પ્રસંગ : ૯૦
એક વખત મામાને વડોદરાના એક આશ્રમમાં થોડું કામ હતું. ત્યાં આર્થિક સહાય પેટે થોડું દાન આપવું હતું અને આશ્રમમાંથી થોડાં પુસ્તકો પણ ખરીદવાના હોવાથી સેવક સાથે મોટરકારમાં નીકળ્યા, પરંતુ અમદાવાદથી નીકળવામાં જ મામાને મોડું થઈ ગયું હતું. એ પૂનમનો દિવસ હોવાથી સાથેના સેવકને એમ કે દર વખતે પૂનમે વડતાલ દર્શન કરવા જાઉં છું, તો આજે પણ વડતાલ દર્શન કરીને વડોદરા જઈશું. આવી વાત તેણે મામાને કરી, મામા કહે, "અત્યારે વડતાલ રોકાઈશું તો ત્યાં ઘણો સમય જશે. આજે ભીડ પણ ઘણી હોય અને ત્યાંના સ્વામી તમને ઠાકોર જમાડ્યા વગર જવા નહિ દે. એ બધું કરવા રોકાઈએ તો વડોદરા આશ્રમ બંધ થઈ જાય અને કામ પતે નહિ. તો આ વખતે વડતાલ ન જઈએ તો નહિ ચાલે?"
સેવક મામાના આજ્ઞાંકિત, મામાના વચનને સંપૂર્ણ વિશ્વાસ રાખી અધ્ધરથી ઝીલનારા, મામા કાંઈ કહે પછી તેમાં ક્યારેય કોઈ વિચાર કરે નહિ કે મનમાં એ વિશે સંકલ્પ થાય નહિ. મામા જેમ કહે તેમ જ કરવું તે તેમનો જીવનમંત્ર. મામાને કહે, "મામા, આપ જેમ કહો તેમ આપણે સીધા જ નીકળી જઈશું." સેવકે મામાને એમ કહ્યું, પણ મામા તેમનો દર્શન કરવાનો જે સંકલ્પ હતો તે જાણી ગયા હતા. આથી હાસ્ય રેલાવતા કહે, "જુઓ ભગવાન તો બધે જ છે ને? અત્યારે આ મોટરકારમાં પણ છે. અત્યારે આંખો બંધ કરીએ ને તરત જ વડતાલના હરિકૃષ્ણ મહારાજના દર્શન થાય." મામાએ આમ કહ્યું એટલે સેવકે સહજ આંખો બંધ કરી અને મામાએ સેવકના મસ્તક પર હાથ મૂક્યો. મામા બોલવા લાગ્યા, જુઓ હરિકૃષ્ણ મહારાજ કેવા રૂપાળા લાગે છે, તેમણે કેવા સુંદર વસ્ત્રો પહેર્યાં છે. ઘનશ્યામ મહારાજે આવાં વસ્ત્રો પહેર્યાં છે. ધર્મ-ભક્તિ વાસુદેવે આવાં વસ્ત્રો પહેર્યાં છે. આમ મામા જે-જે મૂર્તિનું વર્ણન કરતા જાય તે-તે મૂર્તિના સેવકને ગાડીમાં બેઠા-બેઠા દર્શન તાદ્રશ્ય થતા જાય. આમ દરેક મૂર્તિનું વર્ણન મામાએ કર્યું ને સેવકને એ બધા દર્શન થયા. મંદિરમાં જઈ દર્શન કરે તેનાં કરતાં ય સેવકને આજના ગાડીમાં બેઠા કરેલાં દર્શનથી અનેકગણી વધુ માનસિક શાંતિ મળી હતી.
સેવકે ધીમેથી આંખો ખોલી એટલે મામાએ પૂછ્યું, "દર્શન થઈ ગયા ને? બસ હવે સંકલ્પ વિરામ થઈ ગયો ને?" સેવકને આવો અનુભવ પ્રથમ વખત થયો હતો. તે તો આનંદવિભોર થઈ ગયો. ગાડીમાં જ મામાને પગે લાગી કહે, "આપ બહુ સમર્થ છો. આજે મને અહીં બેઠા હરિકૃષ્ણ મહારાજના દર્શન કરાવી મારો સંકલ્પ પૂર્ણ કરી મને ધન્ય બનાવી દીધો." મામાએ સેવકને આશીર્વાદ આપ્યા. વડોદરા કામ પતાવી તેઓ જ્યારે અમદાવાદ પાછા આવ્યા, ત્યારે જેઓ વડતાલ દર્શન કરી આવ્યા હતા તેઓએ હરિકૃષ્ણ મહારાજ વગેરે મૂર્તિઓના વાઘા-શણગારનું વર્ણન સેવક પાસે કરતાં મામાએ સેવકને કરાવેલ દર્શન મુજબનું જ હતું. આમ ખાતરી મળતાં સેવક પોતાને ધન્ય માની આનંદવિભોર થઈ ગયો.
ઘણી વખત અમુક સંકલ્પી જીવો અનાદિમુક્ત માટે પોતાની મર્યાદિત બુદ્ધિથી સંકલ્પો કર્યા કરે છે કે તેઓ શા માટે દરરોજ મંદિરે નહિ જતા હોય? શા માટે આમ વર્તન નહિ કરતા હોય? જેમને અખંડ ભગવાનના દર્શન હોય. સદાય ધામની વ્યતિરેક મૂર્તિનું દિવ્ય સુખ અનુભવતા હોય તેમને દેહે કરીને મંદિરે જવાની ક્યાં આવશ્યકતા રહે છે? મંદિરે જવું-દર્શન કરવા એ નિયમો સાધનિક માટે છે. અને તેમની માટે તે જરૂરી પણ છે. પૂર્ણ મુક્ત પૂર્ણકામ હોવાથી કોઈ સાધન બાકી રહેતા નથી. જેને અખંડ દર્શનસુખ હોય તેમને મંદિરે જઈ દર્શનસુખ લેવાની શી આવશ્યકતા? પરંતુ તેમનું જોઈ આપણે વાદ ન લેવાય અને મુક્તને વિશે સંકલ્પો ન કરતાં કેવળ દિવ્યભાવ રાખવો એ જ આપણું કર્તવ્ય.