૨૦ અલૌકિક દર્શન

વૃષપુરમાં એક વાળંદ રહે.

અબજીભાઈનો મહિમા બરાબર જાણે.

ઘણા વખતથી અબજીભાઈની હજામત તે જ કરે.

મનમાં વિચારે, આવા મોટા પુરુષની સેવા મળે છે. મારાં મોટાં ભાગ્ય.

એક દિવસ તે અબજીભાઈની હજામત કરવા આવ્યો.

અબજીભાઈ કહે, 'આવ હું તારી જ રાહ જોતો હતો,

વાળંદ હજામત કરવા લાગ્યો.

હજામત કરતા-કરતા અબજીભાઈ સાથે વાતો કરતો જાય.

અર્ધી હજામત કરીને ઊભો રહી ગયો.

અબજીભાઈ કહે, 'કેમ ઊભો રહી ગયો?'

વાળંદ કહે, 'બાવા તમારા માથામાંથી તેજ નીકળે છે.'

અબજીભાઈ કહે, 'તેજ ! તેજ અહીં ક્યાંથી હોય ?'

વાળંદ કહે, 'તમારા માથામાંથી તેજ નીકળે છે. તેના પ્રકાશમાં કાંઈ દેખાતું નથી.'

અબજીભાઈ કહે, 'એ તો ઝાડમાથી તડકો આવતો હશે. ચાલ ઉતાવળ કર મારે વાડીમાં કામ છે.'

વાળંદ કહે, 'બાવા હું ચરિયો નથી થઈ ગયો. બાવા મને ખબર છે તમે મહાન મુક્ત છો.'

અબજીભાઈએ તેજ સમાવી લીધું.

વાળંદ કહે, 'જુઓ તડકો ક્યાં છે? તમારા માથામાંથી જ તેજ નીકળતું હતું.'

અબજીભાઈ કહે, 'તું ભાગ્યશાળી છે તેથી તને આવા દર્શન થયા.'

વાળંદ કહે, 'બાવાજી, મને આશીર્વાદ આપો.'

અબજીભાઈ કહે, 'આશીર્વાદ છે.'

વાળંદ કહે, 'બાવાજી, તમારા જેવા મોટા સંતની સેવા કરું છું, તો આશીર્વાદ આપો કે, આ લોક અને પરલોકનું સુખ મને મળે.'

અબજીભાઈ કહે, 'સારું આશીર્વાદ છે.'

વાળંદ ખુશ થઈ ગયો.

ગામમાં ગયો.

જેની હજામત કરે તે બધાને કહે, 'અબજીભાઈ બહુ મોટા મુક્ત છે. તમે બધા તેમને ઓળખજો. તેમની સેવા કરી લેજો.'

ગામ લોકો તેને પૂછે, 'અલ્યા, તને કેવી રીતે ખબર પડી?'

વાળંદ કાંઈ બોલે નહિ.

લોકો બહુ પૂછે એટલે બધી વાત કરે.

અને ખુશ થતો કહે, 'બાવાજીએ મને બહુ સરસ આશીર્વાદ આપ્યા છે. હું બહું ભાગ્યશાળી છું.'

---------

શબ્દનો અર્થ

ચરિયો = ગાંડો

→ મહિમા જાણી સેવા કરનારને અનાદિમુક્ત આ લોક ને પરલોક બંને સુખના આશીર્વાદ આપે છે.

સ્વાધ્યાય

નીચેના પ્રશ્નોના ઉત્તર આપો.

૧. વાળંદ મનમાં શું વિચારતો હતો?

૨. વાળંદને શું દેખાયું?

૩. વાળંદે અબજીભાઈની કઈ વાત ન માની?

૪. વાળંદે અબજીભાઈ પાસે કયા આશીર્વાદ માંગ્યા?

નીચેની ખાલી જગ્યા પૂરો.

૧.બાવા તમારા -------- માંથી --------- નીકળે છે.

૨.બાવા હું ---------- નથી થઈ ગયો.

૩.બાવાજી તમારા જેવા મોટા સંતની -------- કરું છું તો ------ આપો.