પ્રસંગ : ૨૨

જીવોને પોતાના પ્રારબ્ધકર્માનુસાર દેહ પ્રાપ્ત થાય છે. શાસ્ત્રોમાં પણ એવું કહેવાયું છે કે પ્રારબ્ધકર્મનું ફળ જીવે ભોગવવું જ પડે છે. તેમાં સારા કર્મોનું ફળ પણ મળે છે અને ખરાબ કર્મોનું પણ. ભગવાનની એ કૃપા જ કહેવાય કે તેઓ આપણા દરેક કર્મોનો હિસાબ રાખી તે પ્રમાણે જીવને તેનું ફળ આપે છે. નહિ તો જીવ કોઈ નાનું એવું સારું કે ખરાબ કર્મ કરી તેને ભૂલી જાય, પરંતુ ભગવાન તે દરેક નાના એવા કર્મનો પણ હિસાબ રાખી યોગ્ય સમયે ઉચિત ફળ આપે છે. પ્રભુજીની આ અનાદિની રીત છે. તેમાં અનિવાર્ય સંજોગો સિવાય ભગવાન પોતે પણ હસ્તક્ષેપ કરતા નથી. આથી જીવને જીવનમાં જે કાંઈ પણ સુખ-દુઃખ આવે તે પ્રારબ્ધકર્માનુસાર ભગવાને આપ્યું છે તેમ વિચારી, દરેક પરિસ્થિતિનો સહર્ષ સ્વીકાર કરી પ્રભુભજન કરી, પ્રભુની વધુ ને વધુ નજીક જવાય તેવા પ્રયત્નો કરવા તે જ કર્તવ્ય છે.

અનાદિમુક્ત ત્રિકાળદર્શી હોય છે. એનો અર્થ એવો થાય કે તેઓ ભૂત, વર્તમાન અને ભવિષ્ય બધું જોઈ જાણી શકતા હોય. આપણે સામાન્ય જીવો આપણા આ દેહના જ ભૂત-વર્તમાન અને ભવિષ્ય એમ સમજીએ છીએ. જ્યારે મુક્ત તો આપણા ભૂતકાળના અનેક જન્મો વિશે, વર્તમાન વિશે અને ભવિષ્ય એટલે આવનાર જન્મ વિશે પણ જાણકારી ધરાવતા હોવા છતાં તેઓ એ વિશે જીવોને જણાવતા નથી. જેમ પરિસ્થિતિઓ બદલાતી જાય તેમ જીવ જાણતો જાય અને પ્રારબ્ધ ભોગવતો જાય.

એક હરિભક્તના બહેનને મગજની અસ્થિરતાને લીધે ઘણી તકલીફ રહેતી. તેઓ પોતે હેરાન થતા અને ઘરના સર્વે પણ તેમની આવી તકલીફને લીધે મુશ્કેલી અનુભવતા. કોઈ ઉપાય બહેનને સાજા કરવા કારગત નીવડતો નહિ. હરિભક્ત ભગવાનના સારા ભક્ત, મામાને વિશે મહિમા જાણનારા, તેમના વચનમાં સંપૂર્ણ શ્રદ્ધા ધરાવનારા. ઘરમાં આવી મુશ્કેલી છતાં આનંદમાં ભગવાન ભજે ને જીવન વ્યતિત કરે. એક વખત તેઓ ચિંતાતુર વદને મામાના દર્શને આવ્યા અને મામાને પ્રાર્થના કરી કે, "મામા, બહેનનું દુઃખ કોઈ રીતે મટતું નથી. તે પોતે દુઃખી થાય છે અને એના લીધે ઘરના સર્વે પણ દુઃખી રહે છે. આપ તેનું દુઃખ દૂર ન કરો?" મામાએ તેમને કહ્યું, "તમારા બહેન વિશે મને જાણ છે. બહેનને પૂર્વના પ્રારબ્ધકર્માનુસાર ભગવાને શિક્ષા કરી છે. આથી તેમને આવું દુઃખ છે. પ્રારબ્ધનું છે તેથી એમણે ભોગવવું પડશે. અક્ષમ્ય પ્રારબ્ધ ભોગવે જ છૂટકો થાય. પ્રારબ્ધ ભોગવીને જ જીવ શુદ્ધ થાય ને ભગવાનનું સુખ ઝીલવાને પાત્ર બને." હરિભક્ત કહે, "પણ મામા, એવા તે એના કેવા પ્રારબ્ધ છે કે જે માફ જ ન કરી શકાય?" મામા કહે, "એવું જોવું કે જાણવા ઇચ્છવું નહિ. ભગવાન હંમેશાં યોગ્ય જ કરતા હોય. મેં તમને કહેલા નિયમ પ્રમાણે કર્યું હોત તો બહેનને દુઃખમાં થોડી રાહત થાત, પરંતુ તમે તેમ કર્યું નથી. પ્રારબ્ધ કેવા છે તે જાણવા ઇચ્છા કરવી નહિ." હરિભક્ત કહે, "ભગવાન તો દયાળુ છે. તેઓ દયા ન કરે? મારી બહેનના એવા તે કેવા પ્રારબ્ધ છે કે તેને આવી મગજની તકલીફ થઈ. માફ થઈ ન શકે એવા કોઈ પ્રારબ્ધ હોઈ શકે?" આમ વારંવાર મામાને પૂછતાં મામાની મુખમુદ્રા એકદમ ગંભીર થઈ ગઈ. તેઓ ગંભીર સ્વરમાં બોલ્યા, "તમારે જાણવું જ છે કે, તેમના કેવા પ્રારબ્ધ છે અને કયા કર્મની તેમને આવી સજા મળી છે? તો સાંભળો. પૂર્વે તેમણે બહુ જ જઘન્ય કૃત્ય કર્યું હતું. તેમણે ખૂબ જ ઘાતકી રીતે પોતાના જ પતિનું ખૂન કર્યું હતું જેની સજા તેઓ અત્યારે ભોગવી રહ્યા છે. જીવને આ જન્મના જ કર્મોનું ફળ ભોગવવું પડે એવું નથી હોતું. પૂર્વના કેટલાય જન્મોનું ફળ ભોગવવું પડે છે. જે વિશેના ઘણા દાખલાઓ ધર્મશાસ્ત્રમાં મોજુદ છે. તેમાં સારા કર્મોનું સારું ફળ મળે છે અને ખરાબ કર્મોનું ખરાબ ફળ મળે છે. આથી જ મહારાજ અને મોટા-મોટા સંતો કહી ગયા છે કે, કોઈનું ક્યારેય ખરાબ ન કરવું. અરે કોઈ વિશે ખરાબ સંકલ્પ કરવાની પણ મહારાજે તો ના પાડી છે. કારણ કે તમે જેવું કરો કે વિચારો તે પ્રતિકૃત થઈને પાછું તમારી પાસે જ આવવાનું છે. કહે છે ને કે જો તમારે સામેની વ્યક્તિ પાસેથી કે સમાજ પાસેથી પ્રેમ જોઈતો હોય તો પહેલાં તમે તેને પ્રેમ આપો. તો તમને પ્રેમ મળશે. તમે ઘૃણા આપશો તો તમને ઘૃણા જ મળવાની છે. આથી જ કોઈ પ્રત્યે ક્યારેય ખરાબ કરવું કે વિચારવું નહિ. જ્યારે મહારાજે ખરાબ વિચારવાની ના પાડી હોય તેમાં તમારા બહેનથી આવું કૃત્ય થઈ ગયું હોય તો તેની સજા તો ભોગવવી જ પડે કે નહિ? બોલો? આવી વાત તમને કઈ રીતે કહેવાય? તમે દુરાગ્રહ કર્યો અને વસ્તુસ્થિતિને તમે સમજી શકો તેમ છો માટે કહી. બીજા કોઈ હોય તો હું તેમને આવી પૂર્વ જન્મની વાતો કરતો નથી." આવું સાંભળતાં હરિભક્ત અને ત્યાં બેઠેલો સેવક તો અવાચક થઈ ગયા! ઓ... હો... મામાએ આજે આ કયા પ્રકારની વાત કરી નાખી! આ તો ગજબની વાત છે. આવી બાબત હોય ત્યાં સારું કરી દો એવું કઈ રીતે કહી શકાય? હરિભક્તે મામાની માફી માગતાં કહ્યું, "મામા, મને આવી ક્યાંથી ખબર હોય? અમે વાતથી અજાણ હોવાથી આપને પ્રાર્થના કરી દુઃખ દૂર કરવા વિનવણી કરીએ, પરંતુ આવા રહસ્યો જાણીએ ત્યારે ખબર પડે કે શા માટે અમુકને કષ્ટ પડતું હોય છે. આપ મને માફ કરો. હવે પછી આ બાબતે આપને તકલીફ નહિ આપું." મામા કહે, "તકલીફની કોઈ વાત નથી. જે પ્રારબ્ધ અક્ષમ્ય હોય તે ભોગવવા જ પડે. અનાદિમુક્ત પણ તેને દૂર ન કરે. તેઓ દૂર કરી શકે, પરંતુ તેઓ તેમ કરી મહારાજના કાર્યમાં હસ્તક્ષેપ કરવા માંગતા ન હોય. અનિવાર્ય સંજોગોએ કદાચ એ વખતે જો મટાડી દે તો પછી પાછા તે કર્મો અક્ષમ્ય હોવાથી થોડા વખતે ભોગવવા તો પડે જ. અને જે પ્રારબ્ધ ક્ષમ્ય છે તેને તો મહારાજ અને તેમના અનાદિમુક્ત વગર કહ્યે માફ કરી દઈ જીવને તેમાંથી છોડાવે છે. એ જ મહારાજ અને મુક્તની કૃપા છે. માટે મહારાજ જેમ રાખે તેમ રાજી થઈ તેમનું ભજન કરીને રહેવું અને તેમને પામવાના પ્રયત્નો કર્યા કરવા." હરિભક્તને અને ત્યાં બેઠેલા સેવકને ઘણું જાણવા સમજવા મળ્યું હતું.

મહારાજે આમ કેમ કર્યું? કે મને જ આવું શા માટે? તે જાણવા કરતાં સુખ-દુઃખ બધું મહારાજનું આપેલું છે. તેમ માની સુખમાં છકી ન જવાય અને દુઃખ આવે ત્યારે તે સહન કરવાની ભગવાન શક્તિ આપે તેવી મહારાજને પ્રાર્થના કરવી. અને તેમને ભજ્યા કરવા તે જ કષ્ટ નિવારણનો અને પ્રભુજીને પામવાનો માર્ગ છે.