પ્રસંગ : ૫૯
મહારાજ અને મહારાજના અનાદિમુક્તને દયાળુ, કૃપાળુ, દયાના સાગર, કરુણામૂર્તિ વગેરે અનેક વિશેષણોથી ભક્તો નવાજે છે. તે અમસ્તા જ નથી કહેતા. તેમનામાં એવા ગુણો આત્મસાત થયેલા હોય છે ને ભક્તોને અવાર-નવાર તેનો અનુભવ થાય છે. મહારાજના મુક્ત દરેક જીવ પર સરખી કરુણા વરસાવે છે. તેઓ તો જીવ જુએ છે એ જીવ ક્યા દેહમાં રહેલો છે તે નથી જોતા. બસ જીવ ઉપર કરુણા વરસાવે છે.
સર્વમંગલ સોસાયટીની બહારના રસ્તા પર વર્ષો પહેલાં બહુ ઓછો ટ્રાફિક રહેતો. ધીમે-ધીમે વાહનોની અવર-જવર વધવા લાગી. વર્ષો જતાં આખો દિવસ વાહનોની અવર-જવર ચાલુ રહે. મોડી રાત સુધી રસ્તો ધમધમતો રહેવા લાગ્યો. એક વખત એક ભાઈ સ્કૂટર પર પાછળ એક બહેનને બેસાડી એ રસ્તા પરથી ઝડપથી સ્કૂટર હંકારી જઈ રહ્યા હતા અને સોસાયટીથી નજીક જ રસ્તામાં તેમને ગાયનું વાછરડું અથડાયું. ભાઈ અને બહેન બંને સ્કૂટર પરથી પડી ગયા. લોકોનું ટોળું ભેગું થઈ ગયું. બંનેને ઈજા થઈ હોવાથી તાત્કાલિક દવાખાને લઈ જવાની વ્યવસ્થા કરી. આમ થયું હતું ને આટલું વાગ્યું હતું તેમ વાતો કરતા લોકો વિખરાઈ ગયા. સેવકે આવી મામાને વાત કરી. વાત સાંભળી મામા કહે, "પેલા બંનેને લોકોએ મદદ કરી એ તો બરાબર પણ તે વાછરડાનું શું થયું? તેને કેટલું વાગ્યું છે? ક્યાં ઈજા થઈ છે? તેને તો સ્કૂટર ભટકાયું છે. તેની કોઈએ તપાસ કરી?" સેવક કહે, "ના મામા, એ તો ત્યાં જ કણસતું પડ્યું છે. તે ઊભું પણ થઈ શકતું નથી." મામાના ચહેરા પર એકદમ કરુણાના ભાવ ઊપસી આવ્યા. કહે, "મૂંગા પ્રાણીનું બિચારાનું કોણ? વાંક સ્કૂટરવાળાનો કહેવાય. સ્પીડમાં આવતા ભટકાયું છતાંય તેઓને તરત સારવાર મળી રહેશે અને બિચારા વાછરડા સામે કોઈએ જોયું પણ નહિ? એટલીય માનવતા કોઈનામાં નહોતી?" મામાએ તરત ગ્લાસમાં પાણી લઈ મહારાજને ધરાવ્યું, તેમાં ચરણરજ નાંખી સેવકને આપતાં કહ્યું, "આ પ્રસાદીનું પાણી વાછરડાના મોઢામાં રેડી આવ. ભગવાન તેને કષ્ટમાં રાહત આપશે." સેવક પાણી લઈ ત્યાં ગયો અને કણસતા વાછરડાના મોઢામાં સ્વામિનારાયણ નામ બોલતાં-બોલતાં પાણી રેડ્યું. વાછરડું શાંતિથી પાણી પીતું રહ્યું. પાણી પીધું ને જાણે ચમત્કાર થયો જરા વારમાં જ વાછરડું ઊભું થઈ ગયું અને જાણે કાંઈ વાગ્યું જ ન હોય તેમ વ્યવસ્થિત ચાલીને જતું રહ્યું. મામાએ ચરણરજના પાણી દ્વારા વાછરડાની પીડાનું નિવારણ કરી આપ્યું. સેવક નવાઈ પામી ગયો અત્યાર સુધી તરફડીયા મારતું વાછરડું પાણી પીતાં જ ઊભું થઈ ચાલવા માંડ્યું!
માટે જ મુક્તને કરુણામૂર્તિ કહેવાય છે. તેઓ જાત-કુજાત કે દેહ જોતા નથી. દરેક જીવ પર કરુણાદ્રષ્ટિ કરી કષ્ટ નિવારણ કરી જીવને સુખિયા કરે છે.