૩૭ શાક ઔષધ બન્યું

એક મુસલમાન હતો.

તેને એકનો એક દીકરો.

દીકરો બહુ લાડકો.

દીકરાને અસાધ્ય રોગ થયો.

મુસલમાન હકીમ પાસે ગયો.

હકીમ કહે, 'મારી પાસે આની દવા નથી. તમે બીજા પાસે જાઓ.'

મુસલમાન ડૉક્ટર પાસે ગયો.

ડોકટરે ઘણી દવા આપી, પણ દીકરાનો રોગ મટ્યો નહિ.

દીકરો દિવસ-દિવસે સુકાતો ગયો.

મુસલમાન થાકીને વૈદ્ય પાસે ગયો.

વૈદ્યે દવા આપી, પણ કોઈ ફાયદો થયો નહિ.

મુસલમાન દુઃખી થઈ ગયો.

વિચારવા લાગ્યો, મારા દીકરાનો રોગ મટાડી શકે એવું કોઈ નથી?

એક હરિભક્તે કહ્યું, 'બળદિયામાં અબજીબાપાશ્રી રહે છે. તમે તેમની પાસે જાઓ.'

મુસલમાન કહે, 'તેઓ વૈદ્ય છે?'

હરિભક્ત કહે, 'ના.'

મુસલમાને પૂછ્યું, 'એ તાંત્રિક છે?'

હરિભક્ત કહે, 'ના. ભાઈ. એ તો ભગવાનના મહાનમુક્ત છે. તેઓ રાજી થાય તો તમારા પુત્રનો રોગ મટાડી આપશે. તમે તેમને પ્રાર્થના કરો.'

મુસલમાનને એક નવી આશા જાગી.

દીકરાને ખાટલામાં સુવાડી ખાટલો લઈ બાપાશ્રી પાસે આવ્યો.

બાપાશ્રીને પગે લાગ્યો.

કહેવા, લાગ્યો, 'બાપજી, મારા દીકરાને બચાવી લો.'

બાપાશ્રી કહે, 'કેમ? શું થયું છે એને?'

મુસલમાન કહે, 'બાપજી, કાંઈ ખબર નથી. કેટલાય હકીમ, વૈદ્ય, ડૉક્ટરની દવા કરી, પણ રોગ મટતો નથી.'

બાપાશ્રી કહે, 'કેટલા સમયથી માંદો છે?'

મુસલમાન કહે, 'ઘણા વખતથી. હું તો દવા કરાવી થાકી ગયો. કોઈ મારા દીકરાનું દરદ મટાડી શકતા નથી.'

મુસલમાન રડી પડ્યો.

બાપાશ્રીએ છોકરા સામે જોયું.

છોકરો સાવ સુકાઈ ગયો હતો.

તે બેસી પણ શકતો ન હતો.

ખાટલામાં સૂતા-સૂતા જ તેણે બાપાશ્રીને હાથ જોડી પ્રણામ કર્યા.

બાપાશ્રીને છોકરાની હાલત જોઈ દયા આવી ગઈ.

તેમનું દિલ દ્રવી ઊઠ્યું.

બાપાશ્રી કહે, 'આવડા બાળકને આટલું બધું કષ્ટ?'

મુસલમાન કહે, 'બાપજી, હવે તો તમે મટાડો તો મટે.'

બાપાશ્રીએ ઘરમાં જઈ જોયું.

ઘરમાં પોણો શેર વાલોળનું શાક હતું.

બાપાશ્રી શાકનો વાટકો બહાર લાવ્યા.

મુસલમાન કહે, 'બાપજી, આ શું છે?'

બાપાશ્રી કહે, 'દવા છે.'

મુસલમાન કહે, 'બાપજી, શાક તે કંઈ દવા કહેવાય? તમે મારા દીકરાને દવા આપો, તાવીજ આપો.'

બાપાશ્રી કાંઈ બોલ્યા નહિ.

શાક ભગવાનને ધરાવ્યું.

છોકરા પાસે ગયા.

પ્રેમથી છોકરાના માથા પર હાથ ફેરવ્યો.

છોકરાને કહે, 'બેટા! જો આ શાક બધું ખાઈ જઈશ તો, તારો બધો રોગ દૂર થઈ જશે; અર્ધું ખાઈશ તો. અર્ધો દૂર થશે અને થોડું ખાઈશ તો થોડો દૂર થશે. ભગવાનમાં શ્રદ્ધા રાખી ખાઈ જા.'

મુસલમાન કહે, 'પણ બાપજી!'

બાપાશ્રી હસવા લાગ્યા.

બાપાશ્રીએ એવું પ્રેમથી કહ્યું કે, છોકરાને વિશ્વાસ આવી ગયો.

તે શાક ખાવા લાગ્યો.

મુસલમાન જોતો રહ્યો.

બાપાશ્રીને કહે, 'બાપજી, કોઈ દવા આપી હોત તો સારું હતું. હું તો તમારું ઘણું નામ સાંભળી અહીં આવ્યો હતો.'

ત્યાં છોકરો બધું શાક ખાઈ ગયો.

તેના શરીરમાં શક્તિ આવવા લાગી.

ખાટલામાંથી ઊભો થઈ ગયો.

હાથ ધોઈ બાપાશ્રીને પગે લાગ્યો.

બાપાશ્રીએ તેને આશીર્વાદ આપ્યા.

છોકરાને કહ્યું, 'ભગવાન સ્વામિનારાયણને ક્યારેય ભૂલતો નહિ. તેમણે જ તારો રોગ મટાડ્યો છે.'

મુસલમાન જોતો રહ્યો.

આ શો ચમત્કાર!!

દીકરો કહે, 'પિતાજી, હું સાવ સાજો થઈ ગયો છું. બાપાશ્રીએ મને સાજો કરી દીધો.'

મુસલમાન બાપાશ્રીના પગમાં પડી ગયો.

કહે, 'બાપજી, તમે ઓલિયા પુરુષ છો. કોઈથી ન થયું તે તમે કર્યું. તે પણ દવા આપ્યા વગર! વાલોળનું શાક ખવરાવીને! તમારા જેવું કોઈ ન કરી શકે. તમે તો ચમત્કારી પુરુષ છો.'

બોલતો જાય અને પગે લાગતો જાય..

જે દીકરો ખાટલામાં સૂતો-સૂતો આવ્યો હતો તે તેના પિતાજી સાથે ચાલીને ઘેર ગયો.

કંઠી બંધાવી સત્સંગી થયો. આજીવન સત્સંગી રહ્યો.

---------

શબ્દનો અર્થ

અસાધ્ય = દૂર ન કરી શકાય તેવું

દરદ = પીડા, દુઃખ

દ્રવી ઊઠવું = પીગળી જવું, ઓગળી જવું.

પોણો શેર = આશરે ચારસો ગ્રામ

તાવીજ = ગળામાં બાંધવામાં આવેલી મંત્ર લખેલી ચિઠ્ઠી

આભા બનવું = ચકિત થઈ જવું.

ઓલિયો = ભગવાનનો ભક્ત

→ મહારાજ અને તેમના અનાદિમુક્ત જાત-કુજાત જોયા વગર દયા લાવે. માટે જ તેમને દયાના સાગર કહેવાય છે.

→ બાપાશ્રીને બાળકો બહુ વહાલા છે. તેથી તેમનું દુ:ખ તરત દૂર કરે છે. બાળકો માટે જાત-કુજાત જોતા નથી. દરેક બાળક તેમને સરખું જ વહાલું છે.

→ હકીમ, ડૉક્ટર ન કરી શક્યા તે બાપાશ્રીએ વગર દવાએ કરી બતાવ્યું.

→અનાદિમુક્તમાં ઘણું સાર્મથ્ય હોય છે. તેઓ ધારે તે કરી શકે છે.

સ્વાધ્યાય

નીચેના પ્રશ્નોના ઉત્તર આપો.

૧. મુસલમાનના દીકરાને કેવો રોગ થયો હતો?

૨. મુસલમાને કોની-કોની પાસે દવા કરાવી હતી?

૩. આખરે મુસલમાન કોની પાસે ગયો?

૪. બાપાશ્રીએ દવાના બદલે શું આપ્યું?

૫. બાપાશ્રીએ દીકરાને શું કહ્યું?

૬. મુસલમાન શાકના બદલે શું માંગતો હતો?

૭. દીકરાનો રોગ કેવી રીતે મટ્યો?

૮. દીકરાનો રોગ મટવાથી મુસલમાને બાપાશ્રીને શું કહ્યું?

નીચેની ખાલી જગ્યા પુરો.

૧. દીકરાને ---------- રોગ થયો.

૨. મુસલમાને પૂછ્યું તો એ -------- છે?

૩. બાપજી મારા દીકરાને ---------- લો.

૪. દીકરાને કોઈ ---------- આપો કે ------- આપો.

૫. ભગવાનમાં --------- રાખી ખાઈ જા.

૬. તમે ------- પુરુષ છો.