૪૧ મુક્ત દ્વારા મુક્તની ઓળખ
એક વખત બાપાશ્રી સંઘ સાથે મૂળી સમૈયો કરવા ગયા હતા.
બળદિયા પાછા આવતાં રસ્તામાં બાપાશ્રી જુદા જુદા ગામોમાં જાય. ત્યાંના હરિભક્તોને ઘરે પધરામણી કરે.
ફરતા-ફરતા બાપાશ્રી ધ્રાંગધ્રા પધાર્યા.
ગામમાં ગીગાભાઈ નામે એક ગરીબ હરિભક્ત બાપાશ્રીની સાથે બધાના ઘરે જાય.
મનમાં સંકલ્પ થયા કરે, કે બાપાશ્રી મારા ઘરે પણ પધારે તો કેવું સારું!
પછી વિચારે, હું તો ગરીબ છું, બાપાશ્રીને કેવી રીતે કહું? બાપાશ્રી નહિ પધારે તો !
આમ વિચારી ગીગાભાઈ તો દુઃખી થઈ ગયા.
બાપાશ્રી ગીગાભાઈનો સંકલ્પ જાણી ગયા. તેમના સામું જોઈ જરા હસ્યા.
ગીગાભાઈનું ઘર નજીક આવ્યું.
બાપાશ્રીએ ગાડાવાળાને કહ્યું 'ગાડું ઊભું રાખો અમારે લઘુ કરવા જવું છે.'
આવું સાંભળતાં જ ગીગાભાઈના મનમાં વિચાર ઝબૂક્યો.
બાપાશ્રી પાસે દોડીને ગયા અને કહેવા લાગ્યા, 'આવો બાપા મારા ઘરે મારું ઘર પાસે જ છે.'
બાપાશ્રી એમના ઘરે પધાર્યા.
ગીગાભાઈ તો રાજી-રાજી થઈ ગયા.
વિચારવા લાગ્યા બાપાશ્રી બહુ જ દયાળુ છે. મારો સંકલ્પ જાણી ગયા અને મારા જેવા ગરીબના ઘરે પણ પધાર્યા !
બાપાશ્રી લઘુ કરીને આવ્યા એટલે ગીગાભાઈ તેમને એક ઘોડીયા પાસે લઈ ગયા. તેમાં અગિયાર માસના તેમના પુત્ર સૂતા હતા.
ગીગાભાઈ કહે, 'બાપા આને આશીર્વાદ આપો.'
બાપાશ્રી પાસે દિવાળીબા ઊભા હતા તેમણે કહ્યું, 'બાપા ! ગીગાભાઈ ભક્તના દીકરા ભગવાનના ભક્ત થાય તેવા આશીર્વાદ આપો.'
બાપાશ્રીએ બાળકને પોતાના હાથમાં લીધું. પોતાના કપાળમાં ચાંદલો હતો તેમાંથી કંકુ લઈ બાળકનાં કપાળ પર ચાંદલો કર્યો. બાળક તો બાપાશ્રી સામે જોઈ ખીલ-ખીલ હસ્યા કરે. બાપાશ્રી પણ તેની સામે જોઈ મલક્યા. બાપાશ્રી બોલ્યા, 'આ બાળક તો શ્રીજીમહારાજના લાડીલા મહામુક્ત છે, તે અનેક જીવોના કલ્યાણ કરશે. અનેક સર્વજીવહિતાવહ કાર્યો કરશે.'
બાપાશ્રીના આવા રૂડા આશીર્વાદથી ગીગાભાઈ રાજી-રાજી થઈ ગયા. તેમના નેત્રમાં હર્ષના આંસુ આવી ગયા.
એ બાળક બાપાશ્રીના આશીર્વાદથી ખૂબ મહાન થયા. અનેક જીવોનાં કલ્યાણ કર્યા. અનેકના દુ:ખો દૂર કર્યા. કેટલાય ભૂતોના કલ્યાણ કર્યા. કેટલાય જીવોને મહારાજના સૂખમાં મૂક્યા. તેમને પણ બાળકો ખૂબ જ વ્હાલા. શાળામાં જ્યારે બાળકોને પ્રેમથી ભણાવતા ત્યારે બાળકોને તે તરત જ સમજાય જતું. બાળકોને આદર્શ બાળક બનવાની શિક્ષા આપતા. બાપાશ્રીના આશીર્વાદ હોવાથી તેમણે 'શ્રી સ્વામિનારાયણ ડિવાઇન મિશન.' જેવી સંસ્થાની સ્થાપના કરી. અનેક મહાન કાર્યો કર્યા.
એ બાળક તે બીજું કોઈ નહિ, પણ આપણા સૌના પ્યારા, આપણા સૌના લાડીલા મુક્તરાજ નારાયણમામા !!!
---------
શબ્દનો અર્થ
સંકલ્પ = વિચાર
લઘુ કરવા જવું = પેશાબ કરવા જવું
→ અનાદિમુક્ત ને પૈસાદાર કે ગરીબ એવો ભેદભાવ હોતો નથી. તેઓ તો ભક્તનો ભાવ જુએ છે.
→ અનાદિમુક્તની સ્થિતિ અનાદિમુક્ત જ જાણી શકે છે.
સ્વાધ્યાય
નીચેના પ્રશ્નોના જવાબ આપો
૧. બાપાશ્રી ક્યાંથી સમૈયો કરી પધાર્યા હતા?
૨. બાપાશ્રી કોના ઘરે લઘુ કરવા ગયા?
૩. બાપાશ્રીએ બાળકને કયા આશીર્વાદ આપ્યા?
ખાલી જગ્યા પૂરો
૧. ---------------- નામે એક ગરીબ હરિભક્ત હતા.
૨. આ તો મહારાજના મુક્ત છે ને ---------- ના---------- કરવા----------આવ્યા છે.