૩૪ આગબોટ બચાવી
એક વખત બાપાશ્રી આગબોટમાં બેસી બહારગામ જતા હતા.
આગબોટના ખૂણામાં બાપાશ્રી ભગવાનનું નામ લેતા બેઠા હતા.
થોડીવાર થઈ અને પવન ફૂંકાવા લાગ્યો.
દરિયામાં ઊંચા-ઊંચા મોજાં આવવા લાગ્યાં.
ખારવાઓ આગબોટને સંભાળવા મથવા લાગ્યા.
તોફાન તો વધવા લાગ્યું.
આગબોટ આમથી તેમ હાલક-ડોલક થવા લાગી.
અંદર બેઠેલા મુસાફરો ચિંતા કરવા લાગ્યા.
બધાંને થયું હવે શું થશે?
દરિયામાં તોફાન તો વધવા જ માંડ્યું.
ખારવાઓ ખૂબ મહેનત કરે, પણ તોફાનને કારણે પાણી આગબોટમાં ભરાવા લાગ્યું.
મુસાફરો ગભરાઈ ગયા.
આજે આગબોટ ડૂબી જાય તેવું લાગે છે.
ખારવાઓ કહેવા લાગ્યા, 'બધા પોતપોતાના ભગવાનને યાદ કરો. હવે ભગવાન બચાવે તો બચીએ અમારા હાથમાં કાંઈ રહ્યું નથી.'
મુસાફરો ખૂબ ગભરાયા.
ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા.
બાપાશ્રી સ્વસ્થતાથી બેઠા હતા.
આગબોટમાં પાણી વધારે ને વધારે ભરાવા લાગ્યું.
એક મુસલમાન આગબોટમાં હતો.
બાપાશ્રીને કહે, 'તમને બીક નથી લાગતી?'
બાપાશ્રી કહે, 'ભગવાનને જેમ કરવું હોય તેમ કરે. આપણે શું કામ ચિંતા કરવી?'
મુસલમાન કહે, 'તમને મરી જવાની બીક નથી લાગતી?'
બાપાશ્રી કહે, 'આ દેહ પડી જશે તો ભગવાન પાસે જવાશે. એમાં વળી ડરવાનું શું?'
મુસલમાન કહે, 'તમે ઓલિયા પુરુષ લાગો છો. તમને બીક ન હોય. પણ અમને બધાને બચાવી લો.'
બાપાશ્રી આંખો બંધ કરી બેસી રહ્યા.
મુસલમાન પ્રાર્થના કરવા લાગ્યો, 'બાપજી, આ બધાંના બૈરી છોકરા રખડી પડશે. મારા સગા પણ મારી રાહ જોતા હશે. અમને બચાવી લો.'
મુસલમાન પોતાના ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યો.
આગબોટમાં પાણી ઘણું ભરાઈ ગયું હતું.
બધાને થયું ડૂબ્યા. આગબોટ ડૂબી જવાની.
બાપાશ્રી સૌની રક્ષામાં હતા.
બાપાશ્રીએ પોતાના બંને હાથ લાંબા કર્યા.
આગબોટની નીચે નાંખીને આગબોટને પાણીની ઉપર તરતી મૂકી.
કોઈને આ દેખાયું નહિ.
બધાને આશ્ચર્ય થયું. આગબોટ પાણીની ઉપર કેવી રીતે તરવા લાગી?
પણ મુસલમાનને દેખાયું.
તે આભો બની જોતો રહ્યો!
બધા વાતો કરે, 'ભગવાનની દયા થઈ. આગબોટ ડૂબતાં બચી ગઈ.'
મુસલમાન ઘણી કોશિષ કરે બધાને કહેવાની કે, પેલા ખૂણાંમાં બેઠા છે તેમણે આપણને બચાવ્યા, પણ તેનાથી બોલાયું જ નહિ.
તે જોયા કરે.
બાપાશ્રીએ આગબોટ કિનારા પર આવી ત્યાં સુધી હાથ એમ જ રાખી આગબોટને ડૂબવા ન દીધી.
કિનારે આવી બધા ભગવાનનો પાડ માનવા લાગ્યા.
હવે મુસલમાનથી બોલાયું. કહે, 'આ ઓલિયા પુરુષે આજે આપણને બચાવ્યા.'
બધા કહે, 'તેઓ તો ચૂપ-ચાપ ખૂણામાં બેઠા હતા.'
મુસલમાન કહે, 'તમને ખબર નથી મને દેખાયું હતું. આમણે બે હાથ લાંબા કરી આગબોટ નીચે નાંખી આપણને બચાવી લીધા છે.'
બધાએ પૂછ્યું, 'તમે જોયું હતું?'
મુસલમાન કહે, 'હા. મેં મારી સગી આંખે આખા રસ્તે જોયું, પણ ત્યારે મારાથી બોલી શકાયું નહિ.'
મુસલમાન બાપાશ્રીને પગે લાગવા માંડ્યો. કહે, 'બાપજી, તમે અમને બધાને ઉગારી લીધા.'
મુસાફરો પણ બાપાશ્રીને પગે લાગ્યા.
મુસલમાન કહે, 'બાપજી, મારી પાસે મેવાનો કરંડિયો છે તે તમે લઈ જાઓ.'
બાપાશ્રી કહે, 'ના મારાથી તે ન લેવાય.'
મુસલમાને પરાણે આપ્યો.
પોતે સ્વામિનારાયણ ભગવાનનો આશ્રિત થયો.
બાપાશ્રીએ કરંડિયાનો મેવો બધાને પ્રસાદી કરી વહેંચી આપ્યો.
---------
શબ્દનો અર્થ
આગબોટ = મોટું જહાજ
દેહ = શરીર
ઉગારી લેવું = બચાવી લેવું
ખારવો = વહાણ ચલાવનાર ખલાસી
ઓલિયા = ભગવાનના સંત
→ અનાદિમુક્ત ધારે તે કરી શકે. તેમના માટે કોઈ વાત અશક્ય નથી.
→ મુક્ત પ્રતાપ જણાવે ત્યારે મુસલમાન પણ મહારાજના આશ્રિત થાય છે.
સ્વાધ્યાય
નીચેના પ્રશ્નોના ઉત્તર આપો.
૧. આગબોટ શા માટે હાલક-ડોલક થવા લાગી?
૨. ખારવાઓએ મુસાફરોને શું કહ્યું?
૩. મુસલમાને બાપાશ્રીને શું પૂછ્યું?
૪. બાપાશ્રીએ મુસલમાનના પ્રશ્નનો શો ઉત્તર આપ્યો?
૫. મુસલમાને બાપાશ્રીને શું પ્રાર્થના કરી.
૬. બાપાશ્રીએ મુસાફરોને કેવી રીતે બચાવી લીધા?
નીચેની ખાલી જગ્યા પૂરો.
૧. બાપાશ્રી ---------- માં બેસી બહાર જતા હતા.
૨. --------------- આગબોટ બચાવવા ખૂબ મહેનત કરતા હતા.
૩. તમને ---------- ની બીક નથી લાગતી?
૪. આ ---------- પડી જશે તો ભગવાન પાસે જવાશે.
૫. બાપજી, આ બધાનાં ------------- રખડી પડશે.
૬. બાપાશ્રીએ પોતાના ------------ એકદમ લાંબા કર્યા.
૭. આ ---------- પુરુષે આજે આપણને બચાવ્યા.
કોણ બોલે છે તે કહો.
૧.બધા પોતાના ભગવાનને યાદ કરો. હવે ભગવાન બચાવે તો બચીએ.
૨.તમને મરી જવાની બીક નથી લાગતી?
૩.ભગવાનને જેમ કરવું હોય તેમ કરે.