પ્રસંગ : ૧

પ્રાત:કાળે ચાર વાગ્યાનો સમય હશે. લોકો હજી ચિર નિદ્રામાં સ્વપ્ન સેવતા પથારીમાં પોઢ્યા હતા. મુક્તરાજ મામાના ઘરમાં આટલી વહેલી સવારમાં લાઈટ સળગી રહી હતી, જે ઘરમાં પ્રવૃત્તિ ચાલતી હોવાના એંધાણ આપી રહી હતી. મામા આટલા વહેલા ઊઠી નિત્યવિધિથી પરવારી ઉપર જ્ઞાનભવનમાં ગયા અને સ્વયં ત્યાંના બાથરૂમ-સંડાસ ચીવટપૂર્વક સાફ કરી, પાણી ગરમ કરી નાહવા માટે સરસ રીતે બાથરૂમ તૈયાર કર્યું. દરેક વસ્તુનું મામા પોતે ધ્યાન રાખતા હતા. કોઈ સેવકને પણ કાર્ય સોંપતા નહિ. આ બધું પોતે એટલા માટે કરતા કે ઉપર જ્ઞાનભવનમાં સદગુરુવર્ય પુરાણી મુની સ્વામીશ્રી પધાર્યા હતા. અને તેમની દરેક જરૂરિયાતનું મામા સ્વયં ધ્યાન રાખતા. મુનિ સ્વામીને નાહવાની વ્યવસ્થા કરી દઈ, પોતે નીચે આવી બીજી વખત સ્નાન કરી ઝડપથી બધી ક્રિયા પતાવી સ્વામી નિત્યવિધિથી પરવારે તે પહેલા સેવામાં પહોંચી જાય. સ્વામીની દરેક જરૂરિયાતનું ધ્યાન રાખી સ્વામી કહે તે પહેલા હાજર કરી આપે. સવારથી રાત સુધી સ્વામીની સેવામાં વિતાવે. રાત્રે પણ સ્વામીના પગ દબાવી સ્વામી વિશ્રામ કરે ત્યાર બાદ જ પોતે આરામ કરે. જ્યાં સુધી સ્વામી આરામ ન કરે, ત્યાં સુધી પોતે તેમની સેવામાં રત રહે. સ્વામી ના પાડે, "ભાઈ, તમારે કયાં કર્મો ઘસવાના બાકી છે? તમે પૂર્ણ મુક્ત છો. આટલો બધો શ્રમ તમે ન લો. તમારાથી આમ મારી સેવા ન થાય. બીજાને થોડું કામ કરવા દો તો તેમને પણ લાભ મળે." મામા કહે, "તેમને લાભ મળે તેટલા માટે જ હું કરું છું. હું કરું તે જોઈને તેઓ પણ શીખશે કે આપ જેવા સદગુરુની સેવા કેટલી ચીવટ રાખી કરવી જોઈએ." સ્વામી કહે, "સેવા તો તમારી કરે તો તેમને ઘણો લાભ મળે." આમ બંને મુક્ત સેવા કરવાનું કહેતા હતા. આ સાંભળી હાજર રહેલા સેવકોએ પૂછયું કે, "મામા સેવાનો મહિમા કેટલો? તે કરવાથી શું અને કેટલો લાભ થાય?"

મામા કહે, "સેવા પરમો ધર્મ" સેવા કરવાથી દરેક કાર્ય સિદ્ધ થાય. બાપાશ્રીએ કહ્યું છે કે, જેને ભગવાન ભજતાં ન આવડતું હોય, ધ્યાન કરતાં ન આવડતું હોય તેણે મોટાની સેવા કરવી. એમ સેવા એ પ્રભુજીની નજીક પહોંચવાનો સૌથી સરળ ઉપાય છે. દરેકે સેવા કરવાનો ગુણ તો કેળવવો જ જોઈએ. સેવા કરવાથી કર્મો ઘસાય છે. સેવા ગમે તે પ્રકારની હોઈ શકે. શારીરિક, માનસિક, આર્થિક ગમે તે. અગત્યનું છે મનમાં સેવા કરવાનો ભાવ હોવો. આર્થિક સેવા કરવાનું દરેકનું સાર્મથ્ય ન હોય તો તેઓ શારીરિક સેવા કરે. પણ સેવા અવશ્ય કરવી. હવે સેવા જરૂરિયાતવાળા દરેકની કરવાથી લાભ તો થાય, પરંતુ મુક્તપુરુષની સેવા કરવાથી અદભુત લાભ પ્રાપ્ત થાય છે. અને તેમાંય પૂર્ણ અનાદિમુક્તની સેવા કરવાથી તો વાત જુદી જ બને છે. સામાન્ય જીવોની સેવાથી માત્ર પુણ્ય ભેગું થાય બસ. જ્યારે મુક્તપુરુષની સેવાથી કર્મો ઘસાય છે, ચેતનાની ઊર્ધ્વગતિ થાય છે, મનોવાંછિત ફળ પ્રાપ્ત થાય છે. મુક્તપુરુષનો રાજીપો પ્રાપ્ત થવાથી આધ્યાત્મિક ઉન્નતિ થાય છે. આધ્યાત્મિક ઉન્નતિ માટે કેટલોય પુરુષાર્થ કરવો પડે છે, જ્યારે સેવાથી તે સહજ બને છે. મુક્તપુરુષની સેવા કરવાથી અંત:શત્રુઓ પીડતા નથી, ખોટા સંકલ્પો વિરામ પામે છે, મન અનેરી શાંતિનો અનુભવ કરે છે. એવા ઘણા દાખલાઓ પણ છે કે, મુક્તની સેવા કરવાથી જીવની પ્રકૃતિ સાવ બદલાઈ ગઈ હોય. તેના જીવનમાં આમૂલ પરિવર્તન આવી ગયું હોય. હૃદયના ખરા ભાવથી પૂર્ણ મુક્તની સેવા કરી તેમનો રાજીપો મેળવ્યો હોય તો તેઓ જીવને પાત્ર કરી શ્રીજીના દિવ્યસ્વરૂપના દર્શન પણ કરાવે છે. આ છે પૂર્ણ મુક્તની સેવાનું ફળ. અને આ છે સેવાનું મહત્વ.

સેવાનો ગુણ જીવનમાં અગત્યનો ગુણ છે. દરેકે તે કેળવવો જ જોઈએ. સેવાના ગુણના અદભુત તેમ જ અલૌકિક ફાયદા છે. અને જીવનમાં આગળ વધવા મહત્વનો ગુણ હોવાથી જ હું હંમેશા તમને બધાને એ ગુણ કેળવવાનો આગ્રહ રાખું છું. અત્યારે પુરાણી સ્વામીની સેવા કરવાથી પણ અનેરો લાભ મળે તેમ છે." સ્વામી કહે, "ભાઈને તો દરેક ગુણ કેળવાયેલા જ છે. તેઓ પૂર્ણ મુક્ત છે. તેમને સેવા કરી કોઈ લાભ મેળવવાની ગરજ નથી. તેઓ તો સેવા કરવાના પોતાના સહજ સ્વભાવને લઈને નાના હતા ત્યારથી સેવા કરતા આવ્યા છે. તમારે તેમની પાસેથી એ શીખવાનું છે. અત્યારે પણ તેઓ જે ચીવટ રાખી મારી સેવા-ચાકરી કરે છે તે જોઈ તમારે બધાયે શીખ લેવાની છે. અને તમે બધા તેઓની આથી વિશેષ ચીવટ રાખી સેવા કરશો તો મહારાજનો રાજીપો તમારા પર ઉતરશે. મારી વાત યાદ રાખજો." સેવકોએ સંમતિ આપતાં માથું હલાવ્યું. સેવકો મામાને કહે, "હવેથી સ્વામીની અને આપની સેવા અમે કરીશું." મામા કહે, "તમને આવડે તેવી તમે કરજો. અત્યારે તો સ્વામી મારે ત્યાં પધાર્યા છે. આથી હું તેમની સેવાનો લાભ લઈશ." આમ કહી મામાએ એ પણ શીખવ્યું કે પોતાને ત્યાં આવનાર મુક્તની પોતે જ સેવા કરવી એ પોતાની ફરજ છે. મામાએ અ. મુ. પૂ. શ્રી કેશવપ્રિયદાસજી સ્વામીની એક મહિનો ખંતપૂર્વક સેવા કરી.

સેવાનો આવો ઉત્તમ મહિમા જાણી સેવકોને સેવા કરવાનો અનેરો ઉત્સાહ વધ્યો. તેઓ બેવડા ઉત્સાહથી સ્વામી તથા મામાની સેવા કરવા લાગ્યા. આજે જ તો તેમને સેવા કરવાનું રહસ્ય ખરા અર્થમાં સમજાયું હતું.