૨૫ અંકુર ફૂટતા સિંચન

ભાઈશ્રી વાડીમાં કામ કરતા હતા.

પુત્રી વાલબા વાડીમાં આવ્યાં.

વાલબા કહે, 'બાપા, મારે પણ કામ કરવું છે.'

વાલબા નાના. શું કામ કરે?

ભાઈશ્રી વિચારીને કહે 'વાલબા, પક્ષીઓ અનાજ ખાઈ જાય છે તેને તમે ઉડાડો.'

વાલબા ભગવાનનું નામ લેતા જાય અને પક્ષીને ઉડાડતા જાય.

ભાઈશ્રી કહે, 'ગગી, અહીં મારી પાસે આવ.'

વાલબા કહે, 'બાપા, પંખી અનાજ ખાઈ જશે.'

ભાઈશ્રી કહે, 'હવે નહિ ખાય તમે અહીં આવો.'

વાલબા આવ્યા અને ભાઈશ્રી પાસે બેઠાં.

થોડી-થોડી વારે અનાજ સામે જુએ.

પક્ષીઓ અનાજ ખાઈ શકતાં ન હતાં.

વાલબાને બહુ આશ્ચર્ય થયું.

હવે તેઓ શાંતિથી ભાઈશ્રી પાસે બેઠાં.

ભાઈશ્રી કહે, 'ગગી, પોંક શેક તો બધાને પ્રસાદી મળે.'

વાલબા કહે, 'બાપા, 'અહીં તાપણું ક્યાંથી કરું?'

ભાઈશ્રી કહે, 'તાપણું હું કરી આપું છું.'

ભાઈશ્રી સૂકી લાકડીઓ ગોતી લાવ્યા અને તાપણું સળગાવ્યું.

વાલબાએ પોંક શેકી આપ્યો.

ભાઈશ્રી આંખ બંધ કરી પોંક મહારાજને ધરાવવા લાગ્યા.

વાલબા કહે, 'બાપા, આંખો બંધ કરી શું બેસી રહ્યા છો? પોંક ખાઓને?'

ભાઈશ્રી કહે, 'તમે પ્રેમથી થાળ તૈયાર કર્યો તે થાળ મહારાજને જમાડતો હતો. હવે આ પોંક નથી.'

વાલબા કહે, 'આ તો પોંક જ છે.'

ભાઈશ્રી કહે, 'ના. આ હવે અક્ષરધામની પ્રસાદી છે. મેં મહારાજને પોંક જમાડ્યો. મહારાજ પોંક જમ્યા. આ રહી પ્રસાદી.'

વાલબા અને ભાઈશ્રીએ થોડો પોંક જમાડ્યો. બાકીનો બીજા માટે રાખી મૂક્યો.

ભાઈશ્રી કહે, 'ગગી, તને ધ્યાન કરતા આવડે છે?'

વાલબા કહે, 'ભગવાનની સામે જોઈ રહું વધારે ખબર ન પડે.'

ભાઈશ્રી કહે, 'દીકરા, આપણને ભગવાનની જે મૂર્તિ ગમતી હોય તે મૂર્તિ લેવાની.'

વાલબા કહે, 'મારી પૂજામાં મહારાજની જે મૂર્તિ છે તે મને બહુ ગમે છે.'

ભાઈશ્રી કહે, 'સવારમાં વહેલા ઊઠવાનું અને એ મૂર્તિને સારા આસન ઉપર પધરાવવાની.'

વાલબા કહે, 'બાપા, એવું તો હું રોજ કરું છું તેને ધ્યાન કહેવાય?'

ભાઈશ્રી કહે, 'બેટા! વચમાં નહિ બોલવાનું. હું સમજાવું છું તે ધ્યાન રાખી સમજી લેવાનું.'

વાલબા કહે, 'સારું બાપા હવે વચમાં નહિ બોલું. કાંઈ નહિ સમજાય તો છેલ્લે તમને પૂછીશ.'

ભાઈશ્રી કહે, 'મૂર્તિને આસન ઉપર પધરાવી તેની સામું જોયા કરવાનું. પછી આંખ બંધ કરી અંદર મૂર્તિ જોવાનો પ્રયત્ન કરવાનો. બરાબર?'

વાલબા કહે, 'સારું બાપા હવે હું તેમ જ કરીશ.'

ભાઈશ્રી કહે, 'ગગી! અત્યારથી જ જો ધ્યાન કરવાનો અભ્યાસ પાડીશ તો તને મહારાજનું ધ્યાન જરૂર થશે અને મહારાજ રાજી થશે.'

વાલબા કહે, 'બાપા, હું રોજ સવારે વહેલી ઊઠીને ધ્યાન કરીશ.'

ભાઈશ્રી કહે, 'કોઈ પણ કામ કરતા તે મૂર્તિ ભૂલવી નહિ. તે અખંડ સાંભરે તેવા પ્રયત્નો કરવા. નાનપણથી જ જો પ્રયત્નો કરીએ તો મહારાજ વહેલા રાજી થાય.'

---------

શબ્દનો અર્થ

પોંક = બાજરી, જુવારના કણે ચડેલા ડૂડાં શેકીને દાણા છૂટા પાડ્યા હોય તે.

તાપણું = સાંઠા વગેરેનો સળગાવેલો અગ્નિ.

અખંડ = સળંગ

→ કોઈ પણ વસ્તુ મોઢામાં મૂકતા પહેલા મહારાજને ધરાવવી. બહાર ગયા હોઈએ ત્યારે અંતરમાં મૂર્તિ ધારી મહારાજને જમાડવું ને પછી જમવું.

→ ભાઈશ્રીનો હંમેશાં એવો મત કે બાળકોને નાનપણથી જ મહારાજ તરફ વાળી દેવા જેથી તેઓ ભટકી ન જાય.

→ ભાઈશ્રી શીખવે છે કે, જ્યારે મોટા વાત કરતા હોય ત્યારે તેને ધ્યાનથી સાંભળવી ને ન સમજાય તે છેલ્લે પૂછવું.

→ ભાઈશ્રી અહીં ધ્યાન કેમ કરવું તે પણ શીખવે છે.

સ્વાધ્યાય

નીચેના પ્રશ્નોના ઉત્તર આપો.

૧.વાલબા વાડીમાં કયું કામ કરતા હતા? ભાઈશ્રીએ તેમને શું કરવાનું કહ્યું?

૨.પોંકને ભાઈશ્રીએ શું કહ્યું?

૩.ભાઈશ્રીએ ધ્યાન કરતા કેવી રીતે શિખવાડ્યું?

નીચેની ખાલી જગ્યા પૂરો.

૧. બાપા મારે પણ ------------ કરવું છે.

૨. ---------- નું નામ લેતા જાય અને ------------- ને ઉડાડતા જાય.

૩. વાલબા --------------- શેકો તો બધાને ----------- મળે.

૪. આ ------------ નથી. આ તો ------------ ની પ્રસાદી છે.

૫. ------------ ને આસન ઉપર રાખી તેના સામું જોયા કરવું.

૬. મૂર્તિ ------------- સાંભરે તેવા પ્રયત્નો કરવા.