૨ - સદગુરુ શ્રી મુક્તાનંદ સ્વામી
જેમ સૂર્યોદય પહેલાં સૂર્યની કિરણો દેખાય છે, વર્ષાના આગમન પહેલાં પવન ફૂંકાય છે અને મોરનાં ટહુકા સંભળાય છે. તેવી જ રીતે સૂર્યરૂપ પૂર્ણપુરુષોત્તમનું આ પૃથ્વી પર આગમન પહેલાં તેમની કિરણોરૂપી તેમના મુક્તોનું પ્રાગટ્ય જુદી - જુદી જગ્યાએ, જુદી - જુદી જ્ઞાતિમાં અને જુદા - જુદા ઘરોમાં પ્રગટ થઈ પ્રકાશ ફેલાવતા હતા. આમાંની એક કિરણ અમરેલી ગામમાં રામાનુજ સંપ્રદાયના જગ્યાધારી મૂળદાસના આશ્રમમાં સં. ૧૯૧૪ના પોષ વદી સાતમના દિને પ્રકાશિત થઈ પ્રકાશ ફેલાવા લાગી. આ કિરણને પ્રકાશિત કરનાર હતા માતા રાધાદેવી અને પિતા આનંદરામ. બાળક શ્રીજીમહારાજની કિરણ હોઈ તેમાં કાંઈ કહેવાનું ન હોય. અને માટે જ તેમના કાંતિ અને રૂપ જોઈને માતા - પિતાએ તેમનું નામ મુકુંદદાસ પાડ્યું. અમથું-અમથું પણ હેત આવે તેવા રૂપાળા અને સોનામાં સુગંધ ભળતી હોય તેમ નાનકડા મુકુંદદાસને ભગવાને કંઠ પણ સુમધુર આપ્યો હતો. તેઓ જ્યારે રામની ચોપાઈઓ ગાતા, ત્યારે ભક્તોની ભીડ એકઠી થઈ જતી. સંત મૂળદાસ અને આનંદરામના સાંનિધ્યમાં તેમનો ઉછેર થવા લાગ્યો.
નાનપણમાં જ પોતાની બુદ્ધિ દ્વારા ભગવાન પ્રત્યે સાચો અનુરાગ, જગત પ્રત્યે વૈરાગ્ય અને ભગવાન સિવાય બધું નાશવંત છે તે સમજી લીધું. સદગુરુઓના વચન તો તલ્લીન થઈ સાંભળતા. આમ ધીરે-ધીરે તેઓ મોટા થતા ગયા, પરંતુ જગત સુખની તુચ્છતા અને પ્રભુ સુખની સરસતાને તેઓ ક્યારેય વિસારી શક્યા નહિ. મનમાં ઉત્કંઠા સેવતા કે અખંડ બ્રહ્મચર્ય પાળી, સાચા સદગુરુની શોધ કરી, પ્રત્યક્ષ ભગવાનનાં દર્શન કરવા, પરંતુ અનાદિકાળની જે રીત ચાલી આવી છે તેમ અને દરેક માતા-પિતાની જે જીવનની અભિલાષા હોય છે તેવી જ રીતે રાધાદેવી અને આનંદરામની પણ ઇચ્છા હતી કે પોતાનો પુત્ર ગૃહસ્થાશ્રમમાં રહી ઘર સંભાળે અને પોતાની સેવા - ચાકરી કરી તેમનો જનમ સુફળ કરે. શાંત અને સરળ સ્વભાવના મુકુંદદાસ પોતાના માતા-પિતાને પોતાની ઇચ્છા સમજાવી ન શક્યા અને તેમની આના-કાની છતાંય માતા-પિતાએ તેમના લગ્ન કર્યાં. આમ કુટુંબના ભરણ-પોષણની જવાબદારી મુકુંદદાસ પર આવી. અચળ મેરૂ પર્વત કદાચ ચલાયમાન થાય, પરંતુ મુકુંદદાસ તેમના નિશ્ચયમાંથી ચલાયમાન થાય તેમ ન હતા. આજીવિકા ખાતર અમરાપર ગામમાં જઈ વસ્યા ત્યાં મંદિરમાં સેવા કરવાનું કાર્ય સ્વીકાર્યું. લોકોને આ દેહરૂપી ઘર નાશવંત છે તેનો ભરોસો નથી. એવા ઉપદેશો આપવા લાગ્યા, પરંતુ પોતાના મનમાં સાચાગુરુની શોધ એ વાત ક્યારેય વિસરાતી નહિ. દિવસ અને રાત મન મુંઝાયા કરતું અને વિચારતું, સંસાર અને સન્યાસને મેળ નથી. આ બધામાંથી ક્યારે છૂટાશે?
ખરા ભક્તની સહાયમાં પ્રભુ સદાય તૈયાર જ હોય છે. કાયમ વિચારતાં એક દિવસ તેમને માર્ગ સૂઝી આવ્યો. સાચા ગુરુની શોધ માટે ભગવાનને ખાતર ગાંડા બન્યા. અને આખો દિવસ 'રામ ઘટા-ઘટ મવડી ફૂલી.' એમ બોલ્યા કરે અને ગલીઓમાં ફર્યા કરે. જે વિદ્વાન મુકુંદદાસ બધાને રામની ચોપાઈઓ સંભળાવતા ત્યારે માનવ મેદની તે સાંભળવા એકઠી થઈ જતી. તે જ મુકુંદદાસ આજે લોકોની હાંસીનું પાત્ર બન્યા હતા. લોકો હવે તેમને માન આપવાને બદલે પથ્થર મારતા. આવા તો કેટલાય કષ્ટો ગૃહત્યાગ કરવા તેમણે સહન કર્યાં, કેટલો બધો વૈરાગ્ય!
અને પછી ગામધણી જે કાઠી હતા તેમની મદદથી ગૃહત્યાગ કરી વનમાં સાચાગુરુની શોધમાં ચાલી નીકળ્યા. ઘણાય ગુરુઓ પાસે રહ્યા. પછી ધ્રાંગધ્રામાં દ્વારકાદાસ પાસે ગયા અને પોતાની ઇચ્છા વ્યક્ત કરી, પણ જવાબ નિરાશાજનક મળ્યો. એટલે ત્યાંથી વાંકાનેરના કલ્યાણદાસ પાસે ગયા. આ સાધુનો બાહ્યાડંબર એટલો બધો હતો કે લોકો અંજાઇ જતા. તે કૌપીને તાળું મારતો અને ચાવી ચેલા પાસે રાખતો, પરંતુ આ બધું બાહ્ય રીતે હતું. આંતર મનમાં તો તેને ચાલીસ વર્ષ જૂનું એક સ્ત્રીના હાથનું લટકું વસી ગયું હતું. જેને તેઓ વિસારી શકતા ન હતા. આવું સાંભળતા મુકુંદદાસના મનોમંથન વધી ગયાં અને મુંઝાઈને આત્મહત્યા કરવા ગયા. ત્યારે ત્રણ વખત આકાશવાણી થઈ કે તમે સરધાર જાઓ ત્યાં તમારી મનોકામના પૂર્ણ થશે.
આથી તેઓ સરધાર ગયા અને ત્યાં તુલસીદાસના શિષ્ય બન્યા. તુલસીદાસને પોતાના ગુણોથી આંજી દીધા. જેથી ત્યાંના મહંત પણ બન્યા, પરંતુ મનમાં તેમને લાગ્યા કરતું કે કાંઈક ખૂટે છે. તેમને થતું ક્યારે આવશે એ દિવસ કે જેમના દર્શન થતા હૈયામાં હા પડી જાય. મનમાં શાતા વળે. અને એ દિવસ આવ્યો. તેમના જીવનમાં સોનાનો સૂરજ ઉગ્યો. તે દિવસે સદગુરુ રામાનંદસ્વામી સરધારમાં પધાર્યા હોવાથી મુકુંદદાસની કથામાં કોઈ ન આવ્યું. જાણ થતાં મુકુંદદાસ પણ શ્રોતા બની તેમને સાંભળવા બેસી ગયા. કેટલી બધી સાધુતા! કેટલું નિર્માનીપણું! ઈર્ષાભાવે તુલસીદાસે તેમને રામાનંદસ્વામીને સાંભળવા જવાની ના પાડી. જેથી રામાનંદ સ્વામીએ પણ ના પાડી, તો પોતે વરસતા વરસાદમાં નેવા નીચે પાણીની ધાર માથા પર ઝીલતા પણ રામાનંદસ્વામીને સાંભળવા ગયા. કેટલી વિશાળતા! કેટલી મુમુક્ષુતા! અને પછી તુલસીદાસના સદાવ્રતમાં બધું આપી દેતાં તુલસીદાસે કાઢી મૂક્યા. તુલસીદાસ પાસેથી રજા ચિઠ્ઠી મેળવી, રામાનંદસ્વામીના શિષ્ય બની, તેમની સાથે રહ્યા. સાચા ગુરુના સાનિધ્યમાં રહેવા કેટ-કેટલું કર્યું, નહિ તો તુલસીદાસનાં આશ્રમમાં શું નહોતું? બધું જ હતું. પોતે મહંત હતા, દરરોજ કથા કરતા, કેટલાય લોકો માન આપતાં છતાં સર્વ ત્યાગ કરી રામાનંદસ્વામીના ચરણનું શરણ લીધું. રામાનંદસ્વામીએ પણ પરીક્ષા કરી. મૂળુભાઈને ત્યાં હળ હાંકવાનું કહ્યું. જીવનમાં ક્યારેય ન કરેલું કાર્ય હોવા છતાંય સહર્ષ તે કાર્ય સ્વીકારી લીધું અને સ્વામીનો રાજીપો પ્રાપ્ત કર્યો. જ્યાં સુધી સાચી વસ્તુ હાથ ન લાગી, ત્યાં સુધી શોધ્યા કર્યું. તે માટે કેટલાય કષ્ટો વેઠ્યાં અને જ્યારે અંતરમાંથી હા પડી, ત્યારે સર્વસ્વ સમર્પી દીધું. થોડા સમય બાદ સ્વામીએ તેમને દીક્ષા આપી અને મુક્તાનંદ નામ પાડ્યું. કિંમતી હીરો જેમ છુપો રહી શકતો નથી, તેમ મુક્તાનંદ સ્વામીના ગુણો પણ છુપા ન રહી શક્યા અને તેઓ રામાનંદસ્વામીના માનવંતા અગ્રણી બની લોજ ગામમાં રહેવા લાગ્યા.
જેમના માટે મુકુંદદાસ ગૃહત્યાગ કરી રખડી-રખડીને છેલ્લે મુક્તાનંદ બન્યા તે દિવસ આવી ગયો. લોજ ગામમાં જાણે એ દિવસે અમૃતની વર્ષા થઈ. અનંત ધામના ધણી વર્ણી વેષે ગામમાં આવીને બેઠા હતા. સુખાનંદસ્વામી જ્યારે તેમને આશ્રમમાં લાવ્યા, ત્યારે ચંદ્રને જોતાં જેમ સમુદ્રમાં ભરતીના લોઢ ઉછળે છે તેમ મહારાજનાં દર્શન થતાં મુક્તાનંદસ્વામીને ભાવનાના મોજાં ઉછળ્યાં. અનિમેષ દ્રષ્ટિએ શ્રીહરિને જોઈ રહ્યા. શ્રીહરિ પણ કે જેઓ ગૌદોહન પણ એક સ્થાનમાં રહેતા નહિ તે મુક્તમુનિના કહેવાથી ત્યાં રોકાઈ ગયા. અને મુક્તમુનિને પોતાના ગુરુ માની તેમની સેવામાં રહ્યા. મુક્તાનંદસ્વામીની સાધના તો આજે સફળ થઈ હતી. તેમને વર્ણી પ્રત્યે અનેરું આકર્ષણ થતું તેથી જ કેટલાય વખતથી પોતે આશ્રમ સંભાળતા હતા. વયમાં શ્રીહરિ કરતાં લગભગ ત્રેવીસ વર્ષ મોટા હતા, છતાંય શ્રીજીએ જ્યારે દીવાલમાનું બાકોરું બુરવાનું કહ્યું, ભાઈ-બાઈની સભા જુદી કરવી વગેરે સૂચનો આપ્યાં તે પોતાની મોટાઈ ન દાખવતાં સહર્ષ સ્વીકારી લીધા. આ જેવી - તેવી વાત નથી! ચીંધનાર વ્યક્તિ ગમે-તે હોય, પરંતુ પોતાને સાચી લાગતી વાતનું પાલન તરત કરતા. અને તે પણ જરાયે ખચકાટ કે સંકલ્પ વગર. એક વખત જ્યારે મહારાજ ધ્યાન શીખવતા હતા અને પોતાનું મન નવી તુંબડીમાં ગયું અને મહારાજે ટકોર કરતાં તરત જ પોતે તુંબડી તોડી નાંખી અને બોલ્યા, 'મન બંધાય એવો સંગ્રહ સાધુએ ન કરવો.'
રામાનંદસ્વામીએ જ્યારે મહારાજને ગાદી સોંપી, ત્યારે પોતાની વય કે જુનાપણાની સહેજ પણ માનીનતા રાખ્યા વગર આનંદ સહિત તે વાત માન્ય રાખી. પ્રભુએ જ્યારે સમાધિ પ્રકરણ ચલાવ્યું, ત્યારે પ્રથમ તેમને શંકા થઈ પણ જ્યારે રામાનંદસ્વામીએ દર્શન આપી વાત કરી, ત્યારે શંકાની ગાંઠ છૂટી ગઈ. ગાત્રો પુલકિત થઈ નાચી ઊઠ્યા અને મહારાજને નિઃસંકોચ રામાનંદસ્વામીની ગાદી પર બેસાડી પશ્ચાતાપ કરવા લાગ્યા કે મહારાજ ડુટીમાં કસ્તુરી અને કસ્તુરી માટે વલખાં મારતો રહ્યો. પછી મહારાજને ફૂલહાર પહેરાવી આરતી ઉતારી જે અત્યારે સારાયે સંપ્રદાયમાં ઉપહારરૂપ છે.
સ્વામીનારાયણ સંપ્રદાયમાં સાધુઓએ જેટલું સહન કર્યું છે તેટલું તો કોઈ સંપ્રદાયમાં કોઈએ નહિ કર્યું હોય! શાંત સરળ સ્વભાવના સંતો વાતો કરે જેથી લોકો આકર્ષાય અને સત્સંગી થાય તે પાખંડીઓથી સહન ન થાય. તેથી તેઓએ નક્કી કર્યું કે સંપ્રદાયના અગ્રણીઓને મારી નાંખવા. તેમાં એક વખત મુક્તાનંદ સ્વામીને ચંદન ચર્ચવાના બહાને તેમાં ઝેર ભેળવીને લાવ્યા. ઝેર એટલું કાતિલ હતું કે ચંદન ચર્ચનારના હાથની ચામડી ઉતરી ગઈ. મહારાજે મુક્તમુનિની ઝેર થકી રક્ષા કરી, પણ ત્યારબાદ મુક્તમુનિ માથા પર તડકો સહન કરી શક્તા નહિ. તેથી મહારાજે તેમને માથે રૂમાલ કે ટોપી પહેરી માથું ઢાંકવા કહેલું. એક વખત બધા સંતો રસ્તામાં ચાલતા જતા હતા, ત્યારે કોઈ એમ બોલ્યું કે ઉઘાડા માથાવાળા તો સ્વામિનારાયણના સાધુ છે, પણ આ માથે ટોપી પહેરી છે તે કોણ છે? આવું સાંભળતાં ભલે કષ્ટ પડે પણ જે વેષ મને સ્વામિનારાયણનો ન કહેવડાવે તે વેષ ન રાખવો. એમ કહી તરત જ ટોપી કાઢી નાંખી.
શ્રીજીમહારાજ તેમને ગુરુ માનતા અને તેમની મર્યાદા રાખતા. તેઓ પાસે હોય ત્યારે હાસ્ય-વિનોદ પણ ન કરતા. મુક્તમુનિના દયાળુ સ્વભાવને કારણે મહારાજે તેમને 'સત્સંગની મા' એ બિરુદ આપ્યું હતું. મુક્તમુનિ શ્રીજીને દાસભાવે સેવતા અને તેમને વિશ્વાસનું અંગ હતું. મહારાજ દિવસને રાત કહે અને રૂમાલને તલવાર કહે તો જીવમાંથી હા પડતી. શ્રીજીમહારાજ પણ કહેતા કે મુક્તમુનિ કોઈ જીવનો હાથ ઝાલી ફેંકે તો સીધો અક્ષરધામમાં જાય, તેવું તેમનામાં બળ છે. અને સંકલ્પ કરે તો ધામમાં પહોચાડે તેવું તેમના સંકલ્પમાં સામર્થ્ય છે. જ્યારે પણ શ્રીજીને તેઓ પ્રશ્ન પૂછતા, ત્યારે હે મહારાજ! કહીને બે હાથ જોડીને જ પૂછતા. તેઓને પોતાની વાણી પર એટલો વિશ્વાસ હતો કે તેઓ મહારાજને કહેતા કે તમારા પ્રતાપથી મારી વાણીમાં એવો પ્રભાવ છે કે પથ્થર જેવો જીવ હોય તે પણ મારી વાણી સાંભળે તો પીગળીને તમારો આશ્રિત થાય. જોબનપગી જેવા લૂટારુ મુક્તમુનિની વાણી સાંભળીને જ મહારાજના આશ્રિત થયા હતા, તે તેનું સચોટ ઉદાહરણ છે.
તેઓ સાધુતાના લક્ષણની પરાકાષ્ઠારૂપ હતા. મહારાજે તેમની બહેનને ઉપદેશ કરવાની આજ્ઞા કરી હોવા છતાંય તેમ ન કરતાં સમગ્ર બહેનોને હિતકારી એવું એક કીર્તન 'મોહનને ગમવાને ઇચ્છો માનુની' રચીને આપ્યું. જે વાંચી તેમના બહેન પણ ત્યાગી થઈ ગયાં. તેવો એ કીર્તનનો પ્રભાવ હતો. મહારાજ જ્યારે લગ્નનાં ગીતો અને ફટાણાં સાંભળી ઉદાસ થયા, ત્યારે મુક્તાનંદ સ્વામીને લગ્નના ઢાળનાં કીર્તન રચવા કહ્યું. તે આજ્ઞાનુસાર તેમણે સુંદર કીર્તનો રચી મહારાજનો રાજીપો પ્રાપ્ત કર્યો.
જ્ઞાન પ્રાપ્તિ માટે ઉંમર નડતરરૂપ નથી, તે મુક્તાનંદ સ્વામીએ સાબિત કરી બતાવ્યું. બેત્તાલીસ વર્ષની વયે સંસ્કૃત શીખ્યા અને એ જમાનામાં છોટી કાશી કહેવાતા એવા વડોદરાના પંડિતો સાથે શાસ્ત્રાર્થ કરી દિગ્વિજય પ્રાપ્ત કર્યા. શ્રીહરિએ તેમને આજ્ઞા કરેલી કે જીવનના છેલ્લા શ્વાસ સુધી તમારે સંપ્રદાયનાં સાહિત્યનું સર્જન કરવું. તે આજ્ઞાનું અંતિમ શ્વાસ સુધી પાલન કર્યું. તેમણે
(૧) ધર્માખ્યાન (૨) પંચરત્ન (૩) વિવેક ચિંતામણી (૪) ઉધ્ધવ ગીતા (૫) સત્સંગ શિરોમણી (૬) સતી ગીતા (૭) શિક્ષાપત્રી (૮) મુકુન્દ બાવની (૯) ધામ વર્ણન ચાતુરી (૧૦) વાસુદેવાવતાર ચરિત્ર (૧૧) અવધૂત ગીતા (૧૨) ગુરુ ચોવીશી (૧૩) કૃષ્ણ પ્રસાદ (૧૪) નારાયણ ચરિત્ર (૧૫) નારાયણ કવચ (૧૬) વૈકુંઠધામ દર્શન (૧૭) ભગવત્ ગીતા ભાષા ટીકા (૧૮) કપીલ ગીતા (૧૯) નારાયણ ગીતા (૨૦) રૂકમણી વિવાહ (૨૧) ગુણ વિભાગ.
આ ઉપરાંત સંસ્કૃતમાં :
(૧) હરિવાક્યસુધાસિંધુ (અન્ય સદગુરુઓ સાથે) (૨) બ્રહ્મ સૂત્રભાષ્ય (૩) સત્સંગી જીવન માહાત્મ્ય (૪) હનુમંત અષ્ટોતરશત નામાવલિ (૫) નિર્ણય પંચક (૬) હનુમંત કવચ મંત્ર પુરશ્ચરણ વિધિ સ્તોત્ર. આટલા ગ્રંથોની રચના કરી. ઉપરાંત નૃત્ય કળામાં તેઓ પ્રવીણ હતા. વૈદું પણ જાણતા અને નાડી પરીક્ષામાં નિપુણ હતા. માટે જ શ્રીજીએ જ્યારે છેલ્લો મંદવાડ ગ્રહણ કર્યો, ત્યારે મુક્તિમુનિને નાડી તપાસવાનું કહ્યું હતું. નાડી તપાસતાં મુક્તમુનિ પોતે ધબકારો ચૂકી ગયા અને મહારાજ સામે જોયું. મહારાજે કહ્યું, મુક્તમુનિ તમારા દુઃખને હૃદયમાં છૂપાવી રાખો અને સર્વેને આશ્વાસન આપજો. સત્સંગની મા તરીકે સર્વેને તમારી જરૂર છે. તે આજ્ઞા માની શ્રીજી સ્વધામ પધાર્યા બાદ સર્વેને આશ્વાસન આપ્યું. સર્વેને હૈયાધારણ હતી કે બાપ ગયા પણ મા તો છે ને! પરંતુ તે હૈયાધારણ લાંબો સમય ન રહી. શ્રીજીમહારાજના સ્વધામ ગમનનાં દોઢ માસ બાદ જ શ્રીજીમહારાજની આજ્ઞા મુજબ ગ્રંથ લખવા કલમ ઉપાડી, પણ તે હાથમાંથી પડી ગઈ. નિત્યાનંદસ્વામીએ કલમ ઉપાડી કહ્યું કે, અધૂરો ધર્માખ્યાન ગ્રંથ પોતે પૂરો કરશે. પછી પોતે ગોપીનાથજીની મૂર્તિ આગળ આવી ગદ્-ગદ્ થઈ કહેવા લાગ્યા વાયદાનો દિવસ આવી ગયો. કૃપા કરીને દાસને સેવામાં બોલાવી લો મારા નાથ! મહારાજે ગોપીનાથજીની મૂર્તિમાંથી દર્શન આપી હાર પહેરાવ્યો. પછી મુક્તમુનિ આસને આવી અને પદ્માસન વાળી બેસી ગયા.
સૂર્યની આ કિરણ સૂર્યમાં લીન થઈ ગઈ, પણ ત્યારે અંધકાર ન હતો કે ન હતી નિરાશા. તેમના જ્ઞાનનો પ્રકાશ અનેક ભક્તના હૃદયમાં પ્રકાશી રહ્યો હતો. તેમના સાદગીભર્યા જીવનની ઝાંખી સત્સંગમાં ઝલકાતી હતી. તેઓએ વ્યતિત કરેલું જીવન ભક્તોનું આદર્શ બની ચૂક્યું હતું અને ત્યાં હાજર રહેલા દરેક ધન્યતા અનુભવી રહ્યા હતા.