પ્રસંગ : ૨૬

સુખમાં વ્યક્તિની આજુ-બાજુ ગમે તે વ્યક્તિ હોય તેને ઝાઝો ફરક નથી પડતો, પરંતુ દુઃખમાં તો હંમેશાં એવાને જ શોધે છે જે તેમના ખરા હિતેચ્છુ હોય, જે ખરેખર તેમને મદદરૂપ થાય. આંસુ સારવા એવાનો ખભો ઝંખે છે જે ખભો તેમને આધાર આપી શકે, જેના પર ભરોસો મૂકી શકે. સત્સંગ સમુદાયમાં જેઓ મામાને ઓળખતા તેઓ માટે મામા આધારસ્તંભ હતા, નાસીપાસ થયેલાઓ માટે આશાનું કિરણ હતા, નાહિંમત થયેલાઓ માટે હિંમતનો ધોધ હતા, દુઃખના ખારા સમુદ્રમાં સહાય કરી મામા તેઓ માટે મીઠી વીરડી બનતા. અને એટલે જ સાંસારિક, આર્થિક, સામાજિક, શારીરિક કે ગમે તેવી મુસીબતો આવે ત્યારે જેમ જરાક મુસીબત દેખાય અને નાનું બાળક દોડતું આવી માતાની સોડમાં ભરાઈ જાય. માતાનો ખોળો તેને મન દુનિયાની સૌથી સુરક્ષિત જગ્યા. તેવી જ રીતે લોકોને મુસીબત આવે ને ક્યાંય મારગ ન સૂઝે એટલે દોડતા મામા પાસે આવી પહોંચતા. દરેકના મનમાં એક અડગ શ્રદ્ધા ને વિશ્વાસ કે મામા સુધી વાત પહોંચે એટલે સમસ્યાનો ઉકેલ આવી જ જવાનો. દુઃખ દૂર થઈ જશે. મામા દ્વારા મહારાજ જરૂરથી સહાય કરશે. અને લોકોના આ વિશ્વાસને કૃપાળુ અને દયાળુ મામાએ ક્યારેય ડગવા નહોતો દીધો. તેના મામાના જોગમાં આવનાર દરેકે દરેક જણ સાક્ષી હશે જ.

બપોરના સમયે અચાનક મામાના ઘરે ફોન રણકી ઊઠ્યો. મોટે ભાગે હરિભક્તો બપોરના સમયે મામાને દખલરૂપ થતા નહિ. એ મામાનો આરામનો સમય રહેતો. બપોરના ફોન આવ્યો તેથી થયું જ કે નક્કી કોઈ વધુ મુસીબતમાં છે. અને એમ જ હતું. ફોન ઉપર મામાનો અવાજ સાંભળીને જ હરિભક્તને હૈયાધારણ મળી. બપોરના સમયે ખલેલ પહોંચાડવા બદલ મામાની માફી માગી કહે, "મામા, વાત જ એવી છે કે ફોન કર્યા વગર ચાલે તેમ નહોતું. મામા, લંડનમાં મારા જમાઈની બંને કીડની ફેઈલ થઈ ગઈ છે. તેઓ ડાયાલિસીસ પર છે. કુટુંબમાંથી કોઈની કીડની મેચ થતી નથી. ડૉક્ટર કહે છે કે બે-ચાર દિવસની અંદર બીજી કીડની નહિ મળે તો પછી અમે કાંઈ નહિ કરી શકીએ. મામા, હજી તો દીકરીની ઉંમર સાવ નાની છે. જમાઈ નહિ રહે તો દીકરી જીવી નહિ શકે. આખી જિંદગી કેમ નીકળે? અમે બધા બહુ મૂંઝાઈ ગયા છીએ. આપે કાંઈક કરવું જ પડશે. આપ તો દયાળુ છો, કેટલાયને સહાય કરો છો. અમને પણ કરો, કાંઈક રસ્તો કાઢો." હરિભક્ત રડવા લાગ્યા. રડતા-રડતા જ ફરી બોલ્યા, "દયાળુ, આપ સમર્થ છો, આપ ધારો તેમ થાય છે. આપ સંકલ્પ કરશો તો બધું પાર પડશે. જમાઈને તમારે બચાવવો જ પડશે." હરિભક્ત પ્રેમી હતા. મામાના સામર્થ્યને જાણતા હોવાથી જ આવો આગ્રહ કરતા હતા. પ્રેમ અને સમજણે તેમને મામા પાસે પોતાપણું દાખવવાનો જાણે હક્ક આપ્યો હતો. મામા આ વાત જાણતા હતા. પ્રેમીને તો ભગવાન પણ વશ થઈ જાય છે. દયાળુ મામાએ તેમની પ્રાર્થનાને વશ થઈ ભવિષ્યવાણી કરી, "આ ગુરુવારે તેમને કીડની મળી જશે અને તેઓ બચી જશે અને લાંબુ આયુષ્ય ભોગવશે. તેઓ ભગવાનના સારા ભક્ત છે. તેઓ સત્સંગની પણ સેવા કરશે. તમે બધા મહારાજને પ્રાર્થના કરી તેમને સંભાર્યા કરજો. અમે પણ પ્રાર્થના કરીશું. ચાલો જય સ્વામિનારાયણ." ફોન મૂકાઈ ગયો.

હરિભક્તને તો હજી ઘણું બધું પૂછવું હતું. ગુરુવારે કોની કીડની મળશે? કોણ પોતાની કીડની દાનમાં આપશે? કુટુંબના બીજા સભ્યોમાંથી કોઈની મેચ થઈ જશે? બહારથી કોઈની મળશે? કે પછી ડૉક્ટરો ક્યાંકથી વ્યવસ્થા કરશે? આવા અનેક પ્રશ્નો તેમના મનમાં ઊઠ્યા હતા, પરંતુ મામાએ ફોન મૂકી દીધો હતો. અને હવે બીજી વખત મામાને તકલીફ આપવાનું તેઓને યોગ્ય ન લાગ્યું. મામાના વચનથી હરિભક્તને હિંમત આવી ગઈ હતી. મનમાં ઊઠતા પ્રશ્નોને બંધ કરી દઈ તેઓ વિચારવા લાગ્યા જે રીતે કીડની મળવી હશે તેમ મળશે, મામાએ કહ્યું છે ભગવાન સંભારો. કીડની તો મળવાની જ છે. હવે બરાબર ભગવાન સ્મરવા જોઈએ. હરિભક્તે ઘરમાં સર્વેને વાત કરી. વાત જાણતા સૌના જીવમાં જીવ આવ્યો. એ વાત ડૉક્ટરને પણ કરી કે, ગુરુવારે કીડની મળી જશે. ઘરના સર્વેને મામાના વચનમાં અતૂટ વિશ્વાસ, પરંતુ ડૉક્ટરના પ્રશ્નોના તેમની પાસે કોઈ જવાબ નહોતા. કોણ કીડની આપશે? તમે કોઈ ડોનર શોધ્યો છે જે ગુરુવારે આવવાનો છે? કોણ છે એ, એની કીડની મેચ થશે જ એ તમને કેવી રીતે ખબર છે? કોણ વ્યક્તિ છે? આ બધા પ્રશ્નોનો હરિભક્ત પાસે એક જ જવાબ હતો ગુરુવારે કીડની મળશે બસ. ડૉક્ટરને ભારે અચરજ થયું. કોઈ વ્યક્તિ છે નહિ. કોઈ વ્યક્તિ આવે તેમ નથી, બીજી હૉસ્પિટલમાં કોઈ દરદી એવો છે નહિ જે કીડની આપી શકે, છતાં આ વ્યક્તિ આટલા વિશ્વાસથી કઈ રીતે કહી શકે છે કે ગુરુવારે કીડની મળશે. બહુ પૂછતાં હરિભક્તે ડૉક્ટરને મામાનો પરિચય આપ્યો.

અમદાવાદમાં અમારા ગુરુ રહે છે. તેઓ અનાદિમુક્ત છે. અનાદિમુક્ત એટલે અખંડ ભગવાનનું દિવ્ય સુખ ભોગવનારા, ભગવાનની મરજી જાણનારા, પૂર્ણ સ્થિતિને પામેલા હોવાથી તેઓ ત્રણે કાળનું જાણી શકે છે. જેથી વચનસિદ્ધિ જેવા ગુણો તેમનામાં સહજ પ્રવર્તે છે. અમને એવા ઘણા અનુભવો થયા છે. અમને તેમના વચનમાં દ્રઢ વિશ્વાસ છે. ડૉક્ટર પણ હરિભક્તના આવા વિશ્વાસ પર અવાચક થઈ ગયા. બધાની સાથે તેઓ પણ ગુરુવારની આતુરતાપૂર્વક રાહ જોવા લાગ્યા. તેમને એ જોવું હતું કે એવી કોણ વ્યક્તિ છે જેણે આવી ભવિષ્યવાણી કરી છે. એ સાચી પડે છે કે કેમ તે જાણવામાં હવે ડૉક્ટરને પણ ઇંતેજારી હતી. ગુરુવાર આવી ગયો. ઘરની દરેક વ્યક્તિની સાથે ડૉક્ટર પણ આતુરતાપૂર્વક રાહ જોતા હતા કે કઈ રીતે આમને કીડની મળે છે. અને એવામાં જ બીજી હૉસ્પિટલમાંથી સમાચાર મળ્યા કે તમારે જે ગ્રુપની કીડની જોઈએ છીએ તેવા ગ્રુપવાળા એક માણસનો ઍક્સિડન્ટ થયો છે અને તે બચે તેવી કોઈ આશા નથી. તેથી તેની કીડની મળી શકે તેમ છે. તાત્કાલિક હરિભક્તના જમાઈને ઑપરેશન દ્વારા તે વ્યક્તિના મૃત્યુ બાદ તરત જ તેની કીડની બેસાડવામાં આવી. ઑપરેશન સફળ થયું. કુટુંબીજનો અત્યંત રાજી થયા. આ બનાવથી ડૉક્ટર પણ નવાઈ પામી ગયા. હરિભક્તે તરત ફોન દ્વારા મામાને જાણ કરી, આપના આશીર્વાદથી બધું જ સમુસૂતરું પાર ઉતર્યું છે. જમાઈનું ઑપરેશન સારી રીતે થઈ ગયું છે. સારું થતાં જ આપના દર્શને આવશે.

સમસ્ત પરિવાર હર્ષાશ્રુ સાથે મામાને વંદી રહ્યું. તેમના જીવનમાં મામાનો વધુ એક ઉપકાર ઉમેરાઈ ગયો. આજે પણ હરિભક્તના જમાઈ સ્વસ્થ જીવન વિતાવી રહ્યા છે અને મામાને કૃતજ્ઞતાપૂર્વક સંભારી પોતાને ધન્ય માને છે.