૧૯ - પ્રતિલોમ વૃત્તિ

સારંગપુર પ્રકરણમ્ (૧૦, ૧૨)

આત્મદ્રષ્ટિવાળાને ભગવાનનું ધામ એક અણુ જેટલું પણ છેટું નથી ને જે એમ સમજતો હોય જે મારા ચૈતન્યને વિશે શ્રીજીમહારાજ સદાય વિરાજમાન છે. તે જેમ દેહમાં જીવ હોય તેમ મારા જીવને વિશે ભગવાન રહ્યા છે ને મારો જીવ છે તે તો શરીર છે અને શ્રીજીમહારાજ તો મારા જીવના શરીરી છે. અને પોતાના જીવાત્માને સ્થૂળ, સૂક્ષ્મ ને કારણ એ ત્રણ શરીર થકી પૃથક્ માને અને તેને વિશે અખંડ ભગવાન વિરાજમાન છે એમ સમજે તેના દર્શન શ્રીજીમહારાજના દર્શન તુલ્ય છે. (૧૦)

પરિપક્વ જ્ઞાનીને આત્માભિમાન દ્રઢ રહે છે ને તે બ્રહ્મરૂપ આત્માને વિશે શ્રીજીમહારાજ અખંડ રહ્યા છે, એવો શ્રીજીમહારાજનો નિશ્ચય પણ અખંડ રહે છે. (૧૨)

ગઢડા મધ્ય પ્રકરણમ્ (૮)

ઇંદ્રિયોને પાછી વાળીને આત્માને વિશે રાખે તે યોગયજ્ઞ છે. અને આત્મામાં મૂર્તિ દેખાય એ યોગયજ્ઞનું ફળ છે અને બ્રહ્મરૂપ જે પોતાનો આત્મા તેને વિશે પરબ્રહ્મ એવા જે શ્રીજીમહારાજ તેમનો સાક્ષાત્કાર થાય તે જ્ઞાનયજ્ઞનું ફળ છે. અને પોતાના આત્માને વિશે શ્રીજીમહારાજનું દર્શન થાય ત્યારે જ જ્ઞાનયજ્ઞ પૂરો થયો જાણવો. (૮)

વરતાલ પ્રકરણમ્ (૨૦)

જેને સાર-અસારનો વિવેક હોય તે એક શ્રીજીમહારાજની મૂર્તિ વિના સર્વે માયિક આકાર અતિશે દુઃખદાયક છે એમ જાણે અને પોતાને દેહ, ઇંદ્રિયો અને અંતઃકરણ તે થકી નોખો આત્મારૂપે જાણે, પછી એને એવું કોઈ પદાર્થ નથી જે મોહ પમાડવાને અર્થે સમર્થ થાય કેમ જે એ તો સર્વે માયિક આકારને તુચ્છ જાણે છે. ને આવી સમજણવાળાની ઇંદ્રિયો પ્રવૃત્તિમાર્ગને વિશે સર્વે લોમપણે વર્તતી હોય તો પણ તે કામાદિકે કરીને ક્ષોભ ન પામે ને તેના હૃદયમાંથી કામાદિકનું બીજ નાશ પામી જાય છે. (૨૦)

ગઢડા છેલ્લું પ્રકરણમ્ (૯)

અંર્તદ્રષ્ટિવાળા શ્રીજીમહારાજના એકાંતિક સંત તે હૃદયને વિશે જાણપણારૂપ જે શ્રીજીમહારાજના ધામનો દરવાજો ત્યાં રહે છે, ને એ જાણપણાની માંહી જે અક્ષરધામ તેમાં શ્રીજીમહારાજના દર્શન કરે છે ને પોતાના હૃદયને વિશે બીજું માયિક પદાર્થ પેસવા દેતા નથી, એવી રીતે અંતર્વૃત્તિએ શ્રીજીમહારાજની સેવા કરે છે ને દેહની ક્રિયા પણ કરે છે ને પોતાની સ્થિતિમાંથી પણ ડગતા નથી, એવી રીતે સૌએ વર્તવું. (૯)