પ્રસંગ : ૫૨
મુંબઈની એક હૉસ્પિટલમાં મામા સેવક અને હરિભક્ત સાથે કામ હોવાથી ગયા હતા. ડૉક્ટરને મળવા જતાં વ્હીલચેર પર ત્યાંથી પસાર થતા એક દર્દી પાસે મામા ઊભા રહ્યા. તેના શરીરે હાથ ફેરવ્યો, માથા પર હાથ મૂક્યો કાંઈક સંકલ્પ કર્યો અને ત્યાંથી પસાર થઈ ગયા. ન તો એ દર્દીને કાંઈ પૂછ્યું કે ન તેને કાંઈ કહ્યું. બસ એક ક્રિયા થઈ અને પાછા પોતે ચાલવા લાગ્યા. ન તો દર્દી મામાને ઓળખતો હતો અને ન તો મામા દર્દીને. સાથેના સેવકને કાંઈ સમજાયું નહિ અને દર્દીને પણ કાંઈ સમજાયું નહિ. બંને પક્ષે મનોમન સંકલ્પો ચાલતા રહ્યા. સેવકને થયું મામાએ આ શું કર્યું? અને દર્દી પણ એ જ વિચારે કે આ શું કર્યું? અને શા માટે? દર્દીને એ જ સમજાતું નહોતું કે આમ અચાનક જ એક વ્યક્તિ તેની પાસે ઊભી રહી શરીર પર હાથ ફેરવ્યો માથે હાથ મૂકી આશીર્વાદ આપ્યા અને ચાલી ગઈ... બસ. દર્દી વિચારમગ્ન અવસ્થામાં જ મામાને જતા જોઈ રહ્યો.
કામની વ્યસ્તતાને કારણે સેવક પણ એ વિશે પૂછી શક્યો નહિ ને વાત વિસરાઈ ગઈ, પરંતુ થોડા વખત પછી એ દર્દી હરિભક્તને એક ક્લબમાં મળ્યા ત્યારે હરિભક્તને પૂછ્યું કે, "તે દિવસે હૉસ્પિટલમાં તમારી સાથે હતા એ કોણ હતા? જેમણે મારા શરીરે હાથ ફેરવી મને આશીર્વાદ આપ્યા હતા." હરિભક્તે તેમને મામાનો થોડો પરિચય આપ્યો કે તેઓ અમારા ગુરુ છે. આધ્યાત્મિકતામાં પૂર્ણ સ્થિતિને પામેલા છે. ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાથી તેઓ કેવળ જીવોના કલ્યાણ અર્થે પૃથ્વી પર પધાર્યા છે. પેલા ભાઈ કહે, "તેઓ આવા મહાન છે તેવી તો અત્યારે ખબર પડે છે, પરંતુ તેઓ ચમત્કારી પુરુષ તો છે જ. ત્યારે તેમણે મારા શરીરે હાથ ફેરવી આશીર્વાદ આપ્યા એ વખતે મને કાંઈ સમજાયું નહોતું, પરંતુ અત્યારે તમે મને જુઓ, ત્યારે હું વ્હીલચેરમાં હતો અને મને પેરેલીસીસનો એટેક આવ્યો હતો. હું તેમને ઓળખતો નહોતો કે તેઓ પણ મને ઓળખતા નહોતા. છતાં તેમણે કરુણા કરી મને આશીર્વાદ આપ્યા ને હું સાજો થઈ ગયો! કેવી અદભૂત વાત! આ યુગમાં આવા અકારણ કૃપા કરનારા પણ છે તે જાણી મને સાનંદાશ્ચર્ય થાય છે. એક અજાણી વ્યક્તિ પર કેટલી બધી કૃપા!!! આ વાત સાંભળી હરિભક્ત પણ ભાવવિભોર થઈ મનોમન મામાને વંદી રહ્યા.
"કોઈને દુઃખીયો રે દેખી ન ખમાય." એને સાર્થક કરતા હોય તેમ મામા નિઃષ્કારણ કૃપા વરસાવતા. પોતાના કરુણા વરસાવવાના સહજ ગુણને લીધે દુઃખી વ્યક્તિને જોઈ કુદરતી જ એ તરફ કરુણા વરસાવી તેને ન્યાલ કરી જીવનભરનું સંભારણું કરી આપ્યું.