૮ - સર્વદેશી સમજણ

ગઢડા પ્રથમ પ્રકરણમ્ (૭, ૧૦, ૧૩, ૧૪, ૧૭, ૪૧, ૪૩, ૪૬, ૪૮, ૫૦, ૬૪, ૬૫, ૬૬, ૬૭, ૭૧, ૭૩, ૭૪, ૭૫, ૭૭, ૭૮)

શ્રીજીમહારાજનું અક્ષરબ્રહ્મ, ઈશ્વર, જીવ, માયા ને માયાના કાર્ય જે બ્રહ્માંડ એમને વિશે અંતર્યામીપણું ને નિયંતાપણું એ શ્રીજીમહારાજનું વાચ્યાર્થ એટલે કે અન્વયપણું છે અને પોતાની કિરણોના મધ્યને વિશે બ્રહ્મજ્યોતિ રૂપ ધામ તેમાં રહ્યા છે એ શ્રીજીમહારાજનું લક્ષ્યાર્થ એટલે કે વ્યતિરેકપણું છે. (૭)

જે મનુષ્ય કર્યા કૃત્યને ન જાણે તેને કૃતઘ્ની જાણવો અને પ્રાયશ્ચિત કર્યું હોય તેને પાપે યુક્ત કહે તે પણ કૃતઘ્ની જેવો જ પાપી છે. (૧૦)

શ્રીજીમહારાજ પોતાની બે શક્તિઓ જે પુરુષ ને પ્રકૃતિ તેણે સહિત જીવ જીવ પ્રત્યે અંતર્યામીરૂપે રહ્યા થકા જે જીવને જેના દેહ થકી ઉપજ્યાનો કર્મ સંબંધ પ્રાપ્ત થયો હોય તે જીવને તે દ્વારે ઉપજાવે છે, પણ જીવ અનેકરૂપે થતો નથી. (૧૩)

વાસનાવાળા ત્યાગી કરતાં સંસારથી ઉદાસ રહે એવો ગૃહસ્થ શ્રેષ્ઠ છે. શ્રીજીમહારાજની સાક્ષાત્ પ્રાપ્તિ થઈ હોય તેને અંતઃકાળે શ્રીજીમહારાજની સ્મૃતિ ન રહે અથવા અકાળ મૃત્યુ થાય તો પણ તેનું કલ્યાણ થાય ને વિમુખ બોલતા - ચાલતા દેહ મૂકે તો પણ નરકે જાય છે. (૧૪)

જે હિંમત વિનાની વાત કરીને શ્રીજીમહારાજની પ્રસન્નતાનાં સાધનમાંથી બીજાને મોળા પાડે તેને કુસંગી તથા નપુંસક જાણવો. (૧૭)

મૂળમાયા સુધી ક્ષર અને મૂળઅક્ષર સુધી અક્ષર તે સર્વેથી પર અને સદા મૂર્તિમાન પ્રત્યક્ષ પુરુષોત્તમ જે શ્રીજીમહારાજ તે મૂળઅક્ષરથી લઈને બ્રહ્મ, ઈશ્વર, માયા, જીવ એ સર્વેને વિશે પાત્રની તારતમ્યતાએ અંતર્યામીરૂપે એટલે અન્વય સ્વરૂપ જે પોતાનું તેજ તે દ્વારે કરીને રહ્યા છે પણ શ્રીજીમહારાજ જીવ, માયા, ઈશ્વર, બ્રહ્મ ને અક્ષર તે રૂપે થયા નથી; શ્રીજીમહારાજ તો સર્વેથી પર છે સર્વેને અગમ્ય છે. (૪૧)

ચાર પ્રકારની મુક્તિને ઇચ્છે તે સકામ ને અર્થાર્થી છે અને જે કેવળ શ્રીજીમહારાજની સેવાને જ ઇચ્છે તે નિષ્કામ ને જ્ઞાની છે. (૪૩)

શ્રીજીમહારાજના પ્રકાશરૂપ જે ચિદાકાશ તે સર્વનો આધાર ને નિર્વિકારી છે ને એની લીનતા નથી. અને જે આકાશની ઉત્પત્તિ ને વિનાશ કહ્યો છે તે આકાશ તો તમોગુણનું કાર્ય છે ને અંધકારરૂપ છે તેની લીનતા થાય છે. (૪૬)

શ્રીજીમહારાજની ચિત્રમૂર્તિ સર્વે શાસ્ત્રે કરીને પ્રમાણ છે અને તે મૂર્તિ એ શ્રીજીમહારાજ પોતે જ છે. માટે શ્રીજીમહારાજના આશ્રિતોને પ્રાતઃકાળે એ મૂર્તિની પૂજા કરવી અને જ્યાં સુધી શ્રીજીમહારાજનો આશ્રિત પંચવર્તમાનમાં રહીને પૂજા કરે છે ત્યાં સુધી શ્રીજીમહારાજ એ મૂર્તિમાં રહે છે. (૪૮)

જે કલ્યાણને અર્થે સાવધાનપણે વર્તે તે જ કુશાગ્ર બુદ્ધિવાળો છે અને શ્રીજીમહારાજની પ્રાપ્તિ પણ તેને જ થાય છે. (૫૦)

દ્રષ્ટા જે શ્રીજીમહારાજનું તેજ તે જેમાં વ્યાપક છે એવું દ્રશ્ય જે મૂર્તિમાન અક્ષર એ બેયના શ્રીજીમહારાજ આત્મા છે ને એ બેયથી ન્યારા ને સદા મૂર્તિમાન છે. (૬૪)

તમોગુણનું કાર્ય જે આકાશ તેની ઉત્પત્તિ ને લય છે, પણ સર્વાધાર આકાશનો લય થતો નથી. (૬૫)

ભાગવતમાં નિર્ગુણ કરીને કહ્યા હોય, ત્યારે શ્રીકૃષ્ણ ભગવાનને કહ્યા હોય અને સગુણ કરીને કહ્યા હોય ત્યારે અનિરૂદ્ધ, પ્રદ્યુમ્ન ને સંકર્ષણને કહ્યા હોય એમ જાણવું. અને તેજપુંજ કહ્યા હોય ત્યારે તે તેજ ભગવાનની મૂર્તિનું સમજવું. (૬૬)

હિંસાયુક્ત ધર્મ વ્યાવહારિક છે ને ધર્મ, અર્થ અને કામને અર્થે છે અને અહિંસામય ધર્મ છે તે તો કેવળ કલ્યાણને અર્થે છે. (૬૯)

॥ सर्वं खल्विदं ब्रह्म ॥ એ શ્રુતિનો અર્થ એમ છે જે મનુષ્યરૂપે દેખાતું એવું જે શ્રીજીમહારાજનું સ્વરૂપ તે બ્રહ્મ એટલે દિવ્ય છે, પણ સમગ્ર જગત બ્રહ્મ છે, એવો અર્થ નથી. અને ॥ घटवत् सर्गादि विनश्यति ॥ એ શ્રુતિનો અર્થ એ છે જે શ્રીજીમહારાજની મૂર્તિ વિના જે માયિક નામરૂપ છે તે નાશવંત છે. (૭૧)

વીર્ય એ જ કામનું રૂપ છે અને વીર્ય સૂક્ષ્મ દેહ ભેળું રહે છે. (૭૩)

શ્રીજીમહારાજની ઇચ્છાથી સત્સંગનું ઉત્કૃષ્ટપણું થાય અથવા ગૌણપણું જણાય અથવા પોતાને માન-અપમાન થાય તેમાં રાજી રહેવું. (૭૪)

જેના કુળમાં ભગવાનનો એક ભક્ત થાય તો તેની ઇકોતેર પેઢીનો ઉદ્ધાર થાય છે એમ કહેવાય છે, એમાં ભગવાનના ભક્તનાં કુળમાં જે એ ભક્ત સાથે હેત રાખે તેનું જ કલ્યાણ થાય છે, પણ જે દ્વેષ કરે ને ભગવાનના ભક્ત સાથે વૈરબુદ્ધિ રાખે તે તો નરકે જ જાય છે. (૭૫)

કાળે કરીને અને અવસ્થાએ કરીને અંતસમે સારું -નરસું જણાય છે. ને વિમુખ સારી રીતે દેહ મૂકે તો ય નરકે જાય છે ને શ્રીજીમહારાજનો ભક્ત શૂન્ય મૂન્ય રહીને દેહ મૂકે, તો પણ કલ્યાણ જ થાય. (૭૭)

દેશકાળાદિક કર્મના ફેરવ્યા ફરતા નથી માટે કલ્યાણના ઇચ્છનારાએ કર્મનું બળ રાખવું નહિ; અને જેનો સંગ થાય તે સાથે કોઈ રીતે અંતર રહે નહિ ત્યારે તેનો સંગ થયો જાણવો. (૭૮)

સારંગપુર પ્રકરણમ્ (૧૪, ૧૬)

ભગવાનનું ધામ પ્રાપ્ત થયા પછી તે ધામમાંથી કોઈ કાળે પડાતું નથી. (૧૪)

જેમ સૂર્ય તથા મશાલના પ્રકાશમાં પાપી પાપને માર્ગે ચાલે છે અને પુણ્યવાળા પુણ્યને માર્ગે ચાલે છે તેને સૂર્ય તથા મશાલ સમદ્રષ્ટિએ પ્રકાશ કરી આપે છે, તેમ નરનારાયણ ભગવાન સમદ્રષ્ટિએ સૂર્ય મશાલવત્ તપ રૂપી પ્રકાશ કરી આપે છે પણ પ્રેરણા કરતા નથી. જે જીવ જેવાં કર્મ કરે છે તેને તેવા ફળને પમાડે છે. (૧૬)

કારિયાણી પ્રકરણમ્ (૪, ૫, ૬)

જેનો જીવ અતિ નિર્મળ એટલે સર્વ વાસના ટાળીને શ્રીજીમહારાજના તેજરૂપ થાય છે તે પોતાને વિશે શ્રીજીમહારાજને દેખે છે. અને શ્રીજીમહારાજને વિશે એટલે સર્વાધાર એવું એમનું તેજરૂપ અન્વય સ્વરૂપ તેને વિશે, જે વિશ્વ રહ્યું છે તેને પણ દેખે છે. (૪)

શ્રીજીમહારાજ પોતાના પ્રેમીભક્તોના મનોરથ પૂર્ણ કરવા માટે પ્રગટ થાય છે ને સાથે સાથે અસંખ્ય જીવનું કલ્યાણ કરે છે તથા ધર્મનું સ્થાપન કરે છે, પણ શ્રીજીમહારાજ જીવોનું કલ્યાણ કરવા માટે જ અવતાર ધરે છે એમ નથી, તે તો અવતાર ધારણ કર્યા વિના પણ જીવનાં કલ્યાણ કરવા સમર્થ છે. (૫)

શ્રીજીમહારાજે પોતાના ભક્તને અર્થે પોતાનો દેહ શ્રીકૃષ્ણાર્પણ કરી રાખ્યો છે એટલે કે શ્રીજીમહારાજ જે મન-કર્મ-વચને તેમનો ભક્ત થાય તેને પોતાની મૂર્તિને વિશે રાખે છે એમ દેહ એટલે મૂર્તિ અર્પણ કરી છે. (૬)

લોયા પ્રકરણમ્ (૨, ૪, ૫, ૮, ૯, ૧૧, ૧૩)

કારણ કાર્ય કરતા નાનું હોય ને સૂક્ષ્મ હોય તો પણ મોટા કાર્યની ઉત્પત્તિ કરવાને સમર્થ છે એ જ કારણમાં મોટાઈ છે. ને શ્રીજીમહારાજ મનુષ્ય જેવડા દેખાય છે તો પણ સર્વના કારણ છે ને અનંત કોટી બ્રહ્માંડને ઉત્પન્ન કરવા ને પોતાને વિશે લીન કરવા સમર્થ છે. અને એમના એક એક રોમમાં એટલે કે કિરણોમાં અનંત કોટી બ્રહ્માંડ અણુની પેઠે રહ્યા છે એવું એમને વિશે અલૌકિકપણું ને મોટાઈપણું છે. (૨)

શ્રીજીમહારાજની મૂર્તિ સદાય એક સરખી છે પણ જ્યાં જેવી દેખાડવી જોઈએ તેવી શ્રીજીમહારાજ પોતાની ઇચ્છાએ કરીને દેખાડે છે અને જ્યાં જેટલો પ્રકાશ કરવો ઘટે, ત્યાં તેટલો પ્રકાશ કરે છે અને સદાય દ્વિભૂજ છે તો પણ પોતાની ઇચ્છાએ કરીને ક્યાંક ચતુર્ભુજ, અષ્ટભુજ, અનંત ભુજ દેખાડે છે તથા મચ્છ-કચ્છાદિક રૂપે દેખાય છે. (૪)

પંચવર્તમાન સંબંધી કાચ્યપ, સંતનો અવગુણ આવ્યો હોય તથા ભગવાનના નિશ્ચયમાં અનિશ્ચયનો ઘાટ થયો હોય તે જો સંતની આગળ ન કહે તે કપટી છે. તેવા કપટીનો ગાઢ સહવાસ હોય ત્યારે તેની ખબર રાખે ને નોખો પડે ત્યારે છાની ખબર રખાવે ત્યારે તેનું કપટ ઓળખ્યામાં આવે; અને દંભી માણસનો દંભ જ્યારે તેની પ્રતિષ્ઠાનો ભંગ થાય ત્યારે કળાય ને જેને સંતમાં ગુણ લીધાનો સ્વભાવ હોય તેનો જ સત્સંગમાં દ્રઢ પાયો થયો છે. ને શાસ્ત્રમાંથી ભગવાન તથા સંતનું માહાત્મ્ય સમજવું, સંત પાસેથી ઇંદ્રિયો જીતવાની યુક્તિ શીખવી ને પોતાને વિચારે કરીને પોતાના કલ્યાણને અર્થે તે યુક્તિ સવળી સમજીને માનવી ને તેમ વર્તવું તો ઇંદ્રિય -અંતઃકરણ જીતાય; અને બાહ્ય ઇંદ્રિયો જીતે અંતઃકરણ જીતાય છે. (૫)

જે ડાહ્યો હોય તેને પોતાના અયોગ્ય સ્વભાવ ઉપર અભાવ હોય ને તે અભાવ બીજા સંતને વિશે દેખે તો અભાવ આવે. અને જે પોતાના સ્વભાવને ટાળે નહિ ને બીજા સંતના સ્વભાવ દેખીને અવગુણ લે તે મૂર્ખ છે. (૮)

શ્રીજીમહારાજના વચનામૃત, સત્સંગીજીવન, સત્સંગીભૂષણ, હરિલીલાકલ્પતરુ આદિક પ્રત્યક્ષ, ગ્રંથોના શ્રવણથી વૈરાગ્ય, જ્ઞાન, ભક્તિ ને ધર્મ એ ચારે ઉપજે છે. (૯)

શ્રીજીમહારાજના આશ્રિતોએ શ્રીજીમહારાજનું જ ધ્યાન કરવું, પણ શ્રીજીમહારાજના જે બીજા અવતારો તેમનું ધ્યાન કરવું, નહિ. (૧૧)

શ્રીજીમહારાજ એક જ ભગવાન છે ને અક્ષરપર્યંત કોઈ તેમના જેવા થવા સમર્થ નથી. (૧૩)

પંચાળા પ્રકરણમ્ (૬)

રામચંદ્રજી, અનિરુદ્ધ, વૈરાજનારાયણ તથા ભૂમાપુરુષ તે સર્વેના કારણ ને અવતારી શ્રીકૃષ્ણ છે ને શ્રીકૃષ્ણના અવતારી વાસુદેવબ્રહ્મ છે ને શ્રીજીમહારાજ વાસુદેવબ્રહ્મ આદિક સર્વેના કારણ ને અવતારી છે ને સર્વોપરી છે. (૬)

ગઢડા મધ્ય પ્રકરણમ્ (૩, ૧૧, ૨૦, ૩૪, ૩૫, ૫૨, ૫૩, ૫૮, ૬૦, ૬૧, ૬૨, ૬૫, ૬૬)

રસિક માર્ગવાળા ભક્તો બાઈઓને વિશે મા, બેન, દિકરીનો ભાવ રાખે તો વિકાર ન થાય. અને પ્રકૃતિપુરુષાદિક સર્વેનું કારણ ને આધાર છે એવું જે બ્રહ્મ તે શ્રીજીમહારાજનું તેજ છે ને શ્રીજીમહારાજ તો એ બ્રહ્મના પણ કારણ ને આધાર ને મૂર્તિમાન છે એમ બ્રહ્મજ્ઞાનવાળા ભક્તો સમજે તો નિર્વિઘ્ને પરમપદ જે શ્રીજીમહારાજની હજૂર સેવા તેને પામે છે. (૩)

ધર્મ, અર્થ ને કામને વિશે પ્રીતિ રાખીને સુકૃત કરે તો તેનું ફળ ભોગવીને નરક ચોરાશીમાં જાય છે અને તેના તે કર્મ જો શ્રીજીમહારાજની પ્રસન્નતાને અર્થે કરે તો ભક્તિરૂપ થઈને મોક્ષને અર્થે થાય છે. (૧૧)

દેહાભિમાની જીવ એમ જાણે છે જે, સમાધિવાનને જ્ઞાન ઓછું થઈ જાય છે, પણ સમાધિવાન તો ઇંદ્રિયો - અંતઃકરણથી જુદો પડીને વર્તે છે તો પણ જ્ઞાન વૃદ્ધિ પામે છે. અને પાછો તેમાં મળીને વર્તે તો પણ સમાધિમાં થયેલું જ્ઞાન નાશ થતું નથી. અને એ સમાધિવાન પ્રવૃત્તિ માર્ગનો ત્યાગ કરીને તપાદિકે યુક્ત થાય તો શ્રીજીમહારાજના મુક્તના જેવી સિદ્ધદશા પામે છે. (૨૦)

જીવને વિશે રહેલા માયાના કાર્ય એવા જે ચોવીશ તત્ત્વ તે જડ છે અને માયાના પ્રકાશક મૂળપુરુષ તે ચૈતન્ય તત્ત્વ છે. અને શ્રીજીમહારાજ તો માયાથી ને પુરુષથી ન્યારા છે અને જે જીવ એમનો આશરો કરે તે માયાને તરીને તેમનું તેજ જે બ્રહ્મ તે રૂપ થઈને તેમના ધામને પામે છે. (૩૪)

શ્રીકૃષ્ણ (પરોક્ષના નહિ પણ શ્રી સ્વામિનારાયણ ભગવાનનું જ એક નામ) જે શ્રીજીમહારાજ તેમની મૂર્તિના ધ્યાન વિના કેવળ આત્માને વિચારે કરીને આત્મા દેખાતો નથી. અને આત્મદર્શને કરીને તો એમની ભક્તિમાં વિઘ્ન ન થાય એટલું જ પ્રયોજન છે. પણ કલ્યાણ તો શ્રીજીમહારાજની ઉપાસના, તેમના ચરિત્ર કહેવાં ને સાંભળવા, તેમનું નામ - સ્મરણ કરવું અને પોતપોતાના ધર્મમાં રહેવું તેણે કરીને થાય છે. (૩૫)

ત્યાગીએ મૂર્ખની પેઠે વિચાર્યા વિના ચાળે ચડી જાવું નહિ એટલે કે શ્રીજીમહારાજે ત્યાગીને વનમાં એટલે સ્ત્રીઓના પ્રવેશે રહિત સ્થળ તે વન કહેવાય માટે તેવાં મંદિરોમાં રહેવાની આજ્ઞા કરી છે, તેમાં રહે તે વન કહેવાય ને ધર્મામૃતમાં કહ્યા જે અગિયાર વસ્ત્ર તેથી વિશેષ ન રાખે તે વસ્ત્ર વિના રહ્યા કહેવાય ને કૌપિન હંમેશ પહેરે તે કૌપિનભેર રહ્યા કહેવાય ને ટોપી ઘાલે ને દાઢીમૂછ ન રાખે ને અગિયારમાં એકે વસ્ત્ર ધોળું ન રાખે ને માન-અપમાન સહન કરે તો ચાળે ચડ્યા ન કહેવાય. (૫૨)

જીવને માયિક વિષયમાં રાગ હોય ત્યાં સુધી કાળો કહેવાય, માયિક વિષયમાંથી રાગ ટળી જાય પણ ઐશ્વર્યમાં રાગ હોય ત્યાં સુધી ગોરો કહેવાય, એ બેય પ્રકારની વાસના ટાળીને શ્રીજીમહારાજના તેજરૂપ થઈ પોતાના આત્માને વિશે શ્રીજીમહારાજની મૂર્તિ દેખે તે લાંબો કહેવાય. અને શ્રીજીમહારાજના સાર્ધમ્યપણાને પામીને સાકાર દિવ્ય મૂર્તિમાન થઈને શ્રીજીમહારાજની હજૂરમાં રહે અથવા શ્રીજીમહારાજના તદાકારપણાને પામીને મૂર્તિમાં રહ્યો થકો મૂર્તિના સુખને ભોગવે તે ટૂંકો કહેવાય. (૫૩)

જે સંપ્રદાયમાં જે ઇષ્ટદેવ હોય તે જે હેતુ માટે પૃથ્વી ઉપર પ્રગટ થયા હોય તેના ચરિત્રના શાસ્ત્રથી જ તેના સંપ્રદાયની પુષ્ટિ થાય છે, પણ બીજા ગ્રંથે કરીને થતી નથી. માટે શ્રીજીમહારાજના સંપ્રદાયની પુષ્ટિને અર્થે શ્રીજીમહારાજના ચરિત્રનાં શાસ્ત્ર કરવાં એવી શ્રીજીમહારાજની આજ્ઞા છે. (૫૮)

કોઈ વિક્ષેપ જો સ્વપ્નમાં આવે તો તે વિક્ષેપ ચૈતન્યમાં પેઠો છે એમ જાણવું. (૬૦)

જ્ઞાની કે ત્યાગી હોય તેમણે પણ આ લોકમાં મોટા કહેવાતા હોય તેમનું સન્માન કરવું. (૬૧)

ગૃહસ્થાશ્રમીઓને સંસાર સંબંધી પ્રવૃત્તિ હોય તેમાં જે પાપ થાય, જેમ કે ખૂડતને ખેતીમાં જીવજંતુ મરે, વેપારીને વેપારમાં જીવજંતુ મરે એમ સર્વે વર્ણને પોતપોતાના ઉદ્યમમાં સહેજસાજ પાપ થાય તથા વર્તમાન બહાર સંકલ્પ થઈ જાય તે પાપ જો શ્રીજીમહારાજની મૂર્તિમાં ઉપશમ કરે તો બળે છે, પણ જે પાપનું શાસ્ત્રમાં પ્રાયશ્ચિત બતાવ્યું હોય તે પોપનું તો પ્રાયશ્ચિત કરવું જ પડે. (૬૨)

શ્રીજીમહારાજ જીવોના કલ્યાણ અર્થે પ્રગટ થયા હોય ત્યારે તેમના ભક્તોની ભક્તિને અંગીકાર કરવાને અર્થે પંચવિષયને ભોગવતા હોય તે જોઈને અખતર ડાહ્યા મનુષ્યો શ્રીજીમહારાજને વિશે દોષ પરઠે છે, પણ જો બ્રહ્મસ્થિતિને પામેલા એવા જે આત્મદર્શી સાધુ તેમને પણ મોહ થતો ન હોય તો શ્રીજીમહારાજને તો મોહ હોય જ કેમ? માટે શ્રીજીમહારાજ તો સદા નિર્લેપ છે. (૬૫)

માયાબદ્ધ જીવ નિરાકાર છે. જ્યારે ભક્તનો જીવ શ્રીજીમહારાજના ધ્યાને કરીને અજ્ઞાન મુકાય છે, ત્યારે સાકાર થાય છે. (૬૬)

વરતાલ પ્રકરણમ્ (૬, ૧૩, ૧૭, ૧૮, ૨૦)

પ્રથમ કર્મ વિનાના જીવને કાળદ્વારે શ્રીજીમહારાજ સ્થૂળ દેહ આપે છે, પછી જેવાં કર્મ કરે તેવા દેહની પ્રાપ્તિ થાય છે. અને કર્મથી કાળનું બળ વિશેષ છે ને કાળથી શ્રીજીમહારાજના એકાંતિક ભક્તના શ્રીજીમહારાજની ભક્તિ સંબંધી કર્મનું બળ વિશેષ છે, ને એકાંતિક ભક્તના ભક્તિ સંબંધી કર્મથી શ્રીજીમહારાજનું બળ અધિક છે. (૬)

શ્રીજીમહારાજ એકદેશી થકા સર્વદેશી છે ને પોતાની ઇચ્છાએ કરીને જ્યાં દર્શન દેવા હોય, ત્યાં દર્શન આપે છે અને એકરૂપ થકા અનંતરૂપે ભાસે છે. અને ગ્રંથમાં ભગવાનને વ્યાપક કહ્યા છે તે તો મૂર્તિમાન છે તે જ પોતાની સામર્થીએ કરીને એક ઠેકાણે રહ્યા થકા સર્વને દર્શન આપે છે એમ વ્યાપક કહ્યા છે, પણ આકાશની પેઠે અરૂપ થકા વ્યાપક નથી, પણ મૂર્તિમાન રહ્યા થકા અનંત બ્રહ્માંડમાં ભાસે છે. (૧૩)

શ્રીજીમહારાજને વિશે રહેલા કલ્યાણકારી ગુણોને જાણીને તેમની નવધા ભક્તિએ પોતાનું જીવિતવ્ય પૂરું કરે અને પંચવિષયમાં આસક્ત થાય નહિ, તે જિતેંદ્રિય છે. (૧૭)

શ્રીજીમહારાજના સત્સંગીએ ઉદ્ધવ સંપ્રદાયની રીત જાણવી, ગુરુ પરંપરા જાણવી, ધર્મકુળના સ્થાપનની રીત જાણવી, સંપ્રદાય સંબંધી શાસ્ત્ર જાણવા, સત્સંગીના નિયમ જાણવા, ઇષ્ટદેવને જાણવા, સ્થાનક, સેવક ને કાર્ય તેને ભેદે કરીને મૂર્તિઓનું બહુપણું જાણવું. શ્રીજીમહારાજનું પરોક્ષ ને પ્રત્યક્ષ રૂપ જાણવું ને શ્રીજીમહારાજના જન્મ-કર્મ દિવ્ય જાણવાં. ને શ્રીજીમહારાજના સંબંધને પામે તે સર્વે નિર્ગુણ થાય છે. ને પોતાને વિશે પરમેશ્વરપણાની પ્રતીતિ કરાવવાને અર્થે શ્રીજીમહારાજે દેખાડેલા અનંત રૂપને ભેદે ઉપાસનાના ભેદ કહેવાય પણ સ્થાનકના ભેદે કરીને અનેક લીલાઓ કરી હોય તેણે કરીને શ્રીજીમહારાજના સ્વરૂપને વિશે ઉપાસનાના ભેદ કહેવાય નહિ. (૧૮)

શ્રીજીમહારાજની મૂર્તિ વિના બીજા માયિક આકારને અતિ તુચ્છ ને દુઃખદાયી ને નરકરૂપ જાણીને પોતાને આત્મારૂપ માને તેના હૃદયમાંથી કામાદિકનું બીજ નાશ પામે છે ને તે સર્વ ભક્તથી શ્રેષ્ઠ છે. અને આવી સમજણ ન હોય અથવા તો ભૂંડા દેશકાળનો યોગ થાય તો ખોટ આવે, માટે એવી સમજણ હોય તો પણ કુસંગ તો કરવો જ નહિ. (૨૦)

અમદાવાદ પ્રકરણમ્ (૫)

જીવના નાડી-પ્રાણનો સંકેલો કરવો તથા લાખો માણસોને વશ કરવા તથા મૂર્તિમાન અક્ષરકોટી તથા પોતાના મુક્તોને પણ નિયમમાં રાખવા તે શ્રીજીમહારાજનું અસાધારણ લક્ષણ છે. (૫)

જેતલપુર પ્રકરણમ્ (૧, ૩, ૫)

જ્યારે સર્વે કર્મ અને માયા તેના નાશ કરનારા ને માયાથી પર જે શ્રી પુરુષોત્તમ ભગવાન અથવા તેમના સંત તેમની જીવને પ્રાપ્તિ થાય છે, ત્યારે માયા ઉલ્લંઘાય છે પણ કર્મથી મોક્ષ થતો નથી. કારણ કે કર્મની તો ત્યાં સુધી ગતિ જ નથી. (૧)

એક તો પાંચ વર્તમાન પાળે, બીજું પોતાને આત્મારૂપ માને, ત્રીજું ભગવાન કોઈના સામું જોઈને હસતા હોય અથવા કોઈને બોલાવતા હોય અથવા બીજાં ગમે તેવાં ચરિત્ર કરે તેમાં કોઈ દિવસ અભાવ ન આવે એવી રીતનો નિશ્ચય રાખે; એટલું સમજાય તો સર્વ સમજાયું છે. (૩)

શ્રીજીમહારાજનું કર્યું સર્વે થાય છે ને એમના પ્રતાપે કરીને એમની સભાનું કર્યું પણ થાય છે ને જે શ્રીજીમહારાજને મૂકીને બીજા દેવને ભજે છે તેની ભક્તિ વ્યભિચારિણી સ્ત્રી જેવી છે. (૫)

ગઢડા છેલ્લું પ્રકરણમ્ (૩, ૪, ૬, ૧૩, ૧૫, ૨૫, ૨૬, ૩૩, ૩૯)

ભગવાનના ભક્ત હોય તે જ્ઞાન - વૈરાગ્યે કરીને માયિક ઉપાધિનો ત્યાગ કરીને બ્રહ્મરૂપ થયા હોય તે પણ ભગવાન તથા ભગવાનના ભક્તને વિશે દયા ને પ્રીતિ તેણે યુક્ત હોય છે. ને જે શ્રીજીમહારાજનો ભક્ત ન હોય ને કેવળ આત્મજ્ઞાન ને વૈરાગ્યે કરીને માયિક ઉપાધિ ટાળીને સત્તામાત્ર વર્તતો હોય તેને તો સાધનદશામાં શ્રીજીમહારાજની ઉપાસનાએ રહિત કેવળ આત્મજ્ઞાની એવા કુસંગીનો પાશ લાગ્યો છે તેને શ્રીજીમહારાજ ને તેમના ભક્તને વિશે દયા ને સ્નેહ રહેતાં નથી. (૩)

પાપી મનુષ્ય બોલતાં ચાલતાં મરે તો પણ નરકે જાય અને શ્રીજીમહારાજનો ભક્ત બાધિતાનુવૃત્તિને યોગે બેશુદ્ધ થઈને દેહ મૂકે તો પણ શ્રીજીમહારાજને જ પામે છે. (૪)

શ્રીજીમહારાજની ભક્તિ કરતાં કાંઈક અપરાધ થઈ જાય તો તે દોષ જીવનો સમજવો, પણ ઇંદ્રિયો - અંતઃકરણનો વાંક કાઢવો તે મૂર્ખાઈ છે. અને જીવને ન ગમતો ઘાટ મન કરે તો તે જીવ નિર્મળ હોય તો ન માને ને મલિન ને પાપે યુક્ત હોય તો માને તો તે મન એ જીવને કલ્યાણના માર્ગમાંથી પાડી નાખે, આવી રીતે જે સમજે તેને કુસંગ અડી શકે નહિ ને નિર્વિઘ્ન થકો શ્રીજીમહારાજનું ભજન કરે. (૬)

શ્રીજીમહારાજના ભક્તને તો શ્રીજીમહારાજની ઇચ્છા એ જ પ્રારબ્ધ છે, માટે શ્રીજીમહારાજની ઇચ્છાએ કરીને ગમે તેવું સુખ-દુઃખ આવે તેમાં કોઈ રીતે અકળાઈ જવું નહિ, ને ભગવાન રાજી તેમ જ રાજી રહેવું. (૧૩)

ભૂંડા દેશ - કાળાદિકને યોગે કરીને પંચવિષયના ઘા લાગ્યા હોય તે નવધા ભક્તિ માંહીલી જે ભક્તિએ કરીને પંચવિષયનું સ્મરણ ન થાય તે અંગમાં રહીને શ્રીજીમહારાજની માનસી પૂજા, નામ-સ્મરણ કરવું તો અતિશે સમાસ થાય, ને જે પોતાના અંગને ન ઓળખે તેને સુખ થાય નહિ. (૧૫)

માન, ક્રોધ તથા કોઈથી દબાઈને રહેવું એટલે જેને જેમ કહેવું ઘટે તેને તેમ કહેવામાં તેનાથી દબાઈને તેની મહોબતમાં લેવાવું તે તો અતિશે ભૂંડું છે તથા માંહોમાંહી બેરાબરિયાપણું રહે તે પણ અતિશે ભૂંડું છે. (૨૫)

જેને આત્મનિષ્ઠા હોય ને શ્રીજીમહારાજનું માહાત્મ્ય બહુ જાણતો હોય ને એમ જાણે જે હું નિષ્કામાદિક ધર્મ નહિ પાળું તો શ્રીજીમહારાજ કુરાજી થશે એવી સમજણ હોય તો ધર્મથી પડે નહિ. (૨૬)

પોતાના આત્માને પ્રકાશરૂપ અને સત્તારૂપ માને ને તેને વિશે શ્રીજીમહારાજની પ્રત્યક્ષ મૂર્તિ વિરાજમાન છે એમ સમજે, ને શ્રીજીમહારાજની મૂર્તિ વિના બીજા પ્રાકૃત આકારને અસત્ય ને દોષે યુક્ત સમજે તેની બુદ્ધિમાં કોઈ જાતનો ભ્રમ થાય નહિ અને એવાને પણ માન, દ્રવ્ય તથા રૂપવાન સ્ત્રીઓનો યોગ થાય તો ઠેકાણું રહે નહિ, માટે એનો યોગ થવા દેવો નહિ. (૩૩)

દેહને વિશે અહંબુદ્ધિ ને દેહ સંબંધી પદાર્થને વિશે મમત્વબુદ્ધિ એ જ માયા છે, તે એ માયાને ટાળે તે માયાને તર્યો કહેવાય, ને એ માયાને ટાળીને ભગવાનમાં પ્રીતિ કરવી એ સર્વ શાસ્ત્રનો સિદ્ધાંત છે. અને એ સિદ્ધાંત ગમે ત્યારે પણ સમજ્યા વિના છૂટકો નથી. અને શ્રીજીમહારાજ એક જ ભગવાન છે, પણ એમના જેવો કોઈ થતો નથી એવું સમજાય તેને કાંઈ કરવું બાકી રહેતું નથી. (૩૯)