૯ અનાદિમુક્તની વ્યાખ્યા અને મિત્રોને દર્શન

એક વખતની વાત છે.

અબજીભાઈએ ખેતરનું કામ પતાવી દીધું હતું.

હાથ મોઢું ધોઈ ઝાડ નીચે ધ્યાન કરવા બેઠા હતા.

બધા મિત્રો આવ્યા.

અબજીભાઈ ધ્યાનમાંથી જાગ્યા નહિ.

કુંવરજી કહે, 'અબજીભાઈ જ્યારે જોઈએ ત્યારે આંખો બંધ કરીને જ બેઠા હોય છે.'

જાદવજી કહે, 'તેઓ કહે છે કે તેઓ ધ્યાન કરે છે.'

ધનજી કહે, 'મારા બાપુજી કહે છે કે, અબજીભાઈ અનાદિમુક્ત છે. ભગવાનના વરદાનથી તેઓ પ્રગટ થયા છે.'

ગાંગજી કહે, 'હા બરાબર છે. એટલે જ તેઓ ચમત્કાર કરી શકે છે.'

નાથો કહે, 'આપણને પણ અબજીભાઈ વારંવાર ભગવાન ભજવાનું કહે છે.'

વાતો ચાલતી હતી ત્યાં અબજીભાઈ ધ્યાનમાંથી જાગ્યા.

ધનજીએ પૂછ્યું, 'અબજીભાઈ તમે ધ્યાન કરતા હતા?'

અબજીભાઈ કહે, 'હા. હું આંખો બંધ કરું ને મહારાજની મૂર્તિ તરત દેખાય છે. મને તેમાં બહુ આનંદ આવે છે.'

ગાંગજી કહે, 'આપણે બધા રમીએ તેના કરતાં પણ વધારે આનંદ આવે છે ?'

અબજીભાઈ કહે, 'જીવનમાં ધ્યાન કરવા જેવું બીજું કાંઈ સુખ આપે તેવું નથી.'

કાનજી કહે, 'આ ધનજી કહે છે, તમે અનાદિમુક્ત છો. તમને આખો દિવસ ભગવાન દેખાય છે.'

કુંવરજી કહે, 'અબજીભાઈ, અનાદિમુક્ત એટલે શું?'

અબજીભાઈ કહે, 'સદાય મૂર્તિના સુખમાં ગુલતાન રહેતા હોય તેમને અનાદિમુક્ત કહેવાય. જેમ પાણીમાં માછલી રહે છે તેમ અનાદિમુક્ત મહારાજમાં રહે છે. અનાદિમુક્ત ચમત્કાર કરતા નથી, શ્રીજીમહારાજ તેમના દ્વારા ચમત્કાર કરે છે. અનાદિમુક્ત તો મહારાજના સુખમાં જ રહે છે.

ગાંગજી કહે, 'અબજીભાઈ, સમજણ ન પડી.'

અબજીભાઈ કહે, 'જુઓ સાંભળો. પકડદાવ રમતી વખતે જેને પકડવાનો હોય તેની સામે જ નજર હોય છે, તેમ અનાદિમુક્તની નજર હંમેશાં મહારાજમાં જ હોય છે. જેમ દૂધમાં સાકર ભળી જાય છે તેમ અનાદિમુક્ત મહારાજની મૂર્તિમાં લીન થઈ જાય છે. મહારાજ તેમનાં કાર્ય કરતા હોવાથી અનાદિમુક્ત માટે કોઈ કાર્ય અશક્ય ન હોય.'

ગાંગજી કહે, 'તમે, આવા જ અનાદિમુક્ત છો ને?'

અબજીભાઈ હસવા લાગ્યા.

ધનજી કહે, 'અબજીભાઈ, તમે આવા મોટા મુક્ત છો તો, અમને ભગવાનના દર્શન નહિ કરાવો?'

અબજીભાઈ પ્રસન્ન થઈ કહે 'કરાવું. શા માટે ન કરાવું? ભગવાનની કૃપાથી તમને બધાંને દર્શન થશે. તમે બધા આંખો બંધ કરી ભગવાનની મૂર્તિ જોવાનો પ્રયત્ન કરો.'

બધા તેમ કરવા લાગ્યા.

અબજીભાઈએ ભગવાનના અંગે અંગનું સુંદર રીતે વર્ણન કરવા માંડ્યું.

દરેકને ભગવાનનાં દર્શન થવા લાગ્યાં.

બધા આનંદિત થતા દર્શન કરવા લાગ્યા.

થોડીવારે અબજીભાઈ કહે, 'સહજાનંદ સ્વામી મહારાજની જય. બધા ઊઠો.'

બધા જાગ્યા.

કાનજી કહે, 'વાહ! અબજીભાઈ તમે તો ભગવાનનાં ખૂબ જ સરસ દર્શન કરાવ્યા. મને કેમ જગાડ્યો? મને બહુ આનંદ આવતો હતો.'

ધનજી કહે, 'મને શ્રીજીમહારાજ સાથે ધર્મપિતા અને ભક્તિમાતાનાં સરસ દર્શન થયાં.'

કુંવરજી કહે, 'મને તો હરિકૃષ્ણ મહારાજના દર્શન થયાં.'

જાદવજી કહે, 'મને ઘનશ્યામ મહારાજના દર્શન થયાં.'

દરેક પોતાને જે દર્શન થયા હતા તે કહેવા લાગ્યા.

અબજીભાઈ કહે, 'મહારાજ આજે તમારા પર બહુ રાજી હતા તેથી તમને બધાને આવા સરસ દર્શન થયાં. આ વાત બધાને કરવાની નહિ. આ વાત તો ધ્યાનની કહેવાય.'

બધા મિત્રો આનંદ પામતા ઘરે ગયા.

---------

શબ્દનો અર્થ

ગુલતાન = મશગૂલ

ધ્યાન = મહારાજની મૂર્તિ હૃદયમાં ધારવી.

લીન = પરોવાઈ જવું.

→ અબજીભાઈએ પોતે જ અહીં અનાદિમુક્તની સ્થિતિ સમજાવી છે.

→ અનાદિમુક્તનું સામર્થ્ય અનેકગણું હોય છે. શ્રીજીમહારાજ તેમનું બધું કાર્ય કરે છે.

→ અનાદિમુક્તની વાણીમાં વિશ્વાસ અને શ્રદ્ધા રાખવાં.

→ અનાદિમુક્ત દયા કરે તો દુર્લભ એવા ભગવાનનાં દર્શન સુલભ થઈ જાય છે.

સ્વાધ્યાય

નીચેના પ્રશ્નોના ઉત્તર આપો.

૧. અબજીભાઈ ઝાડ નીચે શું કરતા હતા?

૨. જીવનમાં શું સૌથી વધુ સુખદાયી છે?

૩. અબજીભાઈએ વર્ણવેલી અનાદિમુક્તની વિશેષતા લખો?

૪. ધનજીએ અબજીભાઈને કઈ વિનંતી કરી?

૫. મિત્રોને ધ્યાનમાં શું દેખાયું?

નીચેની ખાલી જગ્યા પૂરો.

૧.અબજીભાઈ જ્યારે જોઈએ ત્યારે ---------- બંધ કરીને જ બેઠા હોય છે.

૨.અબજીભાઈ --------- છે ભગવાનના ------- થી પ્રગટ થયા છે.

૩. સદાય ----------- ના સુખમાં ગુલતાન રહેતા હોય તેને ------- કહેવાય.

કોણ બોલે છે તે કહો.

૧.તમે આવા જ અનાદિમુક્ત છો ને?

૨.અબજીભાઈ તમે આવા મોટા મુક્ત છો તો અમને ભગવાનનાં દર્શન નહિ કરાવો?

યોગ્ય ક્રમમાં ગોઠવો.

૧.કહેવાય ગુલતાન રહેતા અનાદિમુક્ત તેને હોય સુખમાં સદાય મૂર્તિના.