પ્રસંગ : ૮૪

અમદાવાદમાં ઉનાળાનો બપોરનો સમય. દરેક જણ ગરમી દૂર કરી ઠંડક આપવાના સાધનોનો ઉપયોગ કરી ગરમી દૂર કરવાના પ્રયત્ન કરે. ફરજિયાત હોય તેટલું જ કામ કરે. બાકી એવા ગરમીના દિવસોમાં બહુ બહાર નીકળી કામ કરવાનું ગમે નહિ. ઠંડકમાં બેસી રહે. આવા સમયે મામા તેમની રૂમમાં કોઈ કામમાં વ્યસ્ત હતા. સેવકો આવ્યા ને જોયું તો મામા ગરમી દૂર કરવાના કોઈ સાધનોનો ઉપયોગ કર્યા સિવાય જ કામમાં રત હતા. સેવકે તરત એરકંડિશનર ચાલુ કરી આપ્યું અને મામાને વિનંતી કરી કે, "મામા, આપ આવી ગરમીમાં શા માટે એમને એમ રહો છો? આપનું શરીર કોમળ છે. અત્યારે પુષ્કળ ગરમી પડે છે ને આપનું શરીર ખમી શકશે નહિ."

મામા સ્મિત વેરતા બોલ્યા, "હું તો કામમાં વ્યસ્ત હતો. મને તો એ કાંઈ યાદ પણ આવતું નથી. આ તો તમારા આગ્રહને વશ થઈ એ સાધન મૂક્યું છે બાકી મને એની જરા પણ આવશ્યકતા નથી. મહારાજની મૂર્તિનું સુખ અને તેની શીતળતા એટલી બધી છે કે આ લોકની કોઈ ઠંડક એની વિસાતમાં નથી. એ ઠંડક પાસે આ બધું વાપરવાનું સાંભરતું પણ નથી. જેને એ ઠંડકનો અનુભવ થઈ જાય તેને આ લોકની ઠંડકની આવશ્યકતા રહેતી નથી. એ દિવ્ય સુખમાં અગાધ ઠંડક અને શાંતિ છે. આ લોકની કોઈ ઉપમા તેને આપી શકાય તેમ નથી." સેવકો કહે, "એ દિવ્ય ઠંડકનો અમને અનુભવ નથી એટલે અમને શું ખબર પડે? અમને તો અત્યારે અસહ્ય ગરમી લાગે છે. આપને ભલે આ ઠંડકના સાધનોની આવશ્યકતા ન હોય, પરંતુ જેમણે સેવા કરી છે તેમની સેવા સ્વીકાર્ય બને તે ખાતર પણ આપ થોડી વાર તેનો ઉપયોગ કરો તો સારું." મામા કહે, "ભલે, તમે બધા જ્યારે અહીં આવો, ત્યારે તમારે ચાલુ કરવું. જેથી સેવકની સેવા લેખાય અને તમારાથી ગરમી સહન થતી નથી તો તમને બધાને ઠંડક થાય." એક સેવક કહે, "મામા, અમને પણ એ દિવ્ય ઠંડકનો અનુભવ કરાવો તો અમારે પણ પછી આ ઠંડકની જરૂર ન રહે." મામા હસ્યા કહે, "જેમ-જેમ પાત્રતા આવતી જશે, તેમ-તેમ પ્રભુજી અનુભવ કરાવતા જશે. માટે પાત્રતા કેળવવાના પ્રયત્નો કરવા અને પ્રભુ પ્રસન્નતાના સાધનો ખંત રાખી કરવા તેમાં પ્રમાદી ન થવું. તો મહારાજ પ્રસન્ન થાય અને સુખ આવે."

જેઓ સદાય દિવ્ય સુખ માણતા હોય, દિવ્ય ઠંડકની અનુભૂતિ અખંડ કરતા હોય તેમને આ લોકની કૃત્રિમ ઠંડકની ક્યાં આવશ્યકતા રહે! પરંતુ સેવકોને સેવાનો લાભ મળે તે માટે જ એવા સાધનો ઉપયોગમાં કોઈક વાર લેતા હોય છે. એમાંય સંકલ્પી જીવો સંકલ્પ કરી જીવનું બગાડી નાખે. બાકી પૂર્ણ મુક્તને આ લોકની ઋતુઓ કે સંજોગો સ્પર્શતા નથી.