પ્રસંગ : ૫૩
એક હરિભક્ત મામાની રૂમમાં ચિંતાગ્રસ્ત થઈ મામાને વાત કરી રહ્યા હતા. મામા ધ્યાનથી તેમની વાત સાંભળી રહ્યા હતા. હરિભક્ત કહી રહ્યા હતા કે, "મામા, અમારી પાસેથી એક્સાઈઝનો ખોટો ચાર્જ કરી વધારે રકમ લઈ લીધી છે. તે રકમ ઘણી મોટી છે. એ બાબતનો કેસ આપણે કર્યો છે. અત્યારે સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલે છે. આજે જજ ચુકાદો આપવાના છે તો મામા આપ આશીર્વાદ આપો કે બધું સમુંસૂતરું પાર ઉતરે. રકમ નહિ મળે તો અમને ઘણો આર્થિક ઘસારો પડશે." મામા કહે, "તમારી પાસેથી જો ખોટી રીતે વધારે પૈસા લીધા હશે તો ભગવાન તે જરૂરથી પાછા અપાવશે. ચાલો આપણે બંને ભગવાનને પ્રાર્થના કરીએ." આમ કહી મામા પ્રાર્થના કરવા લાગ્યા. સાથે હરિભક્ત પણ પ્રાર્થના કરવા લાગ્યા.
થોડીવારે મામાએ આંખો ખોલી અને જજ આ પ્રમાણે ચુકાદો આપશે એમ હરિભક્તને કહી સંભળાવ્યું. હરિભક્ત મામા પાસે બેઠા હતા. દિલ્હીથી તેમના ભાઈનો ફોન આવ્યો અને જજે જે ચુકાદો આપ્યો હતો તે સંભળાવ્યો. સાંભળી હરિભક્ત એકદમ ચકિત થઈ ગયા. તેમને ઘણું જ આશ્ચર્ય થયું. થોડીવાર પહેલાં મામા જે શબ્દો બોલ્યા હતા, બરાબર એ જ શબ્દો વાપરી જજે પોતાનો ચુકાદો આપ્યો હતો. ફોન પર એના એ જ શબ્દો સાંભળી હરિભક્તને ઘણું આશ્ચર્ય થયું. તેમને ખાતરી થઈ કે મામાએ પ્રાર્થના કરી તેનું જ આ પરિણામ છે. ચુકાદો તેમના પક્ષમાં આવ્યો હતો. અને મામા બોલ્યા હતા તે પ્રમાણે હરિભક્તને તેમના પૈસા વ્યાજ સાથે પાછા મળ્યા હતા. આથી હરિભક્ત ઘણા રાજી થયા. તેમને મામાની સંકલ્પ શક્તિનો પરચો મળી ગયો. હરિભક્ત મામાને પગે લાગ્યા. મામા કહે, "તમે સાચા હતા અને તમારી પાસેથી ખોટી રીતે પૈસા લઈ લીધા હોવાથી ભગવાને તમારી સહાય કરી અને તમને વ્યાજ સાથેના પૈસા પરત મળ્યા." હરિભક્ત કહે, "મામા, આ બધો આપના વચનનો પ્રતાપ છે. નહિતર આપ જે બોલ્યા એ જ શબ્દો જજ કઈ રીતે બોલે? તમે કહ્યું હતું તે રીતે જ પૈસા મળી ગયા."
સાચી વ્યક્તિની સહાયમાં મહારાજ અને તેમના મુક્ત હોય જ છે. જીવનમાં કસોટીનો સમય આવે ત્યારે સંકલ્પે ચડ્યા વગર, મહારાજ અને મુક્તમાં સંપૂર્ણ શ્રદ્ધા રાખી, હૃદયના ખરા ભાવથી તેમને પ્રાર્થના કરવાથી તેઓ સહાય કરી કસોટીમાંથી પાર ઉતારે છે. જીવન-વ્યવહારમાં સારા-માઠા સંજોગો તો આવે, તેમાં ધીરજ રાખી તે સમય પ્રભુભજન કરી તેમનામાં પૂર્ણ શ્રદ્ધા રાખી પસાર કરવાથી કૃપાળુ પરમાત્મા અને તેમના લાડીલા મુક્ત ચોક્કસ સહાય કરે છે.