પ્રસંગ : ૩૯

બાપાશ્રીની વાતોમાં અનાદિમુક્તના લક્ષણ વાંચીએ તો જાણ થાય કે, બાપાએ કહ્યું છે કે અનાદિમુક્ત હોય તે કોઈને આયુષ્ય હોવા છતાં તેની ઇચ્છા હોય તો જીવને ધામમાં મૂકી દે. અને કોઈને આયુષ્ય ન હોય છતાં રાખી પણ જાય. અનાદિમુક્તના એ ગુણની સાક્ષી પૂરતો એક પ્રસંગ અહીં પ્રસ્તુત છે.

મામાને ત્યાં સેવામાં રહેલ એક સેવકના દીકરાને મેનેનજાઈટીસ થઈ ગયો હતો. ડૉક્ટરોએ દીકરાના બચવાની આશા છોડી દીધી હતી. તેઓએ હાથ ઊંચા કરી દીધા હતા. આવું થતાં સેવક ખૂબ ચિંતિત થઈ જઈ મામા પાસે આવ્યો. મામાને બધી વાત કરી. વાત કરતાં સેવક ગળ-ગળો થઈ ગયો. મામાને કહે, "હવે આપ જ કાંઈ કરો. ડૉક્ટરો કાંઈ કરી શકે તેમ નથી." મામા કહે, "તારા દીકરાનું આયુષ્ય છે નહિ, માટે મહારાજ તેને તેડી જશે. આપણે ભગવાનની મરજીમાં રાજી રહેવું." આવું સાંભળતાં સેવક શૂન્યમનસ્ક થઈ ગયો. તેને થયું હવે નક્કી દીકરો ધામમાં જશે. એ વખતે બીજા સેવકો પણ મામા પાસે હતા તેઓએ મામાને કહ્યું, "મામા, સેવક મિશનની તથા આપની ઘણી સેવા કરે છે. તેને એક જ દીકરો છે જે જતો રહે તો સારું ન કહેવાય. દીકરાનું આયુષ્ય ભલે પૂરું થઈ ગયું હોય, પરંતુ તમારે કાંઈક તો કરવું પડશે. તમે એને બચાવી લો. આપ તો સમર્થ છો, દયાળુ છો, ઘણી વખત આપે જીવોને આયુષ્ય વધારી જીવાડ્યા છે. આ તો આપનો સેવક છે. સાચા ભાવથી સેવા કરે છે. આના દીકરાને આપે આયુષ્ય બક્ષવું પડશે." આમ બંને સેવકોએ મામાને ઘણી પ્રાર્થના કરી. થોડીવાર મામા આંખો બંધ કરી બેસી રહ્યા. પછી કહે, "સારું, તમે આટલી બધી પ્રાર્થના કરો છો તો હું અને તમે આપણે બધા મહારાજને પ્રાર્થના કરીએ કે દીકરાને આયુષ્ય આપી જીવાડે અને નીરોગી કરે." આમ કહી થોડીવાર આંખો બંધ કરી પોતે પ્રાર્થના કરી. સેવકોએ પણ મહારાજને પ્રાર્થના કરી. આમ થતાં દીકરાના પિતાને થોડી હિંમત આવી ને આશ્વાસન મળ્યું. તેને વિશ્વાસ આવ્યો કે ડૉક્ટરે ભલે જેમ કહ્યું હોય તેમ પણ મારો દીકરો હવે ચોક્કસ બચી જશે. મહારાજને પ્રાર્થના પહોંચી ગઈ છે. અને મહારાજ મામાની પ્રાર્થના સાંભળે જ છે.

પ્રાર્થના થઈ અને આશીર્વાદ મળતાં દીકરો સાજો થઈ ગયો. આવો ચમત્કાર જોઈ ડૉક્ટર પણ આશ્ચર્ય પામ્યા. સેવકને કહે, "તમારા ગુરુજી નક્કી કોઈ મહાન પુરુષ છે. નહિ તો આમ કોઈને બચી જતાં અમે જોયો નથી. અત્યારે પણ એ દીકરો સ્વસ્થ છે અને હવે તે પોતે પણ મિશનની સેવા કરે છે."