૧૨ - વાસના ટાળવાનાં

ગઢડા પ્રથમ પ્રકરણમ્ (૧૧, ૬૦)

અંતઃકરણમાં વિષયની ઇચ્છા વર્તે તે વાસના છે અને જે નિર્વાસનિક થઈને બ્રહ્મ જે શ્રીજીમહારાજનું તેજ તે રૂપ પોતાને માનીને શ્રીજીમહારાજની ભક્તિ કરે તે એકાંતિક ભક્ત છે. (૧૧)

જે વાસના ટાળે તે એકાંતિક ભક્ત છે ને આત્મનિષ્ઠા, વૈરાગ્ય ને માહાત્મ્ય એ ત્રણ વાસના ટાળવાના ઉપાય છે. (૬૦)

સારંગપુર પ્રકરણમ્ (૫, ૧૧)

શ્રીજીમહારાજ ને તેમના સંતને વિશે શ્રદ્ધા ને તેમના વચનમાં વિશ્વાસ ને તેમના વિશે પ્રીતિ ને માહાત્મ્ય એ ચાર હોય તેની વાસના ટળી જાય છે. અને એકલું માહાત્મ્ય અતિશે દ્રઢ હોય તો પણ વાસના ટળી જાય છે ને કલ્યાણકારી ગુણ આવે છે. (૫)

વૈરાગ્ય, શ્રદ્ધા, બ્રહ્મચર્ય, અહિંસા ને આત્મનિષ્ઠા એ પાંચ સાધન તે પુરુષપ્રયત્ન છે. તેણે યુક્ત થાય તે જન્મ-મરણથી રહિત થઈને આત્મસત્તાને પામે છે. એટલે શ્રીજીમહારાજના તેજરૂપ થાય છે ને એ અંગમાં ન્યૂનતા હોય તો શ્રીજીમહારાજના અક્ષરધામ વિના બીજા ધામોને પામે છે ને વધુ સવાસનિક હોય તો દેવલોકને પામે છે. ને જો ખબડદાર થઈને મંડે તો આ દેહે જ નિર્વાસનિક થાય ને સર્વે કસર મટી જાય. (૧૧)

કારિયાણી પ્રકરણમ્ (૧૨)

શ્રીજીમહારાજનો વિશ્વાસ રાખીને પ્રીતિએ સહિત શ્રીજીમહારાજની વાત સાંભળવાથી મન સ્થિર ને નિર્વિષયી થાય છે તેવું કોઈ સાધને કરીને થતું નથી. (૧૨)

ગઢડા મધ્ય પ્રકરણમ્ (૨૫)

ત્યાગી કે ગૃહસ્થ નિર્વાસનિક થાય ત્યારે જ અક્ષરધામને પામે છે ને વાસના રહે ત્યાં સુધી દેહ ધરવો પડે છે ને જેને સંતની સેવા કરવાનું વ્યસન હોય તેની વાસના નાશ પામી જાય છે. (૨૫)

અમદાવાદ પ્રકરણમ્ (૩)

પંચવિષયનું ચિંતવન તે જન્મ - મરણનો હેતુ છે તે માયામય શરીરની ભાવનાએ રહિત કેવળ આત્મસત્તારૂપે રહીને શ્રીજીમહારાજની મૂર્તિનું ચિંતવન કરે ને તેણે કરીને જ્યારે ઉપશમદશાને પામે, ત્યારે પંચવિષય જન્મ-મરણના હેતુ ન થાય ને જો શ્રીજીમહારાજનો અતિશે મહિમા સમજે અને શ્રીજીમહારાજ તથા તેમના ભક્તની સેવા-ચાકરી-દર્શન કરવામાં અતિશે શ્રદ્ધા હોય તો ઉપશમ દશા આવે. (૩)

ગઢડા છેલ્લું પ્રકરણમ્ (૧૮, ૨૦)

ન દીઠાં હોય ને ન સાંભળ્યાં હોય એવા પદાર્થ તે પૂર્વ જન્મના કર્મની વાસનાએ કરીને સ્ફૂરે છે. ને સત્પુરુષનો સમાગમ કરતાં કરતાં વાસના જીર્ણ થઈ જાય છે ને જન્મ-મરણ ભોગવાવે એવી રહે નહિ ને જ્યારે ભગવાન સંબંધી જે સંકલ્પ તે વિષય સંબંધી સંકલ્પને હટાવી દે ત્યારે વાસના જીર્ણ થઈ ગઈ જાણવી. ને નિર્વાસનિક પુરુષ શ્રીજીમહારાજની આજ્ઞા હોય એટલો જ વ્યવહારમાં જોડાય છે અને સવાસનિક શ્રીજીમહારાજની આજ્ઞાએ કરીને પણ છૂટી શક્તો નથી. (૧૮)

પરિપક્વપણાને પામીને જીવ સાથે મળી રહ્યાં એવાં જે કર્મ તે જ સ્વભાવ, વાસના ને પ્રકૃતિ છે ને આત્મનિષ્ઠાએ સહિત ભક્તિ કરવી એ વાસના ટાળ્યાનો ઉપાય છે. (૨૦)