૫૨ જીવતરનું ઘડતર
સ્વામી ઈશ્વરચરણદાસજી બધાને સાંત્વના આપતા હતા.
બધા શાંત થઈ સાંભળતા હતા.
દૈહિક રીતે હવે બાપાશ્રી રહ્યા ન હતા.
ગામે-ગામથી બાળકો પણ આવ્યા હતાં.
કરસન રડતા-રડતા કહે, 'બાપા ક્યાં ગયા? મારે તેમને મળવું છે.'
સ્વામી કહે, 'બેટા! કરસન, રડ નહિ. બાપાશ્રી ક્યાંય ગયા નથી. મહારાજની સાથે રહી તમને જુએ છે.'
રૂડો કહે, 'તો પછી બાપા અમને બોલાવતા કેમ નથી?
અમારી સાથે વાત ક્યાં કરે છે?'
બોલતા-બોલતા રૂડો હીબકે ચડી ગયો.
બધા બાળકો રડવા લાગ્યા.
સ્વામી કહે, 'કોઈ રડો નહિ. બાપાશ્રીએ તમને જે શીખવ્યું હોય તે પ્રમાણે રહેવાનું. તમને યાદ છે? બાપાશ્રીએ તમને શું શું શીખવ્યું તે?'
કરસન કહે, 'બાપા મને કહેતા ભગવાનને સદાય યાદ કરવા.'
રૂડો કહે, 'બાપા મને કહેતા કોઈ કામ કરીએ તેમાં ભગવાનને સાથે રાખી કરવું.'
તેજો કહે, 'બાપાએ મને કહ્યું હતું જુઠ્ઠું ક્યારેય ન બોલવું.'
સ્વામી કહે, 'બાપાએ જેમ કહ્યું છે તેમ કરીએ તો બાપા રાજી થાય. તમને બધાને આજે પણ આશીર્વાદ આપે.'
લક્ષ્મી કહે, 'બાપા મને કહેતા સ્વાર્થવૃત્તિ ન કરાય, દયાભાવ રાખવો, બધાની સેવા કરવી.'
કેસરો કહે, 'બાપાએ મને કહ્યું હતું ભણવા જઈએ ત્યારે વિચારવાનું કે, ભગવાન આપણી સાથે ભણે છે, પરીક્ષા આપે છે.'
કુંવરજી કહે, 'બાપાએ મને કહ્યું હતું ભગવાનની આજ્ઞા બરાબર પાળવી.'
તેજો કહે, 'મને બાપા શીખવતા, દરેકનું માન જાળવવું. કોઈને દુઃખ થાય તેવા વાણી-વર્તન ન રાખવાં.'
ખીમજી કહે, 'બાપાશ્રીએ મને શીખવ્યું, બધા સાથે સંપીને રહેવું. ઈર્ષા અને વેરવૃત્તિ ન રાખવી. દાસભાવ રાખવો, નિર્માની થઈ રહેવું. ત્યારથી હું એમ જ રહેવાનો પ્રયત્ન કરું છું.'
ભીમજી કહે, 'બાપાએ મને કહ્યું હતું કોઈ જાતના ખરાબ વ્યસન ન કરવાં, સંતનો સમાગમ કરવો. સોબત સારી રાખવી. હવે મને કોણ પ્રેમથી સમજાવશે?'
ભીમજી રડી પડ્યો.
તેને રડતો જોઈ બધાની આંખમાં આંસુ આવી ગયાં.
સ્વામીને એક વાતનો સંતોષ થયો કે, બાપાશ્રીએ તેમને જે શીખવાડ્યું છે તે તેમને બધાને યાદ છે અને બધા તેને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન પણ કરે છે.
સ્વામી કહે, 'રડો નહિ. અંતરના ખરા ભાવથી પ્રાર્થના કરીએ તો બાપાશ્રી જરૂર સાંભળે. ભગવાનની સાથે બાપાશ્રીને પણ પ્રાર્થના કરવી. બાપાશ્રીને બાળકો બહુ વહાલા છે. તેઓ બાળકોની પ્રાર્થના તરત સાંભળે છે.'
સ્વામીના આવા વચનથી બાળકોને થોડી શાંતિ થઈ. ભગવાનની મૂર્તિ આગળ જઈ ભગવાન સાથે બાપાશ્રીને પ્રાર્થના કરવા લાગ્યા.
---------
શબ્દનો અર્થ
સાંત્વના = દિલાસો
દૈહિક = શારીરિક
→ શ્રીજીમહારાજ અને તેમના અનાદિમુક્તના વચન અદ્ધરથી ઝીલવા. હેઠા પડવા ન દેવા.
સ્વાધ્યાય
નીચેના પ્રશ્નોના ઉત્તર આપો.
૧. સ્વામી શા માટે બધાને સાંત્વના આપતા હતા?
૨. સ્વામીએ બાળકોને કેવી રીતે રહેવા કહ્યું?
૩. બાપાશ્રીએ કરસનને શું શીખવ્યું હતું?
૪. બાપાશ્રીએ કેસરાને શું શીખવ્યું હતું?
૫. બાપાશ્રીએ ભીમજીને શું શીખવ્યું હતું?
૬. બાપાશ્રીએ લક્ષ્મીને શું શીખવ્યું હતું?
નીચેની ખાલી જગ્યા પૂરો.
૧.બેટા કરસન! રડ નહિ ------------ ક્યાંય ગયા નથી --------- ની સાથે રહી તમને જુએ છે.
૨.બાપાએ મને કહ્યું હતું -------------- ક્યારેય ન બોલવું જોઈએ.
૩. બાપા તમને બધાને આજે પણ ------------ આપે છે.
૪. બાપાએ મને કહ્યું હતું ભગવાનની ------------- બરાબર પાળવી.
કોણ બોલે છે.
૧. બાપાએ જેમ કહ્યું હતું તેમ કરીએ તો બાપા રાજી થાય.
૨. બાપા અમને બોલાવતા કેમ નથી?
૩. બાપા કહેતા સ્વાર્થવૃત્તિ ન કરાય. દયાભાવ રાખવો.
વાક્યમાં વાપરો.
સાંત્વના, આશીર્વાદ, અખંડ