પ્રસંગ : ૬૧

સમર્થ મુક્ત પૂજ્ય સોમચંદબાપાને તો સારોય સંપ્રદાય પિછાણે. તેમનો દયાળુ સ્વભાવ, તેમની કરુણા, ઘરે-ઘરે જઈ હરિભક્તોને સત્સંગ કરાવવાનો તેમનો પુરુષાર્થ, કેમ વધુ ને વધુ લોકો ભગવાનનો મહિમા સમજી પ્રભુપ્રાપ્તિના પંથે ચાલે તેવી તેમને હંમેશાં તાણ. તેમના જોગ-સમાગમમાં આવેલા હરિભક્ત ભગવાનના મહિમાથી વંચિત રહી શકે નહિ. દરેક હરિભક્તને તેમનો સમાગમ દિવ્ય લાગે, પ્રેમસભર લાગે, તેમના સમાગમથી પોતાને કાંઈક મળ્યાનો અનુભવ થાય.

એક સમયે સોમચંદબાપા રામપુરાના મંદિરના દરવાજામાં ઊભા હતા અને બે-ત્રણ હરિભક્તો સાથે હતા. સોમચંદબાપા મહારાજના મહિમાની વાતો કરતા હતા. એ વખતે એક હરિભક્તે પૂછ્યું, "અમને મનમાં હંમેશાં એ વાતનો ભય રહ્યા કરે છે કે અત્યારે આપ મહારાજના મહિમાની વાતો કરો છો, જે લાભ આપો છો, જે સુખ હરિભક્તોને આપો છો તે આપ અદ્રશ્ય થશો પછી અમારે કોનો આધાર? અમે તો નિરાધાર થઈ જઈશું. અનાથ બની ગયાની લાગણી થશે. આપ નહિ હો ત્યારે અમારે કોનો સહારો લેવો કોની પાસેથી બળ પ્રાપ્ત કરવું?" સોમચંદબાપા કહે, "તમારે કોઈએ ગભરાવાની જરૂર નથી. અમદાવાદમાં નારાયણભાઈ છે તેઓ અખંડ શ્રીજીમહારાજનું સુખ ભોગવે છે. તેઓ મહારાજના અનાદિમુક્ત છે. તેઓ સત્સંગમાં બધાને બળ પૂરું પાડશે, મહારાજની શુદ્ધ ઉપાસના સમજાવશે, મહારાજના મહિમાની વાતો કરશે. અમે તમને સુખિયા કરીએ છીએ તેવી રીતે તેઓ પણ તમને બધાને સુખિયા કરશે. આથી તમારે જરાય મૂંઝાવું નહિ. સુખે ભગવાન ભજવા. કોઈ મૂંઝવણ હોય ત્યારે તેમની પાસે જવું. બીજે ફાંફાં મારવા નહિ. તેમના જેવા આખા સત્સંગમાં બીજા કોઈ છે નહિ. માટે તેમનો જોગ-સમાગમ કરજો." આમ હરિભક્તો સમક્ષ સોમચંદબાપાએ મામાને પ્રમાણ કર્યા. સોમચંદબાપાના આવા વચનો સાંભળી હરિભક્તોમાં ધીરજ આવી અને સૌ રાજી થયા.

આવો જ એક બીજો પણ પ્રસંગ છે. સદગુરુ સ્વામી મુનિસ્વામીશ્રી પાસે એક હરિભક્ત સેવામાં રહ્યા હતા. મુનિસ્વામી પાસે તો સદાય મહારાજ-મહારાજ અને મહારાજ તેના સિવાય બીજી કોઈ વાત જ ન હોય. અને જ્યારે વાતો ન થતી હોય, ત્યારે પોતે ધ્યાનમાં મસ્ત બની જાય. ધ્યાનમાંથી ઊઠે ને ફરી પાછું મહારાજના મહિમાની વાતોરૂપી અખાડો શરૂ જ હોય. આમ તેઓ આવનાર હરિભક્તોને સુખિયા કરતા. સેવક હરિભક્ત સ્વામીશ્રીની વાતો સાંભળી બળ મેળવે અને સ્વામીશ્રીની તથા મંદિરની જે કોઈ સેવા હોય તે કર્યા કરે ને સુખ માણે. સ્વામીશ્રીની અવસ્થા જોઈ તેઓ ઘણી વખત દિલગીર થઈ જતા. આવું જોતાં સ્વામીશ્રીએ તેમને એક વખત પૂછ્યું, "ભક્તરાજ, અહીં તો મહારાજના મહિમાની વાતો થયા કરે છે સર્વત્ર આનંદ-આનંદ છે, છતાંય તમે ક્યારેક આમ સાવ ઉદાસ કેમ થઈ જાઓ છો?" હરિભક્ત ઉદાસ ચહેરે બોલ્યા, "સ્વામી અત્યારે તો આટલું બધું સુખ છે, આપ બિરાજો છો એટલે સર્વત્ર દિવ્યતા ભાસે છે, ચારે બાજુ આનંદ વર્તાય છે, પરંતુ હું એ વિચારી ઉદાસ થઈ જાઉં છું કે જ્યારે આપ હાજર નહિ હો ત્યારે શું થશે? આ સુખ શોધ્યુંય નહિ જડે." સ્વામીશ્રી હાસ્ય રેલાવતા બોલ્યા, "ભક્તરાજ, મનના આવા નિરાશાવાદી સંકલ્પને દૂર ભગાડી દો. એવા ખોટા સંકલ્પો કરી અત્યારના સુખનો લાભ લેવાનું ન ચૂકો. મહારાજે તમારા જેવા હરિભક્તો માટે સુંદર વ્યવસ્થા ગોઠવી રાખી છે. તેમના સિદ્ધ અનાદિમુક્ત અમદાવાદમાં બિરાજે છે. તમારે કોઈ મૂંઝવણ રાખવી નહિ. તેઓ મહાસમર્થ છે. શ્રીજીમહારાજના અત્યંત લાડીલા છે. તમારે તેઓનો જોગ-સમાગમ અવશ્ય કરવો. તેઓ સારાય સત્સંગને સુખિયો રાખે તેમ છે. પોતાનું સામર્થ્ય ઢાંકીને વર્તે છે આથી જણાતા નથી. બાકી બહુ સમર્થ છે. સત્સંગમાં બધાયને તેમનો જોગ-સમાગમ કરવાની ભલામણ કરજો." આવા વચન સાંભળી સેવક રાજી થઈ ગયા. મનમાં નિરાંત થઈ. મહારાજ બહુ દયાળુ છે. તેમણે દયા કરી અમારા સૌ માટે મુક્તરાજને મોકલી મોટો ઉપકાર કર્યો છે. મુનિસ્વામીશ્રી જેવા સમર્થ સંત પણ મામાને પ્રમાણ કરી ગયા છે.

મામા હંમેશાં પોતાનું સામર્થ્ય ઢાંકીને વર્તતા જેથી ન જાણનારા મામાને ઓળખી ન શકે. મોટા-મોટા સદગુરુ, મુક્ત મામાની આવી પ્રકૃતિ જાણતા. તેથી તેઓ પોતે મામાને ઓળખાવી ગયા. આ બધાથી વિશેષ તો શ્રીજી સંકલ્પ સ્વરૂપ બાપાશ્રીએ મામા જ્યારે અગિયાર મહિનાના હતા એ વખતે જ જાહેરાત કરતા સૌને જણાવી મામાને મહામુક્ત તરીકે પ્રમાણ કર્યા હતા.

વાત ત્યારની છે જ્યારે મામા અગિયાર મહિનાના હતા એ વખતે બાપાશ્રી ધ્રાંગધ્રા પધાર્યા હતા. ત્યારે તેઓ મામાને ત્યાં લઘુ કરવાને મિષે પધાર્યા હતા. એ વખતે મુક્તરાજ ઘોડિયામાં સૂતા હતા. બાપાશ્રીએ તેમને તેડી લઈ પોતાના કપાળમાં કંકુનો ચાંદલો હતો તેમાંથી કંકુ લઈને મુક્તરાજને ચાંદલો કરી જાહેરાત કરી હતી કે, "આ તો શ્રીજીમહારાજના મહામુક્ત છે. શ્રીજીમહારાજની મરજીથી પધાર્યા છે. તેઓ અનેક જીવોનો ઉદ્ધાર કરશે ને જીવોને મૂર્તિના સુખે સુખિયા કરશે. તેમની તો આગળ જતાં લોકોને જાણ થશે." આમ બાપાશ્રીએ પણ આપણા મામાને મહામુક્ત તરીકે પ્રમાણ કરી આશીર્વાદ વરસાવ્યા હતા. આ પ્રસંગે સોમચંદબાપાના બહેન મુક્તરાજ દિવાળીબા પણ હાજર હતા. અને તેઓ પણ પોતા પાસે આવનાર હરિભક્તોને આ પ્રસંગ વિશે જણાવી મામાનો વધુ ને વધુ મહિમા જાણવાનું કહેતા.

મોટા-મોટાને ઓળખે. તે રીતે મોટા સંતો-મુક્તો બધા મામાને પ્રમાણ કરી ગયા છે.