૨૨ બાળકો માટે દેહની અવગણના

કેટલાય દિવસ થઈ ગયા.

ભાઈશ્રી ખાટલામાંથી ઊઠી શકતા નથી.

કેસરાભાઈ ભાઈશ્રીના સમાચાર પૂછવા આવ્યા.

ભાઈશ્રી કહે, 'વાંસા પર વજનના કલ્લા પડ્યા ત્યારથી ઊઠાતું નથી. કમરમાં દુઃખાવો બહુ થાય છે.'

કેસરાભાઈ કહે, 'ભાઈ, થોડો શેક કરો તો સારું થાય.'

ગામમાંથી છોકરાઓ આવ્યા.

વાલબાને કંઈક કહેવા લાગ્યા.

ભાઈશ્રીનું ધ્યાન ત્યાં ગયું.

વાલબાને પૂછ્યું, 'ગગી, છોકરાઓ શું કહે છે?'

વાલબા કહે, 'બાપા, તેમને ખારેકો ખાવી છે.'

ભાઈશ્રી કહે, 'છોકરાઓ અહીં આવો શું જોઈએ છે?'

બાળકો કહે, 'બાપા, અમારે ખારેક ખાવી છે.'

ભાઈશ્રી કહે, 'એમ ! સારું લઈ લો.'

બાળકો કહે, 'બાપા, ખારેકો ઊંચે ઝાડ પર છે. અમે કેવી રીતે લઈએ?'

કેસરાભાઈ કહે, 'છોકરાઓ થોડા દિવસ પછી આવજો. ભાઈશ્રીને સારું થશે એટલે તમને તોડી આપશે.'

છોકરાઓ કાંઈ બોલ્યા વગર ભાઈશ્રી સામે જોઈ રહ્યા.

કેસરાભાઈ કહે, 'જાઓ ભાઈશ્રીને દુઃખાવો બહુ થાય છે.'

કેસરાભાઈએ હજી તો વાક્ય પૂરું કરીને જોયું તો ભાઈશ્રી ખાટલા પર ન હતા.

કેસરાભાઈ અને છોકરાઓને નવાઈ લાગી કે, ભાઈશ્રી ગયા ક્યાં?

બધા આમ - તેમ જોવા લાગ્યા.

ભાઈશ્રી ક્યાંય દેખાયા નહિ.

એક છોકરો કહે, 'એટલીવારમાં બાપા ક્યાં અદૃશ્ય થઈ ગયા?'

કેસરાભાઈ કહે, 'હજી હમણાં તો અહીં હતા.'

બધા એક બીજા સામું જોઈ રહ્યા કે, ભાઈશ્રી ગયા ક્યાં?

એટલામાં ભાઈશ્રી ઝાડ પરથી બોલ્યા, 'આમ-તેમ શું જુઓ છો? હું આ રહ્યો ઝાડ પર. છોકરાઓ માટે ખારેકો તોડવા ચડ્યો છું.'

કેસરાભાઈ કહે, 'ભાઈ, તમને કમરમાં દુઃખે છે. વધારે દુઃખશે નીચે આવતા રહો.'

ભાઈશ્રી કહે, 'બાળકો ખારેક માંગે પછી મારાથી ના ન પડાય. દુઃખાવો તો મહારાજ મટાડી દેશે.'

ભાઈશ્રી ખારેકો તોડી ધોતિયામાં ભરવા લાગ્યા.

છોકરાઓ આનંદિત થઈ ગયા.

નીચેથી બૂમો પાડે.

'બાપા, પેલી ડાળ પર પાકી ખારેકો છે.'

બીજો કહે, 'બાપા, ત્યાં ઘણી બધી છે ત્યાંથી તોડો.'

ભાઈશ્રી બધી ડાળ પર ગયા. અને ઘણી બધી ખારેકો તોડી નીચે ઊતર્યા.

છોકરાઓ કૂદવા લાગ્યા. કહે 'બાપા મને આપો મને આપો.'

ભાઈશ્રી કહે, 'બધાને મળશે. બધા લાઈનમાં બેસી ભગવાનનું નામ લ્યો.'

બધાએ તેમ કર્યું.

ભાઈશ્રીએ બધાને ખારેક આપી અને કહે, 'ખાઓ દીકરાઓ. આ તો મહારાજની પ્રસાદી છે. જેને જેટલી ખાવી હોય તેટલી ખાઓ.'

છોકરાઓ રાજી-રાજી થઈ ગયા.

ખારેક ખાઈ ભાઈશ્રીને પગે લાગી દોડતા-કૂદતા ચાલ્યા ગયા. કેસરાભાઈ કહે, 'ભાઈ, કમરનો આવડો દુઃખાવો હતો છતાં શા માટે ઝાડ પર ચડ્યા?'

ભાઈશ્રી કહે, 'બાળકો હોંશથી ખારેક માંગવા આવ્યા હતા તેને ના કેમ પડાય?'

કેસરાભાઈ કહે, 'પણ તમને કેટલું બધું દુઃખે છે.'

ભાઈશ્રી કહે, 'બાળકો તો નિર્ગુણ મૂર્તિ કહેવાય. તેઓ તો પ્રભુના પણ પ્યારા છે. બાળકો માટે આ દેહનાં દુઃખ શું ગણવાં? મને બાળકો બહુ વહાલા છે. તેમની સામે આ દુઃખ કાંઈ નથી.

કેસરાભાઈ કહે, 'ભાઈ, તમે ધન્ય છો.'

ભાઈશ્રીનો બાળકો પ્રત્યેનો પ્રેમ અહીં પ્રદર્શિત થાય છે. બાળકો પ્રત્યે એટલો બધો પ્રેમ છે કે, દેહના દુઃખને પણ ગણતા નથી. પોતે કષ્ટ વેઠીને પણ બાળકોને રાજી કરે છે.

---------

શબ્દનો અર્થ

કલ્લાં = વજનિયું, વજન કરવાના કાટલા

સ્વાધ્યાય

નીચેના પ્રશ્નોના ઉત્તર આપો.

૧. ભાઈશ્રીથી શા માટે ઉઠાતું ન હતું?

૨. છોકરાઓ વાડીમાં શા માટે આવ્યા હતા?

૩. બાળકો શા માટે ખારેક લઈ શકતા ન હતા?

૪. ભાઈશ્રી અચાનક ક્યાં ગયા?

૫. બાળકો વિશે ભાઈશ્રી શું કહેતા?

નીચેની ખાલી જગ્યા પૂરો.

૧. વાંસા પર -------- પડ્યાં ત્યારથી ઉઠાતું નથી.

૨. બાપા તેઓને --------- ખાવી છે.

૩. ભાઈશ્રી ---------- પર હતા.