પ્રસંગ : ૪૨
સર્વમંગલ સોસાયટીના એક સત્સંગી હરિભક્ત મામાને વિશે બહુ ભાવવાળા, મામાને અનાદિમુક્ત જાણનારા, મામાને વિશે સંપૂર્ણ શ્રદ્ધા રાખનારા. તેમને મનમાં એવી દ્રઢ શ્રદ્ધા કે અનાદિમુક્તના જોગ-સમાગમમાં આવનારા જીવનું કલ્યાણ થઈ જાય, તેમના અનેક જન્મોના કર્મો કપાઈ જાય અને જીવ ઊર્ધ્વગતિને પામે. આવું માનતા હોવાથી તેમના મિત્રમંડળમાં બધાને મામાનો મહિમા કહે. તેમને એવી ઇચ્છા રહે કે બધાને મામાના દર્શન કરાવું જેથી તેઓના જીવનું સારું થાય. તેમના એક મિત્ર જૈન હતા તેમને પણ તેઓ મામાનો મહિમા કહે અને આગ્રહ કરે કે તમે એક વખત એ મુક્તપુરુષના દર્શન કરો. માનવું ન માનવું એ પછીની વાત છે. આમ કહેવાથી જૈન મિત્ર મામાના દર્શને આવ્યા. તેમને જોતાં મામાએ અત્યંત રાજીપો દર્શાવ્યો. તેમને મહારાજનો મહિમા કહ્યો. જૈન ભાઈને મામાનું વ્યક્તિત્વ એકદમ પ્રભાવશાળી લાગ્યું. તેમને મનમાંથી એમ થયું કે નક્કી આ મોટા સંત પુરુષ છે અને તેઓ જે કહે છે તે સત્ય વાત છે. મામાએ તેમને કહ્યું, "બધા નામોમાં સ્વામિનારાયણ નામ સ્મરણ વધારે સુખદાયી છે. આથી એ સ્મરણ તમારે કરવું જોઈએ." મામાએ થોડીવાર વાતો કરી પછી તેમણે રજા માગી. ઊઠતી વખતે મામાએ તેમના મસ્તક ઉપર પોતાના બંને હાથ મૂક્યા અને આશીર્વાદ આપ્યા. સત્સંગી ભાઈ તથા તેમના મિત્ર બંને મામાની રજા લઈ બહાર આવ્યા, પણ જૈન મિત્રને સ્વામિનારાયણ મંત્ર મનમાં શરૂ થઈ ગયો. થોડીવાર તો એ તરફ તેમનું ધ્યાન ન ગયું, પણ પછી તેમનું ચિત્ત એમાં જ ચોંટી ગયું. ગમે-તે કામ કરે 'સ્વામિનારાયણ' નામ મનમાં ચાલ્યા જ કરે. તેમને ન કરવો હોય છતાં અખંડ મંત્ર ચાલ્યા જ કરે. જે મેળવવા જીવ અથાગ પ્રયત્ન કરે છે. કેટલાય સાધનો કરે છતાં જે હાથ ન લાગે તે મામાના આશીર્વાદથી આમને અખંડ શરૂ થઈ ગયો. આવું થતાં તેમને બહુ નવાઈ લાગી. તેમને થયું આ શું થાય છે? મારે નામ રટણ નથી કરવું છતાં આપોઆપ થયા કરે છે! આ તો અચરજકારી બીના કહેવાય! નામ રટણ કેટલાય દિવસ સુધી તેમના મનમાં ચાલ્યા કર્યું. જેથી મામાને વિશે તેમને અનહદ દિવ્યભાવ થઈ ગયો કે નક્કી આ કોઈ મોટા સંત પુરુષ છે. મારા માથે હાથ મૂકતાં જ મને અખંડ જાપ થવા લાગ્યો. પછી તો તેઓ સાચા સત્સંગી થયા ને તેઓ મહારાજનું ધ્યાન કરી એ તરફ પ્રગતિ સાધવાના પ્રયત્નો કરવા લાગ્યા. જીવનું ભલું શેમાં છે તે રસ્તો તેમને હાથ લાગી ગયો હતો. જીવનમાં કરી-કરીને આ જ કરવાનું છે તે વાત તેમને સમજાઈ ગઈ હતી. જીવનમાં તેમને અનેક વ્યાવહારિક, આર્થિક, કૌટુંબિક એવી ઘણી મુશ્કેલીઓ આવવા છતાં તેઓએ મામાનો મહિમા અને સત્સંગ બરાબર જાળવી રાખેલો અને એ વિશ્વાસ અને શ્રદ્ધામાંથી તેઓ ક્યારેય ડગ્યા નહોતા.
જે મુમુક્ષુ જીવ હોય પછી ભલે તે ગમે તે ધર્મ પાળતો હોય કે ગમે તે સંપ્રદાયનો હોય અનાદિમુક્ત તરફ આકર્ષાયા વગર રહે નહિ. અને મુક્ત પણ તેને મુમુક્ષુત્ત્વ પ્રાપ્ત કરવા સહાય કરતા હોય છે, જેથી તેઓ એ માર્ગે આગળ વધી શકે.