પ્રસંગ : ૯૩

ભગવાનને પામવા માટેના સાધનો ઘણા-ઘણા છે. જુદા-જુદા સંપ્રદાયોમાં જુદાં-જુદાં સાધનો વર્ણવેલા છે. જે મુમુક્ષુઓને પરબ્રહ્મ પરમાત્માના દર્શન કરવા છે, તેઓ આ બધા રસ્તામાંથી પોતાને જે રસ્તો સાચો અને સારો લાગે તે રસ્તો પસંદ કરી આગળ વધવા પોતાનાથી બનતા પ્રયત્નો કરે છે. શાસ્ત્રો વાંચીને એ રસ્તે ચાલનારા મુમુક્ષુઓ અમુક અંશે એ પથ પર આગળ વધે પણ છે, પરંતુ વર્ષોના વર્ષો સાધના કર્યા છતાં કોઈ પ્રાપ્તિ ન થાય ત્યારે હતાશ થઈ જાય છે. તેમનું મન અનેક પ્રશ્નોથી ઘેરાઈ જાય છે. એ પ્રશ્નોના જવાબ ન મળતાં મૂંઝવણનો અનુભવ કરે છે.

એવા મુમુક્ષુઓને આવા સમયે કોઈ રાહ નજરે ન આવતાં મન પ્રશ્ન પૂછે છે કે શું શાસ્ત્રો ખોટા છે? જો સાચા છે તો હું એ માર્ગે ચાલ્યો છતાં મને કેમ કોઈ પ્રાપ્તિ ન થઈ? હું ક્યાં અટક્યો? શાસ્ત્રોમાં કહ્યા પ્રમાણે તો મારી કોઈ ભૂલ દેખાતી નથી. તો પછી પ્રગતિમાં અવરોધ ક્યાં? અને શા માટે? પ્રશ્નોના જવાબ ન મળતાં સાધક સાધના છોડી દઈ મનમાં ખોટા ખ્યાલોને સ્થાન આપી ભટક્યા કરે છે. આવે સમયે જ તેને એક અનુભવીની જરૂર પડે છે કે જે આ પથ પર નડતી બધી જ મુશ્કેલીને જાણી લઈ તેનું સાચું નિરાકરણ આપવા સમર્થ હોય. અનુભવી સિવાય એ પથ પર અટકી પડેલા સાધકને કોઈ સહાય કરી શકે તેમ નથી હોતું. એ જ માર્ગ બતાવવા સમર્થ છે, એ જ ભૂલ કહી તેને સુધારવાના સૂચનો કરવા સમર્થ છે અને એ જ પોતાના આશીર્વાદ દ્વારા સાધકને સુખની પ્રાપ્તિ કરાવવા પણ સમર્થ છે. એટલે જ શાસ્ત્રોમાં સમર્થ ગુરુનું મહત્ત્વ આટલું વિશેષપણે આંકવામાં આવ્યું છે. પૂર્ણ મુક્તદશાને પામેલા ગુરુની સાધના પથ પર આવશ્યકતા રહે છે.

હિમાલયના ઋષિકેશ તીર્થમાંથી એક સ્વામીજી અમદાવાદ આવ્યા હતા. અમદાવાદમાં પુસ્તક વિતરકને ત્યાં જઈ જુદા-જુદા સંપ્રદાયોના પુસ્તકો ફેંદ્યાં કરે. દરરોજ આવે કેટલાય પુસ્તકો જુએ, પરંતુ ખરીદ્યાં વગર ચાલ્યા જાય. એક દિવસ વિતરકે સ્વામીજીને પૂછ્યું, "તમારે કયું પુસ્તક જોઈએ છીએ? મને કહો તો હું કાઢી આપું અને મારી પાસે નહિ હોય તો હું મંગાવી આપીશ." સ્વામીજી કહે, "ખરેખર તો મને પણ નથી ખબર કે મારે કયું પુસ્તક જોઈએ છીએ. મારી મૂંઝવણનો ઉકેલ કોઈ પુસ્તકમાં હોય એવું પુસ્તક મારે જોઈએ છીએ." વિતરક કહે, "તમે ધાર્મિક પુસ્તકો જુઓ છો એટલે તમારી મૂંઝવણ ધર્મને લગતી લાગે છે." સ્વામીજી કહે, "તમારી વાત સત્ય છે, પણ તમે એ નહિ સમજી શકો. આધ્યાત્મિકતાની ઉચ્ચ કક્ષાને પામેલા જ આ વિશે જાણે. આથી હું જોઉં છું કે ઉચ્ચ કક્ષાએ પહોંચેલાઓએ જે પુસ્તકો લખ્યા છે તેમાં ક્યાંય મારી સમસ્યાનું સમાધાન છે? પરંતુ હજી મને ખાસ કાંઈ સાંપડ્યું નથી આથી હું પુસ્તક ખરીદ્યાં વગર પાછો જાઉં છું."

મામા અવાર-નવાર પુસ્તકો લેવા આ વિતરકને ત્યાં જતા હોવાથી વિતરક મામાને સારી રીતે ઓળખે. આથી વિતરકે સ્વામીજીને કહ્યું, "હું એક વ્યક્તિને ઓળખું છું તેઓ બહુ સમર્થ છે. તેઓ તમારી સમસ્યાનું સમાધાન આપી શકશે." વિતરક પાસેથી મામાનું નામ સાંભળી સ્વામીજી એક આશા સાથે મામાને મળવા આવ્યા. રૂમમાં પ્રવેશતાં જ મનમાં અનેરી શાંતિનો તેમને અનુભવ થયો. મામાએ આવકાર આપી તેમને બેસાર્યા. સ્વામીજી કહે, "મને સાંભળવા મળ્યું કે આપ આધ્યાત્મિકતાની ઉચ્ચ કક્ષાને પામેલા છો. આથી મારી મૂંઝવણનું આપની પાસેથી યોગ્ય માર્ગદર્શન મળી રહેશે એવી આશા સાથે હું આપને મળવા આવ્યો છું. હું મારો પરિચય આપું. હિમાલયના ઋષિકેશ સ્થાનમાંથી હું આવું છું. ત્યાં રહી મેં વર્ષો સુધી યોગ સાધના કરી છે. આસનો-પ્રાણાયામ મને સિદ્ધ છે. આટલી સાધના કરવા છતાં કોઈ જાતની માનસિક શાંતિ જણાતી નથી કે અત્યાર સુધી કોઈ પ્રાપ્તિ થઈ નથી. પૂર્ણતાનો આત્મસંતોષ થતો નથી એટલે બ્રહ્મ-પરબ્રહ્મ વિશે આપની પાસે માર્ગદર્શન લેવા આવ્યો છું. આટલા વર્ષોની સાધના પછી કોઈ પ્રાપ્તિ ન થતાં એમ લાગવા માંડ્યું છે કે શાસ્ત્રો ખોટા છે કે શું? મન મૂંઝાયા કરે છે. આટલી સાધના છતાં કોઈ જ પ્રાપ્તિ નહિ? એક માનસિક શાંતિનો પણ અનુભવ નહિ? પરબ્રહ્મ સાથે એકતાની અનુભૂતિ નહિ? મેં જેટલી સાધના કરી છે એટલી ભાગ્યે કોઈ કરી શકે. હું આપની પાસે એક આશા સાથે આવ્યો છું. જો આપ એ માર્ગે આગળ વધ્યા છો, તો મને ચોક્કસ માર્ગદર્શન મળી રહેશે. આટલી સાધના કર્યા છતાં હું ક્યાં અટક્યો? સાધનામાં ક્યાં કચાશ રહી? શાસ્ત્રોમાં લખ્યા પ્રમાણે મેં બધું જ કર્યું છે." આમ વર્ષોની સાધના અને કોઈ પ્રાપ્તિ નહિની વેદના અને છૂપો આક્રોશ સ્વામીજી વ્યક્ત કર્યા વગર રહી ન શક્યા.

સ્વામીજીની વાત શાંતિથી સાંભળ્યા પછી મામાએ તેમને કહ્યું, "શાસ્ત્રોમાં લખ્યા પ્રમાણેની તમારી સાધના છે. સાધના માટેનો પુરુષાર્થ પણ તમારો છે. આ પથ પર જે અતિ આવશ્યક છે જે તમે કર્યો છે. તે તમારી વાત સાચી છે, પરંતુ એ સાધનામાં કર્તાપણાનો ભાવ રહેલો છે. મેં સાધના કરી, મેં ઘણો પુરુષાર્થ કર્યો, મારા જેવું કોઈથી ન થાય. આ સૂક્ષ્મ અહંકાર દર્શાવે છે. એ સૂક્ષ્મ અહંકાર દેહભાવ ભૂલવા ન દે. સારું-ખરાબ, માન-અપમાન, ઠંડી-ગરમીની અસર હજી થાય છે જે દેહભાવ નથી ગયાની સાક્ષી પૂરે છે. ભગવાનને પામવા સંપૂર્ણ શરણાગતિના ભાવ સાથે પોતાના ઇષ્ટ ધ્યેય સ્વરૂપ સાથે તાદાત્મ્ય ભાવે એકરૂપ થવાનો અભ્યાસ કરવો જોઈએ. સંપૂર્ણ શરણાગતિનો ભાવ લાવવા સાકાર સ્વરૂપની ઉપાસના શ્રેષ્ઠ છે. તમે જેની ઉપાસના કરો તે સ્વરૂપ સૌથી શ્રેષ્ઠ છે. તેના જેવું બીજું કોઈ સ્વરૂપ નથી તેમ સમજી તે સ્વરૂપ સાથે જોડાઓ. અને જે કાંઈ સાધન કરો છો તે કેવળ તેમની પ્રસન્નતા માટે તેઓ કરાવે છે ત્યારે થાય છે તેવા ભાવ સાથે કરો. ત્યારે એ સૂક્ષ્મ અહંકાર જશે. પછી તમે જે પામવા પ્રયત્ન કરો છો તે પ્રાપ્ત થશે." સ્વામીજીએ મામાને પૂછ્યું, "આપને એ પરબ્રહ્મના દર્શન છે?" મામા કહે, "મને તો એ પરબ્રહ્મના નિરાકાર તેજ તેમ જ તેમના સાકાર સ્વરૂપ બંનેની અનુભૂતિ અખંડ છે અને હું તે સુખનો અખંડ અનુભવ કરી રહ્યો છું." આવું સાંભળતાં સ્વામીજી મામાના પગમાં પડ્યા અને કહે, "આપ મને આશીર્વાદ આપો જેથી મારી સાધના આગળ વધે. તમે સમર્થ છો, અનુભવી છો હું આપનો આભારી છું. મને આપને મળવાનો અવસર મળ્યો અને મારી ત્રુટિ ઓળખાઈ. આપ મને આશીર્વાદ આપો." મામાએ આશીર્વાદ આપ્યા. માર્ગ ભૂલેલા પથીકને મામાએ સાચી રાહ દર્શાવી હતી.

આધ્યાત્મિક પથ પર જઈ આવેલા ભોમિયા જ ભૂલેલા પથીકને સાચી રાહ દર્શાવી આગળ ધપવાનો માર્ગ ચીંધી શકે છે.