૨. કુટુંબ પરિચય
આ મુક્તરાજના માતા-પિતા એટલે કે ગીગાભાઈ ભાણજીભાઈ ઠક્કર અને શાકુબેન બંને સ્વભાવે ખૂબ જ સરળ અને ધાર્મિકવૃત્તિનાં હતાં. ભગવાન શ્રી સ્વામિનારાયણમાં અનન્ય નિષ્ઠા ધરાવતાં ગીગાભાઈ ને શાકુબેનને પ. પૂ. બાપાશ્રી પ્રત્યે પણ અતૂટ હેત ને શ્રદ્ધા હતાં. સાદગીમય અને પ્રભુપરાયણ જીવન જીવતું આ દંપતી પોઠ્યનો વ્યવસાય એટલે કે રસ્તો બનાવનાર મજૂરનું કામ કરતું. જ્યાં જ્યાં રસ્તો બનાવવાનો હોય ત્યાં ત્યાં તેમને કામે જવું પડતું. આથી તેમનું કોઈ સ્થાયી ઘર કે ઠેકાણું નહોતું. રસ્તા બનાવવાનું કામ કરતાં હોય પણ અંતઃકરણમાં તો સતત શ્રીજીમહારાજનું સ્મરણ જ ચાલુ હોય. મહા મહેનતે રળેલી થોડી ઘણી આવકમાંથી પણ સૌ પ્રથમ ભગવાનને વીસમો ભાગ અર્પણ કરતાં. આર્થિક મુશ્કેલીઓ ને વ્યવસાયિક હાડમારીઓ વચ્ચે પણ ભગવાનની દરેક આજ્ઞાનું અણિશુદ્ધ પાલન કરતાં અને હસતે મોઢે સંતોષપૂર્ણ જીવન જીવતાં.
એક દિવસ માણસ પારખવામાં કુશળ ઝવેરી એવા શેઠ શ્રી શિવલાલભાઈ પારેખને આ દંપતીનો મેળાપ થયો. પ્રામાણિકતા ને નિષ્ઠાથી કામ કરતી આ બેલડી પર શેઠની આંખ ઠરી. પોતાની સાથે ધ્રાંગધ્રાં લાવી શેઠ શ્રી શિવલાલભાઈએ ગીગાભાઈ અને શાકુબેનને રહેવાની વ્યવસ્થા કરી આપી તથા કામ અપાવ્યું. ચીવટ ને ખંતથી કામ કરવાની ટેવે ગીગાભાઈને બાંધકામના સ્વતંત્ર કોન્ટ્રાક્ટર બનાવી દીધા. ધ્રાંગધ્રાના શ્રી સ્વામિનારાયણ મંદિરના આગલા ભાગનું બાંધકામ ગીગાભાઈએ કરેલું.
ગીગાભાઈ ને શાકુબેનને ત્રણ પુત્રો ને બે પુત્રીઓ હતાં. સૌથી મોટા પુત્ર હરજીવનભાઈ નાની ઉંમરમાં જ પિતાજી જોડે કામમાં જોડાઈ ગયા હતા તેથી અભ્યાસ કરી શક્યા નહોતા. તેઓ સ્વભાવે ખૂબ જ ભોળા ને સરળ હતા. બીજાં પુત્રી ગોદાવરીબેન ભગવાનના અનન્ય ભક્ત હતાં. ભગવાન શ્રી સ્વામિનારાયણને વિષે પ્રેમલક્ષણા ભક્તિએ યુક્ત ગોદાવરીબેન નિર્મળ, પવિત્ર જીવન જીવતાં હતાં. એક વાર ગોદાવરીબેન શ્રીહરિજીનાં પ્રસાદીભૂત સ્થળોએ પંચતીર્થી કરવા નીકળ્યાં હતાં. ફરતાં ફરતાં તેઓ શ્રીજીમહારાજની રાસરમણ ભૂમિ એવા પંચાળા ગામે આવ્યાં. ત્યાં તેમને સમાધિ થઈ ને શ્રીજીમહારાજની અદભુત રાસલીલાનાં દર્શન થયાં. સમાધિમાં જ શ્રીજીમહારાજે તેમને કહ્યું જે, "તમે ઉતાવળે ઘેર જાઓ, અમારે તમને ધામમાં તેડી જવા છે." સમાધિમાંથી જાગ્રત થતાં જ તેઓ ઘેર પાછાં આવ્યાં અને ચોવીસ કલાકમાં જ દેહત્યાગ કરી શ્રીહરિજીના સુખમાં લીન થઈ ગયાં. ત્રીજા પુત્ર અમૃતલાલભાઈ જેઓ ભણી-ગણીને ડૉક્ટર થયેલા તેઓ બુદ્ધિશાળી અને વિદ્વાન હતા. દરેક બાબતને વૈજ્ઞાનિક પરિપ્રેક્ષ્યમાં ચકાસીને જ સ્વીકારે. ગણ્યા-ગાંઠ્યા જ ભણેલા માણસો મળે એવા જમાનામાં પણ ડૉક્ટર હોવા છતાં ખૂબ જ નિર્માની, ભગવદીય ને સેવાપરાયણ. ગરીબ દર્દીઓનો ઇલાજ તો મફત જ કરતા. ધ્રાંગધ્રા ગામની જૂની પેઢી આજે પણ તેમને 'ઠક્કર ડૉક્ટર'ના હુલામણા નામથી યાદ કરે છે. ચોથા પુત્રી માણેકબેન પણ ખૂબ જ ધાર્મિક અને પવિત્ર હતાં. શ્રીજીમહારાજની આજ્ઞાપાલનના તેઓ કડક આગ્રહી હતાં. પોતાના પતિ ધનજીભાઈ પાછળ તેમણે પારાયણ કરાવવાનો સંકલ્પ કરેલો. ત્યાર પછી અચાનક તેમને મંદવાડ વધી જતાં અંતસમો નજીક લાગ્યો. શ્રીજીમહારાજ તેડવા આવ્યા છે તેવું પણ જણાયું, એટલે તેમણે મુક્તરાજને પ્રાર્થના કરી કે તમે મારા વતી શ્રીજીમહારાજને પ્રાર્થના કરો કે મારો પારાયણનો સંકલ્પ પૂર્ણ થાય પછી સુખેથી ધામમાં તેડી જાય. મુક્તરાજ તો અતિ દયાળુ! તેમણે શ્રીજીમહારાજને પ્રાર્થના કરીને માણેકબેનનો મનોરથ પૂર્ણ કરાવ્યો. થોડા સમય પછી ધનજીભાઈના મોક્ષાર્થે તીર્થધામ શ્રી અબજીબાપાશ્રીની છત્રીએ પારાયણ કરાવ્યા બાદ માણેકબેને દેહત્યાગ કર્યો હતો. પાંચમા પુત્ર આપણા મુક્તરાજ શ્રી નારાયણભાઈ. પૂજ્ય શ્રી નારાયણભાઈમાં માતા-પિતાની સરળતા, પવિત્રતા, ધાર્મિકતા, પ્રામાણિકતા, સાદગી; હરજીવનભાઈનું ભોળપણ; અમૃતલાલભાઈની સેવા પરાયણતા અને વિદ્વતા; ગોદાવરીબેનની ભક્તિભાવના ને નિર્મળતા અને માણેકબાની ધર્મપરાયણતાનો સુંદર સુમેળ સધાયો હતો.