પ્રસંગ : ૧૬

આજે ત્રણ-ત્રણ દિવસ થયા ભક્તથી નથી સરખું સૂઈ શકાતું કે નથી સરખું બેસી શકાતું. વર્ષોથી કેન્સરનું દરદ તો હતું જ, તેમાં શ્વાસની તકલીફે વધારો કર્યો હતો. ત્રણ દિવસ થયા ભક્તને એકેય વાતે સુવાણ થતી નથી. નથી એક વાક્ય બોલી શકાતું કે નથી પાણીનો એક ઘૂંટડો પણ ગળાની નીચે જઈ શકતો. છતાંય ભક્તને એ વિશે કોઈ ફરિયાદ નથી કે નથી અંતરમાં કોઈ વેદના. તેઓ તો શ્રદ્ધા રાખી ભગવાન તથા મુક્તરાજ મામાને સંભાર્યા કરે છે, બસ સંભાર્યા જ કરે છે, પરંતુ ઘરના સભ્યોને હવે ચિંતા થવા માંડી છે, કોઈને ખાવાનુંય ભાવતું નથી, જીવ ઉચાટ અનુભવે છે. આમ ને આમ ક્યાં સુધી તકલીફ ભોગવ્યા કરવાની? એમનું દુઃખ હવે જોવાતું નથી, પણ ભક્ત છે કે કોઈ ચિંતા કરતા નથી અને ઘરના સર્વેને પણ ઇશારા કરી પોતે હિંમત આપે છે અને ધીરજ ધરવા કહે છે, પરંતુ આજે તકલીફે પોતાનું સ્વરૂપ વધુ વરવું કર્યું હતું. ઘરના દરેક સભ્યો એક ચિત્તે મહારાજ, બાપાશ્રી તથા મુક્તરાજ મામાને આર્તનાદે પ્રાર્થના કરવા લાગ્યા.

જાણે પ્રાર્થના પહોંચી ગઈ. કોઈ પણ જાતના આગમનના સંદેશા વગર ઘરમાં મામાનું આગમન થયું. મામાના દર્શન થતાં ઘરના દરેક સભ્યોના મન ખીલી ઊઠ્યાં, હૃદય આનંદમાં નાચવા લાગ્યું. બધાને વિશ્વાસ બેઠો કે નક્કી મુક્તરાજ ભક્તની પ્રાર્થના સાંભળી પધાર્યા છે. નહિ તો ખબર કર્યા વગર ક્યારેય ન આવનાર મામા આજે આમ અચાનક ક્યાંથી? સૌને શાતા વળી કે હવે નક્કી કાંઈક ઉકેલ મળશે.

ભક્તને તો હર્ષાશ્રુ છલકાઈ આવ્યાં. મુક્તરાજ મામાના દર્શન માત્રથી જાણે અર્ધી વ્યાધિ તો દૂર થઈ ગઈ. ઘરના સભ્યો મામાની આગતા-સ્વાગતામાં પરોવાયા. મામા સીધા ભક્ત પાસે ગયા. ભક્ત ખુરશીમાં બેઠા-બેઠા હાંફતા હતા, છતાંય માંડ-માંડ જય સ્વામિનારાયણ તો બોલ્યા. મામા અજાણતા થઈ પૂછવા લાગ્યા, "તમને શું થાય છે? કેમ આમ હાંફો છો?" ભક્તથી તો કહેવાયું નહિ. ઘરના સભ્યોએ વિગતે વાત કરી, કે "આજે ત્રણ દિવસ થયા આ જ પરિસ્થિતિ છે, નથી કાંઈ ખવાતું કે નથી પીવાતું. એક વાક્ય બોલવામાં પણ અતિશય શ્રમ પડે છે." મામાએ એક ચિત્તે બધી વાત સાંભળી. આંખો બંધ કરી ભગવાન સ્મર્યા. ભક્ત સામું જોઈ બોલ્યા, "તમને તકલીફ ઘણી છે, ભગવાનના નિશ્ચયના બળ વગર આવી સહનશક્તિ સંભવે નહિ. તમારા જેવા બળિયા ભક્તથી જ આ દુઃખ સહન થાય, બીજાથી આવું સહન થઈ શકે નહિ. મહારાજ પ્રત્યે તમારી નિષ્ઠા, સર્વોપરિ ઉપાસના અને સમજણના અંગને લઈને જ મહારાજ તમારા પર પ્રસન્નતા જણાવે છે." આમ કહી મામાએ આંખો બંધ કરી અંતર્વૃત્તિએ મહારાજને સંભારી ભક્તની છાતી પર પોતાનો કોમળ અને દિવ્ય હાથ ફેરવ્યો. એક વખત, બે વખત અને ત્રણ વખત.

આ...હા! મુક્તરાજ હાથ ફેરવતા ગયા અને ભક્ત દિવ્યાનુભૂતિ કરતા રહ્યા. આનંદમાં ગરકાવ થઈ દિવ્ય સ્પર્શ માણતા રહ્યા. ભક્તનું હૃદય પુલકિત થઈ ઊઠ્યું. જાણે ટાઢો શેરડો પડ્યો. આનંદ-આનંદ!! અવર્ણનીય દિવ્ય સ્પર્શની અનુભૂતિ થઈ રહી. મુક્તરાજમાં રહી જાણે સ્વયં શ્રીહરિએ હાથ ફેરવ્યો. મુક્તરાજે હાથ ફેરવવો બંધ કર્યો આંખો ખોલી ભક્ત સામું મંદ-મંદ સ્મિત વેરતા વાત્સલ્યપૂર્ણ દ્રષ્ટિ કરી અને બોલ્યા, "મેં શ્રીજીમહારાજને પ્રાર્થના કરી છે અને તેમણે પ્રાર્થનાનો સ્વીકાર કર્યો છે. તમને આ જ મિનિટથી સારું થવા માંડશે." મામાનું વાક્ય હજી તો પૂર્ણ થયું ને જાણે ચમત્કાર સજાર્યો. હાંફ મટી ગઈ. પીડા અદ્રશ્ય થઈ ગઈ, જાણે ક્યારેય હતી જ નહિ. ભક્ત તો મામાના પગમાં પડી ગયા. અશ્રુઓથી મામાના ચરણ પખાળ્યા. હરખમાં તેમના મુખમાંથી શબ્દો નીકળી ન શક્યા. હાથ જોડી ગદગદ ભાવે એટલું જ બોલ્યા, "આજે મારા ઉપર આપે બહુ દયા કરી." આખું વાક્ય ભક્ત એકદમ સરળતાથી બોલી ગયા. ઘરના સભ્યો ભક્તને આમ વગર શ્વાસ ચડ્યે બોલતા સાંભળી અવાચક થઈ ગયા. આ ચમત્કાર જોઈ સર્વે દિગ્મૂઢ થઈ ગયા હતા. થોડીવાર તો બધા આશ્ચર્ય સાથે ત્યાં જ ઊભા રહ્યા. ભક્તે બધાનું ધ્યાન તોડ્યું ને કહ્યું આમ જ શું ઊભા રહ્યા છો? મુક્તરાજ માટે કાંઈ લઈ આવો. ત્યારે બધાને ભાન થયું અને મુક્તરાજ માટે અલ્પાહારની તૈયારી કરી હતી તે મહારાજને ધરાવી મુક્તરાજને તથા સાથે આવેલા હરિભક્તો, સેવકોને આપ્યું.

મુક્તરાજ તો આજે ભક્ત પર જાણે સમગ્ર દયાનો સાગર વરસાવવા આવ્યા હોય ને શું! આ ત્રણ દિવસની પીડાનું સાટું વાળવા આવ્યા હોય તેમ જગ્યાએથી ઊઠી હાથમાં ડીશ રાખી ભક્ત પાસે ગયા અને પોતાના હાથે ભક્તને પ્રસાદી જમાડી. ભક્તના તો ભાગ્ય ખૂલી ગયા. ત્રણ દિવસની પીડાનો અલભ્ય લાભ મળી તેનો આવો સુખદ અંત આવશે તેવો તો સ્વપ્ને પણ ખ્યાલ નહોતો.

મુક્તરાજે ઘરના સભ્યોને કહ્યું, "તમે બધા ભાગ્યશાળી છો કે ભક્તના કુટુંબી છો, ભક્તે ખૂબ સાધના કરી છે. ઘણા મોટા મુક્તોનો રાજીપો મેળવ્યો છે. એ રાજીપાને લીધે તેમને ધ્યાનની મૂર્તિ સિદ્ધ થઈ છે. ધ્યાન માટેનો આવો પુરુષાર્થ કર્યો હોવાથી જ મહારાજ તેમના પર રાજી છે." પછી ભક્તને કહે, "આજે મહારાજે જ મને તમારી પાસે મોકલ્યો છે તમે આવી પીડામાં પણ ધીરજ ગુમાવ્યા વગર ભગવાન સંભારતા રહ્યા એ ખરા મુમુક્ષુનું લક્ષણ છે." ત્યાર બાદ ઘરના સર્વેને કહ્યું, "તમે બધા પોતાને ભાગ્યશાળી માની આમની બરાબર સેવા કરજો." મામાએ રાજી થઈ કેટલીય વાર સુધી મહારાજના મહિમાની વાતો કરી સર્વેને ન્યાલ કરી દીધા. મુક્તરાજ ભક્ત પાસે રજા લઈ પાછા પધાર્યા.

ભક્તને તો જાણે ક્યારેય શ્વાસની તકલીફ હતી જ નહિ. સંપૂર્ણ સ્વસ્થતાથી વાતો કરી શકતા હતા. આજે આ બધું કેવી રીતે બની ગયું તે જ ઘરના સભ્યો વિચારતા રહ્યા. ડૉક્ટરોની દવા જે ન કરી શકી તે અનાદિ મુક્તરાજે માત્ર હાથ ફેરવી સારું કરી આપ્યું!! આશ્ચર્ય!!!

ભક્તને હવે કોઈ તકલીફ હતી નહિ. ઘરના સભ્યો તેમની પાસે બેસી તેમને જોતા રહ્યા. ભક્તે તો પછી મહારાજ અને મુક્તરાજના મહિમાની તેમના સામર્થ્યની અઢીથી ત્રણ કલાક સુધી કોઈ પણ જાતની તકલીફ વગર બધાને વાતો કરી. બધાને આ ચમત્કારથી ભારે અચરજ થયું હતું. મુક્તરાજ બધાને જીવનભરનું સંભારણું કરી દઈને ગયા હતા.

અનાદિમુક્ત તો સળંગ રસબસભાવે મૂર્તિમાં સંલગ્ન હોય છે. શ્રીજીમહારાજ તેમના દ્વારા સર્વ કાર્ય કરે છે. આથી આ લોકના જીવોને જે બહુ મોટો ચમત્કાર લાગે છે તે અનાદિમુક્ત માટે તો એક સહજ ક્રિયા જ છે, એક સામાન્ય કાર્ય છે. પરમાત્મા સાથે અખંડ એકાત્મતા હોવાથી પરમાત્માના કલ્યાણકારી ગુણો તેમનામાં આવિર્ભાવ પામેલા હોય છે. અત્રે "કોઈને દુઃખીયો રે દેખી ન ખમાય..." મહારાજનું એ લક્ષણ મુક્તમાં અભિવ્યક્ત થાય છે.