૩૩ દયાળુ સ્વભાવ
ઉંમર વધતાં પ્રેમી હરિભક્તો ભાઈશ્રીને 'બાપાશ્રી' કે 'બાપા'ના હુલામણા નામથી બોલાવતા.
એક વખત બાપાશ્રી અંજાર ગામથી કુંભારિયા ગામ ચાલતા-ચાલતા જતા હતા.
સાથે સંતો અને હરિભક્તો પણ હતા.
બાપાશ્રી મહારાજના મહિમાની વાતો કરે.
બાપાશ્રી કહે, 'દરેક જીવ પર દયા લાવવી. બધા એક દિવસ ભગવાનના ધામમાં જવાના છે. કોઈ જીવ નાનો નથી.'
વાતો સાંભળતા બધા ચાલતા હતા.
રસ્તાની બાજુએ ઉંદરનું એક દર.
આ દરમાં ઉંદર રહે.
સંતો અને બાપાશ્રી ત્યાંથી પસાર થયા.
એ જ વખતે ઉંદર દરમાંથી બહાર નીકળ્યો.
આકાશમાં સમડી ઊડતી હતી.
સમડીને ઉંદર બહુ ભાવે.
જેવું તેણે જોયું કે, ઉંદર દરમાંથી બહાર નીકળ્યો છે, તેણે ઉંદર પર તરાપ મારી.
પરંતુ બાપાશ્રી, સંતો, હરિભક્તો ત્યાં પહોંચી ગયા.
આટલા બધા માણસોને જોઈ સમડી ગભરાઈ ગઈ.
ઉંદરને ત્યાં જ મૂકી ઊડી ગઈ.
ઉંદરને સમડીના નખ વાગી ગયા હતા.
ઉંદર તરફડિયાં મારવા લાગ્યો.
હરિભક્તો બાપાશ્રીને કહે, 'બાપા, ઉંદરને બહુ વાગી ગયું છે. લોહી પણ ઘણું નીકળ્યું છે.'
બાપાશ્રીને ઉંદર પર દયા આવી ગઈ.
બાપાશ્રીએ જમીનમાંથી ધૂળની ચપટી ભરી ભગવાનનું નામ લીધું અને ઉંદર પર નાંખી.
હરિભક્તો કહે, 'બાપા, આ શું કરો છો?'
બાપાશ્રી કહે, 'આ બિચારા જીવનું કલ્યાણ કરું છું.'
જરાક વારમાં જ ઉંદર મૃત્યુ પામ્યો.
હરિભક્તો કહે, 'બાપા એમ આ ઉંદર જેવા જીવનું કલ્યાણ થાય?'
બાપાશ્રી કહે, 'અંત વખતે તેને આવા સંત અને મુક્તનાં દર્શન થયાં. તેના કાનમાં ભગવાનનો સ્વર પડ્યો એટલે તેનું કલ્યાણ થઈ ગયું.'
બધા આશ્ચર્ય પામ્યા.
એક-બીજાને કહેવા લાગ્યા, 'બાપાશ્રીથી જ આવું કામ થઈ શકે, બીજા કોઈથી ન થાય. ઉંદરનું પણ કલ્યાણ કર્યું. કેવું અદભુત!'
આમ વાતો કરતા સૌ ચાલવા લાગ્યા.
---------
શબ્દનો અર્થ
મહિમા = યશ
ધૂળ = માટીનો ઝીણો ભૂકો
→ અનાદિમુક્તને અડીને આવેલો પવન પણ આપણને સ્પર્શ કરે તો, અનેક જન્મના પાપ દૂર થાય છે.
→ બાપાશ્રી જેવા મહાન અનાદિમુક્ત કોઈ જીવ ઉપર દયા લાવી કલ્યાણનો સંકલ્પ કરે પછી તે જીવના કલ્યાણમાં કોઈ શંકા ન રહે.
સ્વાધ્યાય
નીચેના પ્રશ્નોના ઉત્તર આપો.
૧. ભાઈશ્રીનું હુલામણું નામ શું?
૨. બાપાશ્રી ક્યાં જતા હતા?
૩. રસ્તામાં બાપાશ્રી શું કરતા હતા?
૪. બાપાશ્રીએ ઉંદરનું કલ્યાણ કેવી રીતે કર્યું?
નીચેની ખાલી જગ્યા પૂરો
૧.બાપાશ્રી --------- ગામથી --------- ચાલતા જતા હતા.
૨.રસ્તાની એક બાજુએ ---------નું એક દર.
૩.સમડીએ ------------- પર ----------- મારી.
૪.બાપાશ્રીએ જમીનમાંથી -------------- ની ------------ ભરી ------------ નું નામ લીધું અને ------------- પર નાંખી.
યોગ્ય ક્રમમાં ગોઠવો.
૧.કાનમાં પડ્યો તેનું ગયું તેના એટલે થઈ સ્વર ભગવાનનો કલ્યાણ.
૨.કોઈથી થાય બીજા બાપાશ્રીથી ન થઈ શકે આવું કામ જ.
વાક્યમાં વાપરો
મહિમા