૪૩ રોગને મૂર્તિમાન કાઢ્યો
રામજીભાઈ ભગવાનના સારા ભક્ત.
બાપાશ્રીને અનાદિમુક્ત જાણે.
મહિમા સમજે ને જોગ-સમાગમ કરવા જાય.
રામજીભાઈને એક દીકરો દેવરાજ.
દેવરાજ પણ ભગવાનનો ભક્ત.
બધા બાળકોની જેમ દેવરાજને પણ બાપાશ્રી બહુ વહાલા.
દેવરાજ વૃષપુરના બાજુના ગામમાં રહે.
બાપાશ્રીના દર્શન કરવા વારંવાર આવે.
બાપાશ્રી વાડીમાં બેઠા હતા.
પાસે એક હરિભક્ત બેઠા હતા.
બાપાશ્રી કહે, 'ઘણા દિવસથી દેવરાજ આવ્યો નથી. માંદો થયો લાગે છે.'
હરિભક્ત કહે, 'બાપા, એ બહુ માંદો થઈ ગયો છે. પથારીમાં સૂતો છે.'
સાંજે બાપાશ્રી રામજીભાઈના ઘેર ગયા.
બાપાશ્રીને આવેલ જોઈ રામજીભાઈ ખુશ થઈ ગયા.
બાપાશ્રીને પગે લાગી કહે, 'બાપા! બહુ દયા કરી. અમારે ત્યાં પધરામણી કરી.'
બાપાશ્રી કહે, 'અમે નાના હરિભક્તને મળવા આવ્યા છીએ.'
દેવરાજ અંદર સૂતો હતો.
દેવરાજ સૂતા-સૂતા ભગવાનની સાથે બાપાશ્રીને પણ પ્રાર્થના કરે.
બાપાશ્રીને જોઈ દેવરાજ રાજી-રાજી થઈ ગયો.
બાપાશ્રી દેવરાજની બાજુમાં બેઠા.
તેના માથે હાથ ફેરવ્યો.
દેવરાજને કહે, 'બેટા દેવરાજ ! ભગવાનને બરાબર સંભારજે તેઓ તને જલદી સાજો કરી દેશે હો.'
દેવરાજ કહે, 'બાપા, તમે આવ્યા એટલે હવે મારો મંદવાડ દૂર થઈ જશે.'
બાપાશ્રી કહે, 'બધી દવા કરતા મહારાજને સંભારવા એ સૌથી ઉત્તમ દવા છે. મહારાજમાં શ્રદ્ધા રાખજે.'
દેવરાજને હિંમત આવી ગઈ. કહે, 'બાપા, હું જરા ય ગભરાઈશ નહિ. ભગવાનને બરાબર સંભારીશ.'
બાપાશ્રી રાજી થયા.
દેવરાજના માથે હાથ ફેરવી વૃષપુર પધાર્યા.
દેવરાજ રાજી થયો.
બાપાશ્રીએ તેને વાત કરી હતી તે યાદ કરે અને રાજી થાય.
રાત પડી.
દેવરાજને માંદગી વધવા લાગી.
દેવરાજ જરા ય ગભરાયો નહિ.
મહારાજ અને બાપાશ્રીને પ્રાર્થના કરે.
દેવરાજને બાપાશ્રીના વચનમાં દૃઢ શ્રદ્ધા અને અતૂટ વિશ્વાસ.
રામજીભાઈ કહે, 'બેટા, ગભરાઈશ નહિ.'
દેવરાજ કહે, 'પિતાજી, બાપાએ મને કહ્યું છે તેથી હું જલદી સાજો થઈ જઈશ. હું ગભરાતો નથી.'
મોડી રાત્રે બધા સૂઈ ગયા.
બાપાશ્રીએ દેવરાજને દિવ્યરૂપે દર્શન આપ્યા.
તેને દેખાયું કે બાપાશ્રી તેના રોગને કાઢે છે.
રોગના ગળામાં ફાળિયું બાંધી, તેને સોટી મારે છે. અને બજારમાં થઈને ગામ બહાર લઈ જાય છે.
દેવરાજ ઊભો થઈ ગયો.
પિતાજીને કહે, 'પિતાજી, જુઓ બાપા આવ્યા.'
રામજીભાઈ કહે, 'બેટા સૂઈ જા તને સ્વપ્નું આવ્યું હશે.'
દેવરાજ કહે, 'હું જાગું છું. બાપા મારા રોગને કાઢીને લઈ જાય છે.'
રામજીભાઈ કહે, 'ક્યાં છે? મને કાંઈ દેખાતું નથી.'
દેવરાજ કહે, 'આ રહ્યા દર્શન કરો.'
રામજીભાઈ કહે, 'દેવરાજ! બેટા! તને રોગ વધુ જણાય છે. તું સૂઈ જા. સવારે વૈદ્યને બોલાવીશું.'
દેવરાજ કહે, 'ના પિતાજી હું સાવ સાજો છું મારે વૈદ્યની જરૂર નથી. બાપાશ્રી બહુ દયાળુ છે. મારા રોગને મારીને કાઢી મૂક્યો.'
રામજીભાઈ ચિંતા કરવા લાગ્યા.
તેમને થયું દેવરાજને રોગ વધુ જણાય છે તેથી આમ બબડાટ કરે છે.
દેવરાજને કહે, 'દેવરાજ, દીકરા! ભગવાનને સંભાર.'
દેવરાજ કહે, 'હું તેમને જ સંભારતો હતો. એટલામાં બાપા આવ્યા અને રોગને મારીને કાઢ્યો.'
રોગને મારીને કાઢ્યો તે વાત રામજીભાઈને સમજાતી ન હતી.
તેમને થયું દીકરો વધારે માંદો થઈ ગયો છે.
દેવરાજને કહે, 'લે બેટા, પાણી પી લે. અને સૂઈ જા.'
દેવરાજની વાત તેમણે માની નહિ.
દેવરાજને સુવાડી દીધો.
સવારે દેવરાજ ઊઠ્યો. રામજીભાઈને કહે, 'પિતાજી ચાલો વૃષપુર બાપાના દર્શન કરવા.'
રામજીભાઈએ જોયું દેવરાજ સાવ સાજો થઈ ગયો હતો.
બંને બાપાશ્રી પાસે આવ્યા.
બાપાશ્રી દેવરાજને જોઈ હસવા લાગ્યા કહે, 'કેમ દેવરાજ! હવે સારું છે ને?'
દેવરાજ કહે, 'હા બાપા. તમે મારા રોગને બહુ માર્યો.'
બાપાશ્રી કહે, 'તું ભગવાનને સંભારતો હતો તેથી ભગવાને તારી પ્રાર્થના સાંભળી.'
દેવરાજ કહે, 'બાપા, રાત્રે તો તમે આવ્યા હતા. રોગને બહુ સોટી મારી અને ઠેઠ ગામની બહાર મૂકી આવ્યા.'
રામજીભાઈને આ બંનેની વાતમાં કંઈ સમજ ન પડી.
---------
શબ્દનો અર્થ
ફાળિયું = ધોતિયું.
→ અનાદિમુક્તમાં વિશ્વાસ અને શ્રદ્ધા રાખીએ તો તેઓ દેહમાંથી રોગને મૂર્તિમાન કાઢે.
→ બાપાશ્રીને બાળકો અતિ વહાલા તેથી જ્યારે પણ બાળકો બાપાશ્રીને અંતરના ખરા ભાવથી યાદ કરે ત્યારે બાપાશ્રી ત્યાં પહોંચી જઈ તેમના કષ્ટને દૂર કરતા.
સ્વાધ્યાય
નીચેના પ્રશ્નોના ઉત્તર આપો.
૧. રામજીભાઈના પુત્રનું નામ શું હતું?
૨. બાપાશ્રી દેવરાજના ઘરે શા માટે ગયા હતા?
૩. બાપાશ્રીએ દેવરાજને શી શીખામણ આપી?
૪. દેવરાજનો રોગ બાપાશ્રીએ કેવી રીતે કાઢ્યો?
૫. રામજીભાઈ દેવરાજની વાત શા માટે માનતા ન હતા?
નીચેની ખાલી જગ્યા પૂરો.
૧. દેવરાજને બાપાશ્રી બહુ------------.
૨. દેવરાજ, ભગવાનને બરાબર ----------. તેઓ તને જલદી --------- કરી દેશે.
૩. ----------- ના ગાળામાં ----------- બાંધી તેને સોટી મારે છે.
યોગ્ય ક્રમમાં ગોઠવો.
૧. બરાબર નહિ સંભારીશ ભગવાનને ગભરાઈશ બાપા હું જરા ય.
૨. તું હતો તેથી ભગવાનને સંભારતો પ્રાર્થના સાંભળી તારી.