પ્રસંગ : ૬૭
અનાદિમુક્તમાં કેટલી સામર્થી છે તેમનો પ્રભાવ કેવો અને કેટલો છે તે તો કોઈ ક્યારેય કળી શકતું નથી, છતાં અનાદિમુક્ત જ્યારે પોતાનો જરાક પ્રભાવ બતાવે તો તે પ્રભાવમાં વ્યક્તિ આવ્યા વગર રહી શકે નહિ. આમ તો મુક્તનું સમગ્ર જીવન જ પ્રેરણાદાયી હોય છે, પરંતુ તેમની વાણી-વર્તન કોને ક્યારે કઈ રીતે પ્રભાવિત કરી જાય તે સામેની વ્યક્તિ પર આધાર રાખે છે. જો કે અનાદિમુક્ત તો સામેના પાત્રને જોઈ એ પ્રમાણેનું જ વાણી-વર્તન રાખતા હોય છે કે જેથી જીવને સંકલ્પ ન થાય અને તેનું રૂડું થાય.
મામા જ્યારે વિદેશ યાત્રાએ ગયા હતા એ વખતે હરિભક્તો અને સેવકોના આગ્રહને વશ થઈ પોતાના ગળાની તકલીફ માટે ઈલીનોઈસ હૉસ્પિટલમાં બતાવવા ગયા હતા. હૉસ્પિટલમાં જતા પૂર્વે જ મામાએ શરત રાખી કે ત્યાં કોઈ બહેનનો મને સ્પર્શ ન થવાનો હોય તો જ ત્યાં જવું. હરિભક્તોએ એ પ્રમાણેની ગોઠવણ કરી આપવાનું વચન આપ્યા પછી જ મામાએ જવાની તૈયારી દર્શાવી. ત્યાં ગયા ત્યારે એક ડૉક્ટર મામા પાસે આવ્યો અને મામાના ટેસ્ટ વિશે મામા સાથે વાત કરી. ડૉક્ટરના હાથમાં એક નાના તકીયા જેવું સાધન હતું. ડૉક્ટરે મામાને કહ્યું કે, "આપનો એન્ડયોરન્સ પાવર તપાસવો છે તો આપ આ તકીયા ઉપર તમારા હાથેથી મારો." મામાએ જરાક હાથ માર્યો. ડૉક્ટર કહે, "એમ નહિ. આપનામાં જોર હોય તેટલા બળથી મારો." એટલે મામાએ જરાક જ વધારે જોરથી માર્યું તો ડૉક્ટર ગડથોલિયું ખાઈ ગબડી પડ્યો. આમ થતાં ડૉક્ટરને ભારે અચરજ થયું કે આટલી ઉંમરવાળી વ્યક્તિમાં આટલું બધું જોર હોઈ શકે જ નહિ. અને આમણે એટલું બધું બળ વાપર્યું હોય તેવું પણ જણાતું નથી, છતાં હું ગબડી ગયો! અમેરિકાના ડૉક્ટર અનાદિમુક્તની સ્થિતિ અને સામર્થ્યને ક્યાંથી જાણી શકે? એને ક્યાંથી ખબર હોય કે અનાદિમુક્ત ધારે તે કરી શકે. તેવું તેમનામાં અગાધ સામર્થ્ય હોય છે. આવું કાંઈ સમજવાની ડૉક્ટરની પાત્રતા ન હતી. છતાં તે એટલું તો સમજ્યો જ કે આ કોઈ સામાન્ય વ્યક્તિથી થઈ શકે એવું વર્તન નથી. આટલી ઉંમરની વ્યક્તિમાં આટલું જોર હોઈ શકે નહિ. મામાએ તેમને કહ્યું, "આ બધું તો ભગવાન કરે છે હું કાંઈ કરતો નથી."
આવી વાત ડૉક્ટરને ગળે ઊતરી નહિ. સાથેના સેવકો અને હરિભક્તોએ પોતાની સમજણ પ્રમાણે મામાના સામર્થ્ય અને સ્થિતિ વિશે ડૉક્ટરને થોડી માહિતી આપી. વાત સાંભળી ડૉક્ટર એટલો બધો પ્રભાવિત થઈ ગયો કે તેણે મામા પાસેથી કોઈ પણ જાતની ફી લીધી નહિ. દાખલ ફી પેટે લીધેલી ફી પણ પાછી અપાવી. કહે, "આવી મહાન વ્યક્તિ પાસેથી હું ફી ન લઈ શકું." તેને મામાનો ઘણો ગુણ આવ્યો. મામાએ તેને આશીર્વાદ આપ્યા તેથી તે ઘણો રાજી થયો. આમ મુક્તપુરુષનું કયું વર્તન કોને કઈ રીતે પ્રભાવિત કરી જાય તે કહી ન શકાય. અમેરિકાનો ડૉક્ટર મામાના એક હાથ મારવા જેવા વર્તનથી પ્રભાવિત થઈ મહિમા જાણી પોતાને ધન્ય માની આશીર્વાદના હકદાર બની જાય છે.