વચનામૃત

૧૬. સંસારને વિશે મોટા માણસને ચમત્કાર ન જણાવાનું પ્રયોજન - ભગવાનના ભજનમાં સુખનું ઉત્કૃષ્ટપણું.

0:000:00

 

સંવત 1882ના પોષ વદિ 13 તેરશને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી વરતાલ મધ્યે શ્રી લક્ષ્મીનારાયણના દરબારમાં લીંબડાના વૃક્ષ હેઠે મંચ ઉપર ગાદી-તકિયા બિછાવીને વિરાજમાન હતા, ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને પોતાના મુખારવિંદની આગળ મુનિમંડળ સમસ્ત તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

તે સભામાં વડોદરાના શાસ્ત્રી બેઠા હતા તેણે એમ કહ્યું જે,

(પ્ર.૧) હે મહારાજ! તમે જો કોઈક મોટા માણસને ચમત્કાર જણાવો તો તેમાંથી ઘણો સમાસ થાય. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, મોટા માણસ સાથે અમારે ઝાઝું બને નહિ. શા માટે જે એને રાજ્યનો ને ધનનો મદ હોય અને અમારે ત્યાગનો ને ભક્તિનો મદ હોય, માટે કોઈ કેને નમી દે એવું કામ નથી. અને કોઈક મોટા માણસને જો સમાધિ કરાવીએ તો કોઈક ગામ-ગરાસ આપે તેની અમારા હૈયામાં લાલચ નથી, કેમ જે ગામ-ગરાસ તો સુખને અર્થે ઇચ્છીએ તે અમારે તો નેત્ર મીંચીને ભગવાનની મૂર્તિનું ચિંતવન કરીએ તેમાં જેવું સુખ છે તેવું ચૌદ લોકના રાજ્યને વિષે પણ નથી અને જો ભગવાનના ભજન જેવું રાજ્યને વિષે સુખ હોય તો સ્વાયંભૂમનું આદિક જે મોટા મોટા રાજા તે સર્વે રાજ્ય મૂકીને વનમાં તપ કરવા શા સારુ જાય? અને ભગવાનના ભજન જેવું સ્ત્રીને વિષે સુખ હોય તો ચિત્રકેતુ રાજા કરોડ સ્ત્રીઓને શા સારુ મૂકે? અને ભગવાનના ભજનના સુખ આગળ તો ચૌદ લોકનું જે સુખ તે નરક જેવું કહ્યું છે, માટે જે ભગવાનને સુખે સુખિયો થયો હોય તેને તો બ્રહ્માંડને વિષે જે વિષયનું સુખ છે તે નરક તુલ્ય ભાસે છે.(બા.૧)

અને અમારે પણ ભગવાનના ભજનનું સુખ તે જ સુખ જણાય છે ને બીજું સર્વે દુ:ખરૂપ જણાય છે, માટે પરમેશ્વરનું ભજન-સ્મરણ કરતાં થકાં જેને સહેજે સત્સંગ થાય તેને કરાવીએ છીએ પણ કોઈ વાતનો અંતરમાં આગ્રહ નથી, ને આગ્રહ તો કેવળ ભગવાનના ભજનનો અને ભગવાનના ભક્તનો સત્સંગ રાખ્યાનો છે. એ અમારા અંતરનો રહસ્ય અભિપ્રાય હતો તે અમે તમારી આગળ કહ્યો.(બા.૨)

 

ઇતિ વચનામૃતમ્ || 16 || (216)

 

રહસ્યાર્થ પ્રદી. -- આમાં પ્રશ્ન (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે અમારા ભજનના સુખ આગળ ચૌદ લોકનાં તથા બ્રહ્માંડોનાં સુખ તે નરકતુલ્ય ને દુઃખ રૂપ છે. (1) અને અમારા ભજનનો ને અમારા ભક્તનો સત્સંગ રખાવ્યાનો આગ્રહ રાખવો પણ અમારું ભજન ભૂલીને કોઈ પ્રકારનો આગ્રહ રાખવો નહિ, એ અમારો રહસ્ય અભિપ્રાય છે. (2) બાબતો છે.

 

પ્ર.૧ બ્રહ્માંડોનું સુખ નરક તુલ્ય કહ્યું તે બ્રહ્માંડો કિયાં જાણવાં?

ઉ.૧ પ્રકૃતિ પુરુષના લોક સુધી બ્રહ્માંડ જાણવાં તે નરક તુલ્ય ને દુઃખદાયી છે કેમ જે માયા જડ, દુઃખ ને મિથ્યા રૂપ છે, તેમાં સુખ હોય જ નહિ, કેવળ દુઃખ જ રહ્યું છે.

પ્ર.૨ બીજી બાબતમાં કોઈ પ્રકારનો આગ્રહ ન કરવો એમ કહ્યું અને (મ. 57/4માં) ઉપદેશ કર્યા નિમિત્ત થોડી ઘણી ઉપાધિ રહે તો પણ ઉપદેશ કરવો એમ કહ્યું છે તે કેવી રીતે સમજવું?

ઉ.૨ જેને ધ્યાન કરીને શ્રીજીમહારાજની મૂર્તિ સિદ્ધ કરવી હોય તેને તે મૂર્તિનું અનુસંધાન ચૂકી જવાય એવો આગ્રહ ન કરવો; મૂર્તિનું અનુસંધાન રાખીને સત્સંગ કરાવવો. એવી રીતે ધર્મની, જ્ઞાનની, વૈરાગ્યની, પંચ વર્તમાનની, ધ્યાન-ઉપાસનાની વાતો કરીને સત્સંગીને પુષ્ટિ કરવી તેમાં મૂર્તિનું અનુસંધાન ભૂલી જવાય એવો આગ્રહ ન રાખવો એમ કહ્યું છે, અને તે ઉપાસના આદિકની વાતો કરવામાં કોઈ ઉપાધિ કરે તો પણ વાતો કરવી એમ (મ. 57માં) કહ્યું છે.