પ્રસંગ : ૭૫

એક સત્સંગી બહેન મુક્તરાજ મામાનો મહિમા ખૂબ જાણે. મામાને અનાદિમુક્ત જાણે. મનમાં દ્રઢ વિશ્વાસ કે મામા કહે તેમ થાય છે. મામાના આશીર્વાદમાં સંપૂર્ણ શ્રદ્ધા રાખવાથી મહારાજ આપણા શુભ સંકલ્પો જરૂરથી પૂર્ણ કરે છે. અને અંતરમાં એમ જાણે કે મામા અખંડ મહારાજની મૂર્તિનું સુખ ભોગવે છે. આથી તેમણે સ્પર્શેલી વસ્તુ દિવ્ય થઈ જાય. આવા વિશ્વાસ સાથે તેઓ મામા પાસે મહારાજ અને બાપાશ્રીની નાની મૂર્તિઓ લાવ્યા હતા. મૂર્તિઓ મામાને આપીને કહે, "મામા, આપ આ મૂર્તિ સંકલ્પ કરી પ્રસાદીની કરી આપો. મારે તેને મારી ઑફિસના ટેબલ પર રાખવી છે."

આવું સાંભળી મામા કહે, "આ ખૂબ સારો વિચાર છે. આપણે જ્યાં કામ કરતાં હોઈએ, ત્યાં મહારાજ બાપાને સાથે રાખવા જ. તેઓ સદાય આપણી સાથે રહે અને આપણી રક્ષા પણ કરે. મહારાજ-બાપા બિરાજમાન હોય એટલે કાર્યમાં પ્રામાણિકતા રહે, નૈતિકતા રહે અને નીતિમત્તાના ધોરણોથી આપણે ચલિત ન થઈએ. ઑફિસમાં કામ કરતા અન્ય કાર્યકરોને પણ દર્શન થાય તો તેઓનું પણ રૂડું થાય. માટે મહારાજ-બાપાને તો સદાય સાથે જ રાખવા. કોઈ પણ કામ શરૂ કરતાં પહેલાં દર્શન કરી પ્રાર્થના કરવી કે મારી ભેળા ભળી કામ કરો. એટલે કાર્ય સારી રીતે સંપન્ન થાય. ઑફિસમાં મૂર્તિ રાખવાનો વિચાર ખૂબ સરસ છે. લાવો હું મૂર્તિઓ પ્રસાદીની કરી આપું." મામાએ મૂર્તિઓ હાથમાં લીધી ઘરની મૂર્તિઓ સામે થોડીવાર રાખી. અને થોડીવાર આંખો બંધ કરી પોતાના હાથમાં પકડી રાખી. પછી બહેનને મૂર્તિઓ પાછી આપી. બહેન ઘણા રાજી થયાં. મનમાં વિશ્વાસ આવ્યો કે હવે મારાથી દરેક કાર્ય ખૂબ સારી રીતે પાર પડશે. બહેને એ મૂર્તિઓ મુંબઈની ઑફિસના પોતાના ટેબલ પર રાખી અને મામાએ કહ્યા પ્રમાણે દરરોજ કાર્ય શરૂ કરતાં પહેલાં દર્શન કરી કાર્ય આરંભે એટલે તેમનું કાર્ય સરસ થાય.

આમ એક વખત તેમની કેબિનમાં કામ કરતા હશે અને તેમના ઉપરી સાઉથ ઇન્ડિયન ઑફિસરને (મિ. નારાયણન) તેમનું કામ પડવાથી તેમની કૅબિનમાં આવ્યા. મૂર્તિઓ ટેબલ પર સામે જ પડી હોવાથી તેમની નજર તરત મૂર્તિઓ પર પડી. મૂર્તિ જોતાં તેઓ એકદમ અચરજ પામી ગયા. તેઓ ટેબલની નજીક ગયા, પાછા દૂર ગયા, આજુ-બાજુ જોયું ફરી પાછા મૂર્તિ પાસે આવ્યા. બહેનને કશી સમજ પડી નહિ. તેમણે ઑફિસરને પૂછ્યું કે, "આપ શું કરો છો?" ઑફિસર કહે, "મને આ મૂર્તિઓમાંથી તેજ નીકળતું દેખાય છે. હું તપાસ કરતો હતો કે ક્યાંયથી લાઈટનું પ્રતિબિંબ તો તેના ઉપર પડતું નથી ને? કે કોઈ પ્રકાશ મૂર્તિ પર પડતો હોય અને મને તેજ જેવું દેખાતું હોય. એટલે હું આગળ-પાછળ જઈ ખાતરી કરતો હતો. પરંતુ તમારી કેબિનમાં મૂર્તિ ઉપર પ્રતિબિંબ પડે તેવી કોઈ લાઈટ નથી કે બહારથી કોઈ પ્રકાશ પણ નથી આવતો. આ તેજ મૂર્તિમાંથી જ નીકળતું દેખાય છે. આ મૂર્તિઓ બહુ પ્રભાવશાળી છે. આ કોની મૂર્તિ છે?" ઑફિસર સાઉથ ઇન્ડિયન હોવાથી મહારાજને ઓળખી ન શક્યા. બહેને તેમને ઓળખાણ પડાવી કે, આ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ છે અને આ તેમના સંકલ્પ સ્વરૂપ શ્રી અબજીબાપાશ્રી છે. ઑફિસર કહે, "મારી જિંદગીમાં મેં આવું પ્રથમ વખત અનુભવ્યું છે. મૂર્તિમાંથી તેજ નીકળે તેવું મને ક્યારેય દેખાયું નથી! તમારી આ મૂર્તિમાંથી જ દેખાયું છે. આ મૂર્તિ ચમત્કારી લાગે છે. મને આ મૂર્તિ આપો. હું તેને મારી પાસે રાખીશ." બહેન કહે, "એ તો તમને મારાથી ન આપી શકાય. આ તો અમારા ગુરુજીએ સંકલ્પ કરી પ્રસાદીની કરી મને આપી છે. જો આપને જોઈતી હોય તો હું બીજી મંગાવીને આપને આપી શકું." ઑફિસર વારંવાર મૂર્તિને પગે લાગી ત્યાંથી ગયો. બહેને મામાને ફોન કરી વિગતે બધી વાત કરી. મામા કહે, "મુક્ત જ્યારે સંકલ્પ કરી પ્રતિમા સ્વરૂપમાં ભગવાન પધરાવે, ત્યારે ભગવાન તેમાં સાક્ષાત્ નિવાસ કરે છે. અને કોઈ મુમુક્ષુ પાત્ર જીવ હોય તેને ખેંચવા આવી રીતે દિવ્યતા પ્રગટ કરે છે." વાત સાંભળી બહેન તો આશ્ચર્યચકિત થઈ ગયા! હવે તેમને મૂર્તિ પ્રત્યે હતો તેનાથી વધુ દિવ્ય ભાવ પ્રગટ થયો અને પોતા પાસે આવી દિવ્ય મૂર્તિ છે તેવું માની પોતાને ધન્ય માનવા લાગ્યાં.