૧ - સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી
સં. ૧૯૦૮ વૈશાખ વદ પાંચમનો આ દિવસ હતો. વડતાલમાં અસંખ્ય માનવો એકત્રિત થયા હતા. સર્વત્ર નીરવ શાંતિ હતી. દરેકના મુખપર શોકની છાયા પ્રવર્તતી હતી. દરેકના મન શોકાતુર હોવા છતાંય ક્યાંય આક્રંદ ન હતું. કારણ, આજે શ્રીજીમહારાજની સત્સંગરૂપી વાટિકામાંથી શ્રેષ્ઠ પુષ્પ કરમાઈ ગયું હતું, પણ તે પુષ્પ સદાને માટે પોતાની સુગંધ દરેકના જીવનમાં મહેકાવતું ગયું હતું. અને તે કદીયે વિલીન ન થઈ દૂર - દૂર સુધી પોતાની સુગંધ ફેલાવાનું હતું. ત્યાં હાજર રહેલી અને હાજરી ન આપી શકેલી દરેક વ્યક્તિ પોતાને થયેલા અનુભવો, તેમણે પૂરેલા પરચા-ચમત્કારો, તેમના જીવન વગેરે વિશે સ્મૃતિ તાજી કરતા હતા. કેટલાયના જીવન આ સદગુરુને યોગે સંપૂર્ણપણે પરિવર્તિત થઈ ગયા હતા. તો કેટલાયને સદગુરુના ગુણો પોતાનું જીવન બની ગયા હતા. તો વળી કેટલાયને તેમણે કરેલાં ઉપદેશ - વચનો જીવનમૂલ્ય બની ગયા હતા. દુન્યવી રીતે આજે તેમનો ભૌતિક દેહ અદ્રશ્ય થઈ ગયો હતો, પણ દરેકને સદગુરુએ આપેલા જ્ઞાન અનુસાર જાણ હતી કે તેઓને આવવા જવા પણું હતું જ નહિ. તેઓ સદાય મૂર્તિના સુખમાં જ રહેતા તેથી દરેકને આજે તેઓ પોતાની સાથે જ છે તેવી અનુભૂતિ થતી હતી.
આ એ જ સદગુરુર્ય હતા કે જેઓ શ્રીજીના અનાદિ મુક્ત હતા. સદાય શ્રીજીના સુખમાં જ નિમગ્ન રહેતા. જેઓ ફક્ત શ્રીજી સાથે અનેક જીવોનાં આત્યાંતિક કલ્યાણ કરવા જ શ્રીજી આજ્ઞાથી આ લોકમાં પધાર્યા હતા. આ લોકમાં આવી અનેક જીવને ઉન્નત બનાવ્યા, કેટલાયના જીવન પલટી નાંખ્યા, કેટલાયને તેમની ભીડમાં સહાય કરી, અને કેટલાકને તો છેલ્લી સ્થિતિ કરાવી મહારાજના સુખમાં મૂકી દીધા. આટલી મહાન સ્થિતિ ધરાવનાર મુક્તના આ લોકમાં માતા-પિતા થવાનું દુર્લભ અહોભાગ્ય સાબરકાંઠા જિલ્લાના ટોરડા નામના ગામમાં રહેતા પિતા મોતીરામ અને માતા જીવીબાને પ્રાપ્ત થયું. અને પોતે સં. ૧૮૩૭ના મહાસુદી આઠમને દિવસે પ્રગટ થયા. તેઓ ગૌરવર્ણ, કૃષશરીર પણ પ્રભાવશાળી મુખારવિંદ ધરાવતા હતા. બાળકને જોઈ હર્ષોલ્લાસિત થયેલા માતા-પિતાએ તેમનું નામ ખુશાલ રાખ્યું. શ્રીજીના અનાદિમુક્ત હોઈ આ લોકમાં કહેવાતી ઉંમર તેમને કાર્ય કરવામાં અડચણરૂપ થતી નહિ. જ્યારે તેઓ બાળ સ્વરૂપે પારણામાં પોઢ્યા હતા, ત્યારે પારણાથી દસ ફૂટ દૂર ઊભેલી કપિલા ગાયને હાથ લાંબો કરી, પંપાળી અને પછી સૂર્યનારાયણના રથમાં બેસાડી તેનું કલ્યાણ કર્યું. તેને સદેહે રથમાં બેસીને જતાં આખા ગામે નિહાળી.
ખુશાલભાઈ નાના હતા ત્યારે ટોરડાથી પંદર-વીસ કિ.મી. દૂર આવેલા ખેડબ્રહ્મા મંદિરના શામળાજી તેમની સાથે રમવા આવતા. તેમને જ્યારે યજ્ઞોપવિત અપાઈ રહી હતી, ત્યારે આવનાર શુકલજીને સમાધિ કરાવી. તઓ સમાધિમાં કૈલાસ જઈ આવ્યા. ત્યાં મહાદેવજીએ તેમને ખુશાલભાઈ માટે બીલીપત્ર આપ્યું. તે લઈ તેઓ જાગ્યા. બધાની દેખતાં તે બીલીપત્ર ખુશાલભાઈના માથે ચડાવી તેમને જનોઈ પહેરાવી. પોતે સ્વતઃસિદ્ધ મુક્ત હતા, છતાંય લૌકિક દ્રષ્ટિએ શાળામાં ગયા અને બાર વર્ષ ત્યાં રહી અભ્યાસ પૂર્ણ કર્યો. આ બાર વર્ષમાં વેદ-વેદાંત, ન્યાયશાસ્ત્ર, મિમાંસા, તર્કશાસ્ત્ર, વ્યાકરણ આદિ શાસ્ત્રનો અભ્યાસ કર્યો. ત્યારબાદ ગામમાં શાળા ચલાવતા. તે પહેલાં ધારેશ્વર મહાદેવની જગ્યામાં રહી અષ્ટાંગયોગ પણ સિદ્ધ કર્યો. શાળામાં ભણાવતાં વિદ્યાર્થીઓને આ લોકની શિક્ષાની સાથે - સાથે પરલોકની વાતો પણ સમજાવતા. ઘણી વખત તેમને સમાધિ પણ કરાવતા અને લોકોના દુઃખ પણ દૂર કરતા. એક વખત ગામનાં પાદરમાં એક વાઘે એક બાળકને મારી નાંખ્યો. ખુશાલભાઈએ તે બાળકને નવું જીવતદાન આપ્યું. અને જેમ વડીલો બાળકને ગુના માટે સજા આપે તેમ વાઘને એક લપડાક મારી અહિંસક બનાવી ત્રણ વર્ષ સુધી પાળેલા કૂતરાની જેમ ગામમાં રાખ્યો. જેનો સ્વભાવ જ હિંસક છે તે સ્વભાવનો ત્યાગ કરાવી ખુશાલભાઈએ પ્રાણ અને પ્રકૃતિ સાથે જાય તે કહેવત ખોટી કરી બતાવી.
જેનું પ્રાણ પંખેરું ઊડી ગયું હોય તેનામાં પ્રાણનું સિંચન કરવાની જેમનામાં શક્તિ હોય તે બીજું શું ન કરી શકે? કઈ વસ્તુ તેમના માટે અશક્ય હોય? એક વખત મૂંગો અને પડી જવાથી પગ ભાંગી ગયેલા છોકરાને બોલતો કર્યો અને ચાલતો કરી પ્રદક્ષિણા કરાવીને આશીર્વાદ આપ્યા કે આ છોકરો મોટો વિદ્વાન થશે. તે પ્રમાણે તે વિદ્વાન થયો અને ખ્યાતિ પામ્યો. આવા તો કેટલાય ચમત્કારો તેઓ દાખવતા. શ્રીજી આજ્ઞાથી જ જેઓ પધાર્યા હતા તેમને આલોકનાં વ્યવહારમાં ક્યાંથી રસ હોય? સંસાર પ્રત્યે સદાય ઉદાસીન જ રહેતા. છતાંય માતા-પિતાના આગ્રહને વશ થઈ તેઓ ગૃહસ્થાશ્રમમાં જોડાયા. તેમને હરિશંકર નામે એક પુત્ર અને અનુપબા નામે એક પુત્રી હતાં. ગૃહસ્થાશ્રમમાં રહ્યા છતાંય શ્રીજીના મહિમા વચનોરૂપી સુગંધ ફેલાવવાનું કાર્ય અવિરત પણે ચાલુ જ હતું. પોતાના દયાળુ સ્વભાવને કારણે જીવો જ્યારે પોતાના કષ્ટો, મુશ્કેલીઓ તેમની સમક્ષ રજૂ કરે કે તરત જ તેમનું દુઃખ દૂર કરતા. વરસાદ ન પડ્યો હોય તો સર્વેની પ્રાર્થના સાંભળી વરસાદ વરસાવતા. ક્યારેક કોઈકને દટાઈ ગયેલા પૈસા બતાવતા, તો ક્યારેક દટાઈ ગયેલા કૂવાઓ બતાવતા. પુત્ર ન હોય તેને પુત્ર પ્રાપ્તિના આશીર્વાદથી પુત્ર થતો. આમ જીવો માટે ખુશાલભાઈ જાણે કલ્પવૃક્ષ હતા કે જે ઇચ્છો તે પ્રાપ્ત થાય.
જેઓ શ્રીજીના સુખમાં સદાય મહાલતા હોય તેમને જગત સુખ પ્રત્યેનો વૈરાગ્ય એ સ્વાભાવિક વાત છે. જગત સુખની તુચ્છતા, નાશવંતતા તઓ બરાબર જાણતા. તેથી શ્રીહરિના જ્યારે પ્રત્યક્ષ દર્શન થયા ત્યારે આનંદ વિભોર બની ગયા. પછી શ્રીજીમાંથી વૃત્તિ પાછી ખેંચી-ખેંચાતી ન હતી. જેથી સદાને માટે ગૃહત્યાગ કરી શ્રીજીની સેવામાં રહી ગયા. શ્રીજીએ પણ પોતાના અનન્ય મુક્ત મળતા સં. ૧૮૬૪ના કાર્તિક વદ આઠમને દિવસે ભાગવતી દીક્ષા આપી ખુશાલભાઈમાંથી ગોપાળાનંદ સ્વામી નામ અર્પ્યું. સ્વામીને હવે ગૃહસ્થાશ્રમની કોઈ જવાબદારી રહી નહિ. તેમાંય શ્રીજીનું સાંનિધ્ય અને સાથ સાંપડ્યા, પછી તો તેમના પ્રતાપની સુવાસ વધુ ને વધુ ફેલાવા લાગી, પણ પોતે તેને વધુ ફેલાવા ન દેતા. શ્રીજી સાથે દાસભાવે રહેતા. શ્રીજીના સંતોરૂપી બગીચામાં આ પુષ્પ આવતાં આખાય બગીચાની શોભા શતગુણ વધી ગઈ. અને નાના ટમ-ટમતાં તારલાઓ વચ્ચે મોટો જગારા મારતો તારલો શોભે તેમ ગોપાળાનંદસ્વામી સભામાં શોભી ઉઠતા.
જીવોના ઊર્ધ્વીકરણ અને સંપ્રદાયના ઉત્કર્ષ માટે જ ગોપાળાનંદ સ્વામીનું આગમન હતું. જેથી સંપ્રદાયને કોઈ પણ રીતે ઝાંખપ આવે તેવું તેઓ સાખી લે તેમ ન હતા. સદાય શ્રીહરિને અંતરમાં ધારી દરેક કાર્ય કરતા, જેથી સમગ્ર બ્રહ્માંડ તેમને વશ હતું. તેમના માટે કોઈ કાર્ય અશક્ય ન હતું. જેવો ભગવાનનો પ્રતાપ તેવો જ તેમના અનાદિ મુક્તનો પ્રતાપ હોય છે. વડોદરાની સભામાં સત્સંગી પંડિત શાસ્ત્રી કૃષ્ણરામે ભૂલ ભરેલી ગણતરી કરી જાહેર કર્યું કે, 'આ પૂનમે ગ્રહણ નહિ થાય અને થશે તો પોતાનું માથું ડુલ કરશે.' આમ કહી પછી સ્વામીશ્રીને વાત કરી. સ્વામીએ ગણતરી કરી જોઈ તો ગ્રહણનો યોગ હતો. કૃષ્ણરામશાસ્ત્રી મહારાજના આશ્રિત હતા. અને જો તેમનું વચન ખોટું પડે તો સત્સંગને ઝાંખપ લાગે. એટલા ખાતર પોતાની આધ્યાત્મિક શક્તિ દ્વારા પૂનમને દિવસે ગ્રહણ થતું અટકાવી દીધું હતું! વિજ્ઞાનની દ્રષ્ટિએ આ અશક્ય બાબત છે, પરંતુ આ એક ચમત્કારિક ઐતિહાસિક સત્ય છે.
સદગુરુર્યે ચેતન જીવોના જ જીવન કે સ્વભાવ પલટાવ્યા છે એવું નથી, જડ વસ્તુના સ્વભાવ પણ મૂકાવ્યા છે. રાજકોટમાં શ્રીજીમહારાજ સંતો સહિત અંગ્રેજ ગવર્નરને એક બોરડી નીચે મળ્યા ત્યાંથી ઉઠતા, શ્રીજીમહારાજનું ઓઢવાનું વસ્ત્ર બોરડીના કાંટામાં ભરાઈ જતાં સ્વામી ફક્ત એટલું જ બોલ્યા 'અનંત ધામના ધણી તારી નીચે આવી બેઠા, છતાંય તેં તારો સ્વભાવ મૂક્યો નહિ?' આટલું બોલતાં બોરડીનો જે કાંટાળો સ્વભાવ તે તેણે તરત જ ત્યજી દીધો અને બધા કાંટા તરત જ ખરી પડ્યા. આજે પણ રાજકોટ ગામમાં કાંટા વગરની આ બોરડી સદગુરુના વચનની શક્તિનો ખ્યાલ આપે છે. ગમે તેવી બુદ્ધિશાળી વ્યક્તિ હોય સ્વામીશ્રીના પ્રભાવમાં આવ્યા વગર રહેતી નહિ. અને સ્વામીશ્રી પણ કોને કેવી વાત કરવી, કોને કેવો પરચો, ચમત્કાર બતાવી શ્રીજીના આશ્રિત કરવા તે બરાબર જાણતા. વનાશા અને પૂંજાશા બંને ભાઈઓ શ્રીજીના આશ્રિત હતા, પરંતુ તેમના પિતા ચુસ્ત વૈષ્ણવ હતા. અને નિપુણ નાડી પારખુ હતા. આ બંને ભાઈઓની ઇચ્છા તેમના પિતાને શ્રીજીના આશ્રિત કરવાની હોવાથી સ્વામીએ તે બંનેને તેમના પિતાને પોતાની નાડી તપાસવા મોકલવા કહ્યું. હેમરાજશા આવ્યા અને સ્વામીની નાડી તપાસવા લાગ્યા. સ્વામીએ સંકલ્પપૂર્વક નાડી ખેંચી લીધી પણ વાતો તો કરતા જ રહ્યા. હેમરાજશા વૈદ્ય હોવાથી તરત જ સમજી ગયા. સ્વામીના પગમાં પડી બોલ્યા, 'આવું તો શ્રીકૃષ્ણ ભગવાન સિવાય કોઈ કરી ન શકે, માટે તમે મને બ્રહ્મસંબંધ આપો.' અને તેઓ શ્રીહરિના આશ્રિત થયા.
સંતો કે કોઈ બીજી વ્યક્તિ ગમે તે ગમે ત્યારે પ્રશ્ન પૂછે સ્વામી ત્યારે તેનો એવો સચોટ ઉત્તર આપતા કે પૂછનારના જીવમાં હા પડી જાય અને જીવમાં એવી તો ઉતરી જાય કે જીવનભર તે વાત વિસારી શકે નહિ. એક વખત તેમના મંડળના સાધુએ પ્રશ્ન પૂછ્યો કે, 'આત્મનિષ્ઠાનું શું રૂપ છે?' જવાબમાં સ્વામી થોડીવાર બેસી રહ્યા પછી બોલ્યા, 'હમણા બે ઘડી પછી દેખાશે.' એટલી વારમાં શ્રીજીના દ્વેષીઓ સ્વામી તથા તેમના મંડળના સાધુઓને મહારાજના આશ્રિત જાણી પથ્થર મારવા લાગ્યા. જેથી સંતો તથા સ્વામી નજીકની ઘાટી બાવળની ઝાડી હતી તેમાં સંતાઈ ગયા. થોડીવારે ગામ લોકોને આવતા જોઈ વૈરાગીઓ ભાગી ગયા. લોકોએ બૂમ પાડી કહ્યું, 'વૈરાગી ભાગી ગયા છે, માટે ઝાડીમાં જે હો તે બહાર નીકળો.' બધા બહાર નીકળ્યા પણ દરેકનાં શરીરમાં બાવળના કાંટા ભરાઈ ગયા હતા. જેથી પીડા સહન ન થવાથી સ્વામીને રાવ કરવા લાગ્યા. સ્વામીએ ગામલોક પાસેથી ચીપિયા અને રાખ મંગાવી બધાના કાંટા કાઢી રાખ ભભરાવી અને ધીરે-ધીરે ગઢડા આવ્યા. સંતો આવીને મહારાજને રાવ કરવા લાગ્યા ત્યારે મહારાજે કહ્યું, 'બધાના કાંટા તો ગોપાળાનંદ સ્વામીએ કાઢ્યા પણ તેમના કાંટા કોઈએ કાઢ્યા છે કે નહિ?' દરેક સંતની દ્રષ્ટિ ઢળી ગઈ. બધા તે વિસરી ગયા હતા. મહારાજે પોતે ચીપિયા મંગાવી સ્વામીશ્રીના કાંટા કાઢ્યા અને પછી વજન કર્યું તો પોણોશેર થયા, છતાં સ્વામી એક અક્ષર ન બોલ્યા. મહારાજે કહ્યું, આનું નામ સાચી આત્મનિષ્ઠા. પૂછનાર હવે ક્યારેય આત્મનિષ્ઠાનું રૂપ વિસારી શકે તેમ ન હતા.
સદગુરુવર્યને હંમેશાં એક જ તાન રહેતું કે કેમ કરીને વધુ ને વધુ જીવો મહારાજની મૂર્તિને વિશે જોડાય. આથી તેઓ પોતાના મંડળના સાધુઓ મહાપ્રભુજીનું ધ્યાન કરી મહારાજની વધુ નજીક પહોંચે તેમ કરતા. મહારાજની મૂર્તિનું પ્રતિલોમપણે ધ્યાન કરી કેવી રીતે મૂર્તિ અંતરમાં ધારવી તે શીખવતા. મહારાજની આજ્ઞા મુજબ એક વખત પોતાના મંડળ સાથે તેઓ ધર્મ પ્રચાર માટે નીકળ્યા હતા. સ્વામીએ પોતાના મંડળના સાધુઓને પર્વતની એક ગુફામાં ધ્યાન કરવા બેસાડી દીધા. અને પોતાની સંકલ્પ શક્તિ દ્વારા તેવું જ એક મંડળ કરી ગામે -ગામ પ્રચાર કરી નવા આશ્રિતો સાથે છ મહિના બાદ તેમને ગુફામાંથી જગાડી ગઢડા લાવ્યા. નંદ સંતો પણ કહેતા, અમે મહારાજના આશ્રિત થયા, પણ શ્રીજીમહારાજને જેવા છે તેવા તો ગોપાળાનંદ સ્વામીએ ઓળખાવ્યા. ઘણાં કહેતા કે, જો તેમણે અમને અંતરમાં પ્રતિલોમપણે મૂર્તિ ધારવાનું ન શીખવ્યું હોત તો અમે મહારાજનું સુખ માણવામાં અધૂરા જ રહી જાત. ધ્યાન માટે તેઓ હંમેશા આગ્રહ રાખતા. પછી તે માટે સ્થાન, સમય જોતા નહિ. એક વખત વનમાં તેમના મંડળ સાથે ગયા હતા અને ત્યાં બધાને ધ્યાન કરવાનું કહ્યું. સંતો જંગલી પ્રાણી અને કુદરતી આફત, વરસાદ, વાવાઝોડાથી ગભરાવા લાગ્યા કે એ બધું ધ્યાનમાં વિક્ષેપ કરશે. ત્યારે સ્વામીએ સંતોને એક જગ્યાએ બેસાડી તેમની ચારે તરફ લાકડીથી ગોળ કુંડાળું કરી નાંખ્યું અને કહ્યું હવે આની અંદર કોઈ આફત નહિ આવે. અને ખરેખર એ કુંડાળાની અંદર ન જંગલી પશુઓ આવી શકતા કે ન વરસાદ પડી શક્તો. જેમને આવા ગુરુ મળે પછી સંતો ધ્યાનની લટક કેમ ન શીખે?
મહારાજને ગોપાળાનંદ સ્વામીને મહામોટું કાર્ય સોપવું હતું. અને મહારાજને ખાતરી હતી કે સ્વામી વગર કોઈ નહિ કરી શકે. તેથી જ સ્વામીને એક વખત પાસે બોલાવી પોતાના આ પૃથ્વી પર પધારવાના છ હેતુ કહ્યા અને ઉમેર્યું તેનો પ્રચાર કરવા જ તમને અહીં લાવ્યા છીએ. અને સ્વામીએ પણ તેનો પ્રચાર કરવાનું કાર્ય બરાબર કરી દેખાડ્યું. આખાય સંપ્રદાયમાં સ્વામી શ્રીજીનું સંપૂર્ણ માહાત્મ્ય જાણનારા હતા અને મુખ્ય સંત હતા. તેથી જ શ્રીજીમહારાજે સ્વધામ ગમન પહેલાં સ્વામીને બંને દેશના મધ્યસ્થી સ્થાપ્યા અને દરેકને તેમની આજ્ઞામાં રહેવાનો આદેશ આપ્યો હતો. સ્વામીએ પણ મહારાજે સોંપેલી જવાબદારી સંપૂર્ણ નિભાવી. જીવોના ઉત્કર્ષ માટે તેમણે અનેક ગ્રંથોની રચના પણ કરી.
સંસ્કૃતમાં તેમણે : (૧) શ્રી ભગવદગીતાભાષ્ય (૨) ઉપનિષદભાષ્ય (૩) બ્રહ્મસૂત્રાર્થદીપ (૪) શ્રીમદ્ ભાગવતની દ્વિતીય સ્કંધની શુકાભિપ્રાય બોધિની ટીકા. (૫) દશમ્ સ્કંધની ગૂઢાર્થ બોધિની ટીકા (૬) એકાદશ સ્કંધની કૃષ્ણાભિપ્રાય બોધિની ટીકા (૭) વેદ સ્તુતિની શ્રૃત્ય બોધિની ટીકા (૮) શાંડિલ્ય સૂત્રની ભક્તિ પ્રકાશિકા ટીકા વગેરે. ઉપરાંત શિક્ષાપત્રીનું મરાઠીમાં ભાષાંતર પણ કર્યું છે.
નદીની અંદર અંજલિભર પાણી નાંખતા સમુદ્રમાં પહોંચી જાય છે. તેવી જ રીતે અનાદિમુક્તની થોડીક સેવા પણ મૂર્તિનું સુખ મેળવી આપે છે. એક વખત સ્વામી પગે ચાલીને એક ગામમાં પહોંચ્યા. ત્યાના સાધુને સ્વામીશ્રીની સેવા કરવાનું મન થવાથી તેઓ સ્વામીના પગ દબાવવા લાગ્યા. સ્વામી થાકી ગયા હોવાથી પોઢી ગયા. સાધુ આખી રાત પગ દબાવતા રહ્યા. વહેલી સવારે સ્વામી જ્યારે યોગનિદ્રામાંથી જાગૃત થયા ત્યારે જોયું તો સાધુ પગ દબાવતા હતા. સ્વામી ઘણાં રાજી થયા. સાધુને નિર્વાસનીક કરી મૂર્તિમાં જોડી દીધા. તેઓનો સ્વભાવ દયાળુ હતો. સદાય જીવોના દુઃખ દૂર કરવા તત્પર રહેતા. સારંગપુરમાના હનુમાનજી અને તેમણે આપેલો મંત્ર આજે પણ એની સાક્ષી પુરાવે છે. આમ શ્રીજીના અદ્રશ્ય થયા બાદ બાવીસ વર્ષ આ લોકોમાં રહી પોતે જીવોનું કલ્યાણ કરતા રહ્યા. અનેકને અંતરવૃત્તિ કરી પ્રતિલોમપણે મહારાજનું ધ્યાન કેવી રીતે કરવું તે શીખવતા રહ્યા, અનેકને મૂર્તિના સુખમાં મૂકી દીધા, કેટલાયને છેલ્લી સ્થિતિ કરાવી મહાપ્રભુજીનું સુખ આપ્યું. પરચા-ચમત્કારોની તો જાણે જડી જ વરસાવી. તેઓનું જીવન એટલે પરચા-ચમત્કાર. આમ જીવોના સાચા પથદર્શક બની જ્યાં સુધી આ લોકમાં રહ્યા માર્ગ દર્શાવતા રહ્યા. અને પોતાનાં વર્તન દ્વારા દિવ્ય સુગંધ ફેલાવતા રહ્યા.