૧૯ નાની વાતમાં મોટી શીખ

માતા-પિતા સ્વધામ પધાર્યાં.

ઘરનો બધો વ્યવહાર અબજીભાઈ પર આવ્યો.

અબજીભાઈ બધું કામ બરાબર સંભાળે.

વાડીનું કામ કરે અને ઘરમાં પણ ધ્યાન આપે.

વર્ષો વીત્યાં.

અબજીભાઈને ચાર સંતાનો થયા.

સૌથી મોટી પુત્રી. તેમનું નામ વાલબા.

ત્યાર પછી કાનજીભાઈ, પછી રાધાબા, સૌથી નાના પુત્ર મનજીભાઈ.

આ ચારેય ભાઈ-બહેનો ડાહ્યા અને સમજું.

હંમેશાં સંપીને રહે.

એક વખત વાલબા અબજીભાઈને કહે, 'બાપા, આજે હું તમારી સાથે વાડીએ આવું?'

અબજીભાઈ કહે, 'ત્યાં શું કરીશ?'

વાલબા કહે, 'બાપા હું તમને જરા ય હેરાન નહિ કરું. હું રમીશ.'

અબજીભાઈ કહે, 'સારું ચાલ.'

વાડીમાં વાલબા રમવા લાગ્યાં.

રમતાં-રમતાં વાડીથી થોડે દૂર નીકળી ગયા.

અચાનક અબજીભાઈને વાલબાની ચીસ સંભળાઈ.

અબજીભાઈએ વાડીમાં કામ કરતા જાદવજીને કહ્યું, 'જાદવજી, જા જલદી દોડ જો વાલબાએ કેમ રાડ પાડી?'

જાદવજી દોડતો ત્યાં ગયો.

વાલબા રડતાં હતાં.

જાદવજી કહે, 'શું થયું વાલબા? કેમ રડો છો? ચાલો અબજીભાઈ પાસે.'

અબજીભાઈએ વાલબાને ખોળામાં બેસાડ્યા.

પ્રેમપૂર્વ માથા પર હાથ ફેરવ્યો. ધીમેથી પૂછ્યું, 'ગગી! શું થયું હતું? કેમ રાડ પાડી?'

વાલબા રડતાં રહ્યાં.

અબજીભાઈ કહે, 'બસ ગગી. હવે ચૂપ થઈ જા અને મને કહે શું થયું હતું?'

અબજીભાઈએ પ્રેમથી વાલબાના આંસુ લૂછ્યાં.

વાલબા શાંત થયાં.

પછી કહે, 'બાપા, મેં એક મોટું, કાળું, લાંબા પૂછડાવાળું, કાળ જેવું પ્રાણી જોયું.'

અબજીભાઈ કહે, 'ક્યાં?'

વાલબા કહે, 'ત્યાં. વાડીથી થોડે દૂર. એવું મોટું પ્રાણી જોઈ મને બીક લાગી અને મારાથી રાડ પડાઈ ગઈ.'

અબજીભાઈ કહે, 'ગગી, આપણને સ્વામિનારાયણ ભગવાન મળ્યા છે. એટલે કોઈ આપણને ડરાવી ન શકે.'

વાલબા કહે, 'બાપા ભગવાનને સાથે રાખીએ તો કોઈનાથી બીક ન લાગે?'

અબજીભાઈ કહે, 'ના. હિંમત રાખી દરેક ક્રિયામાં ભગવાનને સંભારવા એટલે ભગવાન સહાય કરે.'

વાલબાએ પૂછ્યું, 'ભગવાન જરૂર સહાય કરે બાપા?'

અબજીભાઈ કહે, 'હા, ભગવાનમાં વિશ્વાસ અને શ્રદ્ધા રાખવા. હાલતા-ચાલતા, સૂતા-બેસતા, ખાતા-પીતા સર્વ ક્રિયામાં ભગવાનને સાથે રાખવા, તો ક્યારેય બીક ન લાગે.'

વાલબા કહે, 'હવે હું એમ જ કરીશ.'

અબજીભાઈ કહે, 'જ્યાં સૂરજ હોય ત્યાં અંધારું રહે છે?'

વાલબા કહે, 'ના. ત્યાં તો અજવાળું જ હોય.'

અબજીભાઈ કહે, 'બસ. તેવી જ રીતે જ્યાં સ્વામિનારાયણ ભગવાન હોય ત્યાં બીક ન હોય. માટે હંમેશાં ભગવાનને સંભારજે હોં.'

વાલબા કહે, 'હા, હવે મને બીક નહિ લાગે. જ્યારે એવું લાગશે ત્યારે હું ભગવાનનું નામ લઈશ.'

અબજીભાઈ કહે, 'બરાબર હવે તને બીક નહિ લાગે.'

વાલબા ખુશ થઈ પાછાં ત્યાં રમવા ચાલ્યા ગયાં. હવે તેમને બીક લાગતી ન હતી.

---------

શબ્દનો અર્થ

સંભારવા = યાદ કરવા

→ સર્વોપરી ભગવાન શ્રી સ્વામિનારાયણ મળ્યા પછી કોઈનાથી ડરાય નહિ.

→ સ્વામિનારાયણ ભગવાનમાં શ્રદ્ધા રાખીએ તો તેઓ જરૂર સહાય કરે.

→ અબજીભાઈ આપણને શીખવે છે કે, હિંમત રાખવી. ક્યારેય ગભરાવું નહિ. ભગવાનનું નામ લઈએ એટલે ભગવાન હિંમત આપે અને બીક ભાગી જાય.

સ્વાધ્યાય

નીચેના પ્રશ્નોના ઉત્તર આપો.

૧.અબજીભાઈને કેટલા સંતાનો હતા? ક્રમવાર તેમના નામ આપો?

૨.વાલબાએ શા માટે ચીસ પાડી?

૩.બીક ક્યારે ન લાગે?

નીચેની ખાલી જગ્યા પૂરો

૧.અબજીભાઈને--------- પુત્રો અને ------- પુત્રી હતાં.

૨.આપણને --------- ભગવાન મળ્યા છે એટલે કોઈ આપણને ------ ન શકે.

યોગ્ય ક્રમમાં ગોઠવો.

૧. બીક લાગે ન તો રાખે સાથે ભગવાનને.

૨. ભગવાન ન હોય જ્યાં ત્યાં બીક સ્વામિનારાયણ હોય.