૫ - સદગુરુ શ્રી શુકાનંદ સ્વામી
પુષ્પની મહેક પવન વગર વાતાવરણમાં ફેલાવી જેમ અશક્ય છે, લેખની વગર લેખકોના વિચારો જનસમુદાય સુધી પહોંચવા જેમ અશક્ય છે, તેવી જ રીતે મહારાજના વિચારો મુમુક્ષુઓ સુધી પહોંચવા શુકમુનિ વગર અશક્ય હતું. મહારાજના દરેક શબ્દને સુંદર રીતે મોતીરૂપી અક્ષરોમાં પરોવી લેવાનું કામ શુકમુનિનું જ. જેઓ શ્રીજીમહારાજના મુખમાંથી નીકળેલ વાણી મુમુક્ષુઓ સુધી પહોંચાડી મહારાજ અને જીવો વચ્ચેનું અંતર ઘટાડવામાં મહત્વનો ભાગ ભજવતા. મુમુક્ષુઓને મહારાજની વધુ નજીક લાવતા.
શ્રીજી જ્યારે નીલકંઠ રૂપે વન-વિચરણ કરતા હતા તે દરમ્યાન ફરતા - ફરતા એક વખત વડોદરામાં તેઓ એક માંડવી નીચે બેઠા હતા. ત્યાં એક વિધવા સ્ત્રી નીલકંઠવર્ણીને મહાન યોગી જાણીને પગે લાવી. શ્રીહરિએ તેને આશીર્વાદ આપ્યા કે 'તને પુત્ર પ્રાપ્તિ થશે અને દિકરાનું નામ જગન્નાથ પાડજે.' આ વિધવા સ્ત્રી એટલે શુકમુનિના માતા સદાબા. જેમને તે વખતે શ્રીજીના લાડીલા આ મુક્તરાજ ઉદરમાં હતા. દરેકને માતા-પિતા નામકરણવિધિ કરે. જ્યારે અહીં તો અનંતધામના ધણીએ પોતાના લાડીલાનું નામકરણ તેમના પ્રગટ થયા પહેલા જ કરી આપ્યું. આમ શુકમુનિનું પૂર્વાશ્રમનું નામ જગન્નાથ જે પણ શ્રીહરિનું જ આપેલું હતું, કેટલા બધા અહોભાગ્ય!
પ્રભુના આશીર્વાદથી ડભાણ ગામમાં સં. ૧૮૫૫માં મુક્તરાજ પ્રગટ થયા. માથા પર પિતાની છત્રછાયા જન્મ પહેલાં જ નહોતી, પણ માતા સદાબા જરાય હિંમત હાર્યા ન હતાં. તેમણે માતા અને પિતા બંનેનો પ્રેમ તેમના વ્હાલસોયા પુત્ર પર વરસાવ્યો. મહારાજના કહ્યા અનુસાર જ તેમણે મુક્તરાજનું નામ જગન્નાથ પાડ્યું. બાપની હૂંફ નહોતી, છતાંય જેને પ્રાગટ્ય પહેલાં જ શ્રીજીના આશીર્વાદ પ્રાપ્ત હોય પછી તેમના સંસ્કારમાં ખામી હોવાની શંકા અસ્થાને ગણાય. જગન્નાથ અતિશય તેજસ્વી, બુદ્ધિશાળી, વિનયશીલ અને સેવાભાવી હતા. પિતા ન હોવાથી નાની ઉંમરમાં જ માતાને મદદરૂપ થવા લાગ્યા. તેઓ ઘણા જ વ્યવહાર કુશળ હતા. અને જમીન મોંજણી વગેરે કાર્યોમાં પ્રવીણ હતા, પરંતુ તે દરેક કાર્ય કરતા હોવા છતાંય તેમની તે બધા પ્રત્યે વૈરાગ્ય વૃત્તિ જણાઈ આવતી. તે વખતે ડભાણના શાસ્ત્રી પાસે ભગવાન શ્રી સ્વામિનારાયણના સંતો વિદ્યાભ્યાસ કરી રહ્યા હતા. તેમના સહવાસમાં, તેમની વાતો સાંભળવામાં અને તેમની સેવા કરવામાં જગન્નાથને અનેરો આનંદ આવતો. આમ તરૂણાવસ્થામાં જ તેમને સંતોનું સાંનિધ્ય સાપડ્યું.
સંતો જે પંચવર્તમાનના નિયમો પાળતા, કંચન અને કામીનીનો ત્યાગ રાખતા, ભીક્ષા માગી અન્ન જમતા, આ બધાથી જગન્નાથ ઘણા જ પ્રભાવિત થતા ને તેમને સંતોનું સાંનિધ્ય આનંદપ્રદ લાગતું. આથી જ જ્યારે સંતો પ્રગટ પ્રભુની, તેમના અદભૂત પ્રતાપની, તેમના મહિમાની વાતો કરે, ત્યારે જગન્નાથનું મન પુલકિત થઈ જાય અને પ્રભુને મળવાની ઉત્કંઠા વધી જાય. આથી એક વખત પોતે ગઢડાની વાટ પકડી. શ્રીહરિ જાણી ગયા કે પોતાના લાડીલા મુક્ત આવી રહ્યા છે. તેથી સ્વયં અને બીજા સંતો તથા હરિભક્તોને સાથે લઈ તેમના સ્વાગત માટે રાધાવાવ સુધી સામા ગયા અને બીજા કેટલાક હરિભક્તોને તેનાથી પણ આગળ મોકલ્યા, કે 'જાવ શુકમુનિ આવી રહ્યા છે. તેમને માન સહિત લઈ આવો.' આથી હરિભક્તો ઘોડા પર ગયા. તેમનેમન તો શુકમુનિ એટલે કોઈ મહાન યોગી, વૃદ્ધ સંતની અપેક્ષા હતી. આથી રસ્તામાં સત્તર વર્ષના જગન્નાથ તરફ દુર્લક્ષસેવી તેઓ આગળ નીકળી ગયા. અને આ બાજુ જગન્નાથ ચાલતા-ચાલતા રાધાવાવ પહોંચી ગયા. પ્રભુએ સ્વયં તેમનું સ્વાગત કર્યું અને બાથમાં ચાંપી અતિ હેતે સહિત મળ્યા. અને પોતાની બાજુમાં આસન પર બેસાડ્યા. થોડીવારે ઘોડા પર ગયેલા હરિભક્તો એમને એમ પાછા આવ્યા. શ્રીજીએ જગન્નાથની ઓળખાણ પડાવી ત્યારે સૌ આ સત્તર વર્ષના યુવાન શુકમુનિને અચરજથી જોઈ રહ્યા.
જગન્નાથ તો ત્યારબાદ સદાય શ્રીજી સાથે રહેવા લાગ્યા. તેમના સુંદર અને સુઘડ અક્ષરોને કારણે મહારાજે તેમને લહિયાનું કામ સોંપ્યું. અને હરિએ સોંપેલું કાર્ય જગન્નાથ ઘણું જ ચીવટ પૂર્વક અને આકર્ષક રીતે કરતા, પરંતુ પોતાને મનમાં હંમેશાં ભાગવતી દીક્ષા લઈ સંતોની પંકિતમાં ભળવાની ઇચ્છા રહેતી, પરંતુ મહારાજ પ્રત્યે અતિ આદરભાવને કારણે મહારાજને અરજી કરી ન શક્યા. આથી તેમણે સોમલાખાચરને પોતાની અદમ્ય ઇચ્છા વ્યક્ત કરતા કહ્યું, 'મારે ભાગવતી દીક્ષા ગ્રહણ કરવી છે, પણ મારાથી મહારાજને કહેવાતું નથી. તો તમે મારા વતી મહારાજને ભલામણ કરો તો મને દીક્ષા આપી સાધુ કરે.' આવી અરજી સાંભળી સોમલાખાચરે મહારાજને પ્રાર્થના કરી. મહારાજે તેમને મુક્તાનંદસ્વામી પાસે જઈ દીક્ષા ગ્રહણ કરવાની આજ્ઞા કરી. જગન્નાથ ઘણા જ રાજી થઈ ગયા. આનંદના સમુદ્રમાં હીલોળા લેવા લાગ્યા. સં. ૧૮૭૨ના મહા માસમાં મુક્તાનંદસ્વામીએ તેમને દીક્ષા આપીને 'શુકાનંદ સ્વામી' એવું નામ આપ્યું ને જગન્નાથની અંતરની ઇચ્છા પૂર્ણ કરી. દીક્ષા મેળવ્યા પછી શુકમુનિ મહારાજના આશીર્વાદ લેવા ગયા. મહારાજે પૂછયું 'શું નામ આપ્યું મુક્તમુનીએ?' સ્વામી બોલ્યા 'શુકાનંદ સ્વામી.' મહારાજ કહે 'મુક્તમુનિને તમારી પૂર્વની જાણ લાગે છે ખરી! યોગ્ય નામ આપ્યું છે.' શ્રીજીએ તેમને પોતાની અંગત સેવામાં રાખી લીધા. અને શુકમુનિનું આસન અક્ષર ઓરડીની સામે જ કરાવ્યું.
આમ શુકમુનિની અદમ્ય ઇચ્છા જે પ્રભુ સેવા તે હરિએ પૂર્ણ કરી. તેઓ સદાય શ્રીહરિ સમક્ષ જ રહેવા લાગ્યા. પ્રભુ પણ પોતાના પત્ર વ્યવહારનું સંપૂર્ણ કાર્ય શુકમુનિ પાસે જ કરાવતા. અને શુકમુનિ પણ તેને એવા સુંદર અક્ષરોમાં ટાંકી લેતા કે, શ્રીજી રાજી થઈ જઈ પ્રસાદીરૂપે ઘણીવાર પોતાનો થાળ આપતા. સ્વચ્છ અને મોતીના દાણા જેવા અક્ષરો હોઈ સાહિત્ય લેખનનું કાર્ય પણ શ્રીજીએ તેમને જ સોંપ્યું હતું. સત્સંગના મુખ્ય પુસ્તકો - વચનામૃત, સત્સંગીજીવન વગેરે ગ્રંથો શુકમુનિના અક્ષરોને આભારી છે. આમ આવા મહાન ગ્રંથોની હસ્તપ્રત તૈયાર કરી મુમુક્ષુઓ સુધી તેને પહોચાડી દરેકને મહારાજનો મહિમા સમજાવવામાં અને મહારાજના સુખની નજીક પહોંચાડવાનું કાર્ય શુકમુનિનું જ ગણાય.
શુકમુનિ મહારાજના લાડીલા મુક્ત ખરા, પણ લાડીલા હોવાથી કાંઈ કાર્યમાં સહેજ પણ ગફલત ચાલતી નહિ. લખાણ તો મહારાજને વ્યવસ્થિત જ જોઈતું. પછી ભલેને અનેક વખત લખવું પડે. અને સામે પક્ષે શુકમુનિ પણ એવા જ ધીરજવાળા. ગમે તેટલી વખત લખવું પડે, સહેજ પણ થાક કે કંટાળો દાખવે નહિ કે ક્યારેય સંકલ્પ પણ કરે નહિ. એમને તો હંમેશા એમ જ રહ્યા કરે કે કેમ સારામાં સારું લખી મહારાજને રાજી કરી દઉં. આથી હંમેશા સ્ફૂર્તિમાં રહીને જ કાર્ય કરે. સદાય ચડતો ને ચડતો જ રંગ રાખે. એક વખત આખી રાતના પરિશ્રમ બાદ તેમણે લેખો તૈયાર કર્યા હતા. સવારે મહારાજ તેમના આસને લેખો જોવા આવ્યા તે લેખો મહારાજે જોયા અને કાંઈ પણ બોલ્યા વગર તે લેખોના ડૂચા વાળી દઈ તેને પાણીમાં પલાળીને ચાલ્યા ગયા. શુકમુનિના ચહેરા પર દુઃખનો અણસાર સુધ્ધાં ન આવ્યો. આ જોઈ નિત્યાનંદસ્વામી કે જેઓ તે વખતે ત્યાં હાજર હતા. તેમણે સ્વામીને પૂછયું 'તમારા આખી રાતના પરિશ્રમને મહારાજે આમ કર્યું. છતાંય, તમને કાંઈ થયું નહિ?' શુકમુનિ સહેજ પણ ખચકાટ વગર બોલ્યા, 'મહારાજને રાજી કરવા લખ્યું હતું. મહારાજ તેને ફાડીને કે પલાળીને જેમ રાજી થાય તેમ.' આટલું કહી ફરી પાછા આનંદે સહિત લખવા બેસી ગયા.
મહારાજ કામ કરાવવામાં કચાશ ન દાખવતા ને સખત પરિશ્રમ કરાવતા તો રાજી થાય ત્યારે અઢળક ઢળતા. એક વખત મહારાજે શુકમુનિને લખવા બોલાવ્યા, પરંતુ તેમને શરીરે કસર હોવાથી તેઓ જઈ શક્યા નહિ. છતાંય મહારાજે બીજી વખત સંત સાથે કહેવડાવ્યું ત્યારે સંતના ટેકે-ટેકે અક્ષર ઓરડીએ ગયા. ત્યાં મહારાજ પાસે બેસી મહારાજને પ્રાર્થના કરતા બોલ્યા કે, 'હે! મહારાજ આજે શરીરે થોડો તાવ આવ્યો હોવાથી મારાથી તમારી સેવામાં તરત આવી શકાયું નહિ.' મહારાજ દયા લાવી બોલ્યા, 'બસ આટલી જ વાત છે! મારી સામે નજર કરો.' શુકમુનિએ મહારાજ સામે નજર કરી ને તરત જ જવર ચાલ્યો ગયો ને શરીરે સુવાણ થઈ ગઈ. પછી તો ત્યાં બેઠા - બેઠા મોડી રાત સુધી કાર્ય કર્યા જ કર્યું. તે ત્યાં સુધી કે દીવામાં ઘી ખૂટી ગયું ત્યારે સ્વામી બોલ્યા, 'મહારાજ હવે હું મારા આસને જઈને લખી લઈશ, તમે જરા વાર આરામ કરો. હવે દીવામાં ઘી પણ ખૂટી ગયું છે.' આ સાંભળતાં મહારાજે મચ્છરદાનીમાંથી સહેજ ચરણારવિંદ બહાર કાઢ્યું ત્યાં તો ચરણના અંગૂઠામાંથી તેજ નીકળ્યું જે આખા ઓરડામાં છવાઈ ગયું. શુકમુનિની તો આંખો જ અંજાઈ ગઈ. તેઓ મહારાજને કહેવા લાગ્યા, 'મહારાજ આટલું બધું તેજ હોય તો મારી આંખો ન ઉઘડે તો લખાય તો શી રીતે!' મહારાજે થોડું તેજ ઓછું કર્યું તો યે મુનીએ ના પાડી. તેમ કરતાં દીવાના તેજ જેટલું તેજ રહ્યું ત્યારે શુકમુનિએ તે પ્રકાશમાં આખી રાત કાર્ય કર્યું. મહારાજે મુનિનો તાવ ઉતારી તેમની પાસે આખી રાત કામ કરાવ્યું તેથી સવારે અત્યંત રાજીપો દર્શાવ્યો. મહારાજે તેમને પોતાનો જમેલો થાળ પ્રસાદીરૂપે આપ્યો અને તે ઓછું હોય તેમ પોતાના માથાની ચોટલી કાપી શુકમુનિને પ્રસાદીરૂપે ભેટ આપી દીધી. શુકમુનિ તો આવી અમૂલ્ય ભેટ પોતાને પ્રાપ્ત થતાં પોતાના અહોભાગ્ય માનવા લાગ્યા. આમ મહારાજ કામ કરાવવાની સાથે પોતાના લાડીલા પ્રત્યે રાજીપો પણ ઘણો દર્શાવતા. વચનામૃતમાં પણ મહારાજે શુકમુનિની પ્રશંસા કરતા કહ્યું છે કે, 'આ ડભાણિયો આંબો, ડભાણિયો બળદ અને ડભાણિયા શુકમુનિ અમારા ખરેખરા ઉપયોગમાં આવ્યા છે. આ શુકમુનિ તો અમારા હાથ-પગ સમાન છે.' આમ શ્રીજીએ સભામાં પોતાના આ લાડીલા મુક્તને પોતાના હાથ-પગ સમાનનું બિરુદ આપેલું છે.
પ્રભુએ આપેલા બિરુદ પ્રમાણે જ શુકમુનિએ જીવનપર્યંત અવિરત પણે કાર્ય કર્યા જ કર્યું. શ્રીજીની શ્રીમુખ વાણી જીવો સુધી પહોંચાડ્યા કરી. અને મહારાજનો સતત રાજીપો પ્રાપ્ત કરતા રહ્યા. મહારાજ સ્વધાન પધાર્યા પછી પણ એક વખત પોતે દિવ્યરૂપે આવી શુકમુનિ પાસે સૌ જનો માટે પત્ર લખાવી અદ્રશ્ય થઈ ગયા હતા. શુકમુનિ ફક્ત શ્રીમુખ વાણી જ ઉતારતા તેવું ન હતું. તેઓ ગુજરાતી તેમ જ સંસ્કૃત ભાષામાં સારું પ્રભુત્વ ધરાવતા હતા. અને શ્રીજીના સતત સાંનિધ્યમાં રહેવાથી તેમનો પ્રતાપ પણ બરાબર જાણતા હતા. આથી પોતે સંસ્કૃત તેમ જ ગુજરાતી ભાષામાં અનેક ગ્રંથો રચી મુમુક્ષુઓને મહાન ભેટ આપી છે. તેમણે રચેલ ગ્રંથોમાં સંસ્કૃતની અંદર (૧) બુદ્ધિ પ્રદીપ (૨) જ્ઞાનદીપ (૩) પ્રાર્થના માળા (૪) લોક મંગલાખ્ય શ્રીહરિ કૃષ્ણ સહસ્રનામ સ્તોત્ર (૫) વિશ્વ મંગલ અષ્ટોતરશત નામ સ્તોત્ર (૬) શિક્ષાપત્રી અન્વયાર્થ પ્રકાશિત ટીકા (૭) સત્સંગીજીવન હેતુ ટીકા.
અને ગુજરાતીમાં : (૧) દશમ ઉત્તરાર્ધ (૨) બુદ્ધિપ્રકાશ (૩) ધર્મામૃત (૪) નારાયણ કવચ (૫) સત્સંગ દીપ (૬) ભક્તિનો અધ્યાય (૭) હરિગીતા (૮) ધાર્મિક સ્તોત્રની ટીકા (૯) પ્રાર્થના માળા.
પોતે આવા મહાન. આટ-આટલા ગ્રંથો રચ્યા, વચનામૃતો લખ્યા, છતાંય પોતે નિર્માની થઈ ઘણી વખત કહેતા, 'મહારાજ બોલ્યા અને મેં તે વચનામૃતો લખ્યા છતાંય તેના ગૂઢ રહસ્યો તથા મહારાજ જેવા છે તેવા તો શ્રી ગોપાળાનંદ સ્વામીએ જ્યારે સમજાવ્યા ત્યારે જ સમજાયા.' કેટલી મહાનતા, કેટલું નિર્માનીપણું!
મહારાજના સ્વધામ ગમન પછી આલોકમાં શુકમુનિને જરાય મન લાગતું નહિ. આથી તેમણે મહારાજ પાસે જીર્ણ જ્વર માંગીને લીધો જેથી હંમેશાં મહારાજની મૂર્તિ ધારી સુખમાં લુબ્ધ રહીને સુખ માણ્યા કરાય. તે પ્રમાણે તેમને હંમેશાં જીર્ણ જ્વર રહ્યા જ કરતો, છતાંય જ્વરને કારણે જીવોને મહારાજની નજીક પહોંચાડવાનું પોતાનું કાર્ય બંધ કર્યું ન હતું. તે પોતે સં. ૧૯૨૫ના સ્વતંત્રપણે મહારાજના સુખમાં પહોંચ્યા ત્યાં સુધી ચાલુ જ રાખ્યું. તેઓ મહારાજના સુખમાં પહોંચી ગયા, પરંતુ આજે દરેકને તેમણે લખેલ તથા રચેલ ગ્રંથોનો મોટો લાભ મળે છે. આજે પણ જીવો તે વાંચી મહારાજની નજીક પહોંચવાના પોતાના પ્રયત્નોમાં સફળ થાય છે. અને જ્યાં સુધી મુમુક્ષુઓને મહારાજ ઓળખવાની ગરજ રહેશે, ત્યાં સુધી તેમના લખેલ ગ્રંથો દરેક મુમુક્ષુના હૃદયમાં અંકિત થયેલા રહેશે. તેમની સ્મૃતિ દરેકના જીવનમાં કાયમ રહેશે.