પ્રસંગ : ૯૮

સર્વમંગલ સોસાયટીના એક હરિભક્તની તબિયત થોડા સમયથી બરાબર ન હોવાથી હૉસ્પિટલમાં દાખલ થયા હતા. પથારીમાં પડ્યા-પડ્યા મહારાજ બાપાને સંભાર્યા કરે. એક દિવસ તેમણે મામાને પ્રાર્થના કરાવડાવી કે આપ દયા કરી મને દર્શન દેવા પધારો તો મને મનમાં શાંતિ થાય. મામા બે સેવકોને લઈ તેમને જોવા હૉસ્પિટલમાં ગયા. હરિભક્ત પડખું ફરી સૂતા હતા. મામા તેમને બોલાવ્યા વગર તેમના માથા પાસે ઊભા રહ્યા. થોડીવાર ઊભા રહેવા છતાં હરિભક્ત પડખું ફરી મામા સામે જોતા નહોતા. આથી સેવકને થયું તેઓ સૂઈ ગયા છે અને કોણ જાણે ક્યારે જાગે. આથી તેણે મામાને કહ્યું, "મામા, આપ ઊભા-ઊભા થાકી જશો. ઘણીવાર થઈ ગઈ છે. આપણે પાછા ઘરે જઈએ."

મામાએ સેવકને કહ્યું, "તું ચૂપ-ચાપ ઊભો-ઊભો જનમંગલસ્તોત્ર બોલ બીજું વધારે બોલીશ નહિ. મહારાજ આમને તેડવા આવે છે." સેવક આશ્ચર્ય સાથે જનમંગલ બોલતો રહ્યો. એ જ વખતે તે હરિભક્તે પડખું ફરી મામાને જોયા. તેમને પ્રણામ કર્યા અને દેહ છોડી દીધો. વાત નાની છે કે એક હરિભક્તે દેહ મૂક્યો, પરંતુ વાતની ગહનતા એ છે કે અનાદિમુક્તની હાજરીમાં તેમના દર્શન કરતાં-કરતાં દેહ મૂક્યો. અનાદિમુક્ત સાથે શ્રીજીમહારાજ સદાય હોય છે, આથી તેમના દર્શનથી મનમાં અનેરી શાંતિનો અનુભવ થાય છે. મનમાં કોઈ સંકલ્પ કે કોઈ વાસના રહી ગઈ હોય તો તે વિરામ પામી મન શુદ્ધ થઈ જાય છે. અને જીવ ભગવાનના દર્શન કરવા પાત્ર બને છે. દેહ શાંતિથી છૂટી જઈ ભગવાનમાં વૃત્તિ જોડાઈ જાય છે. મુક્તની હાજરીનો આટલો લાભ છે. આ વાત નાની નથી. ભગવાનના સુખમાં પહોંચી જવાય પછી બાકી શું રહે? અનાદિમુક્તની હાજરી જીવને ભગવાન સુધી પહોંચવામાં મદદરૂપ થાય છે.