પ્રસંગ : ૪૭
આધુનિક ચિકિત્સા પદ્ધતિવાળા હજી હવે સ્પર્શ ચિકિત્સા પ્રત્યે સભાન થયા છે. તેના વિશે સંશોધનો કરવા લાગ્યા છે. માંદા માણસોને સાજા માણસોનો સ્પર્શ થવાથી તેઓ જલદી સાજા થાય છે તેવું માનતા થયા છે. આવું શા કારણથી થાય છે તે તેઓ માટે સંશોધનનો વિષય છે. આધ્યાત્મિક ક્ષેત્રે આ સદીઓથી ચાલતું આવ્યું છે. મોટા-મોટા ઋષિમુનિઓ ફક્ત હાથના સ્પર્શ વડે શારીરિક તકલીફ દૂર કરી શકતા હતા. ઘણા વડીલોએ એ અનુભવ્યું હશે. અન્ય દેવી-દેવતાના આશ્રિતો પાસે આવી શક્તિઓ હોય તો પૂર્ણ પુરુષોત્તમ નારાયણના અનાદિમુક્તમાં એથી અતિ વિશેષ સામર્થ્ય હોવું એ સ્વાભાવિક છે.
ભગવાનના એક બહુ સારા હરિભક્ત. મામાને વિશે હેતવાળા ને મામામાં વિશ્વાસ રાખનારા. હંમેશાં મામાના દર્શને આવે થોડીવાર મામા પાસે બેસે આશીર્વાદ મેળવી પાછા જાય. વયોવૃદ્ધ થતાં તેમને વિચારોની વિચિત્ર બિમારી લાગુ પડી ગઈ. એમાં એમને એવું થતું કે કોઈ એક વ્યક્તિને થોડા વખત પહેલાં મળ્યા હોય પછી એ વ્યક્તિ વિશે વિચારો આવતા જો તે વ્યક્તિનું નામ કે તે વ્યક્તિ વિશેની કોઈ માહિતી તેમને યાદ ન આવે તો જ્યાં સુધી તે વ્યક્તિનું નામ કે તેના વિશેની માહિતી તેમને ન મળે, ત્યાં સુધી તેમને ચેન ન પડે. રાત-દિવસ બસ એ એક જ વિચાર મનમાં ઘોળાયા કરે. એ વિચાર એમના મન ઉપર એટલો બધો કાબૂ જમાવી લેતો કે મન બીજા વિચારો કરવા અસમર્થ બનતું. જેથી બીજા કોઈ કામ કરી શકે નહિ. આ વિચારો તેમના મન ઉપર કબજો જમાવી લે પછી તેમને રાત્રે ઊંઘ પણ ન આવે. જેથી શરીર થાકી જઈ માંદુ પડી જાય. આવું ત્યાં સુધી ચાલે કે તે વ્યક્તિ ગમે-ત્યાં રહેતી હોય, બહારગામ કેમ ન રહેતી હોય, પૈસા ખર્ચી તેને ઘરે જાય. તે વ્યક્તિનું નામ અથવા તેના વિશેની જે માહિતી તેમને જોઈતી હોય તે પૂછે ત્યારે જ વિચારો બંધ થાય અને બીજું કોઈ કાર્ય તેઓ કરી શકે. આમ કરવામાં શારીરિક તેમ જ આર્થિક ઘસારો પણ લાગતો, છતાં તેઓ ત્યાં જવા મજબૂર થઈ તે વ્યક્તિ પાસે જતા જ. ડૉક્ટરો પાસે આનો ઇલાજ નહોતો એટલે લાઇલાજ થઈ આને સહન જ કરવું પડતું.
આવા જ કોઈ એક વખતે તેઓ મામાના દર્શને આવ્યા અને પોતાની તકલીફની વાત કરી. ત્યારે પણ તેઓ "ચેઈન ઓફ થોટ્સ"થી પીડાઈ રહ્યા હતા. મામાને કહે, "અત્યારે આપના દર્શન કરું છું છતાં મારું મગજ એક વ્યક્તિના નામ પાછળ પડ્યું છે. જે આપના દર્શનનો પૂરો લાભ પણ લેવા દેતું નથી." મામા કહે, "એનું જે નામ હોય તે તમારે તેથી શું? તે નામ ધરાવનારી વ્યક્તિ દુનિયામાં ઘણી હશે. અને તેનું નામ જાણીને પણ શું કરશો?" હરિભક્ત કહે, "મામા, એ વાતથી હું પણ વાકેફ છું. મારે તે વ્યક્તિનું કોઈ કામ નથી અને કદાચ ભવિષ્યમાં મારે તેનું કોઈ કામ પણ નહિ પડે. આ બધું હું મારા મનને સમજાવવા ઘણા પ્રયત્નો કરું છું, પરંતુ મારું મન બીજા વિચારો કરવા તૈયાર થતું નથી. ઘણા પ્રયત્નો કરવા છતાં હું બીજા કાર્યો કરવામાં નિષ્ફળ જાઉં છું. એ ભાઈને મળીને તેમનું નામ જાણીશ પછી જ મને માનસિક શાંતિ મળશે. હું તો દવાઓ પાછળ અને આમ બધાના ઘરે જવામાં પૈસા ખર્ચી ખર્ચીને હવે થાકી ગયો છું. મામા હવે આપ જ મને આમાંથી ઉગારો. હવે શરીર પણ હડદા ખમી શકતું નથી. તમે દયા નહિ કરો ત્યાં સુધી મારો આમાંથી છૂટકારો નથી." હરિભક્ત સાવ ઢીલા થઈ રડમસ થઈ ગયા.
હરિભક્ત પર મામાને દયા આવી. કરૂણા કરી અતિ હેતે સહિત મામાએ તેમના મસ્તક ઉપર હાથ મૂક્યો. થોડીવાર સંકલ્પ કર્યો. મામાના હાથનો સ્પર્શ થતાં જ હરિભક્તની "ચેઈન ઓફ થોટ્સ" બંધ થઈ ગઈ. વ્યક્તિના નામ જાણવાના વિચારો એકાએક બંધ થઈ ગયા. વિચારોની દ્વિધા ને મૂંઝવણ સદંતર બંધ થઈ ગયા. ઉચાટ ને મૂંઝવણની જગ્યા શાંતિએ લીધી. મન મામાના દિવ્ય સ્પર્શનો અનુભવ કરી આનંદમાં ગરકાવ થઈ ગયું. મનના તળાવમાં વિચારોના તરંગો એક પછી એક ઊઠ્યા જ કરતા હતા. તે તળાવ મામાના સ્પર્શ માત્રથી શીતળ અને શાંત થઈ ગયું. માનસિક મૂંઝવણ ક્યાંય વિસરાઈ ગઈ. ભક્તને મહારાજ અને બાપાશ્રીના અલૌકિક દર્શન થવા લાગ્યા. આ દિવ્ય અનુભવને ભક્ત માણતા રહ્યા. થોડીવાર સુધી તો ભક્ત અને મુક્ત કોઈ કાંઈ બોલ્યું જ નહિ. દિવ્ય સુખની આપ-લેમાં શબ્દોને ક્યાં સ્થાન હોય? મુક્તએ આજે ભક્તનું દુઃખ દૂર કર્યું હતું અને ભક્ત... ભક્ત તો પોતાની કેટલાય દિવસોની મૂંઝવણ એકાએક દૂર થતાં અને અલૌકિક દર્શન થતાં તેના આનંદમાંથી બહાર આવવા નહોતા માંગતા. થોડીવારે ભક્ત ઊભા થઈ મામાના પગમાં પડી ગયા. ગળગળા થઈ કહેવા લાગ્યા, "આપે આજે મારું દુઃખ ટાળ્યું. કેટલાય દિવસોથી હું મૂંઝાતો હતો. અત્યારે તો જાણે ક્યારેય એ વિચાર હતો જ નહિ તેવું થઈ ગયું. આપના સ્પર્શ અને દિવ્ય દર્શનથી મને શાંતિ થઈ અનેરા આનંદની અનુભૂતિ થઈ. આપના સ્પર્શથી મને આજે મહારાજ તથા બાપાશ્રીના અલૌકિક દર્શનનો લ્હાવો મળ્યો એ મારા મોટા ભાગ્ય."
મામાએ તેમને સમજાવતાં કહ્યું, "મેં મહારાજને પ્રાર્થના કરી કહ્યું કે આમને મટાડી દો અને મહારાજે મારી પ્રાર્થના સાંભળી ને તમને મટી ગયું." ભક્ત કહે, "મહારાજને અને તમારે એકતા છે, મહારાજ તમારું સાંભળે છે, તમારા દ્વારા મહારાજ કાર્ય કરે છે તે હું જાણું છું." મામા કહે, "હંમેશાં કર્તા શ્રીજીમહારાજને જ રાખવા. દરેક કાર્ય મહારાજ કરે છે એમ સમજણ રાખવાથી મહારાજનો વધુ ને વધુ રાજીપો ઊતરે છે. તમને અત્યારે મટી ગયું છે. ફરી કોઈ વખત આવી 'ચેઈન ઓફ થોટ્સ' થઈ જાય તો પૈસા ખર્ચી વ્યક્તિના ઘરે ન જતાં અહીં આવજો. ભગવાનના દર્શન કરજો. ભગવાન તમને સારું કરી દેશે." હરિભક્ત રાજી થઈ જય સ્વામિનારાયણ કરી પોતાને ઘરે ગયા.