૨ - ભગવાનમાં વૃત્તિ રાખવાનાં

ગઢડા પ્રથમ પ્રકરણમ્ (૧, ૩, ૨૧, ૨૨, ૨૩, ૨૪, ૨૫, ૩૨, ૩૮, ૪૯)

ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવી તેથી કોઈ કઠણ સાધન નથી ને તેથી મોટી કોઈ પ્રાપ્તિ નથી, ને ભગવાનની મૂર્તિને વિશે જેના મનની અખંડ વૃત્તિ રહે છે તે જીવ, ઈશ્વર, માયા ને બ્રહ્મ તેમના સ્વરૂપ અને વૈકુંઠ, ગોલોક, બ્રહ્મમોહોલ એ આદિક ધામ તેને જોવાને ઇચ્છે તો દેખે છે. (૧-૧,૧)

ભગવાનની મૂર્તિ અંતરમાં અખંડ દેખાતી હોય, છતાં પણ ભગવાન તથા તેમની સાથે આવેલા સિદ્ધમુક્તોની લીલા સંભારી રાખવાથી કદાપિ મૂર્તિ ભૂલી જવાઈ હોય તો યાદ આવી જાય છે. (૩)

સર્વે ક્રિયામાં ભગવાનની મૂર્તિનું ચિંતવન કરવું. (૨૧-૧,૨)

કથા - કીર્તનાદિક સર્વે ક્રિયામાં ભગવાનની મૂર્તિને વિશે વૃત્તિ રાખે તો ભગવાનની મૂર્તિમાં વૃત્તિ સ્થિર થાય છે. (૨૨)

ત્રણ દેહથી પર જે પોતાનો જીવાત્મા તેને ચૈતન્યરૂપ જે શ્રીજીમહારાજનું તેજ તે રૂપ માનીને તેમાં શ્રીજીમહારાજની પ્રગટ મનુષ્યરૂપ મૂર્તિ અથવા પ્રતિમાને ધારે તો પોતાના સ્વરૂપને તથા તે સ્વરૂપને વિશે શ્રીજીમહારાજની મૂર્તિને અતિશે પ્રકાશમાન દેખે અને તેને ભગવાનના ચરિત્રને વિશે સંશય થાય નહિ. આવી સ્થિતિ ભગવાનની મૂર્તિમાં એક વૃત્તિ પ્રેમે યુક્ત ને બીજી વૃત્તિ વિચારે યુક્ત અખંડ રાખવે કરીને થાય. (૨૩)

જ્ઞાને કરીને શ્રીજીમહારાજની મૂર્તિમાં અખંડ નિમગ્ન રહેવારૂપ સ્થિતિ થાય ત્યારે એકરસ ચૈતન્ય જે શ્રીજીમહારાજનું તેજ તે એ ચૈતન્ય વિશે શ્રીજીમહારાજની મૂર્તિ દેખાય છે. એવી સ્થિતિ શ્રીજીમહારાજની મૂર્તિમાં અખંડ વૃત્તિ રાખવાથી થાય છે. (૨૪ (૧,૧) (૧,૨))

જેને સર્વ ઠેકાણેથી વાસના તૂટીને એક ભગવાનના સ્વરૂપની વાસના થાય તેને ભગવાનને વિશે વૃત્તિ જોડાય છે ને તે વૃત્તિ ભગવાનના સ્વરૂપમાંથી કોઈની હટાવી પાછી હટતી નથી ને તેને અષ્ટાંગયોગ વગર સાધે સધાઈ રહ્યો છે. ને તે વિના એકલું સાધનનું બળ લે તેને કોઈ રીતે અંતરમાં સુખ રહેતું નથી અને તેનું અંતઃકાળે પણ સારું થતું નથી. (૨૫)

ભગવાનના ભક્તને તો કથા-કીર્તનાદિકના વિષયી થઈને ભગવાનની મૂર્તિરૂપી માળામાં એટલે કે મૂર્તિમાં નિમગ્ન રહેવું તથા ખીલે એટલે ભગવાનની મૂર્તિને સન્મુખ રહેવું, પણ બીજે રહેવું નહિ. ને અંતરમાં સત્વગુણ વર્તતો હોય ત્યારે ભગવાનની મૂર્તિ ધારવી, પણ રજોગુણ કે તમોગુણ વર્તતો હોય ત્યારે ધારવી નહિ. (૩૨)

જે ભગવાનની મૂર્તિમાં નિમગ્ન ન રહી શકતા હોય તેણે ભગવાનના લીલા-ચરિત્ર સંભારવા ને ભગવાનની મૂર્તિનું ચિંતવન કરી ભગવાનની મૂર્તિમાં વૃત્તિ રાખવી. પણ મનને નવરું રહેવા દેવું નહિ. ને ગૃહસ્થ ને ત્યાગી બંનેએ મને કરીને નિર્વાસનિક રહીને ભગવાનનું ચિંતવન કરવું. (૩૮)

જેને ભગવાનની મૂર્તિમાં વૃત્તિ ન રહે તે એકાંતિક ભક્ત કહેવાય નહિ ને ભગવાનની મૂર્તિ સામું જોઈ રહેવું તે અંતર્દષ્ટિ જાણવી અને તે વિના બીજે વૃત્તિ રહે તે બાહ્યદ્રષ્ટિ જાણવી. (૪૯)

કારિયાણી પ્રકરણમ્ (૭)

દેહના સંબંધીની મમતા ન રાખે અને ભગવાનને વિશે દ્રઢ પ્રીતિ કરે અને ભગવાનના સંતનો સમાગમ રાખે તો ગૃહસ્થને પણ ત્યાગીની જેમ જ ભગવાનની મૂર્તિમાં અખંડ વૃત્તિ રહે છે. (૭ (૧,૧))

ગઢડા મધ્ય પ્રકરણમ્ (૩૬, ૩૮, ૩૯, ૪૮, ૪૯, ૫૦)

જેના ચિત્તનો ચોટવાનો સ્વભાવ, શૂરવીરપણું, ભય ને વૈરાગ્ય હોય તેઓને તથા જેના ઉપર ભગવાન કૃપા કરે તથા પૂર્વેનો સંસ્કારી હોય તેમને જ ભગવાનની મૂર્તિમાં અખંડ વૃત્તિ રહે છે ને બીજાને તો મહાદુર્લભ છે. જેને ભગવાન વિના બીજામાંથી હેત તૂટે છે તેને જ ભગવાનને વિશે હેત થાય છે ને ત્યારે જ તેની વૃત્તિ ભગવાનમાં અખંડ રહે છે, પછી તેને કાંઈ કરવાનું રહેતું નથી. (૩૬)

જે ભગવાનના ભક્તને ભગવાન વિના ક્યાંય પ્રતીતિ આવે નહિ ને ભગવાન વિના બીજા કોઈ પદાર્થને વિશે હેત ઉપજે નહિ ને એક ભગવાનની જ રટના લાગી રહે તે એકાંતિક ભક્ત થાય. (૩૮)

ભગવાનના એકાંતિક ભક્તને ભગવાન વિના બીજા પદાર્થનો ઘાટ થાતો નથી ને સ્વપ્નમાં પણ આવતા નથી ને પ્રવૃત્તિમાં રહ્યા હોય, પણ અંતર્દષ્ટિ કરે ત્યારે આત્મસ્વરૂપને પામીને પરમ સુખરૂપ વર્તાય છે. (3૯)

જેને અંતઃકરણમાં ભગવાનની મૂર્તિનું ચિંતવન થાતું હોય તેને ફરીને ગર્ભાવાસમાં આવવું પડતું નથી ને દેહમાં રહ્યો થકો પણ મુક્ત થઈ રહ્યો છે, ને તેને કાંઈ બાકી રહ્યું નથી ને તેના મા-બાપ પણ કૃતાર્થ થાય છે અને ભગવાન વિના બીજું ચિંતવે તે તો અતિશે ભૂલ્યો જાણવો. (૪૮)

ભગવાનની મૂર્તિ ને બીજા માયિક આકારમાં ઘણો ફેર છે. તે માયિક આકારનું ચિંતવન કરનારા નરક ચોરાશીમાં ભમે છે ને ભગવાનની મૂર્તિનું દર્શન ને ચિંતવન કરનારા ભગવાનના મુક્ત થાય છે. (૪૯)

સર્વથી પર એકરસ પરિપૂર્ણ જે ભગવાનના તેજરૂપ અક્ષરબ્રહ્મ તેને વિશે પોતાના આત્માને લીન કરીને તેમાં ભગવાન તથા તેમના મુક્ત સદા સાકાર દિવ્ય મૂર્તિમાન રહ્યા છે તેમાં અખંડ પ્રીતિ જોડી રાખવી. (૫૦)

વરતાલ પ્રકરણમ્ (૪, ૮)

યોગકળાએ કરીને ભગવાનની મૂર્તિ ધારવાનો તો એ ઉપાય છે, જે વૃત્તિને બે પ્રકારે કરીને એક વૃત્તિએ હૃદયને વિશે ભગવાનની મૂર્તિનું ચિંતવન કરવું, ને બીજી વૃત્તિએ નેત્ર આગળ છેટે ભગવાનની મૂર્તિને ધારીને ચિંતવન કરવું, અને મૂર્તિની અડખે-પડખે બીજું પદાર્થ દેખાય તો નાસિકાગ્ર મૂર્તિ ધારવી, એમ કરતાં અડખે-પડખે પદાર્થ દેખાય તો ભૃકુટીના મધ્યે ધારવી, અને આળસ-નિદ્રા આવે તો મૂર્તિ છેટે ધારવી ને ઢૂકડી લાવવી ને અડખે-પડખે ધારવી, પછી સચેત થવાય ત્યારે નાસિકાગ્ર લાવવી ને ભૃકુટીમાં લાવીને હૃદયમાં ઊતારવી, અને બે વૃત્તિઓ હોય તે એક કરવી. એમ કરતાં આળસ-નિદ્રા આવે તો મૂર્તિ બહાર લાવવી. એવી રીતે જ્ઞાન ઇંદ્રિયોદ્વારે ભગવાનની મૂર્તિ ધારવી. પછી ચૈતન્યમાં ધારવી તેમાં વ્યાવહારિક વિક્ષેપ આવે તો પણ મૂર્તિ ધારવી પડી મૂકવી નહિ. (૪)

ભગવાનનો ભક્ત ભગવાનની મૂર્તિમાં વૃત્તિ રાખે ત્યારે પ્રથમ પંચભૂતના આકારે તે વૃત્તિ ભાસે છે, પછી વૃત્તિ નિર્ગુણ થાય ત્યારે શ્વેત તેજોમય થાય છે, ને પછી ભગવાનની મૂર્તિને આકારે થાય છે. એવી રીતે ભગવાનને વિશે વૃત્તિ રાખતાં રાખતાં ભગવાનને વિશે લીન થઈ જાય છે એટલે કે એક મૂર્તિ જ દેખાય છે. (૮)

ગઢડા છેલ્લું પ્રકરણમ્ (૧૭)

ભગવાનના ભક્તને ભગવાન વિના બીજે ઠેકાણે હેત રહે તે જન્મ ધરાવે એવું પાપ છે, માટે બીજે ઠેકાણેથી હેત ટાળીને ભગવાનને વિશે અખંડ વૃત્તિ રાખવી જોઈએ. (૧૭)