમાં કંઠી બાંધી હતી. ઘણા વખત પછી મુક્તરાજ જ્યારે ફરી વઢવાણ પધાર્યા ત્યારે સ્વામીએ મુક્તરાજને ઓળખ્યા અને ઘણા રાજી થયા. મુક્તરાજે અબજીબાપાશ્રીના મતમાં ભળી ગયા છે તેવું સ્વામીએ સાંભળ્યું હતું. આથી સ્વામી મુક્તરાજને પાસે બેસાડી કહેવા લાગ્યા, "એ બધું ખોટું છે, તમે ક્યાં એમાં ફસાયા?" મુક્તરાજે સ્વામીને કહ્યું, "મહારાજે ક્યારેય તમને દર્શન આપ્યાં છે? વાતો કરી છે? અને મારી સાથે તો પ્રભુ અખંડ રહે છે, મારી સાથે વાતો કરતા અને હેત જણાવતા તેના તમે સાક્ષી છો. તો એ પ્રભુજી મને ગમે ત્યાં કેવી રીતે ફસાવા દે?" આમ કહી મુક્તરાજે મહારાજ અને બાપાશ્રીનો જેમ છે તેમ મહિમા સ્વામીને સમજાવ્યો. સ્વામી ઘણા જ રાજી થયા અને બોલ્યા, "આમ તો હું તમારો દીક્ષાગુરુ, પરંતુ આજે તમે મારા ખરા ગુરુ તરીકે આવ્યા ને મારું અજ્ઞાન ટાળી મને ન્યાલ કર્યો." આમ તેઓ પણ મુક્તરાજનો અત્યંત મહિમા જાણવા લાગ્યા.

આવા હરિભક્તો અને સંતમુક્તોનું અલૌકિક મંડળ મુક્તરાજનો મહિમા જાણી હેત રાખતું અને મુક્તરાજ પણ આ સંતમંડળની અવારનવાર સેવા કરી તેમનો રાજીપો મેળવતા. સંતપુરુષો વિશે કેવી રીતે દિવ્યભાવ રાખવો, કેવી રીતે તેમનો આદર કરવો, તેમનો જોગ-સમાગમ કરવામાં કેવો વિવેક જાળવવો, તન-મન-ધનથી સેવા-શુશ્રૂષા કેવી રીતે સંકલ્પ રહિત થઈને કરવી વગેરે પોતાનાં દૃષ્ટાંત દ્વારા મુમુક્ષુઓને શીખવતા.