૭ - આત્મજ્ઞાન

ગઢડા પ્રથમ પ્રકરણમ્ (૨૦, ૨૫, ૪૪)

અંતરવૃત્તિએ કરીને પોતે પોતાને ન જાણે ને ન જુએ તે અતિશે અજ્ઞાની છે. તે અંતરવૃત્તિ એટલે દેહભાવ ભૂલીને પોતાના ચૈતન્યને શ્રીજીમહારાજના તેજરૂપ અક્ષરધામ, તે રૂપ માનીને તે આત્માકારે વૃત્તિ કરીને તેમાં શ્રીજીમહારાજની મૂર્તિને ધારવી તે. (૨૦)

જેને એકલા સાધનનું બળ હોય પણ ભગવાનના નિશ્ચય તથા આત્મજ્ઞાનનું બળ હોય ને તેને ઇંદ્રિયો - અંતઃકરણ પોતાને વશ હોય તો ય પણ અંતર સૂનું રહે છે. ને સમાધિવાળાને પણ સમાધિમાં જ્યારે અતિશે તેજ દેખાય છે ને અતિશે નાદ સંભળાય છે ત્યારે જો દેહ થકી પોતાનું સ્વરૂપ જુદું સમજવારૂપી આત્મજ્ઞાન ન હોય તો ધીરજ રહેતી નથી ને કાયરપણું આવી જાય છે. (૨૫)

પોતાને દેહથી પૃથક્ આત્મારૂપે માનીને તે આત્માને શ્રીજીમહારાજના તેજરૂપ જે અક્ષરબ્રહ્મ તે રૂપ સમજ્યા વગર દેહ ને દેહના સંબંધીમાંથી અહંમમત્વ ટળતું નથી. (૪૪)

સારંગપુર પ્રકરણમ્ (૪, ૧૨, ૧૫)

પોતાના ચૈતન્યને ત્રણ દેહથી પૃથક્ માનીને શ્રીજીમહારાજની મૂર્તિનું ચિંતવન કરે તે દ્રઢ વિવેકી છે. ને દેહરૂપ માનીને એક ક્ષણવાર પણ જો સ્ત્રીનું ચિંતવન કરે તે ગોબરો છે. (૪)

પરિપક્વ જ્ઞાનીને આત્માનું અભિમાન દ્રઢ રહે છે. ને સંકલ્પનું બળ હોય ત્યારે વિષયને વિશે દોષ, દુઃખ ને નાશવંતપણું વિચારવું અને આત્માનું અજર, અમર, સુખરૂપ, સત્તારૂપ, અવિનાશીપણું વિચારવું ને એવે વિચારે કરીને જ્યારે ઇંદ્રિયોની વૃત્તિ વિષયમાંથી પાછી વળીને સ્થિર થાય ત્યારે ધ્યાન કરવું. (૧૨)

આત્મનિષ્ઠા ને વૈરાગ્યવાળા ભક્તને શ્રીજીમહારાજનું પ્રત્યક્ષપણું રહે છે તેથી એને કુસંગનો યોગ લાગતો નથી. (૧૫)

લોયા પ્રકરણમ્ (૧૫)

ઇંદ્રિયો દ્વારે લક્ષ થાય તેને સમગ્ર આત્મા નથી દેખાતો, જ્યારે નિરાવરણ દ્રષ્ટિ થાય ત્યારે જ યથાર્થ આત્મા દેખાય છે. (૧૫)

ગઢડા મધ્ય પ્રકરણમ્ (૨, ૩૦, ૩૨, ૪૩, ૪૫, ૫૦, ૫૫, ૫૭)

જેને આત્યંતિક કલ્યાણ પામવું હોય ને મુક્ત થવું હોય તેને ઇંદ્રિયો દ્વારે વિષયનો માર્ગ આત્મવિચારે કરીને બંધ કરવો ને આત્મસુખ વતે પૂર્ણ રહેવું ને પોતાને બ્રહ્મ જે શ્રીજીમહારાજનું તેજ તે રૂપ માનીને તે ચૈતન્યમાં શ્રીજીમહારાજની મૂર્તિ ધારવી, તો ઇંદ્રિયો દ્વારે થઈને અંતઃકરણમાં આવેલા વિષય નિવૃત્ત થાય છે ને તેનું કલ્યાણ થાય છે. (૨)

શુદ્ધ ચૈતન્ય બ્રહ્મ જે શ્રીજીમહારાજનું તેજ તે રૂપ થઈને પરબ્રહ્મ જે શ્રીજીમહારાજ તેમનું ભજન કરે ને શ્રીજીમહારાજ વિના બીજેથી વૈરાગ્ય પામે, તેને સોનું ને સ્ત્રી બંધન કરે નહિ. (૩૦)

ત્રણ દેહથી નોખો પોતાના જીવાત્માને જાણીને તેને વિશે શ્રીજીમહારાજને ધારીને એમનું સ્મરણ કરે તો દેહના સંબંધી તથા ઇંદ્રિયો - અંતઃકરણનો સંબંધ ટળી જાય છે. ને શ્રીજીમહારાજ પોતાનો ભક્ત દેહ મેલે ત્યારે પોતાના સ્વરૂપ વિના બીજે પ્રીતિ ન રહે તે સારુ આત્મજ્ઞાન ને વૈરાગ્ય તે ભક્તને વિશે પ્રેરે છે. (૩૨)

આત્મારૂપે રહીને જ ભગવાનને વિશે પ્રીતિ કરવી ને તે પ્રીતિને જ મોટા મોટા આચાર્યોએ બ્રહ્મસ્વરૂપ કહી છે. (૪૩)

જો દેહરૂપે વર્તાય તો શ્રીજીમહારાજની આજ્ઞા પળાય નહિ ને શ્રીજીમહારાજના સંત-હરિજનના સમુદાયમાં રહી શકાય નહિ માટે આત્મસત્તારૂપે રહેવું. એટલે આત્મારૂપ થઈને શ્રીજીમહારાજની ભક્તિ કરવી ને જો તેમાં કસર રહી જાય તો બદરિકાશ્રમ તથા શ્વેતદ્વીપમાં જવું પડે. (૪૫)

સર્વથી પર એકરસ પરિપૂર્ણ એવું જે શ્રીજીમહારાજના તેજરૂપ અક્ષરબ્રહ્મ તેને વિશે પોતાના આત્માને લીન કરીને તેમાં શ્રીજીમહારાજ તથા તેમના મુક્ત સદા દિવ્ય સાકાર મૂર્તિમાન રહ્યા છે તેમાં અખંડ પ્રીતિ જોડી રાખવી. (૫૦)

અંતરમાં એમ વિચાર કરવો જે આપણે તો દેહ થકી પૃથક્ આત્મા છીએ, પણ દેહ જેવા નથી ને આત્માને વિશે રખે રજોગુણ, તમોગુણ આદિક કોઈક માયાનો ભાગ મળી જાય નહિ તેને ઘડીએ ઘડીએ તપાસતા રહેવું તો એક કંચનરૂપ આત્મા જ રહે. (૫૫)

સત્તારૂપ આત્માને વિશે માયા ને માયાનાં કાર્ય જે ત્રણ ગુણ ને દેહ-ઇંદ્રિયો-અંતઃકરણ તેનું આવરણ નથી ને આત્મસત્તારૂપે રહેવાથી ભગવાનને વિશે કોઈ રીતનો દોષ પરઠાતો નથી ને આત્માના પ્રકાશમાં રહ્યો જે વિચાર તે આત્મા વિના બીજા પદાર્થનો નાશ કરી નાખે છે. (૫૭)

અમદાવાદ પ્રકરણમ્ (૨)

જે જ્ઞાન પ્રલયે કરીને માયિક ઉપાધિને ત્યજીને બ્રહ્મરૂપ એટલે શ્રીજીમહારાજના તેજરૂપ થઈને તેમને ભજે છે તેને કોઈ કાળે માયિક ઉપાધિ વળગતી નથી. અને તે જીવોનાં આત્યંતિક કલ્યાણ કરવાને અર્થે સ્વતંત્રપણે દેહ ધરે ને મૂકે એવો સમર્થ થાય છે. (૨)

ગઢડા છેલ્લું પ્રકરણમ્ (૨૧)

દેહના સંબંધી સાથે હેત ન રાખવું; સત્તારૂપ થઈને શ્રીજીમહારાજ સાથે હેત કરવું. ને જે સત્તારૂપ રહી શકતા નથી તેને કામાદિક શત્રુ પીડે છે. (૨૧)