પ્રસંગ : ૮૮

એક વખત એક હરિભક્ત મુંબઈથી અમદાવાદ આવવા નીકળ્યા. બોરીવલી સ્ટેશનથી ગાડીમાં બેસી ભગવાન સંભારતા ગાડી ઉપડવાની રાહ જોતા બેઠા હતા. એવામાં એ જ ડબ્બામાં મામા ચડ્યા. મામાને જોઈ હરિભક્તને સાનંદાશ્ચર્ય થયું. મામાને પોતાની પાસેની જગ્યા બેસવા માટે કરી આપી. હરિભક્તને થયું મામા આમ અચાનક ક્યાંથી પધાર્યા હશે? સાથે કોઈ બીજું છે પણ નહિ. મનમાં પ્રશ્નો ઊઠ્યા, પરંતુ મામાને જોતાં એમ થયું જે હોય તે મને તો આજે મામા સાથે મુસાફરીનો લાભ મળશે.

હરિભક્ત અને મામાની મુસાફરી શરૂ થઈ. મામાએ મહારાજના મહિમાની, તેમને રાજી કરવાના ઉપાયો, વ્યવહારમાં કઈ રીતે રહેવું વગેરે અનેક પ્રકારની વાતો કરવા માંડી. વાતો બધી એવી થતી હતી કે હરિભક્તને ઘણા સમયથી મૂંઝવતા દરેક પ્રશ્નોના વારાફરતી ઉત્તરો તેમાં સમાયેલા હતા. હરિભક્તે મામાને કહ્યું, "મામા, આજે તો આપે મારા ઉપર બહુ દયા કરી. મારા માટે જ જાણે આપનું આ ડબ્બામાં આગમન થયું. મારા ઘણા ખરા મૂંઝવતા પ્રશ્નોના ઉકેલ આજે મને મળી ગયા. અને મહારાજની વાતોમાં દિવસ ક્યાં પસાર થઈ ગયો ખબર જ ન પડી. મારા તો ધન્યભાગ્ય." આમ વાતો કરતાં મણિનગર સ્ટેશન આવ્યું. મામાએ કહ્યું, "મારે અહીં સ્કૂલ સંબંધી થોડું કામ છે આપ તમારા ઘરે પહોંચો હું પાછળથી આવું છું. હરિભક્ત કાલુપુર ઊતરી રિક્ષા કરી સીધા પોતાના ઘરે ગયા. હાથ-મોઢું ધોઈને બેઠા અને ઘરનાને મામાના ટ્રેનના સાથ વિશેની વાત કરવા જઈ જ રહ્યા હતા, એવામાં ઘરના સભ્યોએ કહ્યું, "આરામ પછી કરજો પહેલાં મામાના દર્શન કરી આવો. પછી મામા બહાર જવાનું કહેતા હતા." હરિભક્ત કહે, "અરે! આટલા જલદી મણિનગરથી કામ પતાવી મામા આવી પણ ગયા? અને પાછા બારે જવાના છે? અત્યારે પાછા બારે જશે તો-તો બહુ જ થાકી જશે. આખા દિવસની મુસાફરીનો થાક અને આ દોડધામ તેમને ઘણો થાક લાગશે."

ઘરના સભ્યો કહે, "મામા કોઈ મુસાફરીએથી નથી આવ્યા. સવારથી તેમના ઘરમાં જ છે. અત્યારે કામ હોવાથી થોડીવાર માટે બહાર જવાનું કહેતા હતા." આ વાતથી હરિભક્તને ભારે અચરજ થયું કહે, "શું વાત કરો છો! મામા તો મારી સાથે મુંબઈથી જ ટ્રેનમાં હતા. બોરીવલીથી અમે બંનેએ સાથે મુસાફરી કરી અને આજે તેમણે મને ઘણો લાભ આપ્યો. મહારાજના મહિમાની ઘણી વાતો કરી. બીજી પણ ઘણી વાતો આખો દિવસ કરી અને પછી તેમને સ્કૂલ સંબંધી કામ હોવાથી મણિનગર ઊતરી ગયા અને હું સીધો ઘરે આવ્યો." હવે અચરજ પામવાનો વારો ઘરના સભ્યોનો હતો. એકી અવાજે તેઓ બોલ્યા, "શું વાત કરો છો? મામા તો સવારથી તેમના ઘરમાં જ છે. સવારે અમે દર્શન કરવા ગયા હતા. બપોરે પણ કામ હોવાથી મળવા ગયા હતા. અને હમણાં થોડીવાર પહેલાં પણ મળવા ગયા ત્યારે તેઓએ જણાવ્યું કે કામ હોવાથી થોડીવારે તેઓ બહાર જવાના છે." હરિભક્ત કહે, "આમ કેમ બને? મામા તો મારી સાથે ટ્રેનમાં હતા. ચાલો આપણે મામાને જ આ વિશે પૂછીએ." સૌ મામા પાસે ગયા. હરિભક્ત મામાના ચરણસ્પર્શ કરી પૂછવા લાગ્યા, "મામા, આ કેવી રીતે બન્યું? આજે તમે સવારથી જ મારી સાથે ટ્રેનમાં હતા. આપણે આખો દિવસ મહારાજના મહિમાની વાતો કરી વિતાવ્યો અને આ લોકો કહે છે કે આપ અહીં જ છો, આપ ક્યાંય બહારગામ ગયા જ નથી. આ બધું મને કાંઈ સમજાતું નથી. મને તો ખબર છે આપ મારી સાથે જ હતા." ઘરના સૌ કહે, "અમને પણ જાણ છે મામા અહીં જ હતા." હરિભક્ત વધુ કાંઈ બોલવા જાય તે પહેલાં મામાએ ઇશારો કરી તેમને વધુ કાંઈ પણ બોલવાની ના પાડી. આથી હરિભક્ત વધુ બોલ્યા નહિ. અને દર્શન કરી બહાર નીકળી ગયા. હરિભક્ત સમજી ગયા હતા કે મામાએ આજે તેમના પર બહુ કૃપા વરસાવી હતી. તેમના પર દયા લાવી ઘણા સમયથી તેમને મૂંઝવતા પ્રશ્નોના ઉકેલ આપવા આવી રીતે બીજું સ્વરૂપ ધારણ કરી તેમની સાથે મુસાફરી કરી હતી. આ વાત સમજાતાં હરિભક્તને હર્ષાશ્રુ આવી ગયાં. પોતાને ધન્ય માની બહારથી જ ફરીથી મામાને વંદન કરી ઘરે ગયા.

અનાદિમુક્તમાં અનંત સામર્થ્ય હોય છે. તેમના સામર્થ્યનો કોઈ પાર પામી શકતું નથી. બે સ્વરૂપે દેખાવું તે પણ તેમના સામર્થ્યની શક્તિઓમાંનું એક છે. સદગુરુવર્ય ગોપાળાનંદ સ્વામીના સો સંકલ્પ સ્વરૂપો થયા હતા. મહારાજના મુક્ત પ્રસંગોપાત્ આવું કરતા હોય છે.