૫ - ભગવાનનો નિશ્ચય
ગઢડા પ્રથમ પ્રકરણમ્ (૯, ૫૧, ૬૨, ૬૩, ૭૧, ૭૨)
જેણે શ્રીજીમહારાજનો પ્રત્યક્ષપણે નિશ્ચય કર્યો હોય ને તેમની ભક્તિ ને દર્શન કરતો હોય તો પણ પોતાને પૂર્ણકામ ન માને તે અજ્ઞાની છે ને તેના મુખની વાત ન સાંભળવી. (૯)
પૃથ્વીથી લઈને મૂળઅક્ષર આદિક સર્વેના કર્તા ને સર્વેના કારણ ને એ સર્વેમાં તેમની અંતર્યામી શક્તિએ કરીને વ્યાપક ને મૂળઅક્ષરાદિક સર્વથી પર એવા જે શ્રીજીમહારાજ તે જીવોના કલ્યાણને અર્થે સર્વ મનુષ્યને પ્રત્યક્ષ દર્શન આપે છે, ત્યારે જે જીવ તેમના મુક્તનો સમાગન કરીને શ્રીજીમહારાજનો મહિમા સમજે ત્યારે તે જીવના ઇંદ્રિયો - અંતઃકરણ સર્વે શ્રીજીમહારાજ રૂપ થઈ જાય ને શ્રીજીમહારાજનું દર્શન ને નિશ્ચય થાય છે. (૫૧)
શ્રીજીમહારાજને સર્વેથી જુદા ને સર્વેના નિયંતા ને સર્વેના કર્તા થકા નિર્લેપ જાણીને કોઈ રીતે ન ડગે એવો શ્રીજીમહારાજનો નિશ્ચય થાય તેને વિશે શ્રીજીમહારાજના કલ્યાણકારી ગુણ આવે છે, પછી તે ભક્ત શ્રીજીમહારાજ જેવો સમર્થ ને નિર્બંધ થાય છે. (૬૨)
શ્રીજીમહારાજના નિશ્ચયમાં કસર હોય તો જ્યારે શ્રીજીમહારાજને વિશે સામર્થી ન દેખાય, ત્યારે તેનું અંતર ઝાંખું થઈ જાય છે અને પોતાના ભૂંડા ઘાટ મહારાજ કેમ ટાળતા નથી એમ મહારાજને વિશે દોષ પરઠે છે. ને જેને પરિપક્વ નિશ્ચય હોય તે તો મહારાજ હોય ત્યાં જ અક્ષરધામ ને મુક્ત હોય એમ જાણે. ને જે શ્રીજીમહારાજ મૂળઅક્ષર આદિ સર્વેમાં અન્વયપણે રહ્યા છે ને પોતાના તેજરૂપ અક્ષરધામમાં અતિશે પ્રકાશમાન ને અનંત મુક્તોએ સેવ્યા થકા વિરાજમાન છે ને જીવોના કલ્યાણને અર્થે મનુષ્ય જેવા થયા છે, એવો મહિમા સમજે તેને શ્રીજીમહારાજનો અડગ નિશ્ચય થાય ને કાળ, કર્મ, માયાના બંધનથી મુકાય ને તેને કાંઈ કરવું રહેતું નથી. (૬૩)
ભગવાનની પ્રત્યક્ષ મૂર્તિનો નિશ્ચય કરીને ભજન કરતો હોય ને સત્સંગના નિયમ પ્રમાણે વર્તતો હોય તેનું કલ્યાણ થાય છે. ને જેને ભગવાન મળ્યા પછી અક્ષરાદિક ધામ વગેરે દેખવાની ઇચ્છા થાય તેને ભગવાનનો યથાર્થ નિશ્ચય નથી. (૭૧)
શ્રીજીમહારાજનો માહાત્મ્યે સહિત નિશ્ચય હોય ને તેમના સંત - હરિભક્તનું માહાત્મ્ય ઘણું જાણતો હોય તે ભક્તનું કાળ - કર્મ ભૂંડું કરી શક્તા નથી ને તેના કલ્યાણમાં સંશય રહેતો નથી ને જેને માહાત્મ્ય વિનાનો નિશ્ચય હોય તેને તો કલ્યાણમાં સંશય રહે છે. (૭૨)
સારંગપુર પ્રકરણમ્ (૧૩)
શાસ્ત્રે કરીને નિશ્ચય થાય તે અચળ રહે છે ને તેનું જ કલ્યાણ થાય છે ને ધર્મ પણ એનો જ અડગ રહે છે. અને મને કરીને કરેલો નિશ્ચય ટળી જાય છે. (૧૩)
કારિયાણી પ્રકરણમ્ (૧)
ભગવાનનો નિશ્ચય, પ્રથમ ઇંદ્રિયોમાં પછી અહંકાર, ચિત્ત, મન, બુદ્ધિ ને પછી જીવમાં થાય છે. ને આ જગતનાં શુભ-અશુભ, સુખરૂપ-દુઃખરૂપ, પ્રિય-અપ્રિય, યોગ્ય-અયોગ્ય એવા જે પદાર્થ તે ભગવાનને વિશે જણાય તેણે કરીને સંશય ન થાય તે ઇંદ્રિયોમાં નિશ્ચય જાણવો. ને ત્રણ ગુણના કાર્ય ભગવાનમાં દેખીને પણ સંશય ન થાય તે અંતઃકરણમાં નિશ્ચય જાણવો. અને જે ગુણાતીત સ્થિતિ તે ભગવાનમાં જણાય ને તેમાં કાંઈ સંશય ન થાય તો જીવમાં નિશ્ચય જાણવો ને એમ જીવમાં થયેલો નિશ્ચય કોઈ પ્રકારે તાણ્યો તણાય નહિ. (૧)
લોયા પ્રકરણમ્ (૩, ૧૨, ૧૮)
શ્રીજીમહારાજ ને તેમના સંતનો એટલે મુક્તનો માહાત્મ્ય જ્ઞાને સહિત નિશ્ચય હોય તે કુટુંબનો, લોકલાજનો, રાજ્યનો, સુખનો, ધનનો, સ્ત્રીનો ત્યાગ કરે અને સ્ત્રી હોય તે પુરુષનો ત્યાગ કરે અને મહારાજના વચનમાં ફેર પડવા દે નહિ અને દૈહિક સુખ-દુઃખમાં હર્ષ-શોક પામે નહિ ને એવો જે ભકત તેનો દેહ અપમૃત્યુએ કરીને પડે તો પણ એ શ્રીજીમહારાજના અક્ષરધામને જ પામે અને વિમુખ યમપુરીમાં જાય એમ સમજનારાને મહારાજનો માહાત્મ્ય સહિત નિશ્ચય છે અને એવા નિશ્ચયવાળો ભક્ત શ્રીજીમહારાજના અક્ષરધામને જ પામે. (૩)
સવિકલ્પ નિશ્ચયમાં કનિષ્ઠ ભેદ એ જે ભગવાન અન્ય મનુષ્યની પેઠે કામાદિકને વિશે પ્રવર્તે ત્યાં સુધી નિશ્ચય રહે, મધ્યમ ભેદ એ જે મનુષ્ય થકી બમણા કામાદિકને વિશે પ્રવર્તે ત્યાં સુધી નિશ્ચય રહે ને ઉત્તમ ભેદ એ જે ભગવાન ગમે તેવી નીચ જેવી ક્રિયા કરે તો પણ સંશય થાય નહિ. અને નિર્વિકલ્પ નિશ્ચયમાં કનિષ્ઠ ભેદ એ જે ભગવાનને સર્વે શુભ-અશુભ ક્રિયાને વિશે નિર્લેપ એવા બ્રહ્મરૂપ જાણે, મધ્યમ ભેદ એ જે શ્વેતદ્વીપને વિશે રહ્યા જે ષટ્ઊર્મિએ રહિત જે નિરન્ન મુક્ત તે જેવો થઈને વાસુદેવની ઉપાસના કરે અને અષ્ટાવરણે યુક્ત જે કોટી કોટી બ્રહ્માંડ તે જે અક્ષરને વિશે અણુની પેઠે જણાય છે એવું જે પુરુષોત્તમ નારાયણનું ધામરૂપ અક્ષર તેને વિશે રહ્યો થકો પુરુષોત્તમની ઉપાસના કરે. ને આ ભેદ વક્તાને વિશે દેશાદિકનું શુભ -અશુભપણું અને શ્રોતાને વિશે આસ્થાનું મંદ-તીક્ષ્ણપણું તેણે કરીને પડે છે. જો ઉત્કૃષ્ટ જ્ઞાનવાળો વક્તા તથા રૂડા દેશાદિક હોય તથા શ્રોતાને ઉત્કૃષ્ટ શ્રદ્ધા હોય તો સર્વોત્કૃષ્ટ નિશ્ચય થાય છે. (૧૨)
શ્રીજીમહારાજના નિશ્ચયની વાત સમજતાં ન આવડે તો તેમને વિશે મનુષ્યભાવ રહી જાય ને એમને બીજા અવતાર જેવા જાણે તો દૂષણ આવે. ને મૂઢ જીવ શ્રીજીમહારાજને મનુષ્ય જેવા જાણે છે. તેમને મહારાજનો નિશ્ચય નથી ને તે જરૂર સત્સંગમાંથી પડે છે. ને શ્રીજીમહારાજને વિશેથી મનુષ્યભાવ ટાળીને દિવ્યભાવે તેમનું દર્શન કરે તેને મહારાજનો પૂરો નિશ્ચય કહેવાય. (૧૮)
પંચાળા પ્રકરણમ્ (૪, ૭)
શ્રીજીમહારાજ તુલ્ય રૂપ, સુખ આદિક કોઈમાં નથી ને તેમને બીજી કોઈ ઉપમા દેવી અઘટિત છે. અને અનંતકોટી બ્રહ્માંડોના પતિઓ તેમને ભજે છે ને તેમની આજ્ઞામાં વર્તે છે ને શ્રીજીમહારાજ પોતાની ઇચ્છા પ્રમાણે જ્યાં ઘટે ત્યાં દર્શન આપે છે ને યુગાનુરૂપ આચરણ કરે છે. એવો દિવ્યભાવ ને મનુષ્યભાવ યથાર્થ જાણ્યો હોય તેને શ્રીજીમહારાજના નિશ્ચયમાં સંશય થાય નહિ, ને મનુષ્યને દર્શન - સ્પર્શાદિકનું સુખ આવે ને કલ્યાણનો નિશ્ચય થાય તે માટે શ્રીજીમહારાજ પોતાનો દિવ્યભાવ છુપાવીને મનુષ્ય જેવા દેખાય છે ને મનુષ્યની જેમ વર્તે છે. તે એમનો મનુષ્યભાવ ને દિવ્યભાવ બુદ્ધિમાનના જાણ્યામાં આવે છે ને તેને જ શ્રીજીમહારાજનો નિશ્ચય થાય છે. (૪)
ધામમાં રહેલું શ્રીજીમહારાજનું સ્વરૂપ ને મનુષ્યસ્વરૂપ તે એક સમજે ને શ્રીજીમહારાજ પુરુષાદિકમાં પ્રકાશ દ્વારે પ્રવેશ કરીને ઉત્પત્ત્યાદિક કાર્ય કરે છે. ને પોતાના મુક્તોને વિશે પ્રગટ વિરાજીને મોક્ષરૂપી કાર્ય કરે છે ને જીવોના કલ્યાણને અર્થે મનુષ્ય જેવા દેખાય છે ને આત્યંતિક પ્રલય થાય છે, ત્યારે પણ પોતાના મુક્તો સાથે દિવ્ય સાકારરૂપે અક્ષરધામમાં રહે છે. એવા નિશ્ચયવાળાને પ્રારબ્ધે કરીને અવળું વર્તાઈ જાય તો પણ તેનું કલ્યાણ થાય છે ને તે વિના ઊર્ધ્વરેતા ને મહા ત્યાગીનું પણ કલ્યાણ થતું નથી. ને પરિપક્વ નિષ્ઠા પણ જેને નિરાકાર પ્રતિપાદન કરનારાં શાસ્ત્ર સાંભળીને પણ સાકારપણામાં સંશય થાય જ નહિ તેની જ જાણવી. (૭)
ગઢડા મધ્ય પ્રકરણમ્ (૯, ૧૦, ૧૩, ૧૪, ૨૧)
જે સત્સંગમાં ને શાસ્ત્રના વચનમાં રહેતો હોય તો પણ જો શ્રીજીમહારાજના સ્વરૂપની પાકી નિષ્ઠા ન હોય તો તે શ્રીજીમહારાજના ધામ વિના બીજા લોકમાં જાય ને જો ધર્મથી ચળી જાય તો પોતે નકરમાં પડી ચૂક્યો એમ જાણીને કલ્યાણને માર્ગે ચાલી શકે નહિ ને જેને મહારાજના સ્વરૂપનું બળ હોય તે કદાપિ ધર્મથી ચળી જાય તો પણ પ્રાયશ્ચિત કરીને કલ્યાણને માર્ગે ચાલે. (૯)
જેને ભગવાનના સ્વરૂપનો નિશ્ચયરૂપ ગર્ભ હોય તેને ભગવાનનું જે અક્ષરધામ તે રૂપ ફળની પ્રાપ્તિ થાય છે. માટે એવો ઉપાય કરવો ને બીજાને પણ એવી વાત કરવી જેણે કરીને ભગવાનના નિશ્ચયરૂપ ગર્ભનો પાત ન થાય. (૧૦)
ભગવાનના સ્વરૂપની દ્રઢતા વિના ત્યાગ, ઉપવાસ આદિ નકામા છે. ને જેને ભગવાનના સ્વરૂપની દ્રઢતા હોય તેને કદાચિત્ નિર્માન, નિર્લોભ, નિષ્કામ, નિઃસ્વાદ ને નિઃસ્નેહ એમાં થોડી કાચ્યપ હોય તો ય ચિંતા નથી, પણ જો ભગવાનના સ્વરૂપમાં જો કોઈ રીતની સમજ્યામાં કસર રહે તો વાંધો ભાંગે નહિ. (૧૩)
નિરૂત્થાનપણે શ્રીજીમહારાજનો નિશ્ચય હોય તે જ તદાત્મકપણું છે ને એ જ નિર્વિકલ્પ સમાધિ છે, ને એવી સમાધિવાળા સંતનું સ્વરૂપ પણ નિર્ગુણ બ્રહ્મ જ છે, ને એવા અડગ નિશ્ચયવાળા નિવૃત્તિ માર્ગને વિશે અથવા પ્રવૃત્તિ માર્ગને વિશે વર્તે તો પણ તે નિર્ગુણ જ છે. અને એવા નિશ્ચય વગરના નિવૃત્તિ માર્ગમાં પ્રર્વત્યા હોય તો પણ તે સગુણ ને અજ્ઞાની છે ને નરકમાં જાય છે. (૧૪)
પ્રત્યક્ષ ભગવાન ને પ્રત્યક્ષ સંત તે જ કલ્યાણના દાતા છે. અને પરોક્ષ ભગવાન ને સંતના જેવું જ પ્રત્યક્ષ ભગવાન ને સંતનું માહાત્મ્ય છે એવો દ્રઢ નિશ્ચય જેને થયો હોય તેને સર્વે મુદ્દો હાથ આવ્યો છે. અને તે કોઈ કાળે કલ્યાણના માર્ગ થકી પડે નહિ. (૨૧)
વરતાલ પ્રકરણમ્ (૧, ૧૦, ૧૨)
જે ભક્તને શ્રીજીમહારાજના પ્રત્યક્ષ મનુષ્યરૂપને વિશે દિવ્યભાવનો દ્રઢ નિશ્ચય થાય તેના પ્રાણ લીન ન થયા હોય તો પણ સદા નિર્વિકલ્પ સમાધિ જ છે, ને એ ગુણથી પર એવો એકાંતિક ભક્ત થાય છે. (૧)
શ્રીજીમહારાજ પૃથ્વીને વિશે મનુષ્યરૂપે પ્રગટ થાય ત્યારે તેમને ઓળખીને તેમનો દ્રઢ આશરો કરે તેનું કલ્યાણ થાય છે, ને શ્રીજીમહારાજ પૃથ્વી ઉપર વિચરતા ન હોય ત્યારે તેમના ધામમાંથી આવેલા મુક્ત મળે તેનો આશરો કરે ને એવા મુક્ત મનુષ્યરૂપે ન હોય ત્યારે મહારાજની પ્રતિમાને વિશે પ્રતીતિ રાખીને ભક્તિ કરે તો મોક્ષ થાય. (૧૦)
અતિશે પ્રકાશમાન અક્ષરધામને વિશે શ્રીજીમહારાજ સદા દિવ્ય સાકાર મૂર્તિ વિરાજમાન છે ને જીવના કલ્યાણને અર્થે પૃથ્વીને વિશે પ્રગટ થયા છે, તેમના સંતના સમાગમે કરીને તેમનો મહિમાએ સહિત નિશ્ચય જેને થાય તે સર્વ અંગે સંપન્ન થાય છે ને નિર્ભય થાય છે. ને જેને મહારાજનો યથાર્થ નિશ્ચય ન હોય તેને પોતાના કલ્યાણનો ભરોસો આવતો નથી ને યથાર્થ મહિમાએ સહિત નિશ્ચયવાળાને છતે દેહે કલ્યાણ મનાઈ જાય છે. ને પોતાનું દર્શન કરનારનું ને વાત સાંભળનારનું પણ કલ્યાણ થઈ ગયું એમ માને છે. ને શ્રીજીમહારાજના સંબંધને પામેલું વૃક્ષ પણ પરમપદ જે અક્ષરધામનું અધિકારી છે એવો મહિમાએ સહિત નિશ્ચય ન હોય તેના મુખ થકી કથા સાંભળનારાનું કલ્યાણ તો ન થાય, પણ મૂળગું ભૂંડું થાય છે. (૧૨)
અમદાવાદ પ્રકરણમ્ (૬, ૭)
શ્રીજીમહારાજ ભગવાન છે, સર્વ અવતારોના અવતારી, સર્વેના અંતર્યામી ને અક્ષરધામને વિશે તેજોમય ને સદા સાકાર ને અનંત ઐશ્વર્યે યુક્ત ને અનંત બ્રહ્માંડના રાજાધિરાજ છે ને અક્ષરબ્રહ્મ જે એમનું તેજ તેના પણ કારણ છે. માટે એમની ક્રિયામાં સર્વે અવતારોના ચરિત્ર જોઈને તેમને સર્વાવતારી જાણીને તેમનો નિશ્ચય કરે તો ડગે નહિ. ને તેમના તેજરૂપ અક્ષરબ્રહ્મ અનાદિ છે ને તેને જ બ્રહ્મમહોલ, અક્ષરધામ તથા ગોલોક નામે શ્રીજીમહારાજ કહે છે. ને એ અક્ષરધામમાં અક્ષરાતીત એવા શ્રીજીમહારાજના મુક્ત રહ્યા છે તે સાકાર તેજોમય છે અને સર્વના અંતર્યામી છે ને શ્રીજીમહારાજની સેવામાં નિરંતર તત્પર રહ્યા છે અને શ્રીજીમહારાજ એ સર્વેના સ્વામી છે એવો શ્રીજીમહારાજનો નિશ્ચય હોય તે જ એ ધામને પામે છે. (૬)
શ્રીજીમહારાજ જ પુરુષોત્તમ છે ને સર્વે બ્રહ્માંડોની ઉત્પત્તિ -સ્થિતિ - પ્રલયના કર્તા શ્રીજીમહારાજ જ છે. અને અસંખ્યાત કૈલાસ, વૈકુંઠ, ગોલોક, બ્રહ્મપુર ને મૂળઅક્ષર સર્વ શ્રીજીમહારાજના તેજે તેજાયમાન છે એવો મહિમા સમજીને નિશ્ચય કર્યો હોય તો ડગમગાટ થાય નહિ. (૭)
ગઢડા છેલ્લું પ્રકરણમ્ (૨, ૩૧, ૩૮)
જેને ધામમાં રહી જે મૂર્તિ ને પ્રત્યક્ષ મનુષ્યભાવે રહ્યા જે શ્રીજીમહારાજ તેમને વિશે સરખો દિવ્યભાવ આવે ને પરોક્ષના જેવો જ પ્રત્યક્ષનો નિશ્ચય થાય તે છતે દેહે જ મોક્ષને પામી રહ્યો છે. (૨)
બ્રહ્મરૂપ તેજોમય એવું શ્રીજીમહારાજનું તેજરૂપ અક્ષરધામ તેમાં શ્રીજીમહારાજ મૂર્તિમાન રહ્યા છે અને ત્યાં રહ્યા થકા સર્વ બ્રહ્માંડમાં દેખાય છે. ને મનુષ્યરૂપ મૂર્તિમાં ને ધામમાં મૂર્તિ છે તેમાં કિંચિત્ પણ ફેર નથી. (૩૧)
માયામાંથી થયા જે આકાર મિથ્યા ને નાશવંત છે અને શ્રીજીમહારાજના અક્ષરધામને વિશે શ્રીજીમહારાજનો ને તેમના મુક્તનો આકાર સત્ય, દિવ્ય ને અતિશે પ્રકાશે યુક્ત સચ્ચિદાનંદરૂપ ને દ્વિભુજ છે. અને શ્રીજીમહારાજ મુક્ત પુરુષોએ સેવ્યા થકા સર્વ મુક્તોને આનંદ ઉપજાવે છે. અને સર્વોપરી છે ને દયાએ કરીને જીવોના કલ્યાણને અર્થે પૃથ્વીને વિશે પ્રગટ થયા છે ને તેમના ભક્તોના ઇષ્ટદેવ છે ને ભક્તોની સેવાને અંગીકાર કરે છે ને તેમનું મનુષ્ય સ્વરૂપ ને ધામમાં રહ્યું જે સ્વરૂપ તે એક જ છે. ને અક્ષરાદિક સર્વના નિયંતા ને ઈશ્વરના ઈશ્વર ને સર્વ કારણના પણ કારણ ને સર્વ અવતારના અવતારી ને ભક્તોને એકાંતિકભાવે ઉપાસના કરવા યોગ્ય છે. - એમ શ્રીજીમહારાજનો નિશ્ચય કરવો. (૩૮)