પ્રસંગ : ૬૬
અનાદિમુક્ત પાસે જ્યારે જીવ ખરા ભાવથી પ્રાર્થના કરે અને મુક્ત રાજી થઈ આશીર્વાદ આપે ત્યારે કોને ક્યારે, કેવી રીતે પ્રેરણા કરે તે કહી શકાય નહિ. અને મુક્ત રાજી થાય પછી કહેવાપણું રહેતું નથી.
મામાને ત્યાં એક બહેન લગભગ દરરોજ સવારે માસીની સેવામાં આવે. બે-ચાર કલાક સેવા કરી ઘરે જઈ ઘરનું કામ કરે. મામા તથા માસીનો અતિશય મહિમા એટલે માસી પાસે આવી માસી બતાવે તે સેવા મહિમાએ સહિત કરે. એક વખત મામાએ તેમને અમસ્તા જ પૂછ્યું, "બધું બરાબર છે ને?" મામાના આમ પૂછતા મૂંઝાતી વ્યક્તિને કોઈ પૂછે ને હૈયું હાથ ન રહે તેમ આ બહેનને પણ થયું. ઘણા સમયથી મન મૂંઝાતું હતું અને મામાએ પૂછ્યું. જાણે વહાલથી બાપે દીકરીને પૂછ્યું ને દીકરી રડી પડી. હૃદયે આજે તેને સાથ ન આપ્યો વેદના અશ્રુઓ દ્વારા વહી રહી. બહેન થોડા શાંત પડી મામાને કહે, "મામા, અમારું ઘર એવી જગ્યાએ છે કે ત્યાંથી નીકળીએ તો ય નહાવું પડે. ઘરની બહાર જ સંડાસની ગટરનું પાણી ઊભરાય છે. એ ગંદકીમાંથી દરરોજ અમારે આવવું-જવું પડે છે. પગ તો એવા દુર્ગંધ મારતા કાદવથી ખરડાઈ જાય કે નહાવું જ પડે. આખો દિવસ ઘરમાં દુર્ગંધ માર્યા કરે છે. હું કેટલાય દિવસથી આપની સમક્ષ રજૂઆત કરવા મથતી હતી, પરંતુ મન મૂંઝાયા કરતું હતું. આપે આજે આમ પૂછતાં મારાથી રડી પડાયું હું દિલગીર છું. મામા, અમારી આર્થિક પરિસ્થિતિ એવી સારી નથી કે બીજી સારી જગ્યાએ ઘર લઈ શકાય." બહેનની વાત સાંભળી મામાએ બહેનને સીધું જ કહી દીધું, "તમે ડ્રાઈવઈન બાજુ ઘર લઈ લો. ત્યાં ભગવાન તમને સારું ઘર અપાવશે." મામાના આવા વચન સાંભળતાં બહેનના મગજમાં કેટલાય વિચારો ચાલવા લાગ્યા કે એ તો સારો એરિયા કહેવાય. ત્યાં કઈ રીતે ઘર મળશે? ત્યાં તો બહુ મોંઘા ઘર હોય વગેરે વિચારો આવ્યા, પરંતુ મામાને એ વિશે કાંઈ પૂછી શક્યા નહિ કે કાંઈ કહી શક્યા નહિ. ફક્ત મામાને હા પાડી. સાંજે એમના પતિ મામાના દર્શને આવ્યા તેમને પણ મામાએ એ જ પ્રમાણે કહ્યું. બહેનના પતિને મામાના વચનમાં અતૂટ વિશ્વાસ અને શ્રદ્ધા કે મુક્તપુરુષ કહે પછી તેમાં આપણી બુદ્ધિ ન વાપરવી. અને તેઓ કહે તેમાં સંમતિ જ આપવી. કારણ કે તેઓ બધું જાણીને કહેતા હોય. અને આપણે અજાણ હોઈએ. મામાને તેમણે હા તો પાડી, પરંતુ એ એરિયામાં હવે ઘર લેવું કઈ રીતે? પાસે પૈસા નહોતા કે નહોતી એવી મોટી કોઈ ઓળખાણ. પતિ-પત્ની બંનેને એવો એક દ્રઢ વિશ્વાસ કે મામાએ કહ્યું છે એટલે નક્કી કોઈક મારગ નીકળશે ખરો.
મુક્તપુરુષ સર્વજ્ઞ હોય છે. આથી જ એ રીતના આશીર્વાદ આપતા હોય છે. મામાના આશીર્વાદ મળ્યા પછી જુઓ એકાએક કેવા સંજોગો ઊભા થાય છે અને કોને કેવી પ્રેરણા થાય છે. બહેનની સ્કૂલની એક બહેનપણી જેના વિશે પંદર વર્ષે બહેનને જાણ થઈ છૂટા પડ્યા પછી મુલાકાત થઈ નહોતી. જાણ થતાં બંને મળ્યા અને વાત કરતાં ખબર પડી કે બહેનપણીના પતિ બિલ્ડર છે અને ડ્રાઈવઈન રોડ પર એના ફ્લેટ બંધાય છે. બિલ્ડરે ત્યાં જઈ ફ્લેટ જોઈ આવવા કહ્યું અને જેવડો ફ્લેટ ગમે તે નક્કી કરી લેવા કહ્યું. બહેને પોતાની આર્થિક સંકણામણની તેમની સમક્ષ રજૂઆત કરી. ત્યારે તેઓ બોલ્યા, "ટોકન તરીકે મને એક રૂપિયો આપો. અને ઘરમાં રહેવા આવી જાઓ. અઠવાડિયામાં જ હું ફ્લેટ તૈયાર કરાવી આપું છું. જીવનમાં જ્યારે તમારી પાસે સગવડ થાય ત્યારે મને આપજો." બહેન પાસે ભેગી કરેલી થોડી રકમ હતી તે તેમણે બિલ્ડરને આપતાં કહ્યું, "અત્યારે આટલી રકમ રાખો બાકીની ધીમે-ધીમે ચૂકવી દઈશું." બિલ્ડરે કહ્યું, "આ પૈસામાંથી ફર્નિચર બનાવડાવી લો. મારા પૈસા પછી આપજો."
આ બિલ્ડર માટે એવી વાત પ્રખ્યાત હતી કે તેઓ કોઈનોય એક રૂપિયો પણ બાકી હોય ત્યાં સુધી ઘરનો કબજો આપતા નહિ. પોતાના સંબંધીને પણ નહિ. એવા બિલ્ડરે બહેનને ફક્ત એક રૂપિયાના ટોકન પર ઘર રહેવા આપી દીધું! અને તે પણ પૈસા આપવાની અવધિ વગર!! એક રૂપિયો બાકી ન રાખનાર વ્યક્તિ આવું કઈ રીતે બોલી શકે? પંદર વર્ષ પછી પત્નીની બહેનપણી મળી બસ એટલી જ ઓળખાણ છતાં પૂર્ણ વિશ્વાસ મૂકી ઘર સોંપી દીધું. આ છે મામાના આશીર્વાદનો પ્રતાપ. આશા ન હોય ત્યાંથી ધારી ન હોય તેવી વ્યક્તિ પાસેથી મદદ મળી રહે અને મૂંઝવણ દૂર થાય. કેવું સામર્થ્ય!
કહે છે ને કે, ભગવાન અને તેમના અનાદિમુક્ત સદાય આપણી સાથે જ છે. આપણી સહાયમાં ઊભા જ હોય છે. ફક્ત આપણને તેની જાણ હોતી નથી. હૃદયના ખરા ભાવથી અને સંપૂર્ણ વિશ્વાસ સાથે પ્રાર્થના કરીએ તો તેઓ હાજર જ છે અને આપણી મુશ્કેલી અચૂક દૂર કરી સહાય કરે છે. જરૂર છે અંતરના ખરા ભાવની.