૧૨ ભવિષ્યકથન

પ્રભાતનો સમય હતો.

અબજીભાઈ પિતા પાંચાભાઈ સાથે પૂજામાં બેઠા હતા.

કેસરો દોડતો-દોડતો આવ્યો.

પૂજા પતાવી અબજીભાઈએ પૂછ્યું, 'કેમ દોડતો-દોડતો આવ્યો?'

કેસરો કહે, 'મંદિરમાં મોટા સંત ભૂજથી આવ્યા છે. તેમનું નામ અચ્યુતદાસજી સ્વામી છે.'

પાંચાભાઈ નામ સાંભળી ખુશ થઈ ગયા.

અબજીભાઈને કહે, 'બેટા! આપણે બંને સાથે તેમની પાસે જઈશું. તેઓ બહુ મોટા સંત છે.'

અબજીભાઈ કેસરાને કહે, 'તુ જા હું પિતાજી સાથે આવું છું.'

પાંચાભાઈ કહે, 'અબજીભાઈ, તમારા વર્તમાન તેમની પાસે ધરાવી લઈએ.'

અબજીભાઈ દેવબાને પૂછવા લાગ્યા, 'મા, વર્તમાન ધરાવવા એટલે શું?'

દેવબા કહે, 'મોટા મુક્ત પાસે કંઠી પહેરવી તે, કંઠી પહેરાવી તેઓ નિયમ આપે તેનું જિંદગીભર પાલન કરવાનું. તેને વર્તમાન ધરાવવા કહેવાય.' અબજીભાઈ રાજી થયા.

દેવબા પાંચાભાઈને કહે, 'સાકરનો પડો હું આપું છું. તમે બજારમાંથી શ્રીફળ લેતા જજો.'

પાંચાભાઈ કહે, 'ભલે.'

અબજીભાઈને ધોયેલા વસ્ત્રો પહેરાવી પાંચાભાઈ તેમને મંદિરે લઈ ગયા.

અબજીભાઈએ સાકરનો પડો અને શ્રીફળ સ્વામી અચ્યુતદાસજીના ચરણોમાં મૂક્યા અને પગે લાગ્યા.

પાંચાભાઈ કહે, 'સ્વામી! આ મારા પુત્ર છે. તેમને વર્તમાન ધરાવો.'

અચ્યુતદાસજી સ્વામી તો મહાન સંત.

તેઓ તો બધું જાણે.

અબજીભાઈને જોતા જ તેઓને ખબર પડી ગઈ કે, આ તો ભગવાનના અનાદિમુક્ત છે. અને ભગવાનના મોકલ્યા અહીં આવ્યા છે.

અબજીભાઈ સ્વામીની બાજુમાં બેસી ગયા.

સ્વામી અબજીભાઈને જોઈ ખૂબ રાજી થયા.

પાંચાભાઈને કહેવા લાગ્યા, 'પાંચાભાઈ, તમે બહુ ભાગ્યશાળી છો. તમારા પુત્ર બહુ મહાન છે. ભગવાનના મોટા મુક્ત છે.'

પાંચાભાઈ કહે, 'હા સ્વામી, તેઓ આખો દિવસ ભગવાનનું ભજન કરે છે. ભગવાન તેમને દર્શન આપે છે.'

સ્વામી કહે, 'પાંચાભાઈ, તમને અત્યારે આમની ખબર નહિ પડે. હું તમને એક ખાનગી વાત કહું છું. તેઓ મોટા થશે ત્યારે તેમનું સાર્મથ્ય પ્રગટ થશે. કેટલાય લોકો દૂર-દૂરથી તેમના દર્શન કરવા આવશે.'

પાંચાભાઈ કહે, 'સ્વામી, ખરેખર એવું થશે?'

સ્વામી કહે, 'હા. અબજીભાઈ અનેકના કલ્યાણ કરશે અને કેટલાય જીવને અક્ષરધામમાં લઈ જશે. અત્યારે તેઓ પોતાનું સાર્મથ્ય ઢાંકીને વર્તે છે એટલે ખબર પડતી નથી. તેમની તો આગળ જતાં ખબર પડશે.'

પાંચાભાઈ રાજી થઈ સ્વામીને પગે લાગ્યા.

સ્વામી કહે, 'પાંચાભાઈ, તમારા ધન્યભાગ્ય કે, આવા મુક્ત તમારે ત્યાં પુત્રરૂપે પ્રગટ થયા. તેમને તમારા પુત્ર ક્યારેય ન માનશો. તેઓ તો અનાદિમુક્ત છે.'

પાંચાભાઈ કહે, 'સ્વામી, હું યાદ રાખીશ. અમને પણ ક્યારેક તેઓ પોતાનું સામર્થ્ય બતાવે છે ખરા.'

અબજીભાઈ ચૂપચાપ આંખો બંધ કરી બેઠા હતા.

સ્વામીએ તેમને કંઠી પહેરાવી અને ભગવાનની પ્રસાદીનો ફૂલનો હાર પણ અબજીભાઈને પહેરાવ્યો.

અબજીભાઈ સ્વામીને પગે લાગ્યા.

સ્વામીએ આશીર્વાદ આપ્યા અને કહ્યું, 'ભગવાને તમને જે કામ માટે મોકલ્યા છે તે કામ બરાબર કરજો.'

અબજીભાઈ હસવા લાગ્યા.

પાંચાભાઈ સ્વામીની વાતો સાંભળી રાજી-રાજી થઈ ગયા. સ્વામીને પગે લાગ્યા.

સ્વામીએ આશીર્વાદ આપ્યા.

પાંચાભાઈ હરખાતા - હરખાતા ઘરે ગયા.

દેવબાને વાત કરી.

દેવબા પણ ખૂબ રાજી થયા.

---------

શબ્દનો અર્થ.

સામર્થ્ય = શક્તિ

હરખાવું = આનંદ પામવું

→ મુક્તનો મહિમા મુક્ત જ જાણે.

સ્વાધ્યાય

નીચેના પ્રશ્નોના ઉત્તર આપો.

૧. સંત ક્યાંથી આવ્યા હતા? તેમનું નામ શું હતું?

૨. વર્તમાન ધરાવવા એટલે શું?

૩. અબજીભાઈને જોતા જ સ્વામીને શું ખબર પડી?

૪. સ્વામીએ અબજીભાઈને શું કહ્યું?

નીચેની ખાલી જગા પૂરો.

૧.અબજીભાઈ પિતા સાથે ---------- માં બેઠા હતા.

૨.હું તમને એક ---------- વાત કહું છું.

૩.અબજીભાઈ તો અનેકનો -------------- કરશે. કેટલાય જીવને ----------- માં લઈ જશે.

૪.તેમને તમારા --------- ક્યારેય ન માનશો. તેઓ તો ------- છે.

નીચેના શબ્દો વાક્યમાં વાપરો.

ભાગ્યશાળી, સાર્મથ્ય, ધન્યભાગ્ય.