પ્રસંગ : ૨૦
સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો હરિભક્તો પછી ભલે તેઓ ગમે તે શાખાના હોય મોટાભાગના એ વાતથી વાકેફ હતા કે, અનાદિમુક્ત પૂજ્ય શ્રી નારાયણભાઈ ભગવાનના અનાદિમુક્ત છે. ભગવાન તેમનું સાંભળે છે. એ બધા પોતાની પાત્રતા અને બુદ્ધિ પ્રમાણે મામાના સામર્થ્યને મૂલવે, છતાં એક વાત તો બધા સમજે જ કે મામાને મહારાજ સાથે સીધો સંબંધ છે. આથી તેઓને જ્યારે કોઈ વિટંબણા આવે કે ઉકેલી ન શકાય તેવી મુશ્કેલી આવી પડે અથવા પ્રાર્થના કરાવવી હોય ત્યારે તેઓ મામા પાસે જ આશીર્વાદ લેવા આવતા. તેમના પંથમાં તેઓ ભલે ગમે તેવા મોટા કહેવાતા હોય, મુશ્કેલીના સમયે અવશ્યપણે મામાને પ્રાર્થના કરાવતા. પોતે આવી શકે તેમ ન હોય તો બીજા કોઈ દ્વારા અથવા ફોનથી પણ પ્રાર્થના પહોંચાડી આશીર્વાદ મેળવી લેતા.
સંપ્રદાયમાં એક સંત હતા. ઘણા ભગવદીય અને સાધુતાના નિયમ પાળીને રહે અને સેવાના સારા કાર્યો કરે. અવસ્થા થતાં તેમને મંદવાડ થયો ને તેમને એમ જણાયું કે હવે મારો દેહ રહે તેમ નથી મને ચોક્કસ મહારાજ તેડી જશે. આવા સંત મૂર્તિને મહારાજ ધામમાં તેડી જાય તેનો તેમને જરાય વાંધો નહિ, પરંતુ પોતાનો સ્વભાવ સેવાભાવી અને જીવોનું રૂડું થાય તેવા કાર્ય તેમણે ઘણા કરેલા, છતાં તેમને એકાદ-બે સેવાના સંકલ્પો રહી જતા હતા. જે માટે દેહ રહે તો જ કાર્ય સંપન્ન થાય તેમ હોવાથી તેમણે મામાને પ્રાર્થના કરી કે, "આપ મુક્ત પુરુષ છો, આપણે બંને વાતો કરીએ તેમ આપ મહારાજ સાથે વાતો કરો છો. આપ મહાસમર્થ છો તો મારા વતી મહારાજને પ્રાર્થના કરજો કે મારો દેહ મહારાજ થોડો વખત રાખે. મારે હજી એકાદ-બે સંકલ્પ રહી જાય છે તે પૂરા થયે ભલે મને સુખેથી ધામમાં તેડી જાય." પ્રાર્થના સાંભળી મામાએ કહ્યું, "આમ તો આપની અવસ્થા થઈ છે અને આપનું આયુષ્ય પણ પૂર્ણ થયું છે, પરંતુ આપના સંકલ્પો સમાજને ઉપયોગી છે તેમ જ જીવોને ઉપયોગી થાય તેવા શુભ હોવાથી મહારાજે આપને બાર મહિના સુધીનું આયુષ્ય વધારી આપ્યું છે તો એટલા વખતમાં તમે તમારું કાર્ય આટોપી આપના સંકલ્પ વિરામ કરજો." મામાના જવાબથી સંત ઘણા રાજી થયા અને પોતે જે કાર્ય કરવા ધાર્યું હતું તે મામાએ કહેલા સમયમાં પતાવી દીધું અને ત્યાર બાદ મહારાજ તેમને ધામમાં તેડી ગયા.
બાપાશ્રીની વાતોમાં અનાદિમુક્તના લક્ષણોમાં આપણે વાંચીએ છીએ કે અનાદિમુક્ત હોય તે કોઈને આયુષ્ય હોય છતાં તે જીવની મરજી હોય તો તેડી જાય અને આયુષ્ય ન હોય છતાં રાખી પણ જાય. તેવું અનાદિમુક્તમાં સામર્થ્ય છે. તે વાત અહીં ઉજાગર થાય છે. જો સ્વામીના સંકલ્પ આ લોકના ક્ષુલ્લક એવા કોઈ હોત તો કદાચ વાત જુદી બનત, પરંતુ તેમના સંકલ્પો બીજાના હિત માટે હોવાથી તેમનું આયુષ્ય ન હોવા છતાં તેમના સંકલ્પો પૂર્ણ થાય ત્યાં સુધીનું આયુષ્ય મામાની પ્રાર્થનાથી મહારાજે સંતને અર્પ્યું.