પ્રસંગ : ૭૭
જીવ જ્યારે પ્રભુપ્રાપ્તિના પથ પર ડગ માંડે છે, ત્યારે અનેક વિટંબણાઓ, અનેક પ્રશ્નો અને કેટલીયે મૂંઝવણો આવે છે. જેનું નિરાકરણ ન આવવાથી પથ પર ડગ માંડવા મુશ્કેલ બને છે. અને જીવ નાસીપાસ થઈ એ પથ પર ચાલવાનું જ છોડી દે છે. આવું ન બને તે માટે આવશ્યક છે કે એ અવાર-નવાર એવા લોકોને મળે જેઓએ પ્રભુપ્રાપ્તિના પથને પસંદ કર્યો છે. તેઓને મળી એક બીજાની મૂંઝવણો જાણે, એક બીજાના વિચારો જાણે, અનુભવી પાસેથી પ્રશ્નોનું યોગ્ય માર્ગદર્શન મેળવે અને એકરૂચિ ધરાવનારા ભેગા મળી ભજન-ભક્તિ કરે અને બળ મેળવે. આધ્યાત્મિક માર્ગમાં ચાલનાર માટે આ બધું આવશ્યક છે. એટલું જ નહિ જે લોકો એ ડગરથી અજાણ છે તેઓ પણ આવી તીર્થરૂપ જગ્યાએ આવી આધ્યાત્મિક માર્ગે ચાલવાની પ્રેરણા પ્રાપ્ત કરે અને પોતાની અભિરૂચી એ તરફ કરે અને એ પંથે ડગ માંડે.
આવા અનેક શુભ આશયથી મહિનામાં એક વખત એકરૂચી ધરાવનારા ભેગા મળી પોતાની ઊર્ધ્વગતિ કરી શકે તે માટે મામા સભાનું આયોજન કરતા. જેમાં સહુ ભેગા મળી કથા-વાર્તા-ધૂન-ભજન કરે. પોતાને મૂંઝવતા પ્રશ્નો રજૂ કરે. આધ્યાત્મિક માર્ગમાં આડે આવતી મુશ્કેલીઓ વિશે મામાને પ્રશ્ન પૂછે કે પછી ભગવાનની પ્રાપ્તિ માટેના સાધનો કયા-કયા છે? તે કઈ રીતે કરી શકાય? વગેરે આધ્યાત્મિક દરેક બાબત વિશે મામા પાસેથી માર્ગદર્શન મેળવે અને ચૈતન્યના ઊર્ધ્વીકરણ માટે અનેરું બળ પ્રાપ્ત કરે. ઘણી વખત એવું પણ બનતું કે, મામાના પ્રવચનમાં હાજર રહેલા મોટા ભાગનાની આધ્યાત્મિક બાબતો વિશેની મૂંઝવણનું નિરાકરણ મળી રહેતું. એ વખતે દરેકને એમ લાગે કે, આજે મામાએ મારા માટે જ આ વાત કરી છે. મને આ બાબતે જ મૂંઝવણ હતી અને મામાએ એ વિશે વાત કરી મારી મૂંઝવણ દૂર કરી. આવું હાજર રહેલા મોટાભાગનાને લાગતું.
આવી સભાઓમાં શરૂઆતમાં હરિભક્તોની સંખ્યા ઓછી રહેતી અને એ વખતે હૉલની વ્યવસ્થા પણ ન હોવાથી ૧, સર્વમંગલના ઉપરના માળે જ્ઞાનભવનમાં સભા થતી. ભાઈઓ ઉપર બેસતા અને બહેનો નીચે ચોકમાં બેસી સભાનો લાભ લેતાં. આવી જ એક સભા વખતે એવું બન્યું કે અચાનક માઈકમાં કાંઈક ખરાબી થઈ ગઈ અને માઈક ચાલતું બંધ થઈ ગયું. હરિભક્તો બોલવા ઊભા થયા, પણ માઈક બરાબર ચાલે જ નહિ. આથી વગર માઈકે પોતાની વાત રજૂ કરે જેના લીધે પાછળ બેઠેલાને બરાબર સંભળાય નહિ. છતાં બધા થોડું મોટેથી બોલી પોતાની વાત રજૂ કરીને બેસે. માઈક રીપેર કરનાર કહે, "અત્યારે માઈક રીપેર થાય તેમ નથી. આજની સભામાં માઈક વગર જ કામ ચલાવવું પડશે. એક પછી એક બધા માઈક વગર જ મોટેથી બોલી બેસી ગયા. છેલ્લે જ્યારે મામા બોલવા માટે ઊભા થયા ત્યારે પાછળ બેઠેલા હરિભક્તો થોડા ચિંતિત થયા. કારણ, મામાનો અવાજ થોડો ધીમો નીકળે અને તેમાંય થોડીવાર બોલ્યા પછી અવાજ તરડાઈ જાય. જેથી માઈક વગર તો આગળ બેઠેલાને માંડ સંભળાય તો પાછળ બેઠેલાને તો કાંઈ સંભળાય જ નહિ. મામાનું પ્રવચન તો સભાનું મુખ્ય આકર્ષણ હોય. તેમને સાંભળવા હરિભક્તો સભામાં આવતા, જેથી તેમના પ્રશ્નોનું નિરાકરણ થાય, નવું બળ પ્રાપ્ત થાય, પ્રભુ પ્રાપ્તિના પંથે ચાલવા સાચું માર્ગદર્શન મળી રહે. તેથી મામાને સાંભળવા સૌ ઉત્સુક રહેતા. એટલે પાછળ બેઠેલા હરિભક્તો આમ-તેમ થવા લાગ્યા. થોડા લોકો તો જગ્યાએથી ઊભા પણ થઈ ગયા. આવું જોઈ એક સેવકે કહ્યું, "મામા, આજે તમે બોલવાનું મુલતવી રાખો તો સારું. કારણ કે પાછળ બેઠેલાને સંભળાશે નહિ અને તેઓને અસંતોષ રહેશે ને તેઓ નિરાશ થશે. નીચે બહેનોના વિભાગમાં તો કાંઈ જ નહિ સંભળાય." મામા કહે, "ભગવાનની મરજી આગળ કોઈનું કાંઈ ચાલતું નથી. તેમની મરજી હું બોલું તેવી હશે તો હું જરૂર બોલીશ અને દરેકને સંભળાય તે માટે ભગવાન માઈક બરાબર કરી આપશે."
આમ કહી મામા આંખો બંધ કરી થોડીવાર બેસી રહી પછી માઈક પાસે ગયા ને બોલવાનું શરૂ કર્યું. બધાના આશ્ચર્ય વચ્ચે માઈક બરાબર ચાલવા લાગ્યું. સહેજ પણ રૂકાવટ આવી નહિ. મામા બોલી રહ્યા ત્યાં સુધી માઈક બરાબર ચાલ્યું. દરેક હરિભક્તને મામાનું પ્રવચન સ્પષ્ટ અવાજમાં સંભળાયું અને બધાના મુખ પર સંતોષની આભા ઝળકી રહી. પ્રવચન બાદ એ વિશે સેવકે મામાને પૂછતાં મામાએ કહ્યું, "મુક્તો સંકલ્પ કરે તો ભૌતિક જડ વસ્તુને પણ તેમના કહ્યા પ્રમાણે કરવું પડે છે. મહારાજની મરજી તેમનું જ્ઞાન દરેકને સમજાય. સાચું માર્ગદર્શન હરિભક્તો પ્રાપ્ત કરે તેવી હોવાથી મેં તેમને સંભારી પ્રાર્થના કરી અને માઈક ચાલતું થયું ને દરેક હરિભક્તને લાભ મળ્યો."
અનાદિમુક્તના સામર્થ્ય આગળ ભૌતિક જડ વસ્તુ જો તેમના નિયંત્રણમાં આવી જઈ કામ કરતી હોય તો ચૈતન્ય જીવોનું હૃદય પરિવર્તન થઈ તેઓ પ્રભુના પંથે ડગ માંડે તેમાં શું કહેવું?