પ્રસંગ : ૩૫
પૂર્ણ સ્થિતિને પામેલા અનાદિમુક્ત સાથે રહેવાથી જીવનમાં નાના-મોટા એવા ઘણા પ્રસંગો બને છે, જેનાથી જીવન જીવવાની સાચી દિશા પ્રાપ્ત થાય, જેનાથી જીવન ઘડતર થાય. એવી નાની બાબતો પણ સેવકોને મોટી વસ્તુ શીખવી જાય. એ જ તો મુક્ત સાથે રહેવાનો લ્હાવો અને લાભ છે.
બળદિયા છત્રી સ્થાનમાં સમૈયો હોય ત્યારે મોટે ભાગે મામા ત્યાં હાજર રહે અને ત્યાં હોય ત્યારે અચૂકપણે તેમનો ઉતારો ચાર નંબરના ઉતારામાં જ હોય. એવે સમયે સેવકોને મામાની વધુ નજીક રહેવાનો લહાવો મળે. સેવા કરવાનો અવસર મળે અને સાથે-સાથે વ્યક્તિત્ત્વવિકાસ તેમ જ જીવના વિકાસ અંગે કેટલુંય શિખવા મળે. એક વખત મામા અને સેવકો ઉતારામાં બેઠા હતા એ વખતે મામાએ એક સેવક પાસે પાણી માગ્યું. સેવક તરત ઊભો થઈ અંદરની રૂમમાંથી ગ્લાસમાં પાણી લઈ આવ્યો. ગ્લાસ હાથમાં લેતાં જ તેને મામાએ કહ્યું, "હાથ ધોઈને પછી ગ્લાસ ભરવો જોઈએ ને?" પોતે હાથ ધોયા વગર પાણી ભર્યું છે તે મામા અંતર્યામીપણે જાણી ગયા, તે વાતથી સેવકને આશ્ચર્ય થયું, પણ પછી કહ્યું, "મામા, મારા હાથ તો સ્વચ્છ જ હતા." મામા કહે, "મુક્તને તો તમે પોતે જ અશુદ્ધ હો અને પાણી આપો તો પણ તેમને કોઈ મલિનતા સ્પર્શ કરતી નથી, પરંતુ આ વાત પૂર્ણ મુક્તને જ લાગુ પડે છે. સાધનદશાવાળાએ તો સંપૂર્ણ સ્વચ્છતા રાખવી ઘટે. સ્વચ્છતા મહારાજને પ્રિય છે, એટલે મહારાજને રાજી કરવાના આશયથી પણ સ્વચ્છતા આવશ્યક છે. દેખીતી રીતે તમારા હાથ સ્વચ્છ લાગે, પરંતુ તમે બેઠા હો ત્યારે તમારા હાથ માથામાં ફર્યા હોય કે પગને લાગ્યા હોય કે નાકમાં આંગળી ગઈ હોય તેવા હાથે જ તમે પાણી ભરો તે અશુદ્ધિ કહેવાય. વૈજ્ઞાનિક રીતે પણ તે આરોગ્યપ્રદ ન કહેવાય. તમારા ઉપયોગ માટે કે બીજાના ઉપયોગ માટે તે અશુદ્ધ તો કહેવાય જ. ‘Cleanlyness is Godlyness’ સ્વચ્છતા પ્રભુને પ્યારી છે. આવી નાની-નાની બાબતોથી જ જીવન સુંદર-સ્વચ્છ અને પ્રભુભક્તિનું પાત્ર બને છે. તેથી નાની બાબતો પ્રત્યે પણ દુર્લક્ષ ન સેવવું.
નાની-નાની બાબતો વિશે પણ ટકોર કરી મામા સેવકોના સંસ્કાર ઘડતર કરતા. આવી બાબતોથી જ આદર્શગુણો અને વ્યક્તિત્વ ખીલે છે.