૧૩ કાળી તલાવડીની લીલા

બધા મિત્રો ઝાડ નીચે બેઠા હતા.

કુંવરજી કહે, 'ગરમીમાં રમવાની મજા નથી આવતી.'

ગાંગજી કહે, 'છાયડામાં રમીએ.'

કેસરો કહે, 'બેઠા-બેઠા શું રમાય?'

ધનજી કહે, 'બેઠા-બેઠા તો અબજીભાઈ રમે. ધ્યાન કરે.

વશરામ કહે, 'ચાલો તલાવડીએ જઈએ.'

અબજીભાઈ કહે, 'તલાવડીમાં તરવાનું રમીએ એટલે કોઈને ગરમી ન લાગે.'

જાદવજી કહે, 'હા, ચાલો. મજા આવશે.'

બધા તલાવડીએ પહોંચ્યા.

થોડીવાર બધા તલાવડીમાં નાહ્યા.

કેસરો કહે, 'ચાલો ડૂબકી મારવાનું રમીએ.'

અબજીભાઈ કહે, 'કોણ સૌથી વધારે સમય પાણીમાં રહી શકે છે તે જોઈએ.'

વશરામ કહે, 'અરે વાહ! બહુ મજા આવશે.'

ધનજી કહે, 'અબજીભાઈ! આ રમતમાં તો હું જીતી જઈશ. મને ડૂબકી મારતાં સરસ આવડે છે.'

કેસરો બોલ્યો, 'હું તારા કરતા વધારે વખત પાણીની અંદર રહી બતાવીશ.'

ગાંગજી કહે, 'પાણીમાં તો મારું રાજ છે. સૌથી હોંશિયાર હું છું. આ રમત તો હું જીતી જઈશ.'

કુંવરજી કહે, 'મારાથી તો પાણીમાં બહુ વાર શ્વાસ રોકી શકાતો નથી. હું જોઈશ કોણ પહેલા પાણીની બહાર આવે છે.'

જાદવજી કહે, 'અબજીભાઈ, કેમ કાંઈ કહેતા નથી?'

અબજીભાઈ કહે, 'તમે બધા કહો છો કે તમે સૌ હોંેશિયાર છો. પછી હું શું કહું? જોઈએ શું થાય છે?'

બધાએ ડૂબકી મારી.

અબજીભાઈએ પણ સ્વામિનારાયણ ભગવાનની જય બોલી ડૂબકી મારી.

જરાક વારમાં કુંવરજી બહાર આવ્યો. કોણ પહેલા બહાર નીકળે છે તે જોવા લાગ્યો.

થોડીવારે વશરામ બહાર આવ્યો.

કુંવરજી કહે, 'અરે! આટલીવારમાં બહાર આવી ગયો?'

વશરામ કહે, 'મને તો અંદર ગૂંગળામણ થતી હતી. એટલે હું બહાર આવતો રહ્યો.'

કુંવરજી કહે, 'જોઈએ હવે કોણ બહાર આવે છે.'

ત્યાં કેસરો ઓ! ઓ! કરતો બહાર આવ્યો.

ઉપર આવીને કહે, 'હા.... શ! જો વધારે પાણીમાં રહ્યો હોત તો બેભાન થઈ જાત.'

વશરામ અને કુંવરજી હસવા લાગ્યા કહે, 'કેમ? તું તો ધનજીથી પણ વધારે પાણીની અંદર રહેવાનો હતો ને?'

કેસરો કહે, 'તમે બંને વાતો કરતા હતા એટલે મને એમ કે બધા બહાર આવી ગયા તેથી હું પણ બહાર આવી ગયો.'

વશરામ કહે, 'બડાઈ મારવાનું રહેવા દે. બહાર ન આવ્યો હોત તો બેભાન થઈ જાત.'

ત્યાં ગાંગજી બહાર આવ્યો.

બધા હસવા લાગ્યા કહે, 'કે.... મ! પાણીના રાજા, હજી ધનજી અને અબજીભાઈ પાણીની અંદર જ છે. તમે કેમ બહાર આવી ગયા?'

ગાંગજી કાંઈ બોલ્યો નહિ. મોઢું નીચું કરી ખૂણામાં બેસી ગયો.

હવે ધનજી બહાર આવ્યો.

બધાને વાતો કરતા જોઈ કહેવા લાગ્યો, 'જોયું, મેં કહ્યું હતું ને, હું સૌથી વધારે સમય પાણીની અંદર રહી બતાવીશ. બધા બહાર છે હું સૌથી છેલ્લો આવ્યો છું.'

બધા એકી અવાજે બોલ્યા, 'ના. તું છેલ્લો નથી. હજી અબજીભાઈ બાકી છે. તેઓ હજી પાણીની અંદર જ છે.'

ધનજી શરમાઈ ગયો. કાંઈ બોલ્યો નહિ.

બધા અબજીભાઈની રાહ જોવા લાગ્યા.

કુંવરજી કહે, 'તમે બધા પોત-પોતાના વખાણ કરતા હતા. અબજીભાઈ કાંઈ બોલ્યા નહિ, તો પણ તેઓ હજી સુધી બહાર આવ્યા નથી.

ગાંગજી કહે, 'જાદવજી તે તો કપડાં પણ પહેરી લીધાં?'

જાદવજી કહે, 'ના. હું તો પાણીમાં કૂદ્યો જ ન હતો. મને ડૂબકી મારતાં નથી આવડતું.'

બધા હસવા લાગ્યા.

થોડો વધારે સમય થયો. અબજીભાઈ બહાર ન આવ્યા.

ગાંગજી કહે, 'ઘણીવાર થઈ અબજીભાઈ હજી બહાર ન આવ્યા?'

ધનજીએ બૂમ મારી, 'અબજીભાઈ બહાર આવો. તમે જીતી ગયા છો. બધા પાણીની બહાર આવી ગયા છે.'

કાંઈ જવાબ ન મળ્યો.

પાછા બધા રાહ જોવા લાગ્યા.

કુંવરજી કહે, 'હવે તો ઘણીવાર થઈ. અબજીભાઈ હજી કેમ બહાર ન આવ્યા?'

ગાંગજી કહે, 'મને ચિંતા થાય છે.'

ધનજી કહે, 'ચાલો બધા એક સાથે બૂમ મારીએ.'

બધાએ એક સાથે બૂમ મારી, પણ અબજીભાઈ બહાર ન આવ્યા.

જાદવજી કહે, 'મને તો બીક લાગે છે. ડૂબી નહિ ગયા હોય ને?'

બધા ગભરાયા.

કેસરો કહે, 'હું ડૂબકી મારી જોઈ આવું છું.'

કેસરો જોઈ આવ્યો.

બધાએ તેની સામે જોયું.

કેસરો કહે, 'અબજીભાઈ મને દેખાયા નહિ.'

વશરામ કહે, 'બહાર નીકળી ક્યાંક સંતાઈને બેસી નથી ગયા ને?'

બધા શોધવા લાગ્યા.

અબજીભાઈ મળ્યા નહિ.

ધનજી કહે, 'બધા એક વખત ડૂબકી મારી જોઈ આવીએ.'

બધા ડૂબકી મારી જોઈ આવ્યા, પણ અબજીભાઈ મળ્યા નહિ.

હવે બધા ખૂબ ગભરાયા.

ગાંગજી કહે, 'હવે શું કરીશું? ઘરે જઈને તેમના માતા-પિતાને શું કહીશું?'

બધા ચિંતા કરવા લાગ્યા.

જાદવજી અને વશરામ રડવા જેવા થઈ ગયા.

કેસરો કહે, 'બધા ભગવાનને પ્રાર્થના કરીએ.'

બધા પ્રાર્થના કરવા લાગ્યા, 'હે મહારાજ! હે દયાળુ! અબજીભાઈને પાણીમાંથી બહાર લાવો.'

બધા ખૂબ પ્રાર્થના કરવા લાગ્યા.

પ્રાર્થના કરતા બધા રડવા જેવા થઈ ગયા.

એટલામાં.....

અબજીભાઈ હે મહારાજ! હે દયાળુ કહેતા પાણીની બહાર આવ્યા.

બધા એક સાથે બોલી ઉઠ્યા, 'હેં....! અબજીભાઈ બહાર આવી ગયા.'

કેસરો અબજીભાઈને વળગી પડ્યો. તેની આંખમાં આંસુ આવી ગયા.

ધનજી કહે, 'અબજીભાઈ ક્યાં હતા? અમે તમને કેટલું શોધ્યા?'

ગાંગજી કહે, 'તમે તો દેખાયા જ નહિ. અમે બધા ગભરાઈ ગયા હતા.

જાદવજી કહે, 'અમને તો એમ થયું કે તમે ડૂબી ગયા.'

અબજીભાઈ કહે, 'તમે બધાએ પોતાના વખાણ કરતા ડૂબકી મારી અને મેં મહારાજને સંભારી ડૂબકી મારી. મને મહારાજનાં દર્શન થયાં. હું મહારાજ સાથે ગઢડા, છપૈયા, વડતાલ વગેરે ધામોમાં જઈ દર્શન કરી આવ્યો.'

કુંવરજી કહે, 'એ કેવી રીતે બને? તમે તો પાણીમાં હતા.'

અબજીભાઈ કહે, 'ભગવાન કરે એટલે બધું થાય. તમે ન માનો, પણ હું તો દર્શન કરીને આવ્યો.'

ધીરે ધીરે બધાને ખબર પડી ગઈ હતી કે અબજીભાઈ ભગવાનના મોટા મુક્ત છે. આથી બધાએ તેમની વાત સાચી માની.

---------

→ શિક્ષાપત્રીમાં મહારાજે લખ્યું છે કે, પોતાના મુખે કરીને પોતાના વખાણ ન કરવાં.

→ અબજીભાઈએ પોતાના વખાણ કર્યા સિવાય પોતે કાર્ય કરીને ગુણ દર્શાવ્યો.

→ ભગવાનના મુક્ત ભગવાનની કૃપાથી ધારે તો એક જગ્યાએ રહ્યા થકા અનેક જગ્યાએ જઈ શકે છે.

→ આપણે પણ પોતાના વખાણ કર્યા સિવાય, કરીને બતાવવું.

સ્વાધ્યાય

નીચેના પ્રશ્નોના ઉત્તર આપો.

૧. ગરમી હોવાથી બધાએ ક્યાં જવાનું નક્કી કર્યું?

૨. તલાવડીમાં કઈ રમત રમવાનું નક્કી થયું?

૩. ગાંગજી શું બડાઈ મારતો હતો?

૪. જાદવજીના કપડાં શા માટે કોરાં હતા?

૫. બધા શા માટે ગભરાઈ ગયા?

૬. અબજીભાઈએ બહાર નીકળી શું કહ્યું?

૭. પાણીમાંથી સૌથી છેલ્લે બહાર કોણ આવ્યું? શા માટે?

નીચેની ખાલી જગ્યા પૂરો.

૧. બેઠા-બેઠા તો -------- રમે -------- કરે.

૨. ચાલો -------- મારવાનું રમીએ.

કોણ બોલે છે તે કહો.

૧. અબજીભાઈ આ રમત તો હું જીતી જઈશ.

૨. પાણીમાં તો મારું રાજ છે.

૩. તમે બધા કહો છો કે, તમે હોંશિયાર છો પછી હું શું કહું?