૩ - સદગુરુ શ્રી નિત્યાનંદ સ્વામી

શ્રીજીમહારાજે જેમને સત્સંગના બે ગાદીસ્થાનમાંના એક વડતાલ ગાદીસ્થાનની સંભાળ લેવાની જવાબદારી સોંપેલી. જેઓ અનેકના પ્રેરણા સ્રોત હતા, પોતાની અનુપમેય કાંતિ દ્વારા અનેક મુમુક્ષુઓને પોતાના તરફ આકર્ષીને શ્રીજીમહારાજનો સર્વોપરી મહિમા સમજાવતા, જેઓ કોહિનૂર હીરાની સમાન જ અજોડ, બેનમૂન, અદ્વિતીય હતા. જેઓ શ્રીજીના જમણા હાથ સમા હતા. એવા નિત્યાનંદ સ્વામી આજે છેલ્લો મંદવાડ ગ્રહણ કરતાં સર્વત્ર શોકમગ્ન વાતાવરણ છવાઈ ગયું છે. તેમણે દેહમાં જવર ગ્રહણ કર્યો છે. અને આચાર્ય રઘુવીરજી મહારાજને સત્સંગ સાચવવાની અને દરેક પર દયાભાવ રાખવાની છેલ્લી ભલામણ કરી રહ્યા છે. દરેક જણ શોકમાં ડૂબી જઈ સ્વામીની ચોતરફ વીંટળાઈ જાય છે. શુકમુનિ અને ગોપાળાનંદસ્વામી પોતાના રચેલ ગ્રંથ સ્વામી પાસે લાવ્યા. સ્વામીએ ગ્રંથની પૂજા કરી અને બંનેને અભિનંદન આપ્યા. શિષ્ય વર્ગને આશીર્વચનો કહ્યા ને પોતે સિધ્ધાસન વાળી અંતરવૃત્તિ કરી બેસી ગયા. ને સૌના આશ્ચર્ય વચ્ચે મહાતેજ સાથે શ્રીજીમહારાજ અને સંતો પોતાના લાડીલા સંતને લેવા પધાર્યા. નિત્યાનંદ સ્વામીના મુખ પર તેજ છવાઈ ગયું. ત્યાં હાજર રહેલા સર્વે આ મુક્તરૂપી કોહિનૂર હીરાને મહારાજની ચમકમાં વિલીન થતા જોઈ રહ્યા.

લખનૌ તાલુકાના દેતીયા ગામમાં રહેતા વિષ્ણુશર્મા અને વીરજાદેવી જેઓ વિપુલ ધન-સંપત્તિ ધરાવતાં હતાં, છતાંય અતિશય નિરાભિમાની, ઉદાર, માયાળુ હતાં. આવા ગુણોની સાથે - સાથે દંપતી વિદ્વાન અને ભગવદ્પરાયણ હતું. તેમને ત્યાં સં. ૧૮૬૭માં આ મુક્તરૂપી હીરો પોતાની અનુપમ પ્રતિભાની ચમક સાથે પ્રગટ થઈ ચોમેર પ્રકાશ ફેલાવા લાગ્યો. આ મુક્ત પ્રગટ થયા ત્યારે દેવી-દેવતાઓએ પણ પોતાના આશીર્વાદ તેમના પર વરસાવ્યા હતા. મુક્તરાજ ગૌર વર્ણ હતા. મુખારવિંદ સુંદર તેમ જ પ્રભાવશાળી હતું. આંખો તેજસ્વી હતી અને તેઓ અજાન બાહુ હતા. આવા પ્રભાવશાળી પુત્રની પ્રાપ્તિ થતાં માતા-પિતા અતિ હર્ષાયમાન થયા અને ખુલ્લા હાથે બ્રાહ્મણો તથાં ગરીબ ગુરબાઓને દાન આપી રાજી કર્યા. મંદિરોમાં પણ ખૂબ દાન આપી સર્વેના આશીર્વાદ પ્રાપ્ત કર્યા. માતા-પિતાએ તેમનું નામ દીનમણીશર્મા રાખ્યું. નાનપણમાંયે પોતાના મુખની કાંતિ, ગાંભીર્ય, વિનયશીલ સ્વભાવ અને પોતાની અનોખી બુદ્ધિશક્તિ દ્વારા તેઓ બાળકોમાં અલગ તરી આવતા. તેમના આવા વર્તનથી દરેકને તેઓ કોઈ મહાન આત્મા છે, તેનો ખ્યાલ આવતો.

દીનમણીશર્માને એક મોટાભાઈ પણ હતા. જેમનું નામ ગોવિંદશર્મા હતું. દીનમણીશર્મા જ્યારે આઠ વર્ષના થયા, ત્યારે યોગ્યવિધિ દ્વારા યજ્ઞોપવિત સંસ્કાર વિધિ કરાવવામાં આવી. પોતે મહારાજના લાડીલા મુક્ત, તેમાંય માતા-પિતા બંને ભગવદીય એટલે ગર્ભશ્રીમંત હોવા છતાંય અવરભાવનું કહેવાતું સુખ તેમને અસર કરતું નહિ. પોતાની શ્રીમંતાઈની મોટાઈ ક્યારેય બતાવતા નહિ. દરેક સાથે નિર્માનીપણે અને વિનયે યુક્ત સ્વભાવ રાખી રહે. પોતે સંપૂર્ણ વિદ્યાસંપન્ન હતા, છતાંય મનમાં નક્કી કર્યું કે, વારાણસી જઈ વિદ્યાભ્યાસ કરવો. આથી કાશી અભ્યાસ અર્થે ગૃહત્યાગ કર્યો ને કાશીમાં અભ્યાસ કરવા લાગ્યા. ત્યાં પણ પોતાની તર્કશક્તિ, કુશાગ્રબુદ્ધિ અને અગાધજ્ઞાન દ્વારા વિદ્યાગુરુને આંજી દીધા. વિદ્યાગુરુ પણ પોતાને આવા શિષ્ય મળતાં અહોભાગ્ય માનવા લાગ્યા. વિદ્યાભ્યાસ દરમ્યાન જ દીનમણીશર્માએ ભગવાનના અસાધારણ લક્ષણો જાણ્યા અને સાથે - સાથે તેમને એ પણ જ્ઞાન થયું કે ભરતખંડમાં ક્યાંક ને ક્યાંક ભગવાન અથવા તેમના સંતો હોય જ છે. જેમ - જેમ આ વિચારોનું મનન વધતું ગયું, તેમ - તેમ જગત સુખ અસાર લાગવા લાગ્યું અને પ્રભુ મિલનની ઉત્કંઠા તીવ્ર થવા લાગી અને તેમને એક વાત સમજાઈ ગઈ કે મનુષ્યનો અવતાર પ્રભુ પ્રાપ્તિ માટે જ છે, એને એળે જવા ન દેવાય. આથી તેઓ દરેક તીર્થ ક્ષેત્રમાં ફરવા લાગ્યા, સાચા સંત અને પ્રભુની ખોજમાં.

માત-પિતાને ત્યાં જેમણે સુખ - સાહ્યબી ભોગવી હોય, પાણી માંગતાં દૂધ હાજર થતું, સેવકો સદાય તેમની સરભરામાં હાજર રહેતા. તે દીનમણીશર્મા આજે ચાલી - ચાલીને સંઘ સાથે તીર્થસ્થાનોમાં ફરી રહ્યા છે. ક્યારેક ખાવાનું મળે તો ક્યારેક ન પણ મળે. જેમના માટે ઘરમાં રેશમી બીછાના હાજર રહેતા તેઓ આજે ઝાડ નીચે સૂઈ રહે છે. દીનમણીશર્માને તેનું દુઃખ નથી. તેમને મનમાં એક જ વિચાર છે પ્રભુની ખોજ! મનમાં એક જ તાલાવેલી છે, પ્રભુના દર્શન! પ્રભુ મિલન માટે કેટલી આતુરતા!

દીનમણીશર્મા કેટલાય તીર્થસ્થાનોમાં ફર્યા પણ ક્યાંય તેમને આત્મિક શાંતિ મળી નહિ. હૃદયની ભાવના ક્યાંય ફળી નહિ. પોતે કરેલા તપ, બ્રહ્મચર્યની તેજસ્વિતા અને તેમનું ચરિત્રશીલ વ્યક્તિત્વ તમામ રીતે આકર્ષક હતું. લોકો તેમનું આવું પ્રભાવશાળી વ્યક્તિત્વ જોઈ તેમના તરફ આકર્ષાયા વગર ન રહેતા. પરંતુ શર્માજીને તે એકેય તરફ અત્યારે ધ્યાન જ ન હતું. તેમના મનમાં પ્રભુના દર્શન તે એક જ લક્ષ્ય હતું. ફરતા - ફરતા તેઓ વિસનગર પહોચ્યા. ત્યાં તેમને જેમના માટે તેઓ આટ-આટલી સુખ સાહ્યબીને ત્યાગ કરી ફરતા હતા તેમના સમાચાર મળ્યા કે પ્રગટ પ્રભુ અત્યારે કાઠીયાવાડમાં બિરાજમાન છે અને સ્વામિનારાયણ નામથી ઓળખાય છે. આટલું સાંભળતાં દીનમણી શર્માને તો જાણે આટલા વખતની પોતાની તપશ્ચર્યા ફળતી લાગી. મન આનંદિત થઈ નાચી ઊઠ્યું ને આનંદના સાગરમાં હીલોળા લેવા લાગ્યું. તેમણે તરત જ કાઠીયાવાડની રાહ પકડી. પૂછતા - પૂછતા ફણેણીમાં મહારાજના સંતનો ભેટો થયો. તેમની પ્રતિભા અને તેઓ જે નિયમો પાળતા, કંચન અને કામીનીનો ત્યાગ રાખતા તે જોઈ શર્માજી આકર્ષાયા ને આવા મહાન સંતોના સ્વામીને મળવાની ઇચ્છા પ્રબળ થઈ ઊઠી. સંતો પાસેથી જાણ થઈ કે ઊંઝા ગામમાં મહારાજ સંતોને મળવાના છે. સાંભળતા જ દીનમણીશર્માનું મન ઊંઝા પહોંચી ગયું અને પગ તે તરફ પ્રયાણ કરવા લાગ્યા. કેટલીયે યાત્રા તેમણે ચાલીને કરી હોવા છતાંય આજે જાણે પંથ ખૂટતો ન હતો. પ્રભુ મિલનની તીવ્રતામાં ડગ ભરવાની ઝડપ વધતી જતી હતી. તેમનું મન તો ક્યારનું ઊંઝા પહોંચી ગયું હતું, પણ પોતે એક સાંજે પહોંચ્યા. મહારાજ સંતો સાથે બેઠા હતા. દીનમણીશર્માને પ્રભુ મિલનની ઘેલછા હતી, પણ તે જ્ઞાને સહિતની હતી. તેઓ જ્ઞાની હતા, સાચા સંત, પ્રભુને ઓળખી શક્તા હતા. આથી પોતે જાણેલા ભગવાનના અસાધારણ લક્ષણ ભગવાન સ્વામિનારાયણમાં જોતાં તેમને ભગવાનપણાની ખાતરી થઈ ગઈ. તેઓ મહારાજના ચરણમાં ઢળી પડ્યા અને બોલ્યા હે સ્વામિનારાયણ! હું તમારો દાસ છું અને આપ જ મારું સર્વસ્વ છો. શ્રીજીમહારાજે પણ પોતાના લાડીલા મુક્તને આવેલા જોઈ અતિ રાજીપો દર્શાવ્યો અને હંમેશાં પોતાની સાથે રાખવા લાગ્યા. થોડા વખત બાદ સં. ૧૮૬૨માં મહારાજે તેમને ભાગવતી દીક્ષા આપી અને આ લાડીલા મુક્તને સદાયને માટે પોતાના કરી લીધા. મહારાજે 'નિત્યાનંદ સ્વામી' એવું તેમને નામ આપ્યું.

આમ દીનમણીશર્મા નિત્યાનંદ સ્વામીમાં રૂપાંતર પામ્યા અને સાચે જ મહારાજનું આપેલું આ નામ સાર્થક હતું. તેઓ સદાય પ્રભુસુખની મસ્તીમાં રહી આનંદ માણતા. ભાગવતી દીક્ષા આપ્યા બાદ પ્રભુએ તેમને વધુ અભ્યાસ માટેની આજ્ઞા આપી. કારણ કે ભવિષ્યમાં આ મુક્ત પાસે કેટલીય સભાઓમાં દિગ્વિજય પ્રાપ્ત કરાવવાના હતા. નિત્યાનંદ સ્વામી આજ્ઞા શિરે ચડાવી વિશેષ અભ્યાસ માટે અમદાવાદ ગયા. સ્વામીની અદભૂત ગ્રહણ શક્તિને કારણે વિદ્યા સંપાદન કરનાર પણ હેરત પામી જતા. એક પાઠ બીજી વખત શીખવવો પડે જ નહિ. ત્યાં સ્વામીએ ઉત્તમગગીર્વાણ કે ભાષાનો વિશેષ અભ્યાસ કર્યો. ત્યારબાદ વેદ, વેદાંત, વ્યાસસૂત્ર અને ન્યાય વગેરે સમગ્ર ભારતીય દર્શનનો સાંગોપાંગ ઉત્તમ અભ્યાસપૂર્ણ કર્યો. મહારાજે સભાજનોને સ્વામીના વખાણ કરતાં કહ્યું, 'સ્વામી તો અનેક દ્વેષીઓના મદ હરી, સભાઓમાં તેમનો પરાજય કરી, વિશ્વમાં સ્વામિનારાયણ સંપ્રદાયનો દિગ્વિજય કરી સંપ્રદાયનો ઝંડો ફરકાવે એવા છે.' અને મહારાજે પૂછેલા અભ્યાસને લગતા પ્રશ્નોના વિનય પૂર્વક સચોટ જવાબ આપી મહારાજનો રાજીપો પ્રાપ્ત કર્યો. મહારાજે પોતાના વરદ્હસ્ત સ્વામીના મસ્તક ઉપર મૂકી. આશીર્વાદ આપી ઘણો રાજીપો જણાવ્યો.

શ્રીજીમહારાજે આપેલા આશીર્વાદ અનુસાર જ તેઓએ અનેક સભાઓ જીતીને મહારાજને સર્વોપરી સાબિત કરી બતાવ્યા. તેમને પોતાના જ્ઞાન પર એટલો વિશ્વાસ હતો કે ઘણી વખત ગાદી પર પંજો મારી તેઓ ગર્જના કરતા કે, 'છે કોઈની હિંમત કે ગમે તે શાસ્ત્રનો આધાર લઈને શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય શાસ્ત્ર સિધ્ધ નથી એમ સાબિત કરી આપે? હું જાહેર રીતે શ્રી સ્વામિનારાયણ ભગવાનને પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ અને સર્વ અવતારના અવતારી કહી પોકારું છું, હિંમત હોય તે મેદાનમાં આવી મને હરાવી જાય.' પોતાની વાત પર કેટલો વિશ્વાસ! નિત્યાનંદ સ્વામીનું વ્યક્તિત્વ જ એટલું અદભૂત હતું કે સભામાં તેઓ પ્રવેશતા જ તેમના પ્રભાવથી લોકો તેમને વંદન કરી રહેતા. વિદ્વાનોના ગાત્રો શિથિલ થઈ જતાં. કેટલાક તો દિવસોથી તૈયાર કરી રાખેલ પ્રશ્નો જ ભૂલી જતા. કેટલાક તેમની સામે ઊંચી આંખ પણ કરી શક્તા નહિ. આમ તેમના છટાદાર વ્યક્તિત્વથી લોકો અંજાયા વગર રહી શક્તા નહિ. તેઓ પ્રખર જ્ઞાની હતા. તેથી જ મહારાજે અનેક ગુણોથી સંપન્ન અને કેટલાય શાસ્ત્રો ભણી આવેલા બ્રહ્મમુનિ અને સત્સંગની મા સમા મુક્તાનંદ સ્વામીને નિત્યાનંદ સ્વામી પાસે સંસ્કૃતનો અભ્યાસ કરવા મોકલ્યા હતા. મહારાજને તેઓ નિર્માની થઈ કહેતા કે, 'હે મહારાજ! તમારા પ્રતાપથી મને એટલું જ્ઞાન છે કે સમગ્ર બ્રહ્માંડમાંથી કોઈ પણ મારી સાથે શાસ્ત્રાર્થ કરવા આવે તો હું તેને હરાવી દઉં!' તેમની પાસે આટલો જ્ઞાનનો અખૂટ ભંડાર હોવાને કારણે જ તેઓ શ્રીજીના જમણા હાથ સમાન કહેવાતા. શાસ્ત્રોનું સંશોધન કાર્ય કે સંપાદન કાર્ય શ્રીહરિ નિત્યાનંદમુનિ પાસે કરાવતા.

શ્રીજીના પરમ લાડીલા હોય તેની શ્રીજી વધુ આકરી કસોટી કરતા. તેમાં એક વખત નિત્યાનંદમુનિનો વારો પણ આવી ગયો. 'સત્સંગીજીવન' ગ્રંથ લખવાનો હતો ત્યારે મહારાજે તેમાં પોતાને શ્રીકૃષ્ણ જેવા લખવા કહ્યું, પરંતુ સ્વામી તેમ લખવાની ના પાડતા બોલ્યા, 'મહારાજ ચક્રવર્તીરાજાને ખંડિયા રાજાની ઉપમા ન હોય, ચંદ્રમાને તારલા જેવા ન ઘટાવાય. તમે તો સર્વોપરી, સર્વાવતારી, સર્વના નિયંતા છો અને જો એમ ન લખાય તો જીવો આપનો મહિમા કેવી રીતે સમજી શકે?' મહારાજે બરાબર કસોટી આદરી હતી. બોલ્યા 'એ તો અમને ઠીક પડશે એમ કરીશું. અમે જેમ ધાર્યું હશે તેમ કરીશું.' દરેક સંત મહારાજના પક્ષમાં રહ્યા ને નિત્યાનંદસ્વામી એકલા થઈ ગયા. મહારાજ દરરોજ સમજાવે અને દરરોજ સભામાં 'આ નિત્યાનંદ અમારું માનતા નથી.' એમ કહે પણ સ્વામી ડગ્યા નહિ ને પોતાની વાત પર અડગ રહ્યા. સતત સાત-સાત દિવસો સુધી આકરી કસોટી ચાલુ રહી. અંતે મહારાજે તેમને સત્સંગ બહાર મૂક્યા, તો પણ ડગ્યા નહિ અને 'તમે સર્વોપરી છો તે જાણ્યા પછી બીજા અવતાર જેવા તમને કેમ લખાય?' તેમ કહેતા રહ્યા ને કસોટીમાંથી પસાર થતા રહ્યા. અંતે મહારાજ અતિ રાજી થયા, પોતાના થાળની પ્રસાદી સ્વામીને આપીને સ્વામીને પોતાની પૂજા કરવા કહ્યું અને પછી પોતે સ્વામીની પૂજા કરી. સમગ્ર સભાને સંબોધીને મહારાજ કહે, 'ઉપાસક તો આવા જ જોઈએ જે અમારા ડગાવ્યા પણ ડગ્યા નહિ. તેઓ અમારો સંપૂર્ણ મહિમા જાણે છે.' શ્રીહરિએ આકરામાં આકરી કસોટી કરી, પણ સ્વામી પ્રભુના ડગાવ્યા પણ ડગ્યા નહિ.

અથાગ જ્ઞાન અને સર્વોપરી મહિમાને કારણે જ શ્રીજીએ બે ગાદીમાંથી એકની સોંપણી સ્વામીને કરી હતી. અને સ્વામીએ તેનું ધ્યાન રાખવાની જવાબદારી બરાબર નિભાવી હતી. સત્સંગના દરેક સંકટમાં સખત પરિશ્રમ લઈ સંકટ દૂર કર્યા હતા. મહારાજના અદ્રશ્ય થયા બાદ પણ શંકરાચાર્ય અને વૈષ્ણવાચાર્યને પણ શાસ્ત્રાર્થમાં હાર આપી સંપ્રદાયનો દિગ્વિજય કર્યો હતો. સત્સંગમાં રહ્યા ત્યાં સુધીમાં તેમણે અનેક ગ્રંથો રચી શ્રીજીનો રાજીપો પ્રાપ્ત કર્યો હતો. ઘણી વખત પ્રસાદીરૂપે વસ્ત્રો અને બીજી વસ્તુઓ શ્રીહરિ પાસેથી મેળવી હતી. તેમણે રચેલા ગ્રંથોમાં (૧) શિક્ષાપત્રી ટીકા (૨) વચનામૃતમાં સહયોગ (૩) શ્રીહરિ દિગ્વિજય (૪) શાંડિલ્ય સૂત્ર ભાષ્ય (૫) શ્રીહરિકવચ (૬) હનુમત્કવચ (૭) રૂચિરાષ્ટ્રક (૮) દશમ સ્કંધ ભાગવત્ (૯) પંચમ સ્કંધ ભાગવત (૧૦) વિદૂરનીતિ (૧૧) ભગવત ગીતા (૧૨) કપિલ ગીતા (૧૩) ગુણ વિભાગ (૧૪) વૈકુંઠ દર્શન (૧૫) અવતાર ચરિત્ર (૧૬) નિષ્કામ શુદ્ધિ. આટલા ગ્રંથો રચી સત્સંગમાં સાહિત્ય સેવા કરી મુમુક્ષુઓ માટે મહાન ભેટ આપી છે.

શ્રીજીના મુક્તો જ્યારે શ્રીજી આજ્ઞાથી પૃથ્વી પર પ્રગટ થાય છે, ત્યારે દરેકને નિર્ધારીત કાર્ય સોંપાયેલું હોય છે. તે મુજબ સ્વામીનું કાર્ય કે દ્વેષીઓ સાથે શાસ્ત્રાર્થ કરી તેમને હરાવી સત્સંગનો સાચા અર્થમાં ફેલાવો કરવો અને વિશ્વમાં સંપ્રદાયનો ઝંડો લહેરાવવો. તે કાર્ય એકધારું કર્યા બાદ પોતે સદાય મૂર્તિના સુખમાં લુબ્ધ રહે છે. છતાંય હવે ભૌતિક દેહમાં રહેવાની જરા પણ ઇચ્છા ન હોવાથી સ્વામીએ દેહમાં મંદવાડ ગ્રહણ કર્યો હતો. શરીરમાં તાવ જણાવતા હતા અને સર્વેને છેલ્લા આશીર્વચનો કહ્યા ને સં. ૧૯૦૮ના માગશર સુદી અગિયારસના દિને સૌના આશ્ચર્ય વચ્ચે શ્રીજીમહારાજ અને સંતો તેમના આ અનુપમેય કોહિનૂર હીરાને પોતાના તેજમાં સમાવી ગયા.

સંતોરૂપી રત્નોની રત્નમાળામાં મુખ્ય કોહિનૂર હીરા સમાન અજોડ, બેનમૂન, દિવ્યકાંતિ ધરાવનારા નિત્યાનંદ સ્વામી આજે મુમુક્ષુઓને પોતાના જીવનના દરેક પાસાના તેજથી આંજી દઈ તે પાસાથી કેટલાયને પ્રેરિત કરી, શિષ્યવર્ગને ચમકવા લાયક બનાવી શ્રીજીમાં લીન થઈ તેમની સાથે ચમકવા લાગ્યા.