૧ - સંત સમાગમ

ગઢડા પ્રથમ પ્રકરણમ્ (૮, ૨૯, ૩૦, ૪૪, ૫૪, ૫૮, ૫૯, ૬૭, ૬૮, ૭૦)

કુસંગનો ત્યાગ કરીને સાધુસંગ કરવાથી દેહને વિશે અહંબુદ્ધિ તથા દેહના સંબંધીને વિશે મમત્વબુદ્ધિ નિવૃત્તિ પામે છે ને ભગવાનને વિશે અસાધારણ પ્રીતિ થાય છે ને ભગવાનની મૂર્તિ વિના માયિક વૈભવમાં તથા મૂળ અક્ષરાદિકના ઐશ્વર્યમાં તથા ભગવાનના તેજરૂપ અક્ષરધામમાં ક્યાંય પ્રીતિ રહેતી નથી. (૮, (૧,૩))

સત્પુરુષ જે પ્રભુના ભક્ત ને પંચવર્તમાને યુક્ત એવા બ્રહ્મવેત્તા સાધુ તેમના સંગે સર્વે ક્રિયા રૂડી થાય ને પરમેશ્વરની ભક્તિનું બળ અતિશે વૃદ્ધિ પામે. (૨૯ (૧,૧))

નિષ્કપટપણે સત્સંગ કરવાથી ઘાટની નિવૃત્તિ થાય છે ને અખંડ પરમેશ્વરના સ્વરૂપનું ચિંતવન થાય છે, ને તે વિના તો બીજાં કોટી સાધને ઘાટની નિવૃત્તિ થતી નથી. (૩૦)

સત્પુરુષ જે શ્રીજીની મૂર્તિમાં નિમગ્ન એવા સિદ્ધમુક્તને પ્રસંગે કરીને જ પરમેશ્વરને વિશે દ્રઢ પ્રીતિ થાય છે. (૪૪ (૨,૨))

દેહના સંબંધીના પ્રસંગ જેવો જ દ્રઢ પ્રસંગ સંતનો થાય તો ભગવાનના માર્ગ થકી કોઈ દિવસ પાછો પડે નહિ અને ભગવાનના વચનમાં દ્રઢતા એ જ સત્સંગ દ્રઢ રાખવાનો ઉપાય છે. (૫૪)

કુસંગે કરીને અંતરમાં પ્રવર્તેલા રજોગુણ-તમોગુણ સંતને સંગે ટળે છે ને સિદ્ધદશાવાળા જે મોટા સંત તેમને નિર્દોષ જાણવાથી સર્વે વિકારથી રહિત થઈને ભગવાનનો પાકો ભક્ત થાય છે ને એ મોટા સંતની આગળ નિષ્કપટપણે વર્તે ને કામાદિક શત્રુનો ત્યાગ કરે ને સંતનો ગુલામ થઈને રહે તો તે સંત રાજી થાય છે ને સંતના રાજીપાથી મલિન સંસ્કાર અને ભૂંડાં પ્રારબ્ધ ટળે છે. (૫૮)

સત્સંગ અને સત્શાસ્ત્રના શ્રવણ થકી ભગવાનને વિશે અસાધારણ પ્રીતિ હોય તે જણાઈ આવે છે અને અતિ ભૂંડાં દેશ, કાળ અને ક્રિયા તે સંત સમાગમથી સારા થઈ જાય છે. (૫૯)

આત્મા-પરમાત્માના સાક્ષાત્કારવાળા સત્પુરુષને વિશે દેવની બુદ્ધિ રાખે, તેમનાં વચન સત્ય માનીને તે પ્રમાણે વર્તે અને તેમના ગુણ ગ્રહણ કરે તેમાં સત્પુરુષ જેવા ગુણ આવે છે ને જે સત્પુરુષમાં અવગુણ પરઠે તેમાં સત્પુરુષના ગુણ કોઈ કાળે આવતા નથી. (૬૭)

જેને ભગવાનની પ્રતિમાને વિશે પ્રત્યક્ષભાવ ન હોય તથા તે પ્રતિમાની તથા સંતની મર્યાદા ન રાખે તેને ભગવાનનો નિશ્ચય નથી ને તેનું કલ્યાણ થતું નથી અને પાકો નાસ્તિક થાય છે. (૬૮)

કુસંગી તથા સંતના શબ્દરૂપી લશ્કર જીવની બુદ્ધિમાં રહ્યા છે તે બહારના સંતનો સંગ રાખે તો કુસંગીનું બળ ઘટી જાય છે ને વિષય ભોગવવાની ઇચ્છા થતી નથી. જે સંતનો સંગ રાખી સંકલ્પનો હટાવ્યો હટે નહિ તેનું ભગવાન પૂરું કરે છે, ને જે નિસ્વાર્થપણે કેવળ કલ્યાણ અર્થે જ સત્સંગ કરે છે તેને ભગવાનનો અડગ નિશ્ચય થાય છે. (૭૦)

સારંગપુર પ્રકરણમ્ (૭, ૯ ને ૧૮)

ઇંદ્રિયોની ધારા એકાંતિક સંતના સમાગમથી બુઠ્ઠી થાય છે. એવા સંત જ્યાં રહેતા હોય તે નૈમિષારણ્ય ક્ષેત્ર જાણવું અને ત્યાં કલ્યાણને ઈચ્છવું ને ત્યાં જ દ્રઢ મન કરીને રહેવું. (૭)

સાચે ભાવે સત્સંગ કરે તે દોષ રહિત થઈને દેહ છતાં જ બ્રહ્મરૂપ થઈ જાય છે. (૯ (૩,૪))

સાચા સંતના યોગથી જ સ્વધર્માદિક કલ્યાણકારી ગુણ પ્રગટ થાય છે ને કામાદિક વિકાર બળી જાય છે. સંત સમાગમ કરતા કરતા પોતાને તપાસ્યા કરે તો અયોગ્ય સ્વભાવ નાશ પામે છે. મોટા પુરુષને વિશે દોષ પરઠે તે દોષ તેને વિશે આવે છે ને મોટા પુરુષના સ્વભાવને કલ્યાણકારી જાણીને પોતાના અપરાધને ક્ષમા કરાવે તો મલિનતા મટી જાય છે. (૧૮)

લોયા પ્રકરણમ્ (૬)

સંતને વચને પોતાની મતિ વારંવાર ફેરવવી પણ પોતાનું ધાર્યું કરવું નહિ. જે ધર્મમાં બરોબર વર્તતા હોય, જેમને ભગવાનનો નિશ્ચય હોય, વ્યવહારમાં આસક્ત ન હોય, જેમને દેહાભિમાન ન હોય, જે ભગવાનનું બળ રાખીને હિંમત સહિત વાત કરતા હોય, આપણા અયોગ્ય સ્વભાવને ટોક્યા કરે, જેમને આળસ ન હોય ને નિદ્રા ઓછી હોય, જે વાત કરવામાં અહંકારે કરીને પોતાની સરસાઈ ન દેખાડે અને પોતાના સંબંધી તથા પોતાની જાતિ તેની નિંદા કરતા હોય - તેવા સંતનો સમાગમ કરવો અને તેમની આગળ માન ન રાખવું. (૬)

ગઢડા મધ્ય - પ્રકરણમ્ (૭, ૧૩, ૨૯, ૩૭, ૪૬, ૫૪, ૫૯, ૬૩)

જે વૈરાગ્યહીન હોય તે જો ભગવાનની આજ્ઞામાં વર્તનારા ને ભગવાનની મૂર્તિમાં નિમગ્ન એવા સંતની સેવા કરે ને ભગવાનની આજ્ઞામાં વર્તે તો તેના ઉપર ભગવાનની કૃપા થાય ને તત્કાળ વિકાર ટળી જાય. (૭)

ભગવત્સ્વરૂપ સંબંધી વાર્તા સદગ્રંથોમાં હોય તો ખરી, પણ પોતાના બુદ્ધિબળે સમજાતી નથી. તે તો જ્યારે સત્પુરુષ પ્રગટ થાય, ત્યારે તેમના મુખ થકી જ સમજવામાં આવે છે. (૧૩)

જે સંતને ભગવાનને વિશે દ્રઢ આસક્તિ હોય તેમને સેવાએ કરીને રાજી કરનારને પણ ભગવાનને વિશે દ્રઢ આસક્તિ થાય છે. (૨૯)

ભગવાન કે તેમના સંત તિરસ્કાર કરે તો પણ ગુણ લે, ને દુઃખાય નહિ તો ન ટળે એવી પ્રકૃતિ હોય તે પણ ટળી જાય છે. (૩૭)

સત્પુરુષ હોય તેને કોઈક જીવને લૌકિક પદાર્થની હાણ્ય-વૃદ્ધિ થતી દેખીને હર્ષ-શોક ન થાય, પણ મોક્ષના માર્ગમાંથી પાછો પડે ત્યારે ખરખરો થાય. ભગવાનનો કે તેમના સંત એટલે સિદ્ધ મુક્તનો અભાવ આવે તે એકાંતિકના ધર્મમાંથી પડી જાય છે, માટે પંચ મહાપાપથી પણ ભગવાન ને સંતનો અવગુણ લેવો એ મોટું પાપ છે. (૪૬)

ભગવાનની મૂર્તિના સાક્ષાત્કારવાળા સત્પુરુષને વિશે આત્મબુદ્ધિ તથા પોતાપણાની બુદ્ધિ તથા દેવતાબુદ્ધિ થાય છે. તેણે જ સર્વસાધન થકી અધિક કલ્યાણકારી સત્સંગને જાણ્યો છે. (૫૪)

ભગવાન અને તેમના સંત કલ્યાણકારી છે અને મૂળપુરુષ, મહાકાળ, બ્રહ્મકોટી ને મૂળ અક્ષરકોટી તે સર્વથી ભગવાનના સંત અધિક છે. જેને પૂર્વજન્મમાં ભગવાનની કે તેમના સંતની પ્રાપ્તિ થઈ હોય અને તેમની સેવા કરી હોય તેને આ જન્મમાં ભગવાન અને તેમના સંત વિશેથી હેત મટે જ નહિ ને ભગવાનના નિશ્ચયમાં પણ ડગમગાટ થાય નહિ. (૫૯)

જેને પોતાના જીવને બળવાન કરવો હોય તેને તો ભગવાન કે ભગવાનના સંતને મન-કર્મ-વચને શુદ્ધ ભાવે કરીને સેવવા. સંતની સેવાચાકરી કરવી તે બરોબર કોઈ પુણ્ય નથી, ને તેમનો દ્રોહ કરવો તે બરાબર કોઈ પાપ નથી. (૬૩)

વરતાલ પ્રકરણમ્ (૩, ૪, ૫, ૧૧, ૧૫, ૧૯)

વીજળીના અગ્નિ જેવા પરમએકાંતિક મુક્ત તથા વડવાનળ અગ્નિ જેવા અનાદિ મુક્તની સેવા જો પોતપોતાના ધર્મમાં રહીને મન-કર્મ-વચને કરે તો તે જીવના હૃદયમાં માહાત્મ્યે સહિત ભક્તિ આવે છે. (૩)

બત્રીશ લક્ષણે યુક્ત એવા ભગવાનના સંત તેમનો સંગ રાખે તો તેના સંગમાં કલ્યાણ અર્થે સાધન છે તે સર્વે આવી જાય છે. (૪)

જે ભગવાન અને ઉત્તમ લક્ષણવાળા ભગવાનના સંત, તેમની અતિ પ્રેમે કરીને સરખી સેવા કરે તેના ઉપર ભગવાન રાજી થઈને સો જન્મની કસર આ જન્મે જ ટાળે છે. (૫)

સત્પુરુષને વિશે પ્રીતિ એ જ આત્મદર્શનનું ને મુક્તનો મહિમા જાણ્યાનું ને ભગવાનનું દર્શન થવાનું સાધન છે. (૧૧ (૪,૫))

મોટા પુરુષનો કોપ થાય તો જીવ આસુરી થઈ જાય ને રાજીપો થાય તો જીવ દૈવી થઈ જાય છે, માટે જેને કલ્યાણ ઇચ્છવું તેણે ભગવાનના ભક્તનો દ્રોહ કરવો નહિ. (૧૫ (૧,૨))

ભગવાન અથવા તેમના સંત આ પૃથ્વી પર જરૂર વિચરતા હોય છે. તે જેને એમની ઓળખાણ થાય તે તેમનો ભક્ત થાય તે પછી તેને ભગવાનના સુખ વિના માયિક સુખ ન ઇચ્છવું ને માયિક સુખને નરક તુલ્ય જાણી ભગવાનના સંતને વિશે પ્રીતિ રાખવી. (૧૯)

ગઢડા છેલ્લું પ્રકરણમ્ (૨, ૧૪, ૨૨, ૨૪, ૨૬, ૨૯, ૩૫)

શ્રીજીમહારાજ ને તેમના અનાદિ તથા પરમ એકાંતિક મુક્તનો સંગ મળે એ જ સર્વ સાધનનું ફળ છે અને સત્પુરુષને યોગે કરીને સંસ્કાર થાય છે. આવા સત્પુરુષોનો સંગ તે મૂળઅક્ષરને પણ દુર્લભ છે. (૨)

બાળ તથા યૌવન અવસ્થાવાળાએ વયોવૃદ્ધ ને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભગવાનને વિશે દ્રઢ પ્રીતિવાન હોય એવા સત્પુરુષનો સંગ કરવો. ને વગર વાંકે, ભગવાન કે સંત અપમાન કરે તો પણ અવગુણ ન લે તેનો ભગવાનને ને સંતને વિશ્વાસ આવે છે ને સંતની સેવા કરવી ને પોતાને મન ગમતી વસ્તુ પહેલા સંતને આપીને પછી પોતાના કામમાં વાપરે તેના અંતરમાં ભગવાનનું ને સંતનું માહાત્મ્ય અખંડ રહે છે. (૧૪)

જેણે ભગવાનના ભક્તનો દ્રોહ આદર્યો હોય ને પરિપક્વ દ્રોહી ન થયો હોય તેની દ્રોહબુદ્ધિ મોટા પુરુષને સંગે કરીને ટળે છે. (૨૨)

શ્રીજીમહારાજના સંબંધે સહિત જે ધર્મ એટલે કે ભાગવત ધર્મ તેનું પોષણ શ્રીજીમહારાજના મુક્તને પ્રસંગે થાય છે ને મુક્તના ગુણ પ્રસંગ રાખનારમાં આવે છે તેથી તે શ્રુતિ - સ્મૃતિને જાણતો ન હોય તો પણ તેને સ્થૂળ દેહે નિયમમાં ફેર પડતો નથી ને મનમાં ખોટા ઘાટ થતા નથી એટલે કે ભાગવત ધર્મથી પડતો નથી. (૨૪)

ઇંદ્રિયો - અંતઃકરણને દાબીને ભગવાન સંબંધી ક્રિયા કરતા હોય ને પોતાને શુદ્ધ બ્રહ્મરૂપ માનીને ભગવાનની ઉપાસના કરતા હોય એવા એકાંતિક સંતની સેવા તે ભગવાનની સેવા તુલ્ય છે. (૨૬)

મંદ વૈરાગ્યવાળો ત્યાગી જો ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ એ ચાર ગુણે કરીને સંપન્ન એવા જે મોટા સંત તેમની સાથે હેતે કરીને પોતાના જીવને બાંધે તો એનો ત્યાગ પાર પડે છે. (૨૯)

પોતાની પ્રકૃતિ ગમે તેવી કઠણ હોય તેને મૂકીને ભગવાન ને સંત કહે તેમ સરલપણે વર્તે તેને આપત્કાળમાં પણ ભગવાનનો આશ્રય ન ટળે. ને ભગવાન તથા સંત પ્રકૃતિ મરોડે ત્યારે તેમનો અવગુણ ન લેવો તથા સંતનો દ્રોહ ન કરવો કારણ કે, સંતનો દ્રોહ તે ભગવાનના દ્રોહ તુલ્ય છે ને સંતની સેવા તે ભગવાનની સેવા તુલ્ય છે. (૩૫)