પ્રસંગ : ૩૨
મુક્તરાજ મામાનું વ્યક્તિત્વ જ એવું હતું કે લોકો તેમના પ્રભાવમાં આવ્યા વગર રહે નહિ. જેઓ આધ્યાત્મિકતાના પથ પર થોડા પણ આગળ વધ્યા હોય, તેઓ તો પ્રથમ વખત જ મામાને મળતાં પ્રભાવિત થઈ જતા. પછી ભલેને તેઓ ગમે તે સંપ્રદાયના હોય અને ગમે તેની સાધના કરતા હોય.
એવી જ એક વ્યક્તિ મા શ્રી આનંદમયી માના અનુયાયી હતા અને ગણપતિના ઉપાસક હતા. ગણપતિજીના તેમને ધ્યાનમાં દર્શન પણ થતા. મામા વિશે સેવક પાસેથી તેમને થોડી-ઘણી માહિતી પ્રાપ્ત થઈ હતી, પરંતુ પ્રત્યક્ષરૂપે મામાને મળવાનો અવસર ક્યારેય પ્રાપ્ત થયો ન હતો. એક વખત મામા એ જ સેવક સાથે 'અરવિંદ એમ્પોરિયમ'માં ગયા હતા. એ વખતે એ વ્યક્તિ પણ ત્યાં હાજર હતી. સેવકની નજર તેમના પર પડતાં તેમને મામા પાસે લઈ આવ્યા. સેવક મામાનો પરિચય આપવા જાય એ પહેલાં જ તેઓ બોલ્યા, "આ તમારા ગુરુજી બરાબર! તેમનું વ્યક્તિત્વ જ કહી આપે છે કે તેઓ આધ્યાત્મિકતાની ઉચ્ચ કક્ષા પ્રાપ્ત કરી ચૂક્યા છે. મુખારવિંદની આભા, શાંત અને ચમકદાર મુખાકૃતિ એ વાતની સાક્ષી પૂરે છે." તેઓ મામાને ખૂબ ભાવથી પગે લાગ્યા. મામાને કહે, "આપના વિશે ફક્ત સાંભળ્યું જ હતું. આજે પ્રત્યક્ષ દર્શન થતાં સાંભળેલું ઓછું હતું તેમ લાગે છે. તમે પૂર્ણ સ્થિતિને પ્રાપ્ત કરેલા મુક્ત હો એવું મને લાગે છે. હું પણ આધ્યાત્મિક પથ પર ડગ માંડી આગળ વધવા પ્રયત્ન કરી રહ્યો છું. આપ મને આશીર્વાદ આપો જેથી હું એ પથ પર આગળ વધી શકું. આપના જેવા આધ્યાત્મિક પુરુષના આશીર્વાદ આ પથ પર ચાલનારા માટે અતિ આવશ્યક અને પથદર્શક બની રહેતા હોય છે. મને પણ આપ આશીર્વાદરૂપી કવચ આપો, જેથી મને વિઘ્નો નડે નહિ." આમ કહી મામાને ફરી પાછા પગે લાગ્યા. મામાએ તેમને આશીર્વાદ આપતાં કહ્યું, "ભગવાન તમને જરૂરથી સહાય કરશે. હું ભગવાનને પ્રાર્થના કરીશ." આશીર્વાદ મળતાં તે વ્યક્તિ રાજી થકા ત્યાંથી વિદાય થયા.
આમ મામાને ક્યારેય ન જોએલા અને બીજા સંપ્રદાયની વ્યક્તિઓ પણ મામાથી પ્રભાવિત થઈ આશીર્વાદ મેળવી પોતાને ધન્ય માની પોતાના પથ પર આગળ વધતા. અને મામા પણ એવા સાચા સાધકને આશીર્વાદ આપી તેમને વધુ પાત્ર બનાવતા જેથી તેઓ આધ્યાત્મિકતાના પથ પર યોગ્ય રીતે આગળ વધી શકે.